તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:નદીમાં પાણી અને પાવૈયાનાં છોરાં

વીનેશ અંતાણી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢંગધડા વગરની, મેળ વગરની, ચિત્રવિચિત્ર કવિતા. કોઈ તર્ક ન હોય, બેઢંગી વાતો જ હોય. ઘણાં કાવ્યોનું નોનસેન્સ પણ સેન્સવાળું હોય છે

ઘણાં પ્રેમીજોડાંની વાતો સાંભળી છે, પરંતુ ઘુવડ અને બિલાડીના પ્રેમની વાત સાંભળી છે? અંગ્રેજી કવિ એડવર્ડ લીઅરની કવિતામાં એમના પ્રેમની વાત લખી છે. ઘુવડ અને બિલાડી પ્રેમમાં પડ્યાં. બંને હોડીમાં દરિયામાં ફરવા નીકળ્યાં. ઘુવડ ગિટાર વગાડતું ગાય છે : ‘ઓ બિલ્લી, ઓ મારી પ્રાણપ્યારી બિલ્લી, તું કેવી રૂપાળી છે.’ બિલાડી પણ ગાય છે : ‘ઓ મારા ઘુવડરાજા, તું કેવું મીઠુંમીઠું ગીત ગાય છે.’ બંને લગ્ન કરવાનું નક્કી કરે છે, પણ લગ્ન વખતે એકબીજાને પહેરાવવાની વીંટી એમની પાસે નથી. એક કાંઠા પર ઊતરે છે. ત્યાં એમને સૂવર મળે છે. એના નાકની આગળ વીંટી જેવો ગોળ ભાગ છે. ઘુવડ સૂવરને પૈસા આપી એટલો ગોળ ભાગ ખરીદી લે છે. લગ્નવિધિમાં એનો વીંટી તરીકે ઉપયોગ કરે છે. બંને ધામધૂમથી પરણે છે, પછી ઘુવડ અને બિલાડી આખી રાત ચાંદનીમાં નૃત્ય કરે છે. શૅલ સિલ્વરસ્ટેનની એક કવિતાનું નામ છે : ‘ચામડીનો ચોર.’ એક માણસ રોજ રાતે સૂતાં પહેલાં એના શરીરની ચામડીની ખોળ ઉતારી બાજુમાં મૂકતો. એક દિવસ કૂ-કૂ નામનું તોફાની પ્રાણી ત્યાં આવ્યું. એણે ચામડીની આખી ખોળ પહેરી લીધી. માણસના માથાની જગ્યાએ એનું માથું અને હાથ-પગની જગ્યાએ એના હાથપગ. હવે એ પેલા માણસ જેવું જ દેખાતું હતું. કૂ-કૂ રસ્તામાં જાતજાતનાં તોફાન કરવા લાગ્યું. બાળકોને ગલીપચી કરે, પુરુષોને લાત મારે, સ્ત્રીઓ સામે ચેનચાળાં કરે. પેલો સજ્જન માણસ ક્યારેય ન કરે એવાં કામ કરવા લાગ્યું. બધાંને લાગ્યું, એ બધું પેલો માણસ કરે છે. કૂ-કૂની અળવિતરાઈનો બધો દોષ એના પર આવ્યો. આ પ્રકારનાં કાવ્યો જુદી જુદી ભાષામાં રચાયાં છે. એને ‘નોનસેન્સ કાવ્યો’ કહેવાય છે. ઢંગધડા વગરની, મેળ વગરની, ચિત્રવિચિત્ર કવિતા. કોઈ તર્ક ન હોય, બેઢંગી વાતો જ હોય. ઘણાં કાવ્યોનું નોનસેન્સ પણ સેન્સવાળું હોય છે. ‘એન્સાક્લોપિડીઆ બ્રિટાનિકા’માં સમજાવ્યું છે તેમ નોનસેન્સ કવિતા રમૂજી અને તરંગી પદાવલિથી રચાય છે. એમાં ચોક્કસ પ્રકારનો હેતુ હોય છે. મોટે ભાગે એવાં કાવ્યો બાળકો માટે લખાયાં છે. એમાં માનવસ્વભાવની મર્યાદા પર કટાક્ષ કરવામાં આવે છે. વિશ્વપ્રસિદ્ધ ફિલ્મ-નિર્દેશક સત્યજિત રાયના પિતા સુકુમાર રાયે બંગાળીમાં આવાં ઘણાં કાવ્યો લખ્યાં છે. સુકુમાર બાળકોનું સામયિક ‘સંદેશ’ ચલાવતા. એમાં આ કાવ્યો છાપતા. સાથે ચિત્ર પણ બનાવતા. સુકુમારની રમૂજમાં કોઈને ઉતારી પાડવાનું વલણ નહોતું, પણ એમાં છુપાયેલો વ્યંગ્ય અંદર સુધી ખૂંપી જાય એવો તીક્ષ્ણ. અદ્્ભુત કલ્પનાશક્તિ. વિચિત્ર પાત્રો વાસ્તવિક બની જતાં. બ્રિટિશરોનું આંધળું અનુકરણ કરતા લોકો પર એમને ચીડ હતી. એ માનતા કે આપણી સભ્યતા છોડી બીજાની નકલ કરવા જતાં આપણે મૂળ ઓળખ ખોઈ બેસીએ છીએ. એ સમજાવવા એક કાવ્ય લખ્યું. એક અદેખું પ્રાણી હતું. એ બીજાં પશુ-પંખીનું કશું સારું જુએ તે સાથે જ ઇચ્છે કે આવું મારી પાસે હોય તો. એને સિંહની કેશવાળી, મોરનાં પીછાં, કોયલનો મીઠો અવાજ, એવું બધું જોઈતું હતું. એક વાર એની બધી ઇચ્છા ફળીભૂત થઈ. ત્યાર પછી એને સમજાયું નહીં કે એ મૂળભૂત રીતે કોણ છે? સિંહ છે? મોર છે? કોયલ છે? આઇડેન્ટિટી ક્રાઇસિસ ઊભી થઈ. બીજી કવિતામાં બૌદ્ધિકો પર કટાક્ષ છે. એક પ્રાણીની બે પૂંછડી હતી, છતાં એ શરીર પરથી માખી ઉડાડી શકતું નહોતું. એ બંને પૂંછડી એકસાથે એક જ બાજુ હલાવતું હતું. માખી બીજી બાજુ બેઠી હોય તો ઊડતી નહીં. બૌદ્ધિકતાના ભારમાં એને બે પૂંછડી અલગ અલગ બાજુ હલાવવાનું સૂઝ્યું નહીં. એવો જ કટાક્ષ પુસ્તકિયા જ્ઞાન પર કર્યો છે. એવા લોકો સામાન્ય સૂઝબૂઝ પ્રમાણે નિર્ણય લઈ શકતા નથી. કવિતા લખી. એક માણસ પાછળ આખલો પડ્યો છે. એ માણસ ભાગતો-ભાગતો હાથમાં પકડેલા જ્ઞાનકોશમાંથી આંખલાથી બચવાના ઉપાયો શોધે છે. ગુજરાતીમાં એવી રચનાઓને ‘હડુલા’ કહેવાય છે. હડુલા એટલે ગપગોળા. એ સંદર્ભમાં ધીરેન્દ્ર મહેતાએ કવિ દલપતરામની બે પંક્તિ કહી : ‘સાગ પર કાગ બેઠો, રથે બેઠાં રાણી/બંદા બેઠા માંચીએ, દુનિયા ડહોળે પાણી.’ કચ્છના મેઘાણી તરીકે જાણીતા દુલેરાય કારાણીએ પણ ગુજરાતીનું દૃષ્ટાંત આપ્યું છે. ‘પાડો ચડ્યો પીપળે, લબલબ લીંબુ ખાય/આવી પડ્યો ઉકરડે, જાણે કળાયેલ મોર.’ કારાણીબાપાએ લખ્યું છે તેમ કચ્છમાં પાત્રો ચારણ નામનો એક કવિ હતો. એના બધા દોહા મેળ વગરના જ હોય. કહેવાય છે કે પાત્રોને શાપ હતો કે એ મેળસરનો દોહો રચશે તે જ વખતે એનું મૃત્યુ થશે. એ કવિના બે દુહાનાં દૃષ્ટાંત જોઈએ. એકનો ભાવાર્થ છે : ‘સ્નેહીએ સુખડી મોકલી, ગાડું ભરીને છાશ. કુંભારોનાં ગધેડાં મગ-ચોખા ચરી ગ્યાં.’ બીજો દોહો : ‘ઉપર વઠે જી નય આવઈ, ઢેફેં ને ઢડીએં/ પાવૈયા જા છોરા પ્યા, સે સાંઠો સાંઠો કરે ખણી વ્યા.’ અર્થાત્ ઉપરવાસમાં પડેલા વરસાદથી નદીમાં પાણી આવ્યું, એમાં ઢેફાં ને થળિયાં ભરેલાં હતા. પાવૈયાના છોરાં અંદર પડ્યાં તે સાંઠો-સાંઠો કરીને લઈ ગયા. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...