લક્ષ્યવેધ:ગુજરાતી સાહિત્ય વિષય સાથે ત્રીજા પ્રયાસે UPSC ક્લિયર કરેલી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલ્પેશ રૂપાવટિયા. આઇઆરએસ. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટી ખીલોટી ગામના આ ખેડૂતપુત્ર યુવાને દાંતના ડોક્ટર બન્યા પછી યુપીએસસી પરીક્ષા ક્રેક કરી છે. તેઓ અત્યારે અમદાવાદમાં જોઇન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે ફરજ બજાવે છે. તેમણે મોટી ખીલોટી ગામમાં જ પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલમાં ધો. 1થી 8 સુધી અભ્યાસ કર્યો. એ પછી ધો. 9 અને 10 એમણે પરબવાવડીની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠમાં કર્યું. એ પછી ધો. 11-12 (સાયન્સ) ભણવા અમદાવાદ ગયા. ત્યાં સરકારી ડેન્ટલ કોલેજમાંથી બીઓએસ એટલે કે બેચલર ઇન ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કર્યો. ડો. કલ્પેશ કહે છે કે, ‘ઓક્ટોબર-2008માં હું ડેન્ટિસ્ટ બની ગયો. ડેન્ટિસ્ટ તરીકે મેં ઇન્ટર્નશિપ પણ કરી હતી. આ ઇન્ટર્નશિપ માટે મેં રાજકોટની સરકારી હોસ્પિટલમાં મે મહિનાથી લઇને જુલાઇ સુધી – એમ બે માસ ઇન્ટર્નશિપ કરી છે.’ ડેન્ટિસ્ટ બની ગયા, ઇન્ટર્નશિપ પણ કરી તો પછી સરકારી અધિકારી બનવાનું મન કેમ થયું? એવું પૂછતાં ડો. કલ્પેશ રૂપાવટિયાએ કહ્યું હતું કે, ‘અમારો પરિવાર ગામમાં ખેતીવાડી કરતો હતો. આથી શરૂઆતમાં મારો ગોલ સારી આવકવાળી જોબ કરવાનો હતો. ડોક્ટર તરીકેની ફરજ પ્રતિષ્ઠાવાળી હોવાથી ડેન્ટિસ્ટ બન્યો હતો. એ પછી મને થયું કે, મેડિકલ લાઇન કરતાં સિવિલ સર્વિસમાં સમાજનું વધુ સારું કામ કરી શકાય છે. વળી, એ પણ પ્રેસ્ટિજવાળી સર્વિસ છે ને? જે ગોલ માટે ડેન્ટલ કરીને ડોક્ટર તરીકે સફળતા મેળવી હતી. એવો જ ગોલ મેં સિવિલ સર્વિસ માટે નક્કી કર્યો હતો. ડેન્ટલમાં સફળતા મળી, તો સિવિલ સર્વિસમાં પણ સફળતા મળશે જ, એવો આત્મવિશ્વાસ હતો. આવા આત્મવિશ્વાસ સાથે આ ફિલ્ડ મારા માટે નવું હતું. તેથી તેમાં ઢળવામાં થોડી તકલીફ પડી હતી, પરંતુ સ્પીપામાં મને મિત્રો ઘણા સારા મળી ગયા હતા. અનંત, રવિ, દેવાંશુ, સતીશ, રાજેશ સહિતના મિત્રો મને ઘણા જ મદદરૂપ બન્યા હતા. તેમાં અમુક મિત્રો સિનિયર હતા આથી તેમનું મટિરિયલ્સ મને ખૂબ કામ લાગ્યું હતું.’ ડોક્ટર બની ગયા હતા. પછી સરકારી અધિકારી બનવા માટે તમારો પરિવાર અને પિતાજી રાજી થયા હતા? એવા સવાલના જવાબમાં ડો. કલ્પેશ કહે છે કે, ‘હા, મારા પિતાજીએ કહ્યું કે વાંધો નહીં. તારું ડેન્ટલ પૂરું થયું છે. છતાં તારે જે કરવું હોય એ કર. મને કંઇ વાંધો નથી. સામાન્ય રીતે ગ્રેજ્યુએશન પૂરું થયા પછી એક દિવસ પણ બેરોજગાર રહેવું એ કોઇ પણ યુવાનને કે તેના પરિવારને પરવડે નહીં, પરંતુ મારે તો ગ્રેજ્યુએશન પછી ત્રણ ટ્રાયલ માટે અને તેની તૈયારી માટે બેસી રહેવું પડ્યું હતું. જોકે મારા પપ્પાએ કહ્યું કે, તારે કોઇ જોબ કરવાની જરૂર નથી. જે કરવું છે, તે પૂરું ધ્યાન લગાવીને કર. બસ, આ સધિયારો મળ્યા પછી મેં ત્રણ વર્ષ આકરી મહેનત કરી.’ ડો. કલ્પેશ રૂપાવટિયા કહે છે કે, ‘યુપીએસસીની પરીક્ષા મેં ગુજરાતી સાહિત્ય સાથે આપી હતી. યુપીએસસી પરીક્ષાની પહેલી બે ટ્રાયલમાં મને સફળતા મળી નહોતી. છતાં હું હિંમત ન હાર્યો, નિરાશ ન થયો. મહેનત ચાલુ રાખી. પરિણામે ત્રીજા પ્રયાસમાં હું 311મા રેન્ક સાથે પાસ થઇ ગયો હતો.’ hemennbhatt@gmail.com

ક્રિકેટનો શોખ હોવાથી આઈપીએલ વિશે સવાલો પૂછાયા

આઈઆરએસ કલ્પેશ રૂપાવટિયાને ઇન્ટરવ્યૂમાં કયા પ્રશ્નો પૂછાયાં હતા? તેઓ કહે છે કે, ‘હું દાંતનો ડોક્ટર હોવાથી તેના વિશે પુછાયું હતું. મને ક્રિકેટનો શોખ હોવાથી આઇપીએલ જરૂરી છે? એવું પુછાયું હતું. મેં જવાબ આપ્યો હતો કે, જ્યારે વન-ડેની શરૂઆત થઇ ત્યારે ટેસ્ટ ક્રિકેટ ઉપર ઇમ્પેક્ટની વાત થઇ હતી, પણ બંને સાથે રમાય છે. એ જ રીતે આઇપીએલથી નુકસાન થશે એવી વાત થાય છે, પણ આટલા વર્ષોથી આઇપીએલ રમાય છે. સાથે વન-ડે અને ટેસ્ટ સીરિઝ પણ ચાલુ છે. આગળ શું થશે, તેની ખબર નથી, અત્યારે તો આઇપીએલથી ખેલાડીઓમાં પ્રોફેશનલિઝ્મ વધ્યું છે, ફિટનેસ પર વધુ ધ્યાન આપે છે. આઇપીએલમાં મનીપાવર વધુ દેખાય છે? એવું પૂછ્યું તો મેં કહ્યું કે જ્યાં સુધી આપણે ખેલાડીઓની વધુ કિંમત અને ટીમની કિંમત સાંભળીએ છીએ ત્યાં સુધી લાગે છે, પરંતુ તેનાથી ક્રિકેટમાં પ્રોફેશનાલિઝ્મ વધે છે અને ખેલાડીઓ સ્કિલ ડેવલપ કરે છે. ડોમેસ્ટિક ક્રિકેટર્સને ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળે છે. આ ઉપરાંત, ટાઇટેનિક વિશે, ભારત-બાંગ્લાદેશ વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે પ્રશ્નો પુછાયા હતા.’

ગામમાં ઉચ્ચ શિક્ષણ બહુ ઓછાએ લીધું હતું! ડો. કલ્પેશ કહે છે કે, ‘અમારા ગામ મોટી ખીલોટીમાં ઘણાબધા લોકોએ ઉચ્ચ શિક્ષણ લીધું નહોતું. મારા પપ્પા કાનજીભાઇ રૂપાવટિયા મોટી ખીલોટી ગામમાં ખેડૂત છે. અમારા ગામમાં એક જ ડોક્ટર હતા. મારો નાનો ભાઇ રાકેશ અમદાવાદમાં સી.એ. છે.’ તેઓ કહે છે કે, ‘હું ભણતો હતો ત્યારે મેં કદી પણ વિચાર કર્યો નહોતો કે હું સિવિલ સર્વન્ટ બનીશ.’ ડો. કલ્પેશ રૂપાવટિયાનાં પત્નીનું નામ નીતા ગજેરા છે, તે અમરેલીના સણોસરા ગામના છે. તેમનાં મમ્મીનું નામ વિલાસબહેન છે.

વિદ્યાર્થીઓ માટે ટિપ્સ Âગ્રૂપ બનાવીને સ્ટડી કરવાથી વધુ ફાયદો થાય છે. Âઆન્સર રાઈટિંગની પ્રેક્ટિસ જરૂરી. Âએકાદ-બે વારની નિષ્ફળતાથી નિરાશ થયા વિના સંકલ્પ અને સમર્પણ સાથે તૈયારી કરતાં રહો. Âનેગેટિવિટીને દૂર રાખીને પોઝિટિવિટી વધારો. Âએક વાર 365 દિવસ તૈયારી માટે ફાળવો, પછી જિંદગી સુધરી જશે.

અન્ય સમાચારો પણ છે...