તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારોના વૃંદાવનમાં:વાલ્મીકિ : માનવજાતના પ્રથમ સત્યાગ્રહી વાલ્મીકિ અને નર્મદ વીર કવિઓ હતા

18 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • વાલ્મીકિએ પોતાના આશ્રમમાં રચેલું પૃથ્વી પરનું પ્રથમ મહાકાવ્ય આજે સમગ્ર વિશ્વનું મહાકાવ્ય બની રહ્યું હતું. એમનો આનંદ સમાતો નહોતો

જે મનુષ્ય કવિ હોય તે વીર હોઇ શકે? જે મનુષ્ય વીર હોય તે કવિ હોઇ શકે? એક પ્રચલિત શ્લોકમાં વાલ્મીકિનો મહિમા થયો છે, જેમાં કહેવાયું છે : વાલ્મીકિ તો મુનિઓમાં સિંહ જેવા છે. એમણે કવિતારૂપી વનમાં વિહાર કરતી વખતે રામકથાનો મહાનાદ કર્યો. એમનો સાદ સાંભળીને એવું તે કોણ હોય, જે પરમ ગતિ (મોક્ષ) ન પામે! તેઓ કવિતારૂપી વૃક્ષની શાખા પર બેઠા બેઠા અત્યંત મધુર શબ્દધ્વનિમાં રામનામના ટહુકા કરી રહ્યા છે. આવા કોકિલ સમા વાલ્મીકિને વંદન હજો! (વાલ્મીકિ રામાયણની પાઠવિધિ) દુનિયાના કોઇ કવિને એકસાથે સિંહ અને કોયલની ઉપમા મળી હશે ખરી? અપ્રતિમ પ્રાણશક્તિનું પ્રતીક સિંહ છે. પ્રેમમધુર સર્ગશક્તિનું પ્રતીક કોકિલ છે. આવી બંને શક્તિઓ એક જ વ્યક્તિમાં સમન્વિત થાય ત્યારે જગતને ઋષિ વાલ્મીકિ પ્રાપ્ત થાય છે. દેવર્ષિ નારદના આગમનને કારણે વાલ્મીકિને મહાકાવ્ય રચી શકાય એવા મહામાનવનાં દર્શન થાય છે. વાલ્મીકિ જેવા ઋષિકવિને જ્યારે રામની ભાળ મળી ત્યારે ‘શબ્દબ્રહ્મસુજાણ’ એવા મહાકવિ તરફથી જગતને પ્રથમ મહાકાવ્યની ભેટ મળી. મૈથિલીશરણ ગુપ્તની પંક્તિઓ રામાયણના ઉદ્્ભવનું રહસ્ય કાનમાં કહી દે છે : રામ તુમ્હારા વૃત્ત સ્વયં હી કાવ્ય હૈ, કોઇ કવિ બન જાય, સ્વયં સંભાવ્ય હૈ! હવે વાલ્મીકિ માનવજાતના પ્રથમ સત્યાગ્રહી હતા, એમ કહેવામાં કોઇ ઔચિત્ય ખરું? આ પ્રશ્નનો જવાબ સોલિડ પ્રમાણો સાથે આપવા માટે સાથે બેઠેલા સૌ વિદ્વજનોને અને સંતોને હવે મારે નૈમિષારણ્યમાં લઇ જવા પડશે. તો હવે ચાલો નૈમિષારણ્યમાં મારી સાથે સાથે…. પૂજ્ય બાપુની કથા પણ હમણાં ત્યાં પૂરી થઇ. કેવો સુયોગ? નૈમિષારણ્ય એ અત્યંત પવિત્ર તીર્થસ્થાન છે કારણ કે ત્યાં રામજીએ પ્રથમ વાર વાલ્મીકિ રામાયણનું મધુર ગાન લવ-કુશ જેવા પોતાના જ સુપુત્રોના કંઠે સાંભળ્યું હતું. નૈમિષારણ્યની પુણ્યભૂમિ પર ઊગેલા સૂર્યનાં કુમળાં કિરણો વૃક્ષોને પાંદડે પાંદડે પથરાઇ રહ્યાં હતાં. સૌના આનંદ અને આશ્ચર્ય સાથે વીણાના મધુર સ્વર સાથે વહી આ‌વતી મનોહર અને હૃદયલુભાવન એવા કાવ્યગાનની મધુર પંક્તિઓ ત્યાં એકઠાં થયેલાં સૌ સ્વજનો, અયોધ્યાથી આવેલા નગરજનો, સાધુજનો, માતાઓને કાને એ મંગલ પ્રભાતે તૈયાર એવા યજ્ઞમંડપમાં સંભળાવા લાગી. ત્યાં સીતાને સાથે રાખીને ખાસ પહોંચી ગયેલા ઋષિ વાલ્મીકિની પ્રસન્નતાનો પાર ન હતો. એમણે પોતાના આશ્રમમાં રચેલું પૃથ્વી પરનું પ્રથમ મહાકાવ્ય આજે સમગ્ર વિશ્વનું મહાકાવ્ય બની રહ્યું હતું. શ્રી રામને કાને પણ એ મહાકાવ્યના સ્વર જ્યારે પડ્યા ત્યારે એમના આનંદની સીમા ન રહી. મર્યાદાપુરુષોત્તમ શ્રી રામજી પોતે, જીવનમાં રામાયણગાન સાંભળી રહ્યા હતા. એ કાવ્યગાન અલૌકિક હતું અને એની ગેયસંપદા અને ગીતમાધુરીને કારણે યજ્ઞમંડપમાં ઉપસ્થિત એવાં સર્વ શ્રોતાઓ મુગ્ધ બનીને સાંભળવામાં તલ્લીન બની ગયાં. સૌ નગરજનો અંદર-અંદર વાતો કરવા લાગ્યા કે : ‘ગીત ગાનારાં એ બંને બાળકો રૂપની દૃષ્ટિએ રામ જેવા જ દેખાય છે. જો એ બંને બાળકોનાં માથાં પર જટા ન હોત અને એમણે શરીર પર વલ્કલ પહેર્યાં ન હોત, તો બંને રામચંદ્રજી જેવા જ દેખાય છે, જાણે બિંબને કારણે જોવા મળતા પ્રતિબિંબ જેવા જ નહીં હોય!’ રામની આજ્ઞા પ્રમાણે લક્ષ્મણે જ્યારે લવ-કુશને સુવર્ણમહોરો આપવા માંડી ત્યારે એ બંને બાળકોએ એ ઉપહાર લેવાનો સ્વીકાર ન કર્યો. લવ અને કુશ બોલ્યા : ‘અમે તો વનવાસી છીએ. જંગલનાં ફળફૂલ ખાઇને અમે જીવન ગાળીએ છીએ. સોના-ચાંદીને વનમાં લઇ જઇને અમે શું કરીએ?’ (ઉત્તરકાંડ, 94, 11) ત્યાં ખાસ પધારેલા ઋષિ વાલ્મીકિ અત્યંત પ્રસન્ન હતા. એ ગીતકાવ્ય સાંભળીને રામને પ્રતીતિ થઇ ગઇ કે લવ અને કુશ પોતાના જ પુત્રો છે. રામ મહામાનવ હતા, તોય તેઓ એક એવા યુગના ક્ષત્રિય રાજા હતા કે જેમાં રાજા પ્રજાપાલક, પ્રજારંજક અને પ્રજાવત્સલ હોય. ઋષિ વાલ્મીકિ યજ્ઞમંડપમાં પ્રવેશ્યા ત્યારે સીતા સંકોચપૂર્વક એમની પાછળ પાછળ ચાલી રહી હતી. એ સીતા ‘બ્રહ્માજીને અનુસરતી શ્રુતિ જેવી’ દેખાતી હતી. સૌ સાંભળે એમ વાલ્મીકિએ રામને સંબોધન કર્યું અને કહ્યું : ‘હે મહાભાગ! હે રઘુકુલનંદન! હું પ્રચેતાનો (દસમો) પુત્ર છું. મેં હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. મારા મુખેથી કદી અસત્ય વચન નીકળ્યું હોય એવું મને યાદ નથી.’ ઋષિ વાલ્મીકિ સત્યનો પક્ષ લેતી વખતે પોતાની જીવનભરની તપશ્ચર્યાને દાવ પર લગાવી દઇને રામને સ્પષ્ટ શબ્દોમાં ઠપકો પણ આપે છે. ઋષિની વાણી કોઇ સત્યાગ્રહીના મુખમાં શોભે તેવી છે. સાંભળો : 1. મેં મિથિલાકુમારી સીતાને મારા આશ્રમમાં આશ્રય આપ્યો ત્યારે જ એની શુદ્ધતાની ખાતરી કરી જ લીધી હતી. 2. જો સીતામાં કોઇ દોષ હોય, તો મને મારી તપશ્ચર્યાનું ફળ ન મળો. (ગાંધીજી યાદ આવ્યા? ઉત્તરકાંડ, 96, 21) 3. હે રામ! આપ પણ જાણો છો કે સીતા સર્વથા પવિત્ર છે, પરંતુ લોકાપવાદથી કલુષિત થયેલા ચિત્તને કારણે (लोખાખकापवाद कलुषीत चेतसासासाससा) આપે એનો ત્યાગ કર્યો હતો. મહાકવિ કાલિદાસે (અંગ્રેજીમાં જેને To be or not to be) જેવી ચિત્તાવસ્થા માટે ‘दोलाचल चित्तवृत्ति:’ જેવો શબ્દપ્રયોગ એમના ‘રઘુવંશ’ મહાકાવ્યમાં કર્યો છે. આવી દ્વિધા માટે આપણે પણ હેમ્લેટ જેવી મનોદશા માટે ‘રઘુવંશ’નો આ શબ્દપ્રયોગ સ્વીકારી લેવો જોઇએ : ‘દોલાચલ ચિત્તવૃત્તિ:’ ઋષિ વાલ્મીકિ જો ‘સત્યાગ્રહી’ ન હોત, તો આવી રોકડી સત્યપૂત વાણી રામ જેવા મહામાનવને સ્પષ્ટ શબ્દોમાં સર્વજનોની ભરસભામાં સંભળાવી શક્યા હોત ખરા? જગતમાં જ્યાં અને જ્યારે क्रौક્રૌંચવધ થાય ત્યારે યુગલત્વ ખંડિત થતું હોય છે. પ્રેમ જેવા શાશ્વત મૂલ્યને હાનિ પહોંચે ત્યારે એ હાનિને દૂર કરવા માટે ન મથે, તો ઋષિકવિ શેનો? આજે જ્યારે મને મારા પ્રિય ‘ઋષિકવિ’ વાલ્મીકિ માટે ‘ઋષિકવિ’ શબ્દ કવિ ઉમાશંકર જોશીએ પ્રયોજ્યો હતો. વાલ્મીકિજીના નામ સાથે જોડાયેલો એવોર્ડ પ્રાપ્ત થાય ત્યારે હરખ ન પામું એવો સ્થિતપ્રજ્ઞ હું નથી. ઋષિ વાલ્મીકિ સત્યવચની, સત્યપ્રિય અને વળી સત્યાગ્રહી મહાકવિ હતા. આદરણીય લોકશિક્ષક શ્રી મોરારિબાપુ તરફથી પ્રાપ્ત થતો આ ઉપહાર હું પૂરી નમ્રતા સાથે સ્વીકારું છું. મારા જીવનની આ અમૂલ્ય એવી સંપ્રાપ્તિ છે. હું મારો દેહ ઊંચકીને મહુવા આવી ન શક્યો તેનું મને દુ:ખ છે. દેવોના ગુરુ વિવેકબૃહસ્પતિના પ્રતિનિધિ એવા આદરણીય મોરારિબાપુને વંદન કરું છું. બારડોલી સત્યાગ્રહ (1928)ના દિવસોમાં સરદાર પટેલના જમણા હાથસમા સદ્્ગત ઉત્તમચંદ શાહની સુપુત્રી નિરંજના કલાર્થીની દીકરી પ્રજ્ઞા કલાર્થી મારા વતી આ એવોર્ડ સ્વીકારે એવી ગોઠવણ થઇ તેથી પણ હું અત્યંત પ્રસન્ન છું. રામાયણ પર ભાષ્ય લખ્યું ત્યારે વારંવાર એવી પ્રતીતિ થતી કે મારા મનનું સ્નાન થઇ રહ્યું છે. સાચું કહું? મને આ ક્ષણે પણ એવી જ પ્રતીતિ થઇ રહી છે. ધન્યવાદ! ⬛ }}} પાઘડીનો વળ છેડે આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, એવો તપે છે ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત આ આર્યની ભૂમિ તણો પ્રકાશ! - કવિ ન્હાનાલાલ એવોર્ડ સમારંભ મહુવા ગુરુકુળ તા. 15-ઓગસ્ટ-2021 Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...