તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટિપ્લેક્સ:આશિષ કક્કડ સફળ ફિલ્મમેકર હતા કે નિષ્ફળ?

2 મહિનો પહેલાલેખક: શિશિર રામાવત
  • કૉપી લિંક
  • અર્બન ગુજરાતી સિનેમાના પાયાના પથ્થર સમા આશિષ કક્કડે બે ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મની નાયિકાઓ નેહા મહેતા અને આરતી પટેલ એમને શી રીતે યાદ કરે છે?

ગુજરાતી ફિલ્મમેકર આશિષ કક્કડનું 49 વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું અને ગુજરાતી સિનેમા, રંગભૂમિ અને ટેલિવિઝનના ક્ષેત્રમાં પ્રકંપ આવી ગયો. અર્બન અથવા તો ન્યૂ વેવ ગુજરાતી સિનેમાના પ્રારંભની વાત આવે ત્યારે આશિષ કક્કડની પહેલી ફિલ્મ ‘બેટર હાફ’નો ઉલ્લેખ કર્યા વગર ચાલતું નથી. ‘આ ફિલ્મનો હિસ્સો હોવાનો મને ગર્વ છે,’ ફિલ્મની નાયિકા નેહા મહેતા કહે છે, ‘ફિલ્મ ‘બેટર હાફ’નીય પહેલાં વિપુલ શર્માએ ડિરેક્ટ કરેલી ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ (2005) નામની ગુજરાતી ફિલ્મ આવેલી, જેમાં સોનાલી કુલકર્ણી નાયિકા હતી અને આ ફિલ્મ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થઈ હતી. મને તે વખતે પણ ભરપૂર આનંદ થયો હતો.’

આશિષ કક્કડને બધાં જ પ્રકારનાં કામ કરતાં નેહાએ જોયા છે – થિયેટર, ટેલિવિઝન, સિનેમા, પ્રોડક્શન ડિઝાઇન, વોઇસ ઓવર, કાસ્ટિંગ... ‘હી વોઝ અ મલ્ટિટાસ્કર,’ નેહા મહેતા કહે છે, ‘મેં જોયું છે કે સામાન્યપણે મનોરંજનના ક્ષેત્રમાં એક-બે પ્રોજેક્ટ કરી લીધા પછી લોકોમાં હવે વધારે પૈસા કેમ બનાવી લેવા તે પ્રકારની માનસિકતા આક્રમક બની જતી હોય છે, પણ આશિષભાઈમાં ‘હવે વધારે કામ કેવી રીતે મેળવવું’ તે પ્રકારનો આક્રમક એટિડ્યુડ આવી જતો. મેં એમને એક વાર પૂછેલું કે આશિષભાઈ, કામની પાછળ આટલું બધું કેમ ભાગો છો? તેમણે કહેલું કે દોસ્ત, મજા આવે છે. કામ કરીને, થાકીને હું જે રીતે રાતે સૂઈ જઉં છું ને, એ મજા અલગ છે. હી વોઝ અ પર્સન ઓફ લેબર વિથ સ્ટાઇલ! આશિષ કક્કડે બહુ જલ્દી પોતાની કાલ્પનિક નિષ્ફળતાને પચાવી લીધી હતી. કાલ્પનિક નિષ્ફળતા એટલે ચિક્કાર પૈસા બનાવી ન શકવાની નિષ્ફળતા. એમનો એટિટ્યુડ એવો હોય કે, ‘ઠીક છે, યાર... ના કમાયા તો ના કમાયા!’ મેં એમની નાણાભીડ જોઈ છે, પણ તેમનું ઝનૂન ક્યારેય ઓછું થતું જોયું નથી.’ આશિષ કક્કડ અને નેહા મહેતાનો પરિચય ઘણો જૂનો. મૌલિન મહેતાના ડિરેક્શનમાં બનેલી બે ગુજરાતી ફિલ્મોમાં નેહા નાયિકા બન્યાં હતાં – ‘પ્રેમ એક પૂજા’ (2006) અને ‘જન્મોજનમ’ (2007). આ બંને ફિલ્મોમાં આશિષ કક્કડ અસોસિએટ ડિરેક્ટર હતા.

‘આ ફિલ્મોના મેકિંગ દરમિયાન આશિષભાઈએ મને એક વાર પૂછ્યું હતું કે નેહા, તું કમર્શિયલ ફિલ્મો તો કરે જ છે, પણ હું તને કશીક અલગ પ્રકારની ફિલ્મ કરવાનું કહું તો તું કરે ખરી? મેં કહેલું કે, જ્યારે તમે આવી ફિલ્મ કરવાનું નક્કી કરો તે દિવસે મને કહી દેજો. હું આવી જઈશ... અને એક દિવસ મારા પર એમનો ફોન આવ્યો ઃ તું ધર્મેન્દ્ર ગોહિલને ઓળખે છે? મેં કહ્યું, હા. મને કહે, એને તું તારી સાથે સુખેથી રહેવા દઈશ? બહુ અચ્છો એક્ટર છે. મેં કહ્યું, એ તો મરીઝ છે, મરીઝ. (ધર્મેન્દ્ર ગોહિલે ‘મરીઝ’ નામના ઉત્તમ નાટકના ટાઇટલ રોલમાં અદ્્ભુત અભિનય કર્યો છે.) આશિષભાઈ કહે, બસ તો પછી, મારી ફિલ્મમાં આપણે એને તારો પતિ બનાવવો છે!’

આ ફિલ્મ એટલે ‘બેટર હાફ’ (2010). અમદાવાદમાં દસ જ દિવસમાં આખી ફિલ્મનું શૂટિંગ આટોપી લેવામાં આવ્યું. સીધીસાદી વાર્તા, સીધીસાદી ફિલ્મ. અમદાવાદમાં વસતા યુવાન વર્કિંગ કપલ સામે લગ્ન કર્યાં બાદ કેવી કેવી સમસ્યાઓ ઊભી થાય છે ને તેમણે કેવાં કેવાં સમાધાનો કરવાં પડે છે તેની વાત આ ફિલ્મમાં છે. આ ફિલ્મ સહજપણે સમજાવી દે છે કે એકબીજાની જરૂરિયાત હોવી અને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો આ બન્ને અલગ બાબત છે! ‘બેટર હાફ’નો સિનેમેટિક પરિવેશ સાવ નવો હતો. તેમાં અંગ્રેજી શબ્દોના મિશ્રણવાળી જે સહજ ગુજરાતી ભાષા બોલાતી હતી તેવી ગુજરાતી સિનેમાના ઓડિયન્સે ક્યારેય સાંભળી નહોતી. આ સાચા અર્થમાં એક અર્બન ફિલ્મ હતી. ફિલ્મમાં એક સાવ સાદો, લગભગ મોન્ટાજ શોટ જેવો, પણ ગુજરાતી સિનેમા માટે નવો કહેવાય એવો બેડરૂમ સીન પણ હતો. સ્વાભાવિકપણે જ નેહાને આ દૃશ્ય ભજવવામાં સંકોચ થયેલો. એમણે આશિષ કક્કડ સાથે દલીલો પણ કરી હતી. નેહા કહે છે, ‘આશિષભાઈએ ત્યારે મને કહેલું કે નેહા, એક વાર આ સીનને મારા દૃષ્ટિકોણથી જો, મારા વિઝનને તારા વિઝનમાં ઉતારીને જો! મેં એમની વાત માની લઈને એ સીન કર્યો ત્યારે આશિષભાઈ રીતસર ભાવુક બની ગયા હતા. આશિષભાઈ પાસેથી હું ખૂબ બધું શીખી છું.’

‘બેટર હાફ’ પછી 2016માં આશિષ ક્કકડના ડિરેક્શનમાં બનેલી એમની બીજી અને છેલ્લી ફુલલેન્થ ફીચર ફિલ્મ આવી – ‘મિશન મમ્મી’. આ ફિલ્મનાં મૂળિયાં એટલે ધીરુબહેન પટેલે લખેલું અને મનોજ શાહે ડિરેક્ટ તેમજ પ્રોડ્યુસ કરેલું ‘મમ્મી તું આવી કેવી?’ નામનું નાટક. આરતી પટેલે ‘મિશન મમ્મી’નાં મમ્મીની ભૂમિકા સુંદર રીતે ભજવી છે. ‘ફિલ્મ ‘બેટર હાફ’ એક સ્વીટ ફિલ્મ હતી,’ આરતી પટેલ કહે છે, ‘ગુજરાતી સિનેમાના તે વખતના માહોલમાં ‘બેટર હાફ’ એક ફિલ્મ તરીકે તો વેગળી હતી જ, પણ આશિષે જે રીતે એને રીલિઝ કરી તે પણ નવું હતું. એના મનમાં ખૂબ આઇડિયાઝ હતા કે ફિલ્મની આ રીતે પણ પબ્લિસિટી થઈ શકે, એને મુંબઇ જઈને આ રીતે પણ મીડિયાને દેખાડી શકાય, એની ડીવીડી પણ પ્લાન થઈ શકે અને એવું કેટલુંય. આશિષના આ તમામ પ્રયત્નો ગુજરાતી સિનેમા માટે ચીલો ચાતરનારા પૂરવાર થયા.’

આશિષ કક્કડ સાથે આરતી પટેલનો વર્ષોજૂનો નાતો. એમના ડિરેક્ટરપતિ સંદીપ પટેલના આસિસ્ટન્ટ તરીકે આશિષ કક્કડે કામ કર્યું છે. આરતી પટેલ કહે છે, ‘ફિલ્મ ‘મિશન મમ્મી’નું શૂટિંગ તો 2016ના મે મહિનામાં થયું હતું, પણ બાળકલાકારો સાથે તેમણે આગલા વર્ષના નવેમ્બર-ડિસેમ્બરથી જ વર્કશોપ શરૂ કરી દીધેલી. ફિલ્મના સહલેખક દીપક સોલિયા સાથે તેઓ ચર્ચા કરે, દૃશ્યો ફાયનલાઇઝ કરતો જાય. આખરે ફાઇનાન્સની સમસ્યાઓ ઉકેલાઈ પછી એણે પંદર-વીસ દિવસમાં આખી ફિલ્મ શૂટ કરી નાખી. એક ડિરેક્ટર તરીકે એ બહુ જ સ્પષ્ટ. હૃષિકેશ મુખર્જીની જેમ એ પણ માને કે ફિલ્મ બહુ જ સહજ લાગવી જોઈએ. હું એને ક્યારેક મજાકમાં કહેતી કે આશિયા, તું મારી પાસે આટલું બધું નેચરલ પર્ફોર્મન્સ કરાવીશ તો અભિનયના અવોર્ડ માટે મારી ક્યારેય ગણના જ નહીં થાય!’ જે ડિરેક્ટર સાથે મિત્રતાના સ્તરે વેવલેન્થ મળતી હોય એની સાથે કામ કરવાનો આનંદ અલગ જ હોવાનો. શૂટિંગ કે ડબિંગ દરમિયાન આશિષ કક્કડ ક્યારેક ટકોર કરતા ઃ ‘આ શોટમાં આરતીબહેન દેખાઈ ગયાં. ફરીથી કરીશું?’ આ ટકોરનો અર્થ એવો થાય કે આ શોટમાં આરતી પટેલે પોતે વાસ્તવિક જીવનમાં જેવાં છે એવાં નહીં, પણ ‘મિશન મમ્મી’ની નાયિકા અપર્ણા જેવી ભીરુ અને પ્રમાણમાં ગરીબડી પ્રકારની સ્ત્રી જેવો અભિનય કરવાનો છે!

આશિષ કક્કડે એક રિક્ષાચાલકના જીવન પર આધારિત ફિલ્મ બનાવી હોત, જો તેમને આવશ્યક ફાઇનાન્સ મેળવવામાં ફરી પાછી સમસ્યા નડી ન હોત તો! ‘જે ડિરેક્ટર બહુ જ ચોખ્ખા છે એમને ફાઇનાન્સ મળવામાં તકલીફ થવાની જ છે.’ આરતી પટેલ સમાપન કરે છે. આશિષ કક્કડ જેવા નવો પ્રવાહ જન્માવનાર ડિરેક્ટરે સુધ્ધાં જો આવશ્યક નાણું મેળવવા માટે સતત સંઘર્ષ કરવો પડતો હોય અને નેહા મહેતા કહે છે તેમ કાલ્પનિક નિષ્ફળતા પચાવેવી પડતી હોય તો તેને ગુજરાતી સિનેમાજગતની કરુણતા ગણવી જોઈએ. shishir.ramavat@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser