સહજ સંવાદ:કલિંગ-વિજય પછીનો અશોક પણ હિંસક જ હતો?

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

ઇતિહાસનો સૌથી મોટો ખેલ ઇરાદાઓ સાથે હોય છે. એક નક્કી કરાયેલા એજન્ડા પ્રમાણે ઇતિહાસ લખાય છે અને તેમાં પસંદગીની (સિલેક્ટિવ) વિગતો મૂકીને આવો ઇરાદો સફળ કરવાની કોશિશ થતી રહે છે. કેટલીક વાર આવી ઘટનાઓની પાછળ રહેલી બીજી ઘટનાઓની ખબર પડે ત્યારે આપણે આઘાત અનુભવીએ છીએ કે અરે, આપણે તો આવું માનતા હતા ને તેને બદલે ખરેખર તો તેવું હતું! ‘આવું’ અને ‘તેવું’નો અર્થ જ માણસની ધારણાઓનો સંસાર! હમણાં જ એવું ‘સંશોધન’ થયું છે કે ઍડોલ્ફ હિટલર યહુદીઓની કત્લેઆમ કરવા માગતો જ નહોતો! એમ તો બ્રિટિશરોએ ભારત અને બીજા દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે કેટલા હત્યાકાંડો અને યુદ્ધો કર્યાં હતાં? આ યુદ્ધ અને પછી તેના પશ્ચાતાપની ઘડી કાઢેલી વાર્તા સમ્રાટ અશોકની છે. તેન એક શીલાલેખ જૂનાગઢની તળેટીમાં છે એટલે વારંવાર પાઠ્યપુસ્તકો રટવામાં આવે છે કે સમ્રાટની દયા-કરુણા- અહિંસાનો એ યાદગાર દસ્તાવેજ છે. ખરેખર? અશોકનું સારનાથનું ‘ધર્મચક્ર’ આપણા રાષ્ટ્રીય સન્માનનું પ્રતીક થયું તે તો 1950માં, ભારતીય બંધારણ રચાયું ત્યારે. અશોકે કલિંગ પર વિજય મેળવ્યો પણ ચોતરફ રક્તની નદી વહી તેનાથી તેને પશ્ચાતાપ થયો, તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો: આ સાચે જ સત્ય છે કે દંતકથા? આપણા એક સંશોધક લેખક છે સંજીવ સાન્યાલ. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા સાન્યાલ અર્થકારણ અને સંસ્કૃતિના સંશોધક જીવ છે. ‘લેન્ડ ઑફ સેવન રિવર્સ’, ‘ધ ઇન્ડિયન રેનેન્સા’, સહિતનાં તેમનાં પુસ્તકો આંતરરાષ્ટ્રીય સન્માન પામી ચૂક્યાં છે. આમ તો ભારતીય ઇતિહાસની કહાણીઓેમાં પર્વત મુખ્ય કેન્દ્રમાં છે અને એ જ રીતે નદીઓએ પણ વિશાળ મહાસમુદ્રે જે ભવ્ય ઇતિહાસ રચ્યો તે ‌વિશે ઓછું લખાયું છે. સાન્યાલે તે કામ કર્યું, માંડ પાંચ વર્ષ થયાં હશે તેના આ અંગ્રેજી પુસ્તક ‘ધ ઓસન ઑફ ચર્ન: હાઉ ધ ઇન્ડિયન ઓસન શેપ્ડ હ્યુમન હિસ્ટ્રી’ તેમણે લખ્યું અને વિશ્વના ઇતિહાસમાં છવાઇ ગયું; કારણ કે પશ્ચિમી ઇતિહાસકારોએ હિન્દ મહાસાગર વિશે જે કંઇ લખ્યું તેમાં પેલી ‘વિદેશી નજર’ અને ‘વિદેશી મૂલ્યાંકન’ જ હતાં! સાન્યાલની જિંદગી હિંદ મહાસાગરના કિનારે વીતી છે. તેનો માત્ર સૂક્ષ્મ જ નહીં, રસપ્રદ ફલક આ લેખકે વિગતે આલેખ્યો છે, તેમાં વંશવારસા સાથે જોડાયેલું હિમ, મેલુહાના વેપારી, ખારવેલની વસૂલાત, અરેબિયન નાઇટ્સ, વેપારી, મંદિર અને અનાજ, ખજાના અને મસાલાઓ, જાયફળ અને લવિંગ, હીરા અને અફીણ… આવા વિષયો છે! તેના વ્યાપક ફલક પર એક પ્રકરણમાં લેખકનું વિધાન છે: ‘અશોક એટલો મહાન નહોતો!’ ઇસવીસન પૂર્વે 298માં ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારે રાજસિંહાસન છોડી દીધું, તેનો પુત્ર સુશીમ બીમાર પિતાનો રાજવારસો સાચવવા માટે પાટલીપુત્ર પહોંચ્યો ત્યારે ખબર પડી કે સાવકો ભાઇ અશોક સિંહાસન પર ચડી બેઠો છે, તેણે સુશીમને મારી નખાવ્યો, જીવતો બાળી મૂક્યો. પરિવારમાં જે પ્રતિસ્પર્ધી હતા તેની હત્યા કરી. બૌદ્ધ ગ્રંથો અનુસાર 99 સાવકા ભાઇઓ મરણ-શરણ થયા. ઇસ પૂર્વે 270માં તે રાજાધિરાજ બન્યો. પછી શું થયું? તેને ‘ચંડ અશોક’ કહેવામાં આવ્યો. તેણે કલિંગ પર હુમલો કર્યો. આપણને ભણાવવામાં આવતી દંતકથા મુજબ કલિંગમાં મૃત્યુનો હાહાકાર જોઇને તે વ્યથિત થયો અને બૌધ્ધ ધર્મના શરણે ગયો. પણ અશોકે કલિંગ-વિજય પછી બૌદ્ધ બન્યો તે ઘણા શિલાલેખો નકારે છે, એ તો તે પહેલાં જ બૌદ્ધ બની ગયો હતો. તેના એક દશક પહેલાંથી જ તેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો તે ‘પશ્ચાતાપ’ નહીં, ‘રાજકારણ’ જ હતું.! ઇ. સ. પૂર્વે 262માં કલિંગ પરનું આક્રમણ થયું હતું. હાલના ભૂવનેશ્વર પાસે ધૌલીમાં દયા નદીના મેદાનમાં આ યુદ્ધ થયું. ખુદ અશોક શિલાલેખો મુજબ તેમાં એક લાખ લોકો માર્યા ગયા. દોઢ લાખને પકડી લેવાયા, બાકીના ભૂખમરામાં તરફડીને મર્યા. તેના પસ્તાવાની કહાણી ઓરિસ્સામાં ક્યાંય નથી મળતી, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના શાહબાઝગઢીના શિલાલેખમાં જ છે! પુરાતત્ત્વશાસ્ત્રીઓનું ધૌલીનું ખોદકામ પણ અશોકના ‘મહાન હૃદય પરિવર્તન’ની કોઇ વાત, ક્યાંય મળતી નથી. તો શું તથ્ય છે આ કથાનું? બૌદ્ધ ગ્રંથ ‘અશોકાવદાન’માં લખ્યું છે કે 18,000 ‘આજીવકો’ (આ એક વૈચારિક આસ્થાનો નાસ્તિક સંપ્રદાય હતો, જેને બિંદુસારે સમર્થન આપ્યું હતું.) સંજીવ સાન્યાલ લખે છે કે સ્વતંત્રતા પછી એવું પ્રતીત થાય છે કે વિદ્વાન ઇતિહાસકારોએ મહાન અશોકની દંતકથાને મજબૂત કરવા માટે અને વધુ પ્રભાવી બનાવવા કામ કર્યું જે જવાહરલાલના સમાજવાદી પ્રોજેક્ટ માટે વ્યુત્પત્તિ પ્રદાન કરે. ખુદ બૌદ્ધ ગ્રંથ ‘અશોકાવદાન’ના જણાવ્યા પ્રમાણે કલિંગ-વિજય પછીના ‘શાંતિપ્રિય’ અશોકે નરસંહારના અનેક કાર્ય કર્યાં. તો પછી ‘દેવાનાંપ્રિય’ ‘કરુણામૂર્તિ’ સમ્રાટ અશોકનો આપણે પણ અહોભાવપૂર્વક આદર કરવો? ઇતિહાસ માત્ર ‘ગવાહ’ નથી હોતો પ્રચલિત પરિભાષા મુજબ, તેની ભીતરનાં રહસ્યોનો પ્રવક્તા પણ હોય છે! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...