સોશિયલ નેટવર્ક:આપણે આપણા સ્વભાવના ગુલામ છીએ!

23 દિવસ પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક

તિથિ-તારીખ-વર્ષ બદલાતાં રહે છે પણ આપણે નથી બદલાતા, કારણ આપણે આપણા સ્વભાવના ગુલામ છીએ. જોકે, સાવ એવું પણ નથી કે સ્વભાવ ના જ બદલાય. એવા તો સ્વભાવ કે વર્તનનાં પાસાં છે એ બદલીએ તો સંબંધો પણ સુધરે ને સફળતા પણ મળે. એ માટે પહેલું તો જરૂરી છે: આપણી વાણી સુધારીએ. વાણી એ કંઈ ઠાલા શબ્દો નથી. એમાં અર્થ અને ભાવ હોય છે. વાણીના અર્થ અને ભાવ ત્યારે જ અસર કરે છે જ્યારે એની પાછળ ચારિત્ર્યનું તપ અને તેજ હોય. એકવાર એક સજ્જને એક ચિંતકને પ્રશ્ન કર્યો, ‘આટલા બધા ચતુર વક્તાઓ આપણી પાસે છે છતાં સમાજ પરિવર્તન કેમ સધાતું નથી?’ ચિંતકે ઉત્તર આપ્યો, ‘વક્તામાં માત્ર ચાતુર્ય જ નહીં, ચારિત્ર્ય પણ હોવું જોઈએ! કુરુક્ષેત્રના મેદાનમાં, કૌરવ સેનાની સામે ઊભેલો અર્જુન ધ્રૂજતો ધ્રૂજતો શ્રીકૃષ્ણને કહે છે, ‘હે ભગવન્! આ સૌનો સંહાર કરીને મને ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ મારે નથી જોઈતું.’ ...ને અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું. તે નિષ્ક્રિય બની ગયો. પરંતુ એ જ વખતે ભગવાન શ્રીકૃષ્ણે ગીતારૂપે તેજમય શબ્દો વહાવ્યા. મુખ્ય ત્રણ વાત પ્રભુએ કરી— (1) અર્જુન! તું રખે માનતો કે આ બધાંને તું મારીશ તો મરશે. તેઓ મરેલા જ છે. તારે તો માત્ર તેમને મારવામાં નિમિત્ત જ બનવાનું છે. હું જ આ વિશ્વનું સર્જન કરું છું, પાલન કરું છું ને સંહાર કરું છે. (2) અર્જુન! તું તારું કર્મ કર. તારે ફળની આશા રાખવાની નથી. (3) યુગે યુગે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર લઉં છું બીજું છે સમય. સમય એ ‘Kill’ કરવાની વસ્તુ છે કે ‘Skillfully use’કરવાની? સમય તો એક અત્યંત ગતિશીલ તત્ત્વ છે જેની ગતિ અને શક્તિ અસીમ છે. એનું મૂલ્ય ન સમજનારા પામર છે. સમયનો મહિમા અપાર છે. સમયના અમાપ ભંડાર વચ્ચે આપણું જીવન અતિ અલ્પ છે અને માટે જ એ આપણા માટે અમૂલ્ય છે. સમયની ક્ષણેક્ષણ માપવી જોઇએ અને માણવી જોઇએ. ત્રીજું ટીમ ભાવના છે. જગતમાં મોટાં ભાગનાં કામો એકલાથી નહીં ટીમથી થાય છે. ‘અહમ્’ એકલતા સર્જે છે, ‘વયમ્’ ટીમ. અહમ્ છોડનાર માણસ નેતૃત્વના ગુણોનો સહજતાથી વિકાસ કરી શકે છે. એ પોતાની આસપાસ એક પ્રભાવ વર્તુળ નિર્માણ કરી અનેક લોકોને સાથે લઇ શકે છે. એવો માણસ અપયશ પોતાના માથે લે છે અને યશ ટીમને આપે છે. ટીમનું એ પ્રેરક બળ બને છે. રમતમાં વિજયી ટીમના કૅપ્ટનને ટ્રોફી આપવામાં આવે છે પણ સારો કૅપ્ટન એ વિજયનો આનંદ આખી ટીમને સાથે લઇને માણે છે. સામૂહિક ભાવનાવાળી ટીમ જ વિજયી નીવડે છે. ચોથું છે, અહંકાર છોડો. પ્રોબ્લમ અહંકારમાંથી ય પેદા થાય છે. અહંકાર તોછડાઈ લાવે છે. અહંકાર એક કિલ્લો જરૂર છે પણ તે અભેદ્ય તો નથી જ. એમાં છીંડાં પાડી શકાય છે. એના કાંગરા ખેરવી શકાય છે. આવશ્યકતા છે જીવનના ડગલે ને પગલે સ્નેહ-પ્રેમના કીર્તિસ્તંભ રોપવાની પ્રેમનું નિર્મળ ઝરણું અહંકારની માટીને પોતાનામાં ઓગાળતું જતું નિરંતર વહેવાની ક્ષમતા ધરાવે છે. અહંકાર એટલે ક્ષુદ્રતા. એમાંથી મુક્ત કરીને પ્રેમ જ આપણને મૈત્રીનો સ્પર્શ કરાવી શકે. પાંચમું છે, ડગલું ભરો. સાથે ચાલનારા મળી રહેશે. જી હા, ડગલું ભરો. જે શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય. જે નિર્ધારિત લક્ષ્યની દિશામાં મંડાયેલું હોય, એવા આત્મવિશ્વાસપૂર્ણ ડગલામાં અમાપ શક્તિ છે. એ કેડી પણ કંડારશે ને રસ્તો પણ બનાવશે. એવા એક એક ડગમાં અંગદનું સામર્થ્ય હશે. અડગ મનથી ભરાયેલું પ્રત્યેક ડગ પથને સરળ બનાવે છે. દુર્ગમ પથને સુગમ બનાવે છે. કપરી પળે કે નિરાશા આવે તોય ‘ચરૈવેતિ… ચરૈવેતિ...’ ચાલતા રહેવું એ જ એમનો જીવનમંત્ર છે. એમાંથી સફળતાનો માર્ગ નીકળે. અને છેલ્લે છઠ્ઠું-આશા. આશા જીવનનું એક અદ્્ભુત ચાલકબળ છે. કોઈકને સિદ્ધિની આશા હોય છે, માટે સાધના કરે છે. કોઈકને ધનની આશા હોય છે, માટે પરિશ્રમ કરે છે. કોઈકને વિજયની આશા હોય છે, માટે પરાક્રમ કરે છે. કોઈકને સર્જનની આશા હોય છે, માટે પુરુષાર્થ કરે છે. આમ રિદ્ધિ, સિદ્ધિ, વિજય, નવસર્જન જેવાં અનેક પરિણામોનું પ્રેરકબળ આશા જ હોય છે. આશા જ માણસને ચાલતો રાખે છે. સકારાત્મક વિચારો ધરાવતો માનવી આશાવાદી હોય છે, નકારાત્મક વિચારો ધરાવતો નિરાશાવાદી. પ્રત્યેક સફળ વ્યક્તિના જીવનના પાના ઉથલાવીશું તો સમજાશે કે એમણે સકારાત્મકતા અને કંઇક અલગ-ઊંચા વિચારને પોતાના જીવનનો આધાર બનાવેલો હોય છે. ⬛namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...