તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવલિકા:વિવેકના પિતાજી સ્તબ્ધ થઈ ગયા જાણે તેમનું લોહી થીજી ગયું ન હોય !

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવેકનો ભત્રીજો ઉછળતો-કૂદતો તેની પાસે આવ્યો. વિવેકના હાથમાંથી પેંડો લઈ મોઢાંમાં મૂકી બોલ્યો,- ‘કાકા...! સાપને તો વશરામદાદાએ દાદાજીના કે’વાથી મારી નાખ્યો.’ વિવેકના મોંમાંથી ચીસ નીકળી
 • ભાભીની આજ્ઞાથી વશરામમાં થોડું જોમ ઝળક્યું. તે ખાટલામાંથી બેઠો થયો અને ધારિયું લઈ ઘરની બહાર આવ્યો

- સુરેશ પ્રજાપતિ

સૂર્યોદય થયો ન હતો. સાંકડી શેરીમાં ઘરની બહારના ઓટલે દાતણ કરી રહેલાં સવજીના અપશુકન અંગેના શબ્દો અચાનક વિવેકના ફ્રેશ મગજ સાથે અથડાયા. વિવેક તેનું ખંડન કરી પોતાની શેરીમાં સામેથી આવી રહેલાં સાપને જોઈ કહ્યું,- ‘જોયાનું ઝેર છે , ભાઈ!’ વૈશાખની ખુશનુમા સવારે ઉષાની લાલાશનું ઘોડાપુર પૂર્વની ક્ષિતિજ પર ધસમસી રહ્યું હતું. વૃક્ષોની ઘટામાં જાગેલાં પંખીડાં મધુર કલરવ કરી સૂર્યનું સ્વાગત કરી રહ્યાં હતાં. સવારનો ઠંડો પવન મંદ ગતિમાં વહી રહ્યો હતો, ત્યારે વિવેકે શહેરમાં જતી પહેલી બસ પકડવા ઘરની ખડકી બહાર પગ મૂક્યો. B. A., B. ED. થયા પછી વિવેક પહેલી વાર એક શાળામાં ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો હતો. અંધશ્રદ્ધાને તેણે જીવનકિતાબમાંથી સાવ ચેકી નાખી હતી. તેના મા-બાપે શુકન જોઈને જવાનું ભારપૂર્વક કહ્યું હતું, છતાં વિવેક મા-બાપની વાતને અવગણી પોતાની શ્રદ્ધાના બળે ઘરની બહાર નીકળ્યો હતો. ખડકીની બહાર પગ મૂકી જેવાં તેણે પાંચ પગલાં ભર્યાં ત્યાં જ સવારના ખુશનુમા વાતાવરણમાં સામેથી આવી રહેલાં સાપને જોયો. ઈશ્વરના આ સ્વરૂપના તેણે મનોમન વંદન કર્યાં, પણ એ ક્ષણે જ તેના શેરી મિત્ર સવજીએ વિવેકને અપશુકન થયાનું ભાન કરાવ્યું. વિવેક અને સવજી વચ્ચે થયેલો સંવાદ સવારના શાંત વાતાવરણને ચીરીને વિવેકના ઘરમાં પ્રવેશ્યો. સંવાદના શબ્દો સાંભળી વિવેકના પિતાને હૈયે ફાળ પડી. દીકરાને શુકન જોઈને જવાનું કહ્યું હતું, પણ માન્યું નહીં. સારા કામે જઈ રહેલાં દીકરાએ વાતને અવગણી એટલે વિવેકના પિતા હડી કાઢી ખડકીની બહાર આવ્યાં, ત્યારે સૂરજ નારાયણે પૂર્વની ક્ષિતિજ પર ડોકિયું કર્યું.

ઊગતા સૂર્યને વંદન કરી રહેલા દીકરાને જોઈ તેમણે રાડ નાખી,- ‘ દીકરા! કઉં છું પાછો વળ્ય. સામેથી કાળોતરો આવે છે, જો ! આ... અપશકન કે’વાય હોં!’ બંધ આંખે સૂર્યને વંદન કરી રહેલાં વિવેકે પિતાના શબ્દો સાંભળ્યાં, પછી તેની તરફ દોડી આવતા પિતાની સામે ચાલી તેણે રોક્યા. પિતાના ચહેરા પર ઉપસેલાં અંધશ્રદ્ધાના ભાવનું સાદર ખંડન કરતા વિવેકે સસ્મિત કહ્યું, ‘બાપુજી! ખડકી બહાર પગ મૂકતા જ મેં સાપને જોયે હતો. આ તો મૂંગું જાનવર કે’વાય ! જમીનની વૈશાખી ગરમીથી વ્યાકુળ થઈને ખુશનુમા સવારની ઠંડકમાં હવાફેર માટે નીકળ્યું છે.’ ‘ પણ... દીકરા ! સારા કામમ સો વિઘન...’ ‘ બાપુજી!’ વિવેકે પિતાને બોલતા અટકાવી આગળ કહ્યું,‘એ પણ ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરે સૌને ધરતી પર રે’વાનો હક આપ્યો છે. તમે ચિંતા કરો મા, બાપુજી ! ઈ ઈના રસ્તે ને આપણે આપણા રસ્તે. રહી વાત શકન-અપશકનની, તો બાપુજી! આ બધી તો આપણાં મનની ગેરમાન્યતા છે.’

‘ દીકરા ! તું જે માને તે, પણ મારું માન અને પાછો વળી જા. કઉં છું, બીજી બસમાં જાજે !’ આમ કહીં વિવેકના પિતાએ સાપ પર એક વેધક નજર કરીને વિવેકનો હાથ પકડી ઘર તરફ ખેંચ્યો. ‘ બાપુજી! આ શું કરો છો ? હું સમયસર નંઈ પોગું તો અવસર ચૂકી જઈશ. અંધશ્રદ્ધામાંથી બા’ર આવો, બાપુજી ! આ તો ગરમીથી વ્યાકુળ થઈ સાપ બા’ર નીકળ્યો એટલે દેખાયો. જો કોઈ બખોલમાં જ ભરાઈ રહ્યો હોત તો ક્યાં દેખાવાનો હતો?’ કહીં વિવેકે પિતાની પકડમાંથી તેનો હાથ છોડાવ્યો. પિતાને સમજાવી વિવેકે ફરી ઊગતા સૂર્ય અને સાપને વંદન કર્યા, પછી બસ સ્ટેન્ડ તરફ પગલાં ભર્યાં. તે જ ક્ષણે તેના પિતાએ આક્રોશસહ કહ્યું, ‘દીકરા ! કઉં છું પાછો વળ્ય, હોં! આ કાળમુખો અપશકનિયાળ કાળોતરો સારું કામ નંઈ થવા દે. રોતા મોઢે પાછો આવીશ,... રોતા મોઢે.’ પિતાના શબ્દો વિવેકે એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખ્યા. તેના પગ જુસ્સાભેર અને શ્રદ્ધાપૂર્વક તેની મંજિલની દિશામાં પડી રહ્યા હતા. સૂર્યોદય સાથે જ ગામની ઝોંકમાં ગોવાળોની વાંભ થઈ રહી હતી. પંખીડાં મધુર ગુંજન કરી ખુલ્લા આકાશમાં ઊડી રહ્યાં હતાં, ત્યારે વિવેક બસ સ્ટેન્ડે આવી બસમાં બેઠો. થોડી વારે બસે તેની મંજિલ તરફ પ્રયાણ કર્યું.

વિવેકના ગયા પછી શેરીમાં શોર-બકોર વધી ગયો. ‘ સાપ... સાપ’ સાંભળી બે-ત્રણ જણ લાકડિયું લઈ ઘરની બહાર નીકળ્યાં. વિવેકના પિતાને પણ પાનો ચડ્યો. ત્રણ મહિનાથી માંદા નાનાભાઈ વશરામને તેમણે હાંક મારી,- ‘લ્યા, વશરામ! કઉં છું, ઝટ ધારિયું લૈને બા’ર આવ્ય તો!’ ત્રણ મહિનાની માંદગીથી અશક્ત વશરામે સાદ સાંભળી મહામહેનતે પડખું ફેરવ્યું. તેનામાં ચાલવાનીય શક્તિ ન હતી, પરંતુ તેની ભાભીએ તેના મોટાભાઈના શબ્દો સાંભળ્યાં એટલે ધારિયું લઈ ખાટલા પાસે આવી આજ્ઞા કરતા વશરામને કહ્યું,‘લ્યો, આ ધારિયું. બા’ર કંઈક હો હો થ્યો લાગે છે. ઝટ જાવ, કઉં છું! ’ ભાભીની આજ્ઞાથી વશરામમાં થોડું જોમ ઝળક્યું. તે ખાટલામાંથી બેઠો થયો અને ધારિયું લઈ ઘરની બહાર આવ્યો. બહાર આવી તેણે શેરીમાં જોયું તો સવારના શાંત વાતાવરણમાં એકે સાપને લાકડીથી ઉછાળ્યો. બીજાએ ઊછળેલા સાપને છૂટી લાકડી ફટકારી. હવામાં ગોળ-ગોળ ફંગોળાયેલો સાપ જમીન પર પછડાયો. ફરી પાછું એ જ ક્રિયાનું પુનરાવર્તન થયું. શોરબકોર વધી ગયો અને સવારનું શાંત વાતાવરણ ડોહળાઈ ગયું. ‘શું થ્યું, મોટા?’ અશક્ત શરીરે હાથમાં ધારિયું લઈ મોટાભાઈ તરફ ધીમાં પગલાં ભરતાં વશરામે કહ્યું.

‘ લાવ્ય, વશરામ! ધારિયું મને આપ્ય, કઉં છું! આ જ ઈ કાળમુખા અપશકનિયાળ કાળોતરાને...’ ‘ મોટા!’ વશરામે તેના હાથમાંથી મોટાભાઈને ધારિયું આંચકતા રોક્યા, પછી કહ્યું,- ‘ આઘા રો’, મોટા ! ઈ તો હું...!’ આગળના શબ્દો બોલવાને બદલે વશરામે ધારિયાને હવામાં ઊંચું કર્યું. ત્રણ મહિનાનો મંદવાડ હતો. શરીર સાવ અશક્ત થઈ ગયું હતું, ...એ જ સમયે અંધશ્રદ્ધાની પ્રબળ શક્તિ તેનામાં પ્રગટ થઈ. વશરામ હડી કાઢી સાપ સામે આવી ઊભો રહ્યો. અચાનક થયેલાં જીવલેણ હુમલાથી ગભરાયેલું નિ:સહાય મૂંગું જાનવર બચવા માટે એક વૃક્ષના થડ પાછળ સંતાવા જઈ રહ્યું હતું ત્યારે... બસ, ત્યારે જ વશરામ તાડૂકયો, ‘તારી જાત્યના અપશકનિયાળ કાળમુખા! દીકરને સારા કામે જતી વેળાએ જ તને બા’ર નીકળવાનું સૂઝ્યું? એ...એ...લે...!’ અંધશ્રદ્ધાના આક્રોશથી આમ બોલી વશરામે સાપ પર ધારદાર ધારિયનો ઘા ઝીંક્યો,...ને સાથે જ લોહીની શેરો ઊડી. સાપના બે ટુકડા થઈ ગયા, પછી થોડી વાર લોહીભીની ધરતી પર તરફડિયાં મારી બેય ટુકડા શાંત થઈ ગયા. પલભરમાં ન થવાનું થઈ ગયું. લોકટોળામાં પણ હાશકારો વ્યાપી ગયો. કોઈનાય હૈયામાં ધ્રાસકો ન પડ્યો. થોડીવારે આક્રોશ સમી ગયો. લોકટોળું વીંખેરાઈ ગયું, પછી છોકરાઓ સાપના બેય નિર્જીવ ટુકડાને ઉછાળતા-ઉછાળતા પાદરની વાડમાં નાખી આવ્યા. ***

વૈશાખની ગરમ સાંજે સૂર્ય ક્ષિતિજ પર ઢળ્યો, ત્યારે શહેરથી આવતી છેલ્લી બસ ગામના ઝાંપે આવી ઊભી રહી. શ્રદ્ધા અને ઉત્સાહથી વિવેક બસમાંથી નીચે ઊતર્યો. ઉમંગ સાથે પગલાં ભરતો-ભરતો તે પોતાની શેરીમાં આવ્યો. શેરીમાં સૂનકાર વ્યાપેલો હતો. સવારની જોયેલી અને અનુભવેલી અંધશ્રદ્ધાની ક્ષણોને તેણે સવારમાં જ મગજમાંથી કાઢી નાખી હતી. તે હરખાતો-હરખાતો ઘરની ખડકી પાસે આવ્યો. ‘ બાપુજી!’ કહી તેણે સસ્મિત ઘરની ખડકીમાં પગ મૂક્યો, પછી ફળિયામાં ખાટલો ઢાળી બેઠેલા પિતા સન્મુખ જઈ ઊભો રહ્યો. થેલીમાંથી પેંડાનું બોક્સ કાઢી તોડ્યું, પછી પેંડો પિતાના મોઢામાં દેતા વિવેકે સાદર કહ્યું,‘બાપુજી ! સાપના શકન ફળ્યાં હોં ! મને નોકરી મળી ગઈ. તમારો બેકાર દીકરો શિક્ષક બની ગયો, બાપુજી !’ વિવેકના શબ્દો સાંભળી તેના પિતાએ પેંડા સાથે લંબાયેલાં હાથને રોક્યો. તેમની નજર નીચે ઢળી ગઈ અને ચહેરો ફિક્કો પડી ગયો. વિવેકને કંઈક અજુગતું બન્યાનાં એંધાણ દેખાયાં. તે તેના પિતાના ચહેરા પર બદલાતા ભાવ અનિમેષ જોઈ રહ્યો.

આ સમયે જ વિવેકનો ભત્રીજો ઊછળતો-કૂદતો તેની પાસે આવ્યો. વિવેકના હાથમાંથી પેંડો લઈ મોઢામાં મૂકી બોલ્યો, ‘કાકા...! સાપને તો વશરામદાદાએ દાદાજીના કે’વાથી મારી નાખ્યો.’ ‘ હેં...!! રામ...રામ...!!’ વિવેકના મોઢામાંથી ઉદ્્ગાર સાથે ચીસ નીકળી ગઈ. તેના હાથમાંનું બોક્સ નીચે પડી ગયું અને પેંડા વેરાઇ ગયા. આંખે અંધારા આવી જતાં તે જમીન પર બેસી ગયો. ઘરનું ફળિયું જાણે ગોળ-ગોળ ફરતું અનુભવાયું ! થોડીવારે તેનામાં હોશ સાથે આંખોમાં આંસુ આવી ગયા. તેણે પિતાજીને હાથ જોડ્યા, પછી ગળગળો થઈને બોલ્યો, ‘બાપુજી ! તમે આ શું કર્યું? અંધશ્રદ્ધાના જોરે એક મૂંગા જાનવરની હત્યા કરાવી નાખી ? ઈની મૂંગી વેદનાનોય કંઇ વિચાર ન કર્યો. અરે રે, બાપુજી! ઈ મૂંગા જાનવરના શકનથી તો મને મારા જીવતરની આજીવિકા મળી. આજે સવારમાં ઈ મૂંગા જાનવરનેય મારા શકન થયા હતા. મારા શકનથી ઈને શું મળ્યું? મોત જ ને? બાપુજી! અમારા બેમાંથી અપશકનિયાળ કોણ ? હું , કે મૂંગું જાનવર ? હું જ અપશકનિયાળ છું. મને...મનેય મારી નાખો, બાપુજી !’ આમ કહી વિવેક ખાટલાના પાયા સાથે માથું પછાડવા લાગ્યો. વિવેકના પિતાજી સ્તબ્ધ થઈ ગયા. જાણે તેમનું લોહી થીજી ગયું ન હોય! માથુંં પછાડી રહેલા દીકરાને તેમણે મહામહેનતે રોક્યો. દીકરાના વલોપાતથી તેમની આંખોય અષાઢી આભની જેમ વરસવા લાગી. માથા પરનું ફાળિયું ઊતરી હાથ જોડી બોલ્યા, ‘દીકરા! આ જ તેં મારી આંખ્યું ઊઘાડી નાખી. હું અભાગિયો...’ આગળના શબ્દો નીકળી ન શક્યા. અવાજ રૂંધાઈ ગયો અને તે હીબકાં ભરી રડવા લાગ્યા. વિવેકનો માંયલો પીગળી ગયો. તે ઊભો થયો. પિતાને શાંત કરી બોલ્યો, ‘ભલે, બાપુજી! જાગ્યા ત્યારથી સવાર. ચાલો, આપણે બેય કરેલાં પાપનું પ્રાયશ્ચિત કરીએ. સાપના પાર્થિવ દેહને ગાયના ઘી સાથે અગ્નિસંસ્કાર કરી તેની સદગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ.’ ***

આથમણી ક્ષિતિજ પર સૂકવેલાં કેસરી સાફાને સૂરજે સંકેલી લીધો, ત્યારે વિવેકે પાદરની વાડે આવી તુલસીકાષ્ઠ પર સાપના પાર્થિવ દેહને મૂક્યો. ગાયના ઘીનો અભિષેક કરી અગ્નિ પ્રગટાવ્યો, પછી આકાશ સામે નજર કરી બે હાથ જોડ્યા. વિવેકના પિતાનું હૃદય ભરાઈ ગયું. તે ધ્રૂસકે-ધ્રુસકે રડતા-રડતા બોલ્યા,- ‘ દીકરા! વશરામને તો ત્રણ મહિનાના મંદવાડે મૂઆ હાલે કરી નાખ્યો’તો. ઈને મોઢા પરથી માંખીય ઉડાડવાનો વેંત નો’તો. મેં જ ઈને પાનો ચડાવ્યો,...ને ઈનામાં અંધશ્રદ્ધાનું જોમ ઝળકી ઊઠ્યું. ખરો ગુનેગાર હું જ છું, દીકરા ! હું એક મૂંગા જાનવરની મૂંગી વેદના સમજી ન શક્યો. જો સમજી શક્યો હોત તો...’ આગળના શબ્દોના બદલે તેમના મુખમાંથી ડૂસકાં નીકળવા લાગ્યાં અને આથમતા સુરજની નીરવ શાંતિમાં દૂર સુધી ફેલાઈ ગયા. વિવેક નિ:શબ્દ પિતાને તાકી રહ્યો. પિતાના ચહેરા પર પ્રાયશ્ચિતના ખરાં ભાવ ઉપસેલાં જોયા. સાપની સળગતી ચિતાની સાક્ષીએ તેમના અંતરના ઊંડાણમાંથી ફરી શબ્દો સરી પડ્યાં,- ‘ દીકરા ! હું તો અભણ, પણ તું તો ભણેલ-ગણેલ શિક્ષક છું. શિક્ષક જ સમાજનો સાચો જાગતો માણસ. જાગતો માણસ જ બીજાને જગાડી શકે. તેં તારા અભણ બાપને જગાડ્યો. દીકરા ! તારા જાગેલાં બાપનો એક સંદેશ તું સમાજને આપજે કે અંધશ્રદ્ધા અને અપશકનના ઓઠા હેઠે કોઈ મૂંગા જાનવરની હત્યા ન કરે.’ કહીં તે ફરી ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા.

વિવેકે જાગેલાં પિતાને શાંત કરી હૈયાધારણ આપી, પછી હાથ જોડી છેલ્લાં કિરણો સંકેલતા સૂર્યની સાક્ષીએ પિતાના સંદેશને વધાવ્યો. ખુલ્લા આકાશમાં નજર કરી ઈશ્વરને મૂંગા જાનવરના આત્માને સદ્્ગતિ આપવા પ્રાર્થના કરી, પછી મનોમન પ્રતિજ્ઞા કરી : ‘હે ઈશ્વર! હું તો એક શિક્ષક. સમાજ મને જાગતો માણસ સમજે છે, પરંતુ તું તો જાગતો પરમાત્મા છે. મને સમાજને જગાડવાની શક્તિ આપજે !’ વિવેકના પિતાએ જાણે મનોમન કરાયેલી પ્રતિજ્ઞા સાંભળી હોય તેમ રાજીપા સાથે દીકરાની પીઠ થાબડી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો