તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્તી-અમસ્તી:અમે ગાલિબની જન્મજયંતી લજવી

2 મહિનો પહેલાલેખક: રઇશ મનીઆર
 • કૉપી લિંક
 • ગાલિબની જન્મ જયંતી નિમિત્તે આજે સૌ ગાલિબના શેર કહેવા અને ફોરવર્ડ કરવામાં વ્યસ્ત હતા. મને થયું, ગાલિબનો આત્મા આ શેર સાંભળી શું વિચારતો હશે?

‘આજે 27 ડિસેમ્બર!’ સાંધ્યસભામાં જતાં હસુભાઈ ઉત્સાહથી બોલ્યા. ‘એમાં શું નવું છે? ગઈ કાલે 26 હતી એટલે આજે 27 જ હોવી જોઈએ! તારીખો ક્રમવાર જ આવે!’ ‘યાદ કરો 1797નો એ દિવસ!’ હસુભાઈ સવાબસો વર્ષ પહેલાંની કોઈ ઘટના યાદ અપાવી રહ્યા હતા. મને આજકાલ સવા બે વર્ષ પહેલાંની (પૂર્વ-કોરોનાયુગની) સાહ્યબીની વાતો યાદ કરવાનું પણ મુશ્કેલ પડે છે.

હસુભાઈએ શેર ફટકાર્યો: ‘મહેરબાં હો કે બુલા લો મુઝે ચાહે કભી ભી, મૈં ગયા વક્ત નહીં હૂં કે ફિર આ ભી ન સકૂં!’ ‘અરે આ તો ગાલિબનો શેર છે!’ ‘બસ, તો આજે ગાલિબનો 223મો જન્મદિવસ છે!’ આજકાલ સોશિયલ મીડિયાને કારણે જેણે જાણવાની જરૂર ન હોય, એવાને પણ સમાચાર પહોંચી જાય છે. હમણાં કોઈ ઘરડા લેખક-કવિ ગુજરી ગયા તો એને ચોધાર રડતાં સ્માઈલીઓ સાથે ભાવપૂર્ણ ગમગીન અંજલિ આપ્યા પછી હસુભાઈએ મને પૂછ્યું, ‘કોણ હતા એ?’ ‘કોણ મરી ગયું, એનીય ગતાગમ નથી, તો ગમ શેનો?’ સાંધ્યસભામાં પહોંચ્યા ત્યાં સુધી ગાલિબની હેપી બર્થડેની ભવ્ય ઉજવણી શરૂ થઈ ચૂકી હતી. બધા વોટ્સએપમાં ‘ગાલિબ’ સર્ચ કરીને ફોરવર્ડેડ શેર સંભળાવતા હતા. મુકાબલા જેવું ચાલી રહ્યું હતું.

શાંતિલાલે શરૂઆત કરી : ‘તુમ કો દેખા તો, ગાલિબ! યે ખયાલ આયા’ આ પંક્તિ જાવેદ અખ્તરની હતી તોય શાંતિલાલ હિંમતથી બોલ્યા, ‘ગાલિબને અર્ઝ કિયા હૈ.. તુમ કો દેખા તો, ગાલિબ, યે ખયાલ આયા પાગલોં કે સ્ટોક મેં આજ નયા માલ આયા!’ ‘આ શેર નથી!’ ‘તો આ ઘેટું છે? શેરની ખાલ ઓઢીને આવ્યું છે?’ ‘હા અને આ ઘેટું ગાલિબનું પણ નથી.’ મેં પાગલની જેમ ચિલ્લાઈને કહ્યું. પાગલોના સ્ટોકમાં નવો આવેલો માલ હું જ હોઉં એમ સૌ મારી સામે જોવા લાગ્યા.

ભગુ ભાજપીએ શેર ફટકાર્યો: ‘ઉમ્રભર ગાલિબ બેચારા યે પાપ કરતા રહા, ધૂલ ચેહરે પે થી, આઈના સાફ કરતા રહા.’ મેં કહ્યું, ‘શટઅપ, આ પણ ગાલિબનો શેર નથી!’ ‘આ શેર ગાલિબના નામથી જ ફરે છે!’ બધા પોતાનું વોટ્સએપ ખોલીને બતાવવા લાગ્યા. ‘કિંચિત સમય પૂર્વે રાજ્યસભામાં મોદીજી પણ આ કડી બોલ્યા હતા!’ ધનશંકરે કહ્યું. ‘ગાંધીજી બોલ્યા હોય, તો પણ આ કડી ગાલિબની નથી!’ ‘કવિરાજ, તમે જ્ઞાની હશો, પણ અમે તમારું જ્ઞાન ઝેલવાના મૂડમાં નથી.’ હસુભાઈએ મને ખંખેરી નાખ્યો, ‘અમારી ભાવના સમજો. અમારે બસ નિર્દોષતાથી ગાલિબને સેલિબ્રેટ કરવા છે.’ ‘ખોટા શેર બોલીને?’

‘ગમે તેવો ખોટો શેર બોલીએ, પણ અંજલિ તો ગાલિબને જ આપીએ છીએ ને! તમે આડા ન આવો, અમને અમારી રીતે ઊજવવા દો!’ હસુભાઈએ સૌને ફરમાન કર્યું, ‘થવા દો!’ હેમિશ બોલ્યો, ‘ગાલિબને કહા હૈ.. હજારને જોઉં, સોને ઓળખું, ગાલિબ! સલામ દરેકને કરું, વાત કરું દસની સાથે, પણ પ્રેમ તને એકને કરું!’ પ્રેરણાડી બોલી, ‘વાહ વાહ..અંકલ નાઈસ લાઈન્સ છે નહીં?’ મેં કહ્યું, ‘બેટા, ગાલિબ ગુજરાતીમાં નહોતા લખતા!’ પ્રેરણાડી બોલી, ‘અંકલ! મારી પાસે ગાલિબનો બીજો પણ એક ગુજરાતી કપ્લેટ આવ્યો છે!’

મારી પરમિશન વગર એણે ફોરવર્ડિયંુ ફટકાર્યું: ‘ગાલિબ! એની આંખમાં આવે આંસુ તો રૂમાલ બની જા, એના નિસાસાનો બોજ ઉંચકવા હસતાં-હસતાં હમાલ બની જા.’ મેં દર્દ સાથે કહ્યું, ‘બુદ્ધુુઓ! તમારી પાસે બધું ફોરવર્ડેડ જ કેમ આવે છે, તમે જાતે ગાલિબના સાચા શેર શોધી નથી શકતા? ‘અંકલ આ ‘દર્દ’ વર્ડ પરથી ગાલિબનો બીજો સરસ શેર છે.. ‘ઇસ ગરીબે-ગાલિબ કા ઈતના એહતરામ-એ-દર્દ કર દેના, શેર તુમ્હારી સમજ મેં ન આયે તો ફોરવર્ડ કર દેના.’ હું કંઈ બોલું એ પહેલાં મનસુખ સટોડિયો ‘વાહ વાહ’ કરીને ચિત્કારી ઊઠ્યો : ‘ચિલ્લાકર ગઝલ બોલો, ગાલિબ! માઈક મિલે ન મિલે, અપની પોસ્ટ ખુદ હી લાઈક કર દો, દૂસરોં કી લાઈક મિલે ન મિલે.’ હવે બાબુનો વારો હતો, ‘મિટ્રો! ગાલિબ મહાકવિ ઉટા. શબ્ડોની શોઢમાં કાં કાં હુઢી ગિયા? ‘શેળ કૈસે લિખૂં? લિખને કે લિયે વર્ડ્સ મંગટા હૈ!

ઔર લિખને સે પેહલે ગાલિબ કો હેવર્ડ્સ મંગટા હૈ!’ બાબુએ આગળ ચલાવ્યું, ‘અને કવિરાજ, ગાલિબનો આ શેર સાંભળો.. ‘ગાલિબની મૃટ્યુ પછી ઘરમાંથી પરમીટ નીકલી, ક્વોટા નીકલ્યા, થોડા લવલેટળ નીકલ્યા, થોડા હસીનોના ફોટા નીકલ્યા!’ મેં કહ્યું, ‘આવો એક ઉર્દૂ શેર છે ખરો, चंद तस्वीर-ए-बुताँ, चंद हसीनों के ख़ुतूत। बा’द मरने के मेरे घर से ये सामाँ निकला।। પણ એ બઝ્મ અકબરાબાદીનો છે, ગાલિબનો નથી.’

હસુભાઈ બોલ્યા : ‘શેર સારો છે તો શેરને કરો પ્રેમ! અંતે તો હેમનું હેમ! ગાલિબ પોતે કહી ગયા છે જેમ, વોટ ઇઝ ધેર ઇન અ નેમ?’ ‘આવું શેક્સપિયરે કહ્યું છે.’ એમ કહેવાનો અર્થ નહોતો. ધનશંકર બાકી હતા એ બોલ્યા, ‘ગાલિબે એક શ્લોક પણ લખ્યો છે.. कार्यस्य प्रत्येकम्‌ न सरलीकरणं हि दुष्करं तवित। मनुष्यापि न भाग्ये हि अधिगन्तुम इह मानवत्वम्‌।। બધા હસવા લાગ્યા, ‘ગાલિબ આવું ન લખે!’ મેં કહ્યું, ‘આ ગાલિબનો જ શેર છે. મૂળ આ પ્રમાણે છે!’ दुश्वार है हर काम का आसाँ होना। आदमी को भी मयस्सर नहीं इंसाँ होना।। બાબુએ અનુવાદ કર્યો, ‘મુશ્કેલ ઠવાય છે, આસાન નથી ઠવાતું, ઢારાસભ્ય ઠવાય છે, ઈંસાન નઠી થવાતું.’ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો