ન્યૂ રીલ્સ:21મી સદીની અનોખી ફિલ્મો

વિનાયક વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • }}} એકવીસમી સદીની શરૂઆતમાં આવેલાં મલ્ટિપ્લેક્સો અને બે-ત્રણ વર્ષ પહેલાં નવું ઉમેરાઇ રહેલું ઓટીટી પ્લેટફોર્મનું ઓડિયન્સ ભલભલી અનોખી થીમો સ્વીકારવા માટે તૈયાર બેઠું છે

વીસમી સદીમાં, ખાસ તો 1975થી 1985ના દશકામાં ‘સમાંતર’ ફિલ્મો અથવા ‘આર્ટ’ ફિલ્મોનો દોર આવ્યો હતો. એમાંની મોટા ભાગની ફિલ્મો સામાન્ય પ્રેક્ષકો માટે માથાના દુખાવા જેવી હતી, છતાં અમુક ભદ્ર વર્ગ ‘અમે તો આર્ટ ફિલ્મો જોઇએ છીએ’ એવો દંભ કરવા માટે આવી ફિલ્મો જોતો હતો. શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાની જેવા ફિલ્મકારોની અમુક ફિલ્મો જોવા માટે શહેરી મિડલ ક્લાસ પણ ઉત્સાહથી થિયેટરોમાં જતો હતો, પરંતુ 1985 પછી દેશભરમાં ટીવીનો પ્રભાવ વધ્યો. એમાં થિયેટરો પોતે જ કાગડા ઊડવા માટેનાં પ્લેગ્રાઉન્ડ બનવા લાગ્યાં. છેક મોડે મોડે 1994માં ‘હમ આપ કે હૈં કૌન’ પછી જ્યારે ફેમિલી ઓડિયન્સ ફરી સિનેમાહોલ તરફ વળ્યું, ત્યાં સુધીમાં તો આ કહેવાતી ‘આર્ટ’ અથવા ‘સમાંતર’ ફિલ્મોનો સાવ છેદ જ ઊડી ગયો હતો. ત્યાર બાદ જ્યારે આપણી આ 21મી સદીમાં શહેરી મલ્ટિપ્લેક્સ ઓડિયન્સ ઊભું થયું, ત્યાં સુધીમાં ‘કોર્પોરેટ’ બની ચૂકેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યૂટિવો સમજી ચૂક્યા હતા કે હવે ‘આર્ટ ખાતર આર્ટ’નો દંભ ચાલવાનો નથી. મલ્ટિપ્લેક્સનો આ નવો પ્રેક્ષક ‘નવી’ ‘અલગ’ ‘હટ કે’ અને ‘સમથિંગ ડિફરન્ટ’ ટાઇપની ફિલ્મો જોવા આવશે તો ખરો, (કેમ કે 100-200 રૂપિયાની ખાસ વેલ્યૂ નથી) પરંતુ જો એ લોકો ‘બોર’ થશે તો કોઇ જાતનો દંભ પણ ફિલ્મને ડૂબતી બચાવી શકશે નહીં. ટૂંકમાં, મનોરંજન તો પીરસવાનું જ છે, છતાં ‘અલગ-હટ કે’ ફિલ્મો આપવાની છે, એવી ચેલેન્જ નવા ફિલ્મકારો માટે હતી. આમાં ભારતીય સિનેમા માટે ગર્વ લેતાં કહી શકાય કે આપણા ટેલેન્ટેડ ફિલ્મકારો આ ચેલેન્જ સામે ખરેખર સફળ પુરવાર સાબિત થયા. જરા વિચાર કરો, ઘરમાં એક શૌચાલય હોવું જોઇએ એવી સરકારી પ્રચાર જેવી લાગતી થીમ ઉપરથી કોઇ મનોરંજક ફિલ્મ બનાવવી કેટલી અઘરી છે? છતાં ‘ટોઇલેટ-એક પ્રેમકથા’ જોતી વખતે આપણને સહેજ પણ અંદાજ નથી આવતો કે આ વિષયની વાર્તા વિચારવામાં, તેનાં દૃશ્યો ઊભા કરવામાં અને છેક જુનવાણી, કહેવાતી ધાર્મિક માન્યતાઓને પડકારી શકે એવી વાતો વણી લેવામાં ફિલ્મ કેટલી સફળ થાય છે! એવું જ કંઇક ‘પેડમેન’માં છે. માસિકધર્મ વખતે જુનાં, ફાટેલાં ગાભા વાપરવાથી થતી સમસ્યા સામે ઝઝૂમતો એક મામૂલી કારીગર, સસ્તાં સેનિટરી પેડ બનાવવામાં શી રીતે સફળ થયો એની ‘ટ્રુ-સ્ટોરી’ને ખરેખર ‘મનોરંજક’ બનાવવા જતાં આખી ફિલ્મ જ મજાક ન બની જાય એ સૌથી મોટી ચેલેન્જ હતી કે નહીં? એ જ રીતે ભારતની અવકાશસિદ્ધિ સમાન ‘મંગલયાન’ની કહાની જો હકીકતો અને વૈજ્ઞાનિક તથ્યો સાથે રજૂ થઇ હોત તો બિચારા પ્રેક્ષકના દિમાગની નસો જ ખેંચાઇ જવાનો ડર હતો. છતાં એ ફિલ્મ સફળ બની શકી. આ ત્રણેય ઉદાહરણો અક્ષયકુમારની ફિલ્મનાં છે એટલે કંઇ અક્ષયકુમાર આ નવી અનોખી ફિલ્મોનો મશાલચી નથી બની જતો. ખરા યશના હકદારો તેના પટકથા લેખકો છે. એક તરફ આપણી પાસે ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મ છે, જ્યાં પુરુષના ઉત્થાનની સમસ્યાને પડદા ઉપર લાવવા જતાં કોઇ પણ ક્ષણે તે અશ્લીલતાની સીમારેખા પાર કરી જાય તેવો ડર હતો. છતાં આખી ફિલ્મ પુખ્ત વયનાં લોકો સહકુટુંબ જોઇ શકે એટલી સરળ અને હલકી-ફૂલકી બની છે. (બાય ધ વે, આ સાઉથની ‘ક્લ્યાણ સમયળ સાધમ’ નામની તામિલ ફિલ્મની રિમેક છે.) બીજી તરફ ‘પિન્ક’ ફિલ્મ તો ખરેખર અનોખું ઉદાહરણ છે. જ્યાં બળાત્કાર તો થયો જ નથી, છતાં શારીરિક સમાગમમાં યુવતીની સંમતિ હોય અને ન હોય એ બે ઘટના વચ્ચેની પાંચ જ મિનિટમાં કેટલો મોટો ફરક છે, તેનો જ આખો જકડી રાખે તેવો કોર્ટ-રૂમ ડ્રામા બનાવી શકાયો. વળી, નાના ગામડાંઓમાં થતા બળાત્કારોમાં કેવા કેવા કેવા રાજકીય, કાનૂની અને જ્ઞાતિવાદનૈ પેંતરાઓ રચાતા હોય છે તેનો ચિતાર આપતી ફિલ્મ ‘આર્ટિકલ 35A’ પણ પ્રેક્ષકોને હચમચાવી ગઇ. ટૂંકમાં, હવે એમ જરૂર કહી શકાય કે એકવીસમી સદીની શરૂઆતમાં આવેલાં મલ્ટિપ્લેક્સો અને બે-ત્રણ વર્ષ પહેલાં નવું ઉમેરાઇ રહેલું ઓટીટી પ્લેટફોર્મનું ઓડિયન્સ ભલભલી અનોખી થીમો સ્વીકારવા માટે તૈયાર બેઠું છે. જરૂર છે તો એમના સુધી ‘મનોરંજન અને અનોખાપણા’નું એક પરફેક્ટ પેકેજ પહોંચાડી શકે તેવી પ્રતિભાઓની, જે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. ⬛

અન્ય સમાચારો પણ છે...