તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sci-લેન્ડ:પહેરણ અને શ્વાસોચ્છવાસ: લઘુ જણાતી બાબતો અંગેનું ગુરુવિજ્ઞાન!

પરખ ભટ્ટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શર્ટ-પેન્ટનાં ખિસ્સામાં સમાઈ શકે એવું આ ટચૂકડું મશીન તેનાં વપરાશકર્તાને શ્વાસ લેવામાં મદદ કરે છે! તેનો આકાર અને કદ નાનકડી સિસોટી જેવડાં છે!

પેન્ડેમિકે માનવજાતને શ્વાસોચ્છવાસનું મહત્ત્વ સમજાવવાનું કામ કર્યુ. શરીરમાં પ્રાણવાયુનું સંતુલન ન જળવાય તો કેટલી તકલીફ ભોગવવાનો વખત આવે, એનો ચિતાર ભારતના સ્મશાનગૃહોએ આપી દીધો. સ્માર્ટ વોચ, સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી વસાવી રહેલાં પરિવારો હવે સ્માર્ટ ‘જીવનશૈલી’ અપનાવી રહ્યા છે, એ હકારાત્મક વાત છે. વૈજ્ઞાનિકો પણ હવે સ્વેટર, ટોપી, પેન્ટ, ચશ્માં, હાથ-પગના મોજાં, બેલ્ટ પર માઇક્રો-ડિવાઇસ બેસાડીને શારીરિક સ્વાસ્થ્યની સારસંભાળમાં અગ્રેસર બન્યા છે. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કાર્બન તત્ત્વનાં દ્વિ-પરિમાણીય સ્વરૂપ ગ્રેફિનનાં કાપડ પર છાપકામ કરી બતાવ્યું. આવા ગ્રેફિનયુક્ત કાપડ પર ઈલેક્ટ્રોનિક સર્કિટ બેસાડીને તેને આરામથી રોજ-બ-રોજની જિંદગીમાં પહેરી શકાય તેવાં કપડાં બનાવવાનો પ્રયોગ કર્યો. ઈલેક્ટ્રિક કમ્પોનન્ટ્સને સરળતાથી કાપડ પર બેસાડી શકાતાં ગ્રેફિનને લીધે ભવિષ્યમાં ઘણી વ્યાવસાયિક તક ખૂલવાની સંભાવના છે. ખાસ તો નેનો-ટેક્નોલોજીને કારણે આવનારા ભવિષ્યમાં ટેક્સટાઈલ-બેઝ્ડ ઈલેક્ટ્રોનિકની નવી શાખા ખૂલવામાં મદદ મળી શકશે. હવે એ સમય દૂર નથી કે આપણાં કપડાં પર જ ડિસ્પ્લે સ્ક્રિન હશે અને ડોક્ટર્સ શરીરનાં અમુક ભાગો પર દબાણ આપી રોગગ્રસ્ત ભાગોનું નિદાન કરી શકશે. આ તો વાત થઈ, સ્માર્ટ કપડાંની! હવે વાત કરીએ, સ્માર્ટ બ્રીધિંગ વિશે. ‘શ્વાસોચ્છવાસ’ એવી ટેવ છે, જેનાં વિશે આપણેે વિચારવું નથી પડતું! આજે લઇ શકાયો અને કાલે નહીં લેવાય તો શું કરીશું, એવો વિચાર ક્યારેય કોઇને આવ્યો ખરો? શ્વાસની ટેવો પર ધ્યાન ન આપવાને લીધે શરીરમાં પરિવર્તનો દેખાવા લાગ્યા. મનનું એકાગ્ર ન થવું, વારંવાર ગુસ્સો-ચિંતા-ભયની લાગણી થવી, પળવારમાં શ્વાસોચ્છવાસની ગતિ વધઘટ થવી વગેરે જેવી અગણિત સમસ્યાઓ આપણે આજકાલ જોઇએ છીએ. સંશોધકોએ વિચાર્યુ કે આટલી ગંભીર બાબતને માણસ કઈ રીતે નજરઅંદાજ કરી શકે? એટલે એમણે એવા સ્માર્ટ-ડિવાઇસની ખોજ કરી, જે માણસમાત્રને યોગ્ય રીતે, પૂરતા પ્રમાણમાં શ્વાસ લેતાં શીખવે છે! તેનું નામ છે : બી (અંગ્રેજી મૂળાક્ષર B)! શર્ટ-પેન્ટનાં ખિસ્સામાં સમાઈ શકે એવું આ ટચૂકડું મશીન તેનાં વપરાશકર્તાને શ્વાસ લેવામાં મદદ કરે છે! કેટલા પ્રમાણમાં ઓક્સિજન શરીરમાં જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે, ફેફસાંની ક્ષમતા કેટલા પ્રતિશત છે એની માહિતી ‘બી’ વડે પ્રાપ્ય છે. તેનો આકાર અને કદ નાનકડી સિસોટી જેવડાં છે! જેમાં દરેક શ્વાસોચ્છવાસ સાથે હવાનું દબાણ માપી શકે તેવા ખાસ સેન્સર લગાડવામાં આવ્યા છે. ‘બી’ ડિવાઇસમાં અલગ અલગ પ્રકારનાં એક્સરસાઇઝ-સેશન પ્રોગ્રામ કરવામાં આવ્યા છે, જે બ્રીધિંગ-હેબિટમાં સુધારો લાવી સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ બને છે. ખૂબીની વાત એ છે કે, ડિવાઇસને મૂડ અનુસાર ઉપયોગમાં લઈ શકાય છે! ધારો કે, તમે ગુસ્સામાં છો અને શ્વાસોચ્છવાસની ગતિ તેજ થઈ ગઈ છે તો એને શાંત કરતો પ્રોગ્રામ ‘બી’ પાસે છે, જે તમારી બ્રીધિંગ-સ્પીડને મિનિટોમાં પૂર્વવત કરી આપશે. એ જ રીતે, સંગીત સાંભળતી વેળાએ, જોગિંગ અથવા વોકિંગ વખતે પણ તેનો ઉપયોગ શક્ય છે. ઘણા લોકોને રડવું આવે ત્યારે શ્વાસોચ્છવાસની ગતિ અનિયમિત થઈ જાય છે, એ સમયે ‘બી’નો ઉપયોગ ફાયદેમંદ છે. જ્યારે ડિવાઇસને મોંમાં રાખીને શ્વાસોચ્છવાસ લેવામાં આવશે, ત્યારે તે તમને અમુક ચોક્ક્સ અંતરાલે સિગ્નલ આપશે. શ્વાસ ક્યારે અંદર ખેંચવો અને ક્યારે બહાર કાઢવો એ બાબતે સૂચન પણ મળશે. શ્વાસને અંદર ખેંચતાંની સાથે જ ‘બી’ શેપમાં લગાડવામાં આવેલી એલ.ઈ.ડી. લાઇટ ઝળકી ઊઠશે. એ જ રીતે, ઉચ્છવાસ ફેંકતી વખતે એલ.ઈ.ડી. બંધ થઈ જશે. આ ઉપરાંત, તેમાં વાઇબ્રેશન મોડ, સાઉન્ડ મોડ પણ રાખવામાં આવ્યા છે, જેથી સમય-સમય પર યુઝરને તેની બ્રીધિંગ-એક્સરસાઇઝ માટે યાદ અપાવી શકાય તથા શ્વાસોચ્છવાસ લેતી વખતે મગજને શાંત કરી શકાય. એક વ્યક્તિ દિવસ દરમિયાન સરેરાશ 22,000થી પણ વધુ વખત શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે છે, પરંતુ દરેક વખતે આ ક્રિયા સભાનતાપૂર્વક નથી થતી. ડિવાઇસનો ઉપયોગ કર્યા પહેલાં અને પછીની જીવનશૈલીમાં કેટલું પરિવર્તન જોવા મળી શકે છે એનાં પર રિસર્ચ-વર્ક હાથ ધરાયું. જાણવા મળ્યું કે, માણસનું મન પહેલાં કરતાં વધુ એકાગ્ર ચિત્તે ત્વરિત નિર્ણયો લઈ શકે છે, લાઇફ-સ્ટાઇલ અને ટેવોમાં પણ હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું. તદુપરાંત, રોજ વ્યવસ્થિત રીતે રૂટિન બનાવી દેવાથી વધુ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...