રામાયણની ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયામાં થાઇલેન્ડ, કંબોડિયા અને મલેશિયાથી માંડીને ઇન્ડોનેશિયા સુધી બોલબાલા છે. એક હજાર વર્ષ અને એના કરતાં પહેલાં ભારતના વેપારીઓએ દરિયાઇ માર્ગે આ દેશોની મુસાફરી કરી અને તેઓ તેમની સાથે રામાયણની કથાઓ લઇ ગયા. થાઇલેન્ડ અને કંબોડિયામાં રામાયણને ક્રમશ: ‘રામકીન’ અને ‘રીમકર’ના નામે ઓળખવામાં આવે છે. બંને નામનો અર્થ ‘રામનો મહિમા’ એવો થાય છે. મલેશિયામાં રામાયણને ‘હિકાયત સેરી રામા’ના નામે ઓળખવામાં આવે છે. તેનો અર્થ ‘મહાન રામનો વૃત્તાંત’ થાય છે. ઇન્ડોનેશિયામાં તો રામાયણની ઘણી આવૃત્તિઓ છે જેવી કે બાલી ટાપુના ‘રામકવચ’ અને જાવા ટાપુના ‘કાકાવિન રામાયણ’ નામની કવિતાથી માંડીને સુમાત્રા ટાપુના ‘રામાયણ સ્વર્ણદીપ’ સુધીની. પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયાના આ બધાં રામાયણનું સ્વરૂપ ભારતના રામાયણ જેવું એકસરખું છે તેમ છતાં તેના ભાવ જુદા છે. ભારતીય રામાયણોની જેમ આ બધા રામાયણોમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, રાવણ, શૂર્પણખા વગેરે પાત્રોની ભૂમિકા અચૂકપણે છે. પરંતુ તેમનામાં ભારતીય રામાયણોમાં જોવા મળતો અનન્ય ભક્તિભાવ જોવા મળતો નથી. એટલે તેમાં રામને ભગવાનને બદલે ફક્ત રાજકુમાર દર્શાવવામાં આવ્યા છે અને હનુમાનને તેમના ભક્તને બદલે ફક્ત તેમના મિત્ર, સહાયક અને સેવક દર્શાવાયા છે. આવાં નિરૂપણો આપણને કોઇ કાલ્પનિક કથાના શૂરવીરોની યાદ અપાવે છે કે જે સૌમ્ય અને કુલીન રાજકુમારને તેની પત્નીને ખલનાયકના સકંજામાંથી બચાવવામાં મદદ કરે છે. આ પ્રકારના રામાયણોમાં ભક્તિભાવ નહીંવત્ છે. કલાકારોની રજૂઆતથી ઘણા ભાવરસ ઉત્પન્ન થાય છે- શૃંગાર રસ, વીર રસ, હાસ્ય રસ, કરુણા રસ અને બીભત્સ રસ, પરંતુ કલાકારો આટલા બધા ભાવ વ્યક્ત નથી કરી શકતા. આ કારણસર તેઓ દર્શકો સાથે તાદાત્મ્ય કેળવી શકતા નથી. તેનાથી દર્શકો તેમની રજૂઆત સાથે ‘કનેક્ટ’ નથી થઇ શકતા. મહાકાવ્યના રોમાંચ પર વધારે અને તેમાં આપેલા ધર્મોપદેશ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બાલી ટાપુના કેચક નૃત્યમાં આ બધું સ્પષ્ટ રીતે જોવા મળે છે. શરૂઆતમાં આ નૃત્ય મોહાવસ્થા અને જીવવાદની પરંપરાઓ સાથે જોડાયેલું હતું. પરંતુ 1930ના દશકમાં વૉલ્ટર સ્પાઇઝ નામના ઓસ્ટ્રિયનની મદદથી તે મન્કી ડાન્સના રૂપે પ્રસિદ્ધ થઇ ગયું. તેમાં સો કરતાં વધારે અનાવૃત્ત શરીરવાળા માણસો સારંગ પહેરીને એક વર્તુળ બનાવીને બેસે છે. પછી ફક્ત તેઓ પોતાના મોંમાંથી કાઢેલા અવાજની ધૂન પર તેઓ પોતાના હાથ અને શરીરને હલાવે છે. ‘ચક-અ-ચક’ જેવા અવાજોનો કોઇ અર્થ થતો નથી, પરંતુ તેમના જાદુઇ કંપનોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું છે. જેવી રામાયણની પ્રસ્તુતિ આગળ વધે છે, માણસોનું આ વર્તુળ અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. વનવાસ દરમિયાન રામે વનમાં સમય વિતાવ્યો હતો, જે સુવર્ણ મૃગે સીતાને લોભાવ્યાં હતાં, રામની કુટિરની લક્ષ્મણ રેખા, રાવણનું સિંહાસન અને સળગતી લંકાનગરી. દરિયાકાંઠે, ખુલ્લી હવામાં આવેલી રંગભૂમિમાં આ દૃશ્ય ખરેખર જોવાલાયક છે. રાવણ અને રાક્ષસો બિહામણા મહોરાં સાથે અને મસમોટી ફાંદવાળા પોશાકમાં નાટકીય ઢબે પ્રવેશે છે. રામ અને સીતાની રાજવી જોડીની સૌમ્યતા તેમની સામે ફિક્કી પડી જાય છે. રાક્ષસો શરૂઆતમાં તો મશ્કરી કરે છે પછી હિંસક બનીને દર્શકોને પોતાની જંગલી અને અશ્લીલ હરકતોથી રીઝવે છે. દર્શકો રામ અને સીતા કરતાં વધારે રાક્ષસોને જોવા માટે તલસે છે. પરંતુ સ્પષ્ટ રીતે દક્ષિણ પૂર્વ એશિયાની રામાયણોના હીરો હનુમાન છે. વાલ્મીકિ અને તુલસીદાસે જેવી રીતે હનુમાનને મહાન, વિનમ્ર અને બુદ્ધિશાળી ભક્ત દર્શાવ્યા છે એવા આ હનુમાન નથી. દક્ષિણ પૂર્વ એશિયાની રામાયણોના હીરો આકર્ષક અને તોફાની છે. તેમનામાં શ્રીકૃષ્ણ અને ભીમ બંનેના ગુણ છે. નૃત્યનાટિકામાં હનુમાનજીના પ્રવેશની સાથે જ દર્શકો ભારે ઉત્સાહમાં જોવા મળે છે. જ્યારે હનુમાન ખલનાયકને પાઠ ભણાવે છે ત્યારે દર્શકો તાળીઓ પાડે છે. અહીં હનુમાન કોઇ ફિલ્મના હીરો જેવા જ છે. આ રામાયણોમાં હનુમાન લોકોનું મનોરંજન કરે છે. જ્યારે કેચક નર્તક ચિચિયારીઓ પાડતા હાથ હલાવે છે. હનુમાન સફેદ કપડાં પહેરીને, અણિયાળા દાંત અને ચમકદાર આંખની સાથે વિજયી ભાવ સાથે આમ-તેમ કૂદકા મારે છે. સૂરજ ઢળતા રાવણની સળગતી સોનાની લંકાનગરીને દર્શાવતા નારિયેળના છોતરામાંથી બનાવેલું ચક્ર સળગાવવામાં આવે છે. એ સાથે રંગભૂમિનું વાતાવરણ જમાવટ કરે છે. ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.