હસાયરામ:ચડ-ઊતર

18 દિવસ પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક
  • ‘છોલવા પડશે!’ મિસ્ત્રીએ બે જ શબ્દોમાં ઉપાય સાથે આદેશ આપ્યો. ‘મોંઘવારીમાં છોલાયા પછી જ આ ઘર બન્યું છે.’

સોસાયટી કે શહેરના રાજકારણીનું નામ અતિથિ વિશેષમાં ન લખો તો તેનું મોઢું ચડી જાય. પત્ની સામે તેના ભાઈના દુર્ગુણ વર્ણવો તો તેનું મોઢું ચડી જાય. બર્થ ડે ઉપર કેટલાકને રૂબરૂ મળ્યા હોવા છતાં ફેસબુક પર ટેગો નહી તો પણ અમુકના મોં ચડી જાય. પત્ની તૈયાર થઈને ફંક્શન માટે જવા તમારી બાજુની સીટ પર બેસે ત્યારે જો તેના વખાણ ન કરો તો પછી પત્નીનું મોં અવશ્ય ચડી જાય અને ક્યારેક તો પતિનું મોં સોજી પણ જાય.

‘મોઢું ચડાવવું’ આ રૂઢિપ્રયોગ નાનપણમાં જ્યારે વ્યાકરણમાં પ્રથમવાર ભણ્યો ત્યારે મને થયું હતું કે જેમ ફૂલ ચડાવાય એ રીતે ‘મોઢું પણ ચડાવાતું હશે!’ આગળ જતાં ખબર પડી કે આ રૂઢિપ્રયોગ તો ઘરમાં થીયરી કરતા પ્રેક્ટીકલમાં વધુ વપરાય છે. ‘જા તો બેટા, રસોડામાં જોઈને આવ તો તારી માનું મોઢું ચડેલું છે?’ પપ્પાએ એકવાર આવુ મને પૂછ્યું. ત્યારે મમ્મીનું ચડેલુ મોં જોવા રસોડામાં મેં દોટ મુકેલી. મોઢું ચડ્યા પછી મોંના આકારમાં કશો ફર્ક પડતો હશે! આવી મારી ધારણા ખોટી પડી. કોઈને ભક્તિ ચડે છે, ઘણાને ક્રોધ ચડતો હોય છે, ઘણાને નશો ચડતો હોય છે, ઘણાને પાવર ચડતો હોય છે. કોઈને વીંછી ને સાપ ચડે છે. કોઈ ખુરશી પર ચડે છે તો કોઇના ઉપર ખુરશી ચડે છે. આમ જુઓ તો આપણી આસપાસ નરી આંખે દેખાતી નથી પણ આવી ચડ-ઉતર સતત ચાલુ જ રહે છે. એકવાર મારું પાટલુન ચડી ગયેલું. મારા ચાર આંગળ પગ ક્યારે વધી ગયા તેની મને જ ખબર ના રહી. રમતી-જમતી-નમતી વખતે નાનપણમાં પાટલુન દુબળા દેહના લીધે અનેક વાર ઉતરી જતું. પણ પહેલીવાર પાટલુન ચડ્યુ જેનો મને આશ્ચર્ય સાથે આનંદ હતો.

અત્યાર સુધી અતુલ ઘર લેવા માટે હેરાન થયેલો. પણ આ ચોમાસે અતુલ ઘરના બારી-બારણાથી ત્રાહીમામ પોકારી ઊઠ્યો. ‘સાંઈ, ઘરના છ દરવાજા વરસાદને લીધે ચડી ગયા છે. શું કરવું બોલ?’ ‘અતુલ, બારણાં સડે તો નવાં કરાવી લેવાય, ચડે તો કાઢી ના નખાય નહીંતર ઘર જાય ને ઓસરી રહે.’ ‘પણ ભાઈ, દરવાજો નણ્યા કોઠે જ્યારે ખોલવા જાઉં ત્યારે સવાર સવારમાં કો’ક સામેથી બારણું ખેંચીને ઊભું હોય એવી ફીલિંગ આવે છે!’

‘સવારમાં ઉપરા-ઉપરી બે વાર જોર કરવું ના પોસાય હો! કલાક પછી હું મારા ઓળખીતા મિસ્ત્રીને લઈને આવું છું.’ અતુલના ઘરમાં છ દરવાજા અલગ-અલગ અવસ્થા પામીને સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હતા. ઘરનો મુખ્ય દરવાજો અડધા હાથ જેટલો ખૂલ્યા બાદ જમીનની ટાઇલ્સને પપ્પી કરી બેઠો હતો. તે ખૂલ્યો પણ હલવાનું નામ લેતો ન હતો. આમ અતુલના ઘરમાં અડધા હાથના ખુલ્લા દરવાજામાં ત્રાંસા થઈને જ પ્રવેશ મેળવવાનો હતો. ‘ત્રાંસા માત્ર પ્રવેશને પાત્ર’ સૂત્રને આ પ્રથમ દરવાજે સિદ્ધ કર્યો હતું. બીજા ને ત્રીજા દરવાજા બાર સાખે બોચીમાંથી પકડેલા હતા. એ બંને નીચેથી ખૂલતા હતા પણ ઉપરથી જામ થયા હતા. ચોથા ને પાંચમા દરવાજાનાં ચરણ જાણે મગરમચ્છે ઝાલી લીધાં હોય તેમ તે ઉપરથી ખૂલતા હતા અને સ્ટોપરથી નીચે જામ હતા. છઠ્ઠો દરવાજો એકદમ વિશિષ્ટ અને રહસ્યમય પરંપરાનો સીધી લીટીનો વારસદાર હતો. તે ક્યારેક ઉપરથી ખૂલતો તો નીચેથી જામ થઈ જતો અને ક્યારેક નીચેથી ખૂલે તો ઉપર જામ થઈ જતો. તે અદ્દલ રાજકારણી જેવો હતો. અતુલે છ બારણાંની આવી દુઃખદ ઓળખ પરેડ કરાવી. મિસ્ત્રીએ સીધા છઠ્ઠા બારણાં પર તાકાત અજમાવી. પાંચ સાત મિનિટના બળપ્રયોગથી એ બારણાનું હેન્ડલ મિસ્ત્રીના હાથમાં આવી ગયું. ‘આ નવું નાખવું પડશે.’ કહીને મિસ્ત્રી પ્રથમ નંબરના દરવાજા સમીપે આવ્યો. ત્યારે ‘તને એ હેન્ડલ તોડવાનું કોણે કીધું હતું?’ આ વાક્ય મારા ગળા સુધી આવી ગયું તો પણ હું વાક્ય ગળી ગયો કારણ બીજો મિસ્ત્રી આટલી ઝડપથી વિઝિટ નહી કરે. ‘છોલવા પડશે!’ મિસ્ત્રીએ બે જ શબ્દોમાં ઉપાય સાથે આદેશ આપ્યો. ‘મોંઘવારીમાં છોલાયા પછી જ આ ઘર બન્યું છે. હવે બારણાં પણ છોલવાં પડશે?’ અતુલે પોતાની પીડા એક વાક્યમાં કહી. ‘ચૂંટણી પહેલાં છોલી નાખો તો સારું!’ મિસ્ત્રી માવો ગલોફામાં ચડાવી આટલું કહી ચાલ્યો ગયો. ચૂંટણી અને છોલવાની ઘટનાને પૂર્વાપર શું સંબંધ હશે? એ અમે બંને વિચારતા જ રહ્યા.

સીડી ચડતી વખતે આપણને કદી એવું લાગતું નથી કે આ પગથિયાં ચડી ગયાં છે. જો કે જે રીતે પગથિયાં ચડાય છે એ રીતે બારણું ચડવાનું હોતું નથી. શબ્દપ્રયોગ એક જ હોવા છતાં બંનેના સંદર્ભ અલગ અલગ છે. આ રીતે જુઓ તો કોઈ પણ સંગીતના કાર્યક્રમમાં તબલા ઉસ્તાદ હથોડીથી તબલું ચડાવે છે. સ્વર પ્રમાણે ટીપીટીપીને ક્યારેક તબલું ઉતારવું પણ પડે છે. (એટલે સ્ટેજથી નીચે નહીં હો...!) કાશ પત્નીનું મોં કે પતિદેવનું મોઢું ચડે ત્યારે પણ...! તો દરેક બાપ કરિયાવરમાં હથોડી અવશ્ય આપત. અમુક ઘરમાં તો એ હથોડી દીવાનખંડની ટિપોઈ નીચે તો અમુક ઘરમાં ઘરના દરવાજા પાસે ઇમરજન્સી એલાર્મની જેમ ટિંગાડવી પડત.

મારી પત્નીએ લોકડાઉનમાં મને ખાંડનો ડબ્બો ખોલી આપવાનું કહેલું. વાઈફ જ્યારે ઘરમાં બધાંની વચ્ચે આપણને ડબ્બો પકડાવે ત્યારે આપણી મર્દાનગી દાવ પર લાગી જતી હોય છે. મારા નખ GPSCની પરીક્ષા દેતા હોય એવું મને લાગ્યું. પાંચેક મિનિટ બળ કર્યાં પછી ડબ્બો તો સદ્દનસીબે ખૂલી ગયો પરંતુ ત્યારે પત્નીએ મારા જ્ઞાનકોષમાં એક નવો શબ્દ ઉમેર્યો કે આ ડબ્બો દોઢે ચડી ગયો હતો.

આજે દાળ બહુ ચડી નહીં તેથી ફરી મગ ચડવા મૂક્યા છે. તમે એનિવર્સરી ઉપર લાવ્યા’તા એ કોટનની સાડી ચડી ગઈ છે. આટલા શબ્દો ઘરમાં મને સંભળાયા અને હું શૂન્યમનસ્ક થઈને મોઢું ચડાવ્યા વગર સોફા પર બેસી ગયો. ત્યાં એક પાડોશી અંકલે ઘરે આવીને તેના જમાઈને મારી ઓળખાણ આપી કે હું સાંઈરામ દવેને છેલ્લાં વીસ વરસથી ઓળખું એની કારકિર્દી ચડી નહોતી ત્યારથી...! આ લે લે...! ⬛ હાયરામ આ ઓબેસિટી કયા રાજ્યમાં આવેલું છે?

અન્ય સમાચારો પણ છે...