તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં ખીલ્યું ગુલાબ:પાંપણ પાથરીને તારો ઇન્તેજાર કરવો, એક ને એક ગુનો મારે કેટલી વાર કરવો!

ડૉ. શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાગરાતે મિસાલને ઉદાસ જોઈને મલ્હારે પૂછ્યું, ‘કેમ આવું સોગિયું મોં કરીને બેઠી છે? તબિયત તો સારી છે ને?’ મિસાલ પાનેતર અને સુવર્ણાલંકરોની સજાવટમાં પૂર્ણિમાના ચંદ્રમા જેવી શોભી રહી હતી, પણ લગ્નની પહેલી રાતે નવોઢાના ચહેરા પર જે લજ્જા, ઉત્તેજના, નવી જિંદગી શરૂ કરવાનો રોમાંચ આ બધું છવાયેલું હોય તેના બદલે મિસાલ કોઈ અકળ કારણથી ઉદાસીમાં સરી પડી હતી. મલ્હારે ચાર-પાંચ વાર પૂછ્યું ત્યાં સુધી તો મિસાલે ફોડ ન પાડ્યો; જ્યારે મલ્હારે કારણ જાણવાની જીદ પકડી ત્યારે મિસાલે મોં ખોલ્યું. હોઠો પરથી શબ્દો બહાર પડે તે પહેલાં આંખો વરસી પડી. ‘મલ્હાર, મારી ઉદાસીનું કારણ તું નથી. તું તો મારું ભવિષ્ય છો. આપણું મેરેજ પ્રેમલગ્ન છે. મારાં મમ્મી-પપ્પાના સખત વિરોધ વચ્ચે ઘરેથી ભાગીને મેં તારી સાથે મેરેજ કર્યાં છે. પપ્પાનું છેલ્લું વાક્ય હતું - ‘આજથી તું મારા માટે મરી ગઈ છે એમ માનીશ.’ મારા પપ્પાએ મને રાજકુંવરીની જેમ ઊછેરી છે. એમને જરા સરખુંયે દુઃખ આપવાનું હું સપનાંમાં પણ વિચારી ન શકું. તને પામવા માટે...’ મિસાલની આંખો સતત વરસતી રહી: ‘મારી ઉદાસીનાં બે કારણો છે. એક, હવે મારા પપ્પા સાથે હું ક્યારેય વાત નહીં કરી શકું. બીજું, મારાં આ પગલાંથી મેં પપ્પાને ઊંડો ઝખમ આપ્યો છે જે ક્યારેય રુઝાશે નહીં.’ મલ્હારે એ રાત્રે મધુરજની માણવાનું મોકૂફ રાખ્યું. આખી રાત એણે પ્રેમિકામાંથી પત્ની બનેલી મિસાલને આશ્વાસન આપવામાં અને છાની રાખવામાં વિતાવી દીધી. સવાર પડી ત્યારે એ માંડ મિસાલને કન્વિન્સ કરાવી શક્યો કે પિયર તરફથી બે ઉદાસીઓ કરતાં મલ્હાર સાથેનું લગ્નજીવન એ મોટી ખુશીનું કારણ બની રહેશે. બાવીસ વર્ષની મિસાલ અને પચીસ વર્ષનાં મલ્હારનું લગ્નજીવન અપેક્ષાઓ, સપનાંઓ, વચનો અને ગાઢ પ્રેમના સથવારે શરૂ થયું; પાંચ જ વર્ષમાં મિસાલને સમજાઈ ગયું કે મલ્હાર જેવો જીવનસાથી કોઈ નસીબદાર સ્ત્રીને જ મળે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે લગ્ન પછીના પ્રારંભિક દિવસો ખૂબ આનંદમાં વીતતા હોય છે, પછી શારીરિક આકર્ષણ ઓછું થતું જાય છે અને એકબીજાંના દોષો ધ્યાનમાં આવતા જાય છે. નાની-નાની વાતમાં છણકા, દોષારોપણ, બોલાચાલી અને પછી ઉગ્ર ઝઘડાઓ આ બધું સામાન્ય બનતું જાય છે. મિસાલનો અનુભવ સાવ જુદો જ રહ્યો. પ્રત્યેક નવો દિવસ પ્રેમની ભરતી લઈને આવતો રહ્યો, દરેક રાત્રિ સુહાગરાત બનીને આવતી રહી. મલ્હાર ધનવાન ન હતો. એનાં મમ્મી-પપ્પા મિડલ ક્લાસનાં હતાં. અમદાવાદમાં મલ્હારે નાના પાયા પર બિઝનેસ શરૂ કર્યો હતો. રોજ સવારે તે ઘરેથી મિસાલની ‘સ્વીટ કિસ’ પામીને નીકળતો હતો અને પછી આખો દિવસ ખારા પરસેવામાં નહાતો હતો. દર કલાકે મિસાલનો ફોન આવી જતો હતો: ‘મલ્હાર, મને યાદ કરે છે ને? તારું ધ્યાન રાખજે. બે પૈસા ઓછા કમાઈશ તો પણ ચાલશે. તું થાકી જાય એટલું કામ ન કરતો. લવ યુ!’ મિસાલ જેવી ખૂબસૂરત પત્નીનાં બે મીઠાં વચનો મલ્હારના દેહમાં નવી ઊર્જા ભરી આપતાં હતાં. બે જ વર્ષમાં મલ્હારે નવો ફ્લેટ ખરીદી લીધો; બદલામાં મિસાલે એને એક દીકરાની ભેટ આપી. પાડોશીઓ આ પતિ-પત્નીનો પ્રેમ જોઈને આશ્ચર્ય અનુભવતાં હતાં. આમ ને આમ પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. કદાચ આખી જિંદગી આવાં સુખમાં પસાર થઈ જાત, જો કોરોના નામનો જીવલેણ વાઇરસ ન આવી પડ્યો હોત! મલ્હારને તાવ આવ્યો. ખાંસી શરૂ થઈ ગઈ. ગળામાં દુખવા માંડ્યું. થાક તો એટલો બધો લાગતો હતો કે ઊભા થઈને બાથરૂમ સુધી જઈ શકાતું ન હતું. ડૉક્ટરની સલાહ પ્રમાણે ટેસ્ટ કરાવડાવ્યો. કોરોના પોઝિટિવ આવ્યો. તરત જ મલ્હારને પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મિસાલના નાજુક ખભા પર અનેક પ્રકારની જવાબદારીઓ આવી પડી. ઘર સંભાળવું, દીકરા મોનુને સાચવવો અને ડૉકટરો સાથે મંત્રણા કરવી. મલ્હારને મળવા જવાની તો મનાઈ હતી, પણ મિસાલ એની સાથે મોબાઈલ પર વાત કરી લેતી હતી. મલ્હારના મિત્રો જોઈએ એટલી મોટી સંખ્યામાં હતા નહીં; જેટલા હતા એ બધા લગ્ન પછી દૂર થઈ ગયા હતા. એનાં એક કરતાં વધુ કારણો હતાં. મિસાલનો સ્વભાવ રૂઢિગત હતો. પાર્ટીઝમાં મલ્હારના મિત્રો, ‘હાય, ભાભી! હાઉ ડુ યુ ડુ?’ કહીને ‘હેન્ડ શેઈક’ કરે એ મિસાલને મંજૂર ન હતું. ઘરે આવીને તે પતિની આગળ ફરિયાદ રજૂ કરતી હતી, ‘મલ્હાર, મને તારા ફ્રેન્ડઝ સારી દાનતવાળા નથી લાગતા. મારો હાથ પોતાના હાથમાં પકડીને તેઓ જે સૂચક રીતે દબાવે છે એ મને જરા પણ ગમતું નથી. સાચું કહું? તારા સિવાય હું બીજા કોઈ પુરુષનો સ્પર્શ સહન કરી શકતી નથી.’ હાથ મેળવવાની વાત તો દૂર રહી, મિસાલને તો કોઈ પરપુરુષ એની કાયાને ઘૂરીઘૂરીને જુએ તે પણ ગમતું ન હતું. એ મલ્હારને કહેતી કે, ‘એ લોકો મારા પર દૃષ્ટિથી બળાત્કાર કરતા હોય એવું લાગે છે.’ મલ્હારે મિત્રો સાથે હળવા-મળવાનું લગભગ બંધ કરી દીધું. પતિ-પત્ની માટે એમની નિજી દુનિયા જ પૂરતી હતી. બધું સરસ રીતે ચાલી રહ્યું હતું, ત્યાં સીધા સપાટ માર્ગ પર કોરોના નામનો મોટો ખાડો નડી ગયો. મહામારીની સારવારનો ખર્ચ પણ ઊંડો ખાડો જ સાબિત થઈ રહ્યો હતો. મલ્હાર જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝૂલતો રહ્યો, પૂરા ત્રીસ દિવસના આ જંગમાં સત્યાવીસ લાખ રૂપિયા વપરાઈ ગયા. મિસાલના દરેક જન્મ દિવસ પર મલ્હારે એનાં માટે સોનાનું એક આભૂષણ ખરીદ્યું હતું. પાંચ વર્ષમાં દસેક તોલાના દાગીના ભેગા થયા હતા. પતિને પાછો લાવવા માટે મિસાલે બધાં ઘરેણાં વેચી નાખ્યાં. છેલ્લાં ચાર દિવસ મલ્હાર વેન્ટિલેટર પર રહ્યો. આખરે એ જંગ હારી ગયો. મિસાલ ઉપર આકાશ તૂટી પડ્યું. એ રડીરડીને થાકી ગઈ, ત્યારે એને સમજાયું કે હવે પછીનું જીવન કેટલું આકરું હશે. મલ્હાર વગર એક પળ ન જીવી શકતી મિસાલ આખી જિંદગી કેવી રીતે કાઢી શકવાની હતી? નાનકડા દીકરાને ઉછેરવાની, ભણાવવાની અને એની નાની-મોટી માગણીઓ સંતોષવાની જવાબદારી હવે એકલી મિસાલ પર આવી પડી હતી. એ પતિનો બિઝનેસ સંભાળવા જેટલી હોશિયાર નથી; ઘર ચલાવવા માટે એણે ‘જોબ’ કરવી પડશે. આ પુરુષપ્રધાન સમાજમાં એનાં જેવી સુંદર અને યુવાન સ્ત્રી ઘરની બહાર પગ મૂકીને ક્યાં સુધી જાતને સલામત રાખી શકશે? જો એ જોબ કરવા જાય તો મોનુને કોણ સાચવશે? એક રસ્તો છે; બીજાં લગ્ન કરી લેવાનો. મિસાલ આજે પણ એક સુંદર યુવતી જેવી દેખાય છે. બીજો પુરુષ મળી જશે, પણ જે મિસાલ મલ્હારના ગાઢ મિત્રોનો સ્પર્શ પણ સાંખી શકતી ન હતી એ પોતાનું શરીર પરાયા પુરુષને શી રીતે સમર્પિત કરી શકશે? પ્રશ્નો અનેક છે, ઉત્તર એક પણ નથી. એકવીસમી સદીની આ મહામારીએ આવા તો કેટલાય પરિવારો નષ્ટ કરી દીધા છે. સરકારી આંકડાઓમાં માત્ર મૃત્યુ પામેલાઓનો જ સમાવેશ હોય છે, જીવતાં રહીને મરી ગયેલા માણસોનો હિસાબ કોણ બહાર પાડશે? વર્તમાન સમયમાં એવા પુરુષો પણ કેટલા હશે જે મિસાલ જેવી માનુનીને એના દીકરા સહિત સ્વીકારવા માટે તૈયાર થાય? ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...