મનનો મોનોલોગ:ઈજાગ્રસ્ત સ્વમાન પર મલમ લગાડવાની નિરર્થક મથામણ : રીબાઉન્ડ લવ

ડો. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • }}} કોઈ એક સંબંધમાંથી અનિચ્છનીય રીતે છૂટા પડ્યા પછી, એ પ્રિયજનને ભુલાવવા માટે તાત્કાલિક કોઈ અન્ય સંબંધમાં પ્રવેશી જવાની ઘટનાને રીબાઉન્ડ લવ કે રિલેશનશિપ કહેવાય છે

બાળપણમાં જ્યારે પપ્પા આપણા પર ગુસ્સો કરતા ત્યારે રડતાં રડતાં આપણે મમ્મીની પાસે જતાં. ઘરનું કોઈ એક સભ્ય આપણને ખિજાય, એટલે તરત જ આપણે ઘરના કોઈ બીજા સભ્ય પાસે લાડ લડાવવા જતાં. નિશાળમાં કોઈ એક શિક્ષક ખિજાય, ક્લાસની વચ્ચે ઉતારી પાડે કે ક્લાસરૂમમાંથી બહાર કાઢી મૂકે, તો તરત આપણે કોઈ બીજા શિક્ષક પાસે વહાલાં થવા જતાં. એ આપણી જન્મજાત આવડત હોય કે પછી સામાજિક અવલોકન દ્વારા શીખેલી એક સર્વાઈવલ ટેક્નિક, એક વ્યક્તિ પાસેથી મળેલા અસ્વીકાર, તિરસ્કાર કે બહિષ્કારનો ઉપાય આપણે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા થતા સ્વીકાર, પ્રેમ અને સન્માનમાં શોધી લેતાં. આપણા આત્મવિશ્વાસ અને આત્મસન્માનની રક્ષા માટે આપણે શોધી કાઢેલી આ એક એવી પદ્ધતિ હતી, જેમાં કોઈ એક દ્વારા મળતા અસ્વીકારથી આપણી અંદર સર્જાયેલો ખાલીપો, કોઈ અન્ય દ્વારા સ્વીકાર કે પ્રેમથી ભરાઈ જતો. ધીમે ધીમે આપણે મોટા થયાં. મમ્મી-પપ્પા, દાદા-દાદી, નિશાળના ભાઈબંધ અને શાળાના શિક્ષકો જેવા સીધાસાદા સંબંધોમાંથી અચાનક આપણે ‘રોમેન્ટિક રિલેશનશિપ્સ’, ડેટિંગ અને ફ્રેન્ડઝોન જેવા જટિલ સંબંધો અને ભાવનાત્મક આંટીઘૂંટીમાં પહોંચી ગયાં. અહીંનું વાતાવરણ ઘર કે નિશાળ જેટલું સુરક્ષિત નહોતું. પહેલી મિનિટે ગુસ્સો કરીને, બીજી મિનિટે વહાલથી ગળે લગાડી દેતા પપ્પા કે વઢ્યા પછી પણ માથા પર પ્રેમથી હાથ ફેરવતાં શિક્ષકોથી આપણે દૂર થતાં ગયાં. ધીમે ધીમે આપણી પ્રેમ, સ્વીકાર અને તિરસ્કારની વ્યાખ્યા બદલાતી ગઈ. ‘જા, તારી સાથે નથી બોલતી.’ કહીને રિસાઇ જતી બહેનપણી, નાની અમથી વાતમાં કિટ્ટા કરી દેતો ભાઈબંધ, અધૂરા હોમવર્ક માટે ક્લાસની બહાર કાઢી મૂકતા શિક્ષક કે આપણા તોફાનોથી નારાજ થઈને અબોલા લઈ લેતા પપ્પા, આ બધા આપણા માટે બાળપણના ‘હાર્ટ-બ્રેક્સ’ હતા. તોય જિંદગી મેનેજેબલ હતી, કારણ કે આ બધી જ ‘ભાવનાત્મક તકલીફો’ ક્ષણિક હતી. આમાંથી કોઈએ પણ આપણને એવું નહોતું કહ્યું કે ‘ઈટ્સ ઓવર’. પુખ્ત થયા પછી, હાર્ટ-બ્રેકના પ્રકાર બદલાય છે. એમાં વ્યક્તિઓ બદલાય છે, ભાવનાત્મક જોડાણ બદલાય છે અને સૌથી અગત્યનું એ કે એમાં તિરસ્કાર કે અસ્વીકારની માત્રા, તીવ્રતા અને ડ્યુરેશન બદલાય છે. બસ, એક બાબત નથી બદલાતી. ઘાયલ થયેલા સ્વમાનને મલમ લગાડવાની આપણી વૃત્તિ અને એ જ માનસિકતામાંથી જન્મે છે ‘રીબાઉન્ડ લવ’. કોઈ એક સંબંધમાંથી અનિચ્છનીય રીતે છૂટા પડ્યા પછી, એ પ્રિયજનને અથવા તો એના તરફથી મળેલા રિજેક્શનને ભુલાવવા માટે તાત્કાલિક કોઈ અન્ય સંબંધમાં પ્રવેશી જવાની ઘટનાને રીબાઉન્ડ લવ કે રિલેશનશિપ કહેવાય છે. તાજેતરમાં થયેલા બ્રેક-અપ પછી આપણા ‘એક્સ’ની અસરમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા પહેલાં અથવા તો એના વિરહની ઈમોશનલ પીડા ઓછી કરવા માટે, અધીરા કે ડેસ્પરેટ થઈને આપણે લાયકાત વગરના કોઈ પણ ‘ટોમ, ડીક, હેરી’ કે ‘ઈના, મીના, ટીના’નો હાથ પકડી લઈએ છીએ. આનું કારણ એ છે કે બ્રેક-અપ થયા પછી પ્રિયજન દૂર થઈ જાય છે અને એમના માટેનો પ્રેમ આપણી પાસે જ રહી જાય છે. એ પ્રેમનું શું કરવું? એ આપણને ખબર નથી પડતી. એટલે જ પ્રેમની એ અભિવ્યક્તિને જાળવી રાખવા માટે આપણે સામેવાળી વ્યક્તિને રિપ્લેસ કરી દઈએ છીએ. આપણે એ જ અવસ્થામાં ફરી પાછા પહોંચવા માગીએ છીએ, જેમાં આપણે બ્રેક-અપ પહેલાં હતાં. આપણે હજુય પણ એટલા જ વોન્ટેડ, ડિઝાયરેબલ કે ડિમાન્ડમાં છીએ, એવો જાતને દિલાસો આપવા માટે આપણે કોઈ પણ પાત્ર સાથે સંબંધમાં જોડાઈ જઈએ છીએ. બટ માય ડીયર ફ્રેન્ડ, આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે સામેવાળી વ્યક્તિનો ‘ઉપયોગ’ કરીને આપણે, જાતની અંદર વ્યાપેલો ખાલીપો ભરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં છીએ. આપણે એક એવા વાસણને ભરવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ, જેને તળિયું જ નથી. નવા સંબંધમાં પ્રવેશ્યાં પછી પણ સતત આપણા ‘એક્સ’ વિશે વિચાર્યા કરવું, એનાં પ્રોફાઈલ, ડીપી કે સ્ટેટસ જોયાં કરવાં, એની વાતો કર્યા કરવી, એને ઈર્ષા કરાવવા કે ‘દેખાડી દેવા’ માટે આપણા નવા પાર્ટનરનો ઉપયોગ કરવો અથવા તો એને મિસ કરવાનું અવોઈડ કરવા માટે સતત કોઈના સંપર્કમાં રહેવું, આ બધાં લક્ષણો રીબાઉન્ડ લવના છે. સ્વમાન અને આત્મવિશ્વાસને જાળવી રાખવા માટે પ્રતિક્રિયા સ્વરૂપે કરવામાં આવતા (થતા નહીં) આ પ્રકારના પ્રેમની લાક્ષણિકતા એ હોય છે કે આમાં આત્મીયતા કે ભાવનાત્મક લગાવનો સદંતર અભાવ હોય છે. હકીકતમાં, આ પ્રેમનો ઉપયોગ કરીને આપણે જૂના પ્રેમ-સંબંધ અને પ્રેમીમાંથી જાતને ડાઈવર્ટ કરવાનો પ્રયાસ કરતાં હોઈએ છીએ. આ પ્રેમ અને પ્રવૃત્તિ જોખમી એટલા માટે છે કારણ કે જૂના ઘાવ રુઝાયા ન હોય એવી અવસ્થામાં આપણે જાતને નવી ઈજાઓ તરફ ધકેલતાં હોઈએ છીએ. જ્યાં સુધી આપણે જૂના સંબંધની અસરમાંથી સંપૂર્ણપણે બહાર નથી આવી જતાં, ત્યાં સુધી આપણા જીવનમાં પ્રવેશેલી દરેક નવી વ્યક્તિને આપણે રિપ્લેસમેન્ટ તરીકે જોઈએ છીએ, પ્રેમ તરીકે નહીં. અણધાર્યા વિયોગ કે જુદાઈ પછી આપણને જેની મહત્તમ જરૂર હોય છે એ પાર્ટનર કે પ્રેમ નથી, એ હીલિંગ છે. તો શું કરવું? બ્રેક-અપ પછી તાત્કાલિક કોઈ નવા સંબંધમાં જમ્પ કરવા કરતાં, એવી પ્રવૃત્તિઓ કરવી જે આપણા તળિયે બેસી ગયેલા સ્વમાનને ઊંચકે. આપણા તૂટેલા હૈયાની શ્રેષ્ઠ સારવાર સ્પોર્ટ્સ, કસરત, કલા, સંગીત, પ્રવાસ અને પુસ્તકોમાં રહેલી છે. આપણા મિત્રો અને સ્વજનોમાં રહેલી છે. નિશાળના શિક્ષકો, વડીલો અને ગુરુજનોમાં રહેલી છે. મમ્મી-પપ્પા કે ભાઈ-બહેનના સ્પર્શમાં રહેલી છે. લાઈફ ઈઝ અ ફૂલ સર્કલ. દુઃખી હોઈએ ત્યારે ફરી પાછા આપણે ત્યાં જ જવું પડે છે, જ્યાં આપણે બાળપણમાં જતાં. મમ્મીના ખોળામાં, પપ્પાના ખભા પર, દાદા-દાદીની વાર્તામાં અને કોઈના સંગાથ વગર પણ કાયમ ખુશ રહેતી આપણી એ જાત પાસે, જેને આપણે ક્યાંક ભૂલી ગયેલાં. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...