રાગ બિન્દાસ:વાસી ન્યૂ-યર મુબારક : ઉફ્ફ! ફરી એ જ જીવવાનું!

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષે સંકલ્પ તો લેવા જ જોઇએ, પણ એ સંકલ્પ એવા લો કે જે પૂરા થઇ શકે અને તમને એનો સંતોષ પણ પ્રાપ્ત થાય

ટાઇટલ્સ દરેક વાઇરસ,નવું ભવિષ્ય લાવે છે. (છેલવાણી) કોઇએ પૂછ્યું : આ વર્ષે શું સંકલ્પ? મેં કહ્યું : કોઇ સંકલ્પ ન લેવો એ જ! કોરોનાકાળના ગોઝારા બે વર્ષ બાદ પાછું એક નવું વર્ષ આવ્યું ને એમાંયે પાછી કોરોનાના ત્રીજા વેવની ખૌફનાક સંભાવના આવી ઊભી. આ તો પેલા જૂના ફિલ્મી સોંગ જેવું થયું - ‘જિસ કા ડર થા બેદર્દી વો હી બાત હો ગઇ!’ છતાંયે જીવનમાં ન્યૂ-યર જાણે લાઇફમાં પહેલી વાર આવ્યું હોય એમ લોકો કહેશે જ : કોરોનાની રસીની જેમ ન્યૂ-યરના સંકલ્પો તો કમ્પલ્સરી લેવા જ જોઈએ! ત્યારે પેટમાં ગુદગુદી થાય છે હવે વાસી ન્યૂ-યર પર ભલા શું સંક્લ્પીશું? તો નવા વર્ષને ઝેલવાની અપુનને કુછ તરકીબ સોચી હૈ, જેમ કે - શું છે કે ઓન સેઇફ સાઇડ, રોજ નાના નાના ફાલતુ સંકલ્પો લો કે - ‘હું કાલે સવારે ઊઠીશ ને બ્રશ કરીશ જ!’ હવે નેચરલી તમે સવારે ઊઠશો જ ને બ્રશ તો કરશો જ, એટલે આપોઆપ અંદરથી સારું લાગશે કે વાહ, મેં એક સંકલ્પ પાળી જોયો! ટૂંકમાં, અઘરા સંકલ્પો નહીં લેવાના, પણ સંકલ્પ પ્રેક્ટિકલ રાખો : હું નવ વાગે જ જાગી જઈશ! (આમાં ‘વહેલી સવારે’ બોલવું જરૂરી છે, કારણ કે તમે બપોરે સૂતાં હો તો રાત્રે નવ પહેલાં ઊઠવું જોઈએ, નહીં તો ઘરનાં માનશે કે તમે ‘કોમા’માં સરી પડ્યા છો!) ધારો કે તમે ટી.વી. પર સમાચાર જોતાં હો તો સાઉન્ડ બંધ કરી દો ને વિચારો કે ન્યૂઝ રીડર તમારા વિશે જ મીઠી મીઠી વાતો કહી રહી છે ને એમાં ‘તમારું નામ’ દરેક ત્રીજી લાઈનમાં ઉમેરો! જેમ કે - કોઇ હિરોઇને રણમાં શૂટિંગ કરતાં કહ્યું, ‘હું ગયા જનમે લૈલા હતી અને મારો પ્રેમી મજનૂ આજે ફલાણા નામે (તમારું નામ) જીવે છે! હું એને આ અઠવાડિેયે જ પરણવા માગું છું, કારણ કે આવતે અઠવાડિયે હું બિઝી છું!’ આમ, ખુદને હિરોઇન સાથે કલ્પીને તમે ખૂબ સારું ફીલ કરશો.(એ હિરોઇન કેવું ફીલ કરશે - એ અલગ વાત છે!) ને હા, આ પ્રયોગ પત્ની કે ગર્લફ્રેન્ડની સામે ન કરવો! જો તમે ગૃહિણી હો, તો ટી.વી. ન્યૂઝમાં એમ કલ્પી શકો કે ‘ટામેટાંના ભાવ વધવાથી સરકારે દરેક ગૃહિણીને પાંચ કિલો ટામેટાં ખરીદવા માટે બેંક લોન આપવાની યોજના રાખી છે. ટામેટાં કે પ્યાજ ખરીદવા બિના વ્યાજ લોન મળશે!’ તો બોરિંગ સમાચારોમાંયે આશાવાદ મળશે. ઇંટરવલ : ઇક રીતુ આયે ઇક રીતુ જાયે મૌસમ બદલે ના બદલે નસીબ (આનંદ બક્ષી) ખુશ રહેવા સંકલ્પના ડોઝ બદલો. જેમ કે, ‘હું જાડી થઈને ફુગ્ગાની જેમ ફાટી પણ પડું, તોય દુનિયાથી મારે શું લેવાદેવા?’ યસ્સ! દુનિયાને તમારી ફરિયાદ સાંભળવાની જરાય પડી નથી હોતી. દુનિયા કમ્પલેન નોંધાવવાનું કાઉન્ટર નથી તો એના વિશે બહુત મત સોચો. ઊલટું, દુનિયાને અવગણીને ફેન્ટાસ્ટિક ફીલ કરો. જો છોકરી હો, તો વિચારો કે - હું પેલી બાજુવાળી જેટલી જાડી તો નથી જ ને? બસ! પુરુષ હો, તો વિચારો કે પેલા ટકલાના બેંક ખાતામાં મારા કરતાં પૈસા વધારે ભલે હોય, પણ મારા માથા પર એના કરતાં વધારે વાળ તો છે ને! આનાથી ઘણું સારું ફીલ થશે. જોકે પાર્ટીમાં કે જાહેરમાં મોટેથી આવી વાત ન બોલવી! નહીં તો સામેનો માણસ તમને ચેલેન્જ ફેંકશે કે - ‘ગણીને બતાડ મારા વાળ ને તારા વાળની સંખ્યા!’ પછી અહીંયા જરા અઘરું પડશે! ઘણી વાર તમે અજાણતાં જ અમુક સંકલ્પો કરતાં હો છો, પણ તમને પણ એની ખબર નથી હોતી. જેમ કે - તમે ગાડી ચલાવતી વખતે સિગ્નલ તોડો તો મનમાં કહો છો કે કોઈ હવાલદાર જોતો નથી ને તમે બચી જાવ છો. પણ હા, તમે બેંક લૂંટવા જાવ અને પછી વિચારો કે લૂંટી લે ને, બિનધાસ્ત કોઈ નહીં જુએ તો જરા પ્રોબ્લેમ છે. ઉતાવળમાં તમે ભૂલથી તમારી જ બેંકમાં જઈ ચડ્યા હો તો? માટે સાચા-ખોટા સંકલ્પોથી સાવધાન! ...અંતે એક વાર્તા : ઝેન ગુરુ પાસે એક જુવાન, જીવન-સત્ય-આત્મા એવું બધું અઘરું જ્ઞાન લેવા ગયો. ગુરુએ કહ્યું, ‘બેસ ચા પી!’ પેલાએ ચા પીધી. બીજે દિવસે પણ ગુરુએ ચા પીવડાવી. ત્રીજે દિવસે પણ એમ જ થયું. આમ છ મહિના ચાલ્યું. છેવટે પેલો જુવાન, ઝેન ગુરુ પર ભડક્યો ને કહ્યું, ‘હું અહીં જ્ઞાન મેળવવા આવ્યો છું કે ચા પીવા?’ ઝેન ગુરુએ કહ્યું, ‘બેટા, જીવનમાં સરખી રીતે શાંતિથી ચા પીતાં પણ આવડે ને તોયે ઘણું છે!’ માટે જીવનમાં નાના અને પ્રેક્ટિકલ સંકલ્પો લો, જેમ કે - ‘રોજ સવારે ઊઠીને શાંતિથી ચા પીશ!’ કારણ કે એમ જ થશે! આને કહેવાય સોલિડ સંકલ્પનું આત્મિક બળ! યુ કેન ડુ ઇટ! વાસી ન્યૂ-યર સૌને મુબારક! એન્ડ ટાઇટલ્સ : આદમ : શું સંકલ્પ કર્યો? ઇવ : સંકલ્પ ન કહેવાનો! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...