રાગ બિન્દાસ:વેલકમ નવા મંત્રીજી : મુબારક હો તંત્ર ‘ચલાવવાનું’ તંત્ર!

સંજય છેલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ કાર અને સરકાર ઇણથિ જ છાલે (છેલવાણી) મંત્રાલયમાં મંત્રીજીની ઓફિસની બહાર અનેક લોકો ફાઇલો, પૈસાની બેગો લઇને મંત્રીજી માટે રાહ જોતા બેઠા હતા. થોડી વારે બારણું ખૂલ્યું, એક સજ્જન બહાર આવ્યા. બહાર બેઠેલા સૌ તરત જ ઊભા થઇ ગયા. પેલા ભાઇએ કહ્યું, ‘અરે ભૈ, બેસો બેસો! હું તો પિયુન છું!’ સૌનાં મોઢાં ઊતરી ગયા! ઇનશોર્ટ, સરકારી તંત્રમાં કોણ, કોણ છે? અને કેટલું પાવરફૂલ છે? - એ કોયડો છે. દેશમાં હમણાં નવી બનેલી કેબિનેટની ઘોષણા થઇ છે. આપણને તો આપણાં ઘરો બલ્બ કે ફ્યુઝ બદલતા નથી આવડતા, તો નવી બનેલી કેબિનેટ વિશે કહેવાની આપણી શું હેસિયત? તેમ છતાં નવા, યંગ ચહેરાઓ આવ્યા છે અને હવે આશા વધી છે એવામાં સૌ મંત્રીઓને અભિનંદન અને ખાસ તો શુભેચ્છાઓ, કારણ કે સરકારી તંત્ર ચલાવવું બહુ અઘરું કામ છે. ઈશ્કની જેમ જ ‘એક આગ કા દરિયા હૈ ઔર તૈર કે જાના હૈ’વાળી ગંભીર શરત આમાં પણ હોય છે! એક વાર સરકારી ઓફિસમાં નવો નવો ક્લાર્ક આવ્યો. પહેલે જ દિવસે સાહેબે એને કહ્યું, ‘જાવ પેલી ‘ફલાણી’ ફાઇલ લઇ આવો.’ પેલા નવા ક્લર્કે હડપ્પાના અવશેષ શોધતો હોય એમ જૂની ફાઇલ શોધી કાઢી. ફાઇલને કબાટમાંથી કાઢવા ખેંચી પણ બહાર જ ન નીકળે. ખૂબ જોર કર્યું પણ તોયે પેલી ફાઇલ ના હલી તે ના જ હલી. સાહેબે બૂમ પાડી કે ફાઇલનું શું થયું? પેલાને તો પરસેવો છૂટી ગયો. એવામાં એક જૂનો બૂઢ્ઢો ક્લર્ક આવ્યો ને એણે પૂછ્યું, ‘500 રૂ.ની નોટ છે?’ નવો ક્લર્ક ભડકયો, ‘કેમ?’ ‘પેલું ગીત નથી સાંભળ્યું? ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે..’ ‘એનું અત્યારે શું છે?’ ‘અરે, શુકન આપ્યા વિના નવી વહુ પણ ઘૂંઘટો નથી ખોલતી, ત્યારે આ તો જૂની ફાઇલ છે. દસ વર્ષથી દબાઇને પડી છે, એમ સાવ નહીં નીકળે. પાંચસો રૂ. દેખાડ પહેલાં!’ પેલાએ 500ની નોટ કાઢી…અને પછી મહાત્મા ગાંધીનાં દર્શન થતાં જ એ ફાઇલ કબાટમાંથી આપોઆપ પોતે જ બહાર કૂદી પડી. ગાંધીજીનાં દર્શન થતાં જ એનો ઉદ્ધાર થયો. સતયુગમાં શ્રીરામનાં ચરણ અડતાં જ જડ શીલા, અહલ્યા બનીને પ્રગટેલી. કળિયુગમાં એ ‘રોલ’ ગાંધીજીના ભાગે આવ્યો છે. યારોં, સરકારો આવે કે જાય, પણ સરકારી તંત્રમાં ફાઇલોને એક ટેબલથી બીજા ટેબલ અને એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં એક ખાસ અંડરટેબલ ધક્કો દઇને ચલાવવી પડે છે. સાંભળ્યું છે કે આ દેશમાં ‘ફાઇલો ચલાવવી’ એ એક આખો ફુલટાઇમનો બિઝનેસ છે. જેની સરકારી ખાતાંઓથી માંડીને જૂનાં–નવા મિનિસ્ટરો સુધી ઓળખાણ હોય, એ જ ‘ફાઇલ ચલાવવાનું’ કામ કરી શકે છે. એરોપ્લેન કે સબમરીન ચલાવવું કદાચ અઘરું હશે, પણ સરકારી તંત્રમાં ફાઇલો ચલાવવી એથીયે અઘરી છે, પણ યાદ રહે, સરકારી ખાતાંઓમાં પૈસા આપીને ફાઇલો ચલાવીને કામ કઢાવવું એ માત્ર દલાલી કે કરપ્શનનું મામૂલી કામ નથી, પણ એક અતિ સૂક્ષ્મ આર્ટ છે. એમાં સત્તા સાથે સંબંધો સાચવવાની ભેદી વિદ્યા પણ શીખવી પડે. મંત્રાલયોની કુંજગલીમાં કેશની કુંજી લઇને અદૃશ્ય બનીને ફરતાં આવડવું જોઇએ. અમુક કલમવીરો, લાઇફમાં જેટલી પેન નથી ચલાવતાં એટલી ફાઇલો ચલાવી જાણે છે. અમુક લોકોના હાથ, પાવર લોબીમાં અડતાં જ કોન્ટ્રેકટ કે ટેન્ડરની સરકારી ‘ફાઇલો’ ઓટોમેટિકલી ચાલવા કે દોડવા માંડે છે. દુનિયાની સૌથી મોટી નદી ઇજિપ્તની ‘નાઈલ’ નથી, પણ ભારતની સરકારી ‘ફાઇલ’ છે! ઇન્ટરવલ પાની દેને કો ચલે, નેતા પાનીદાર, ખોદ કે ફાઇલોં મેં કુએં, પાની લિયા ઉતાર (ભગવત દુબે) ઘણી વાર લાલ રિબિનોથી બંધાયેલી સરકારી ફાઇલો વર્ષો સુધી એ રીતે ઇંતેઝારમાં પડી રહે છે, જેમ પ્રેમીઓ એકમેક માટે. ઘણી ફાઇલો કુંવારી જ રહીને પડી પડી ઊધઇનાં પેટમાં જતી પણ રહે છે, જ્યારે કેટલીક ફાઇલો સરકારી બાબુઓના કે મંત્રીઓના સુંવાળા સ્પર્શથી ખીલી ઊઠતી હોય છે! દરેક ફાઇલની એક કિસ્મત હોય છે. નાના પ્રોજેક્ટની ફાઇલ ‘ગર્લ નેકસ્ટ ડોર’ કે સાધારણ છોકરી જેવી હોય છે, પણ કૌભાંડો કે કોમી દંગાના રિપોર્ટની ગુપ્ત ફાઇલો, ‘મિસ વર્લ્ડ’ જેવી ખાસ હોય છે, એના દર્શન બધાંને આસાનીથી નથી થતા. પાવરનાં પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા, કોઇકના જ નસીબમાં આવી ફાઇલોનું નયનસુખ હોય છે! સરકારી ખાતાંઓમાં ફાઇલ શોધી આપવાના, ફાઇલ ગાયબ કરવાનાં, ફાઇલ દેખાડવાનાં, ફાઇલ પાસ કરવાનાં... એ બધાંના અલગ-અલગ ભાવ હોય છે. ‘ફાઇલ’ પોતે સ્ત્રીવાચક શબ્દ છે એટલે સ્રીઓની જેમ જ બહુ ભાવુક હોય છે. સારા ‘ભાવ’ આપે એને જ ભાવ આપે. મહત્ત્વની ‘ફાઇલ’ એવો નારીવાચક શબ્દ છે, જે ‘શરાબ’ કે ‘કોલગર્લ્સ’ જેવી બીજી નારીવાચક ચીજોની સહાયથી જ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકે છે! આવી ફાઇલો, મેનકાની જેમ અનેક મોટા મોટા વિશ્વામિત્રનાં તપના ભંગ કરી શકે છે! અહીંયા વિશ્વામિત્ર એટલે ઇમાનદાર ઓફિસરો કે આદર્શવાદી સારા બચી ગયેલા નેતાઓ... પણ બહુ ઓછા વીરલાઓ હોય છે, જે લાખો-કરોડો અપાવતી ફાઇલોનાં આકર્ષણથી બચીને આજન્મ બ્રહ્મચારી રહી શકે છે. ગુજરાતીમાં એક ફિલોસોફિકલ કવિતા વાંચેલી : ‘માઇલોના માઇલો, હું મારી અંદરને અંદર...’ આમાં ‘માઇલ’ને સ્થાને ‘ફાઇલ’ શબ્દ મૂકીએ તો -‘ફાઇલોની ફાઇલો, અમે અંદર ને અંદર!’ એટલે કે આ દેશનું આખું તંત્ર ફાઇલો ને ફાઇલોમાં જ કેદ હોય છે. આ ‘ફાઇલો’ એવી કમાલની કબ્રસ્તાનો છે, જ્યાં સરકારી જાંચના રિપોર્ટો કે પછી કહેવાતા ભલભલા ઇમાનદારોની ઇજ્જત પણ એમાં દફન હોય છે. ફાઇલ ભલે નારીવાચક શબ્દ હોય, પણ કોઇને બદનામ કરવામાં નર કે નારી એવો ભેદ જરાયે નથી રાખતી. પહેલાંની ગવર્ન્મેન્ટો બોફોર્સ-તોપનાં કૌભાંડમાં કે કોલસા ગોટાળાની ફાઇલોને કારણે બદનામ થયેલી. જોકે, હવે બધું ઓનલાઇન થવાથી ઇ-ગવર્નન્સ સમય આવ્યો છે એટલે થોડાં વર્ષોમાં કાગઝી ફાઇલોનો યુગ સમાપ્ત થશે. હવે ડિજિટલ ફાઇલોનો જમાનો આવશે. ભૂત જશે ને ડાકણ આવશે. પછી સરકારી ઇમેલોનો નાશ કરવા માટે પાસવર્ડના પૈસા દેવાશે કે રહસ્યોનો નાશ કરવા વાઇરસનું બ્રહ્માસ્ત્ર પણ છોડવામાં આવશે. ટૂંકમાં, કાગળમાંથી ડિજિટલ બનેલી ફાઇલનું સ્વરૂપ ભલે બદલાશે પણ એની મુક્તિ તો ગાંધીજીવાળી નોટથી જ થશે. કોણ કહે છે દેશમાં ગાંધીનું મહત્ત્વ ઘટી રહ્યું છે? આટલું મહત્ત્વ તો ગાંધીજી ખુદ જીવતા હતા ત્યારે પણ નહોતું! એન્ડ ટાઇટલ્સ ઇવ: તું ઇમાનદાર ખરો? આદમ: હજી પકડાયો નથી! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...