વિચારોના વૃંદાવનમાં:વીર નર્મદનો જમાનો અને શિક્ષણ શિક્ષણનું બજેટ તો માનવમાં થતું ઇન્વેસ્ટમેન્ટ છ

ગુણવંત શાહ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી સિસોદિયા દિવસો સુધી ફિનલેન્ડના પ્રવાસે જઇ આવ્યા પછી AAP સરકારે ઘણું ધ્યાન સરકારી નિશાળો પર કેન્દ્રિત કર્યું તેથી ઘણાં સારાં પરિણામો જોવા મળ્યાં

લોર્ડ મેકોલેએ તા. 12-10-1836ને દિવસે પોતાના પિતાને એક પત્ર લખેલો : પ્રિય પિતાજી, આપણી અંગ્રેજી નિશાળો આશ્ચર્યજનક રીતે પ્રગતિ કરી રહી છે. હિંદુઓ પર આ શિક્ષણનો પ્રભાવ ભારે જબરો અને અનોખો પડ્યો છે. જેમણે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે એવો કોઇ હિંદુ પોતાના ધર્મનો સાચો અનુયાયી રહી ન શકે. કેટલાક હિંદુઓ તો અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી નીતિવશ પોતાના ધર્મનો દેખાવ જ કરે છે, પરંતુ કેટલાક ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લે છે. મારો વિશ્વાસ છે કે જો આપણી શિક્ષણની યોજનાનું અનુસરણ થશે, તો 30 વર્ષમાં હિંદુઓની ઊંચી જ્ઞાતિઓમાં એક પણ હિંદુ બંગાળમાં નહીં હોય. મને આ આશાથી અંતરનો આનંદ મળે છે. સદાય તમારો પુત્ર, ટી. વી. મેકોલે સન 1852ના મે માસની પહેલી તારીખે કવિ નર્મદ મારા ગામ રાંદેરની પ્રાથમિક નિશાળમાં માસ્તર તરીકે જોડાયા હતા. નિશાળ તાપી નદીને કિનારે આવેલી હતી અને હજી આજે પણ ત્યાં જ છે. લગભગ એક સદી પછી એ જ નિશાળમાં મારે પૂરાં સાત વર્ષ ભણવાનું બન્યું. શિક્ષક નર્મદનો માસિક પગાર રૂપિયા પંદર હતો. તેઓ શિક્ષક તરીકે નોકરીમાં જોડાયા ત્યારે એમની ઉંમર 18 વર્ષની હતી. પૂરું એક વર્ષ પણ ન થયું અને કવિજીવ એવા નર્મદે 1853ના માર્ચમાં રાજીનામું આપી દીધું ત્યારે એક કવિતા લખી. સ્થળ સંકોચને કારણે અહીં એ કવિતા પ્રગટ કરવાનું ટાળ્યું છે. નર્મદે રાજીનામું આપ્યું પછી ચારેક વર્ષે 1857નો બળવો થયેલો. 19મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં શિક્ષણનો પ્રારંભ થોડીક સરકારી નિશાળોથી થયેલો. એ નિશાળોની સ્થિતિ શી હતી? સન 1826માં કેટલાંક શહેરોમાં સરકારી નિશાળો શરૂ થઇ. અમદાવાદમાં બે, ખેડામાં એક, ભરૂચમાં એક અને સુરતમાં બે ગુજરાતી નિશાળો શરૂ થઇ. પછી બીજે જ વર્ષે ધોળકા તથા ઓરપાડ (જિ. સુરત) નિશાળો શરૂ થઇ હતી. ઘણીખરી નિશાળોમાં એક આનો (છ પૈસા) ફી લેવાતી તે લગભગ ત્રીસ વર્ષ સુધી સ્થિર રહી. સન 1830માં નવી નિશાળો ધંધુકા, કપડવણજ, ઉમરેઠ અને 1853માં હાંસોટ ખાતે નિશાળો શરૂ થઇ હતી. વર્ષ 1852માં ભાવનગરમાં નિશાળ શરૂ થઇ હતી. સન 1856ના વર્ષમાં સરખેજ, વટવા, જેતલપુર, બારેજા, વાસણા, ડેટ્રી, કેળીઆ, માનચીલ, કેરવાડા અને જાનબિયનની નિશાળો શરૂ થઇ. મહેમદાવાદની નિશાળ છેક સન 1884માં શરૂ થઇ હતી. નિશાળોમાં છોકરીઓ ક્યાંય ભણતી ન હતી. બધી (સરકારી) નિશાળોમાં ફી સરખી હતી. પત્રકમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં દરરોજની હાજરી અડધીથી વધારે રહેતી. વર્ષ 1856માં સૌથી વધારે વિદ્યાર્થીઓ ધરાવનારી નિશાળ નડિયાદની હતી; જેમાં 317 વિદ્યાર્થીઓ પત્રક પર નોંધાયેલા હતા. ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકમાં જે તારણ કાઢવામાં આવ્યું તે આ પ્રમાણે હતું. ‘ઉપરના પત્રક વિશે અમારો અભિપ્રાય એવો છે કે, સરકારી નિશાળો દેશમાં સ્થાપન થયે આશરે 32 વર્ષ થયાં ને ઉપરનું પત્રક જોતાં તેમાં હર સાલ વધારો થતો ગયો, તો પણ આખા ગુજરાત દેશમાં સરકારી નિશાળોમાં 8891 છોકરા ભણે તે તો બહુ થોડા છે. માટે અમે અમારા દેશી લોકોને ભલામણ કરીએ છીએ કે જેમ સરકાર આપણા દેશમાં વિદ્યાનો ફેલાવો થવાની મહેનત બહુ કરે છે, તેમ તમારે પણ ખરા દિલથી ખૂબ મહેનત કરવી કેમ કે વિદ્યાનો વધારો થશે અને તેથી વેપાર રોજગારનો તથા સુખસંપત્તીનો વધારો થશે. તેનો દાખલો જોવો હોય તો જુઓ કે વગર ભણેલા ખેડૂતો કરતાં અને ભીલ લોકો કરતાં બ્રાહ્મણ-વાણિયા વગેરેની ભણનારી નાત્યોમાં સુખસંપત્તીનો વધારો જોવા મળે છે.’ (ભાષા તથા જોડણી મૂળ લખાણ પ્રમાણે જ રાખ્યાંં છે.) આ લખાણની ભાવનાને પ્રગટ કરનારું કાવ્ય કવિ નર્મદે લખ્યું હતું તે નોંધવા જેવું છે. સાંભળો : ભણો ભણો રે ભણો ભણો! હાં રે ભણવાથી અનીતિ વ્હેમ જાશે હાં રે સદ્્ગુણ વાધે ને કામ મોટાં થાશે રે… ભાઇઓ ભણો ભણો હાં રે ભણવાથી ઘણું ઘણું જાણો, હાં રે ઉદ્યમ અંતે યશ સુખ માણો રે… ભાઇઓ ભણો ભણો હાં રે નવાં મંદિરનું માન વધારો હાં રે અભ્યાસ કરો સારો રે, ભાઇઓ ભણો ભણો નર્મદ નિશાળને મંદિરનો દરજ્જો એ કાળે આપે તે ખાસ નોંધવા જેવું છે. સરકારી નિશાળોને પ્રાઇવેટ નિશાળો જેવી સુંદર બનાવવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે ઘણું સારું કામ કર્યું છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી શ્રી સિસોદિયા દિવસો સુધી ફિનલેન્ડના પ્રવાસે જઇ આવ્યા પછી AAP સરકારે ઘણું ધ્યાન સરકારી નિશાળો પર કેન્દ્રિત કર્યું તેથી ઘણાં સારાં પરિણામો જોવા મળ્યાં. એક શિક્ષક તરીકે મને આ બાબત ગમી ગઇ છે. ગુન્નાર મિરડાલ જેવા અર્થશાસ્ત્રીએ એના મહાગ્રંથ ‘Asian Drama’માં શિક્ષણને ‘માનવમાં થતા મૂડીરોકાણ’ તરીકે પ્રસ્થાપ્યું હતું (છેક 1960-62માં). આ બાબત મોદી-સરકારના ધ્યાનમાં ક્યારે આવશે? આજકાલ ‘Inside Edge’ નામે TV શો જોવાનું ચાલે છે. માત્ર ત્રણ જ બાબતો પર બધો ભાર છે : સેક્સ, વાયોલન્સ અને ગાળાગાળી. શિક્ષણ એક ટોપલો કચરો દૂર કરે ત્યાં એક ટ્રક ભરીને ‘મોડર્ન’ કચરો ઘરે ઘરે ઠલવાય છે! શિક્ષકો લાચાર છે. હિરોઇન બહેન-માની ગાળ છૂટથી હવામાં ફંગોળે છે! નવી પેઢીને બગાડવા માટે કેટલા પ્રયત્નો થઇ રહ્યા છે? નોંધ : આ લખાણ મૂળ ‘સંસ્કૃતિ’ સામયિકમાં જુદા સ્વરૂપે પ્રગટ થયેલું. થોડુંક પરિમાર્જન કર્યા પછી અહીં એ લખાણ લીધું છે. પછી તો સંસ્કૃતિનું પ્રકાશન બંધ થયું. તંત્રીશ્રી ઉમાશંકરભાઇ તરફથી બે મનિઓર્ડર મળેલા. મારી બે કૃતિઓના પુસ્કાર તરીકે કૃતિદીઠ રૂપિયા પંદર ટપાલી આપી ગયેલો. કેટલાય ગ્રાહકોને લવાજમની બાકી રહેલી લેણી રકમ પણ પાછી મોકલવામાં આવેલી. આવી સાધનશુદ્ધિ સાચા કવિ જ બતાવી શકે. કવિ પ્રામાણિકતા ન છોડી શકે.⬛ }}} પાઘડીનો વળ છેડે વારાણસી તો ઇતિહાસ કરતાંય પુરાતન છે. પરંપરા કરતાંય પુરાતન છે. દંતકથા કરતાંય પુરાતન છે. અને આ બધી વાતોને ભેગી કરો તેના કરતાંય બમણું પુરાતન છે. માર્ક ટ્વેઇન નોંધ : The Indian Express, માર્ચ 20, 2014 Page 10 Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...