તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાપાનના એક ટાપુ ઓકિનાવાના લોકો દુનિયામાં સૌથી વધારે લાંબું આયુષ્ય ભોગવે છે. એ ટાપુના એક ગામ ઓગિનામાં સિનિયર સિટિઝન્સની ક્લબમાં જાહેરનામાની જેમ લખ્યું હતું : ‘એંસી વર્ષની ઉંમરે હું હજી યુવાન છું. તમે નેવું વર્ષના થાવ ત્યારે હું તમને મળવા આવું તો મને પાછો મોકલજો અને કહેજો કે તમે સો વર્ષના થાવ ત્યારે તમને મળવા આવું. તમે જેટલા વૃદ્ધ તેટલા વધારે મજબૂત. આપણે સંતાનો પર વધારે પડતો આધાર રાખીએ નહીં. તમે લાંબું આયુષ્ય અને તંદુરસ્તી ભોગવવા ઇચ્છતા હો તો અમારા ગામમાં તમારું સ્વાગત છે. અહીં કુદરત તમને આશીર્વાદ આપશે. આપણે સાથે મળીને લાંબા આયુષ્યનું રહસ્ય શોધીશું.’
આ વાત જાપાનમાં પ્રચલિત જીવન જીવવાની શૈલી વિશે હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સેસ મિરેલસે સયુંક્તપણે લખેલા પુસ્તક ‘ઇકિગાઈ’માં છે. એ બંને ઓકિનાવાના લોકોના લાંબા આયુષ્યનાં કારણ જાણવા ઓગિમા ગયા હતા. ત્યાં વૃદ્ધ લોકોને મળ્યા. એમની સાથે વાતો કરી. પહેલી નજરે ખ્યાલ આવ્યો કે બધા ભાઈચારાની ભાવના સાથે પ્રાકૃતિક વાતાવરણમાં રહે છે. બીજી બાબત સ્પષ્ટ થઈ કે એમની લાંબી આવરદાનું કારણ માત્ર એમને પ્રાપ્ત કુદરતી સંપત્તિ નથી. દરેક વ્યક્તિની ભીતર આનંદનો પ્રવાહ વહેતો હતો. બીજા વિશ્વયુદ્ધમાં ઓકિનાવા ટાપુના હજારો નિર્દોષ વતનીઓએ જાન ગુમાવ્યા હતા. છતાં એમના મનમાં બહારની દુનિયાના લોકો માટે કડવાશ નથી. એમનો સામૂહિક સિદ્ધાંત છે, અજાણી વ્યક્તિને પણ લોહીના સંબંધીની જેમ પ્રેમ કરો, પછી ભલે ને તમે એને પહેલી વાર મળતાં હો. તેઓ એમના સમુદાય–સમાજ સાથે સંઘભાવનાથી જોડાયેલા રહે છે. સાથે મળીને કામ કરે, જવાબદારી વહેંચે, સાદું ભોજન લે, પૂરતી ઊંઘ લે, થોડી કસરત કરે, ખુલ્લામાં હરેફરે, નાચે-ગાય, જન્મદિવસ તથા બીજા પ્રસંગો–ઉત્સવોની ઉલ્લાસભેર ઉજવણી કરે. ઉપલક નજરે તેઓ સામાન્ય જીવન જીવી લાંબું આયુષ્ય ભોગવે છે, પરંતુ એમની આંતરિક સમૃદ્ધિ અપાર છે. સાદું, નિરામય, કુદરત અને સંગાથીઓની સાથે પ્રસન્ન જીવન જેવાં પરિબળ એમનાં ઇકિગાઈ છે.
જાપાની ભાષાના ઇકિગાઈ શબ્દનો સીધો અનુવાદ શક્ય નથી. એ દરેક વ્યક્તિએ પોતાના માટે વિકસાવેલી જીવનશૈલી છે. એ એમના અસ્તિત્વનો અર્થ છે. દરેકની પાસે જીવનનો સ્પષ્ટ ઉદ્દેશ છે. જાપાની કહેવત છે : ‘તમે સો વર્ષ જીવવા માંગતા હો તો સક્રિય અને સાર્થક જીવન જીવો.’ ઇકિગાઈ ગહન મહાન ફિલોસોફીમાં ગૂંચવાઈ ગયેલો કન્સેપ્ટ નથી. એનો કોઈ એક જ સિદ્ધાંત દરેકને લાગુ પાડી શકાય નહીં. દરેક વ્યક્તિનું પોતાનું ઇકિગાઈ હોય છે. કોઈ કહેશે, બધી ચિંતા છોડી તમારા હૃદયને યુવાન રાખો. બીજા લોકો સામે સ્મિત કરવાનું કહેશે. એક વૃદ્ધે કહ્યું કે એ રોજ સવારે જાગ્યા પછી પહેલા એના આંગણામાં બનાવેલા બગીચામાં જાય છે. ત્યાં શાકભાજી, ફળફૂલના છોડોના સાંનિધ્યમાં એકાદ કલાક ગાળી પછી જ ચા-નાસ્તો બનાવે છે અને બીજાં કામ કરે છે. એમનું બીજું ઇકિગાઈ છે ઉંમરના દરેક તબક્કામાં પ્રવૃત્તિશીલ રહેવું. બધાં પોતાની મંડળી બનાવી એકમેકને આનંદથી મળે છે. તેઓ નાનીમોટી બાબતો અંગે ધીરજ ધરાવે છે. કશાયની ઉતાવળ નહીં. શરીરને થકવો અને મન પ્રસન્ન રાખો. જીવનમાં હેતુ માટે મોટા આદર્શોનો વિચાર કરવાનો નથી. સામાન્ય અને રોજિંદી બાબત પણ જીવનનો હેતુ બની શકે. દરેકની સામે એક પ્રશ્ન હોય છે–હું આજે સવારે કયા હેતુસર જાગ્યો છું? એક શિક્ષિકા કહે છે કે એનો ઉદ્દેશ એનાં વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક રોજ નવું શીખવી એમનો માનસિક વિકાસ કરવાનો છે. એક યુવતી સવારે જાગીને એના ઘોડાઓની સાફસફાઈ કરે છે. એ કહે છે : ‘મારા ઘોડા મારી જવાબદારી છે.’ આ વાત પ્રાણી અને માનવ વચ્ચેના સંબંધને સમજાવે છે. વૃદ્ધ દુકાનદાર રોજ એટલે દુકાન ઉઘાડે છે કે એના ગ્રાહકને સંતોષ આપી શકે. ખેલાડીઓ વ્યક્તિગત રીતે વર્લ્ડ ચેમ્પિયન બનવાને બદલે એની ટીમના વિજય માટે રમવાનું પસંદ કરે છે. દરેક જણનું સર્વમાન્ય સૂત્ર છે : ‘બીજાને ટેકો આપો. તમને પણ એમનો સહકાર મળશે. અમે અમારી જિંદગીમાં પૂર્ણ આનંદ મેળવવા સવારે આંખ ખોલીએ છીએ.’ આપણે પણ જાતને પૂછી શકીએ : ‘હું આજે સવારે કયા હેતુસર જાગ્યો છું?’ vinesh_antani@hotmaill.com
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.