હસાયરામ:છત્રીનો કાગડો

3 મહિનો પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક

રસાદમાં ઘણીવાર બારે મેઘ ખાંગા થાય છે. પરંતુ રસ્તાઓ પર ખાડા પડવાથી નેવું ટકા રોડ એની મેળે ખાંગા થઈ જાય છે. ફિલ્મોમાં દર્શાવાતો વરસાદ રૂંવાડાં બેઠાં કરી ધ્યે છે અને વાસ્તવિકતાનો વરસાદ આપણને...! રીલનો વરસાદ અને રિયલના વરસાદમાં જમીન આસમાનનો ફર્ક છે.

ફિલ્મમાં હીરો હિરોઈન કેવાં રોમેન્ટિક રીતે વરસતા વરસાદે છત્રીમાં છુપાઈ જાય; પણ આપણે તો ટાણે જ છત્રીનો કાગડો થઈ જાય ને કન્યાનો ભાઈ કે કાકો આપણને રંગે હાથ પલળતા પકડી લ્યે છે. ‘ટીપ ટીપ બરસા પાની, પાની ને આગ લગાઈ’ આ ગીત ઘણાં ઘરોમાં માત્ર ગવાતું જ નથી પરંતુ ટપકતી છત પરથી અનુભવાય પણ છે. વળી, એના લીધે ઘરવાળીનું લેક્ચર પતિદેવોનાં રૂંવાડાંમાં આગ લગાડનારું જ હોય છે.

કેવાં કેવાં ગીતો બોલિવૂડમાં લખાય છે. ‘એ ખુદા તૂ બોલ દે, તેરે બાદલોં કો, મેરા યાર હંસ રહા હૈ બારિશ કી જાય...!’ ભઈલા, પ્રકૃતિના નિયમો તારા યાર પર નિર્ભર ન હોય. વળી, તારી યાર તારા સિવાય બીજા કોઈ સામે હસે ત્યારે ભગવાને શું કરવાનું? એ પણ ક્લીઅર કરજો. કેટલીક કન્યાઓ વેખલાની જેમ નોનસ્ટોપ હસ્યાં જ કરતી હોય છે તો શું વરસાદ પણ નોનસ્ટોપ રાખવાનો?

હવામાન ખાતાવાળા મારા એક મિત્ર છે. એણે છેલ્લાં બાવીસ વરસથી પોતાની કોલરટ્યુન નથી બદલાવી. તેને ફોન કરો એટલે તરત ગીત વાગે છે કે ‘આજ મૌસમ બડા બેઈમાન હૈ!’ ભઈ 365 દિવસ મૌસમ બેઈમાન ના હોય લ્યા! એક ગીત સાંભળીને મને ચક્કર આવી ગયા કે, ‘યે મૌસમ કી બારિશ, યે બારિશ કા પાની, યે પાની કી બૂંદેં, તુઝે હી તો ઢૂંઢે!’ અતિશયોક્તિ અલંકારની તમામ હદ વટાવી દેતાં આ ગીતને સાંભળ્યાં પછી મને થયું કે વરસાદ જો આ ભાઈની મહેબૂબાને શોધવા જ પડતો હોય તો વરસાદના બીજા બધા ફાયદા નિરર્થક થયા. આ ભાઈની વવને ગોતવામાં વરસાદ બિઝી થઈ જશે તો ખેતી કેમ થશે વીરા? અને તું પણ વવ ગોત્યાં પછી એને જમાડીશ શું? કાંઈ ગીત ગાવાથી પેટ તો નહીં ભરાય ને? રીલનો વરસાદ પ્રેમની સફળતા દર્શાવે છે; જ્યારે રિયલનો વરસાદ તંત્રની નિષ્ફળતા. કેટલી ગટર ઓવરફ્લો થઈ? કેટલા નાળાં ઊભરાયાં? કેટલા અંડરબ્રિજ સ્વિમિંગ પૂલ બન્યા? કેટલાં ઘરોમાં પાણી આવ્યું? આવા બધા સમાચારો સાથે તંત્રની બેદરકારી છાપાંની હેડલાઈનમાં ચમકે છે. તંત્રની આંખેથી જુઓ તો વરસાદ મોટા શહેરોમાં તંત્રની આબરૂ ધોનારો જ સાબિત થયો છે.

બાળકોની નજરેથી જુઓ તો વરસાદ નિશાળને ધોનારો છે. વરસાદ પડે એટલે ભણવાનું ન જ હોય. આ વણલખ્યા નિયમને આજે પણ અખંડ રીતે અનેક પરિવારો પાળી રહ્યા છે. પાણી ભરેલા ખાબોચિયામાં સાઇકલ મૂકીને પાણી ઉડાડતાં બાળકો શહેરોમાં ભલે ઓછા દેખાય છે. પરંતુ ગમે ત્યારે વરસાદને સ્મિત સાથે વેલકમ એકમાત્ર બાળકો જ કરે છે. ‘રફનોટ પલળી જવાથી લેસન નથી થયું.’ આ બહાનું દરેક વર્ગખંડમાં વરસાદની બીજી સવારે અચૂક સંભળાય છે. ‘વરસાદને લીધે લાઈટ નહોતી સરજી! લેપટોપ ચાર્જ ન થયું’ આવા બહારના મસમોટી કોર્પોરેટ ઓફિસમાં પણ અપાય છે.

વરસાદ એ ભજિયાં ખાવાનું સૌથી મોટું બહાનું છે. પહેલા છાંટા પડે એટલે લગભગ લોકોના સોશિયલ મીડિયા અને મોબાઇલ સ્ટેટસમાંથી પાણી ટપકવાં લાગે છે. ઘેરાયેલાં વાદળાં, હથેળીમાં ઝિલાતા છાંટા અને ગરમાગરમ ભજિયાં આ ત્રણ વચ્ચે જ સ્ટેટસ પણ સંગીતખુરશી રમતાં નજરે ચડે છે. લોકોક્તિમાં કહેવાયું છે કે ‘કલાકાર-કડિયા ને કેરી-વરસાદ એનો વેરી.’ વરસાદ આવતા આ ત્રણેય સાવ ફ્રી થઈ જાય છે. વરસાદ આમ જુઓ તો ઘણાબધાને નવરા કરી ધ્યે છે અને ઘણાને કામે લગાડી ધ્યે છે.

જૂના જમાનાની છત્રી આશરે ચારેક ફીટના લોખંડના સળિયાથી બનતી. એ છત્રી શસ્ત્રની જેમ પણ ઉપયોગમાં આવતી. બંધ છત્રી ગમે તેને ગુડદાવી નાખવા સક્ષમ હતી. સાથીદાર આપણી સાઇકલ લઈને પરવાનગી લીધા વગર ભાગવાની કોશિશ કરે ત્યારે એ છત્રીનું હેન્ડલ કેરિયરમાં ભરાવી તેને ખેંચી રાખવાના પ્રયોગો પણ થતા. જેવો પહેલો વરસાદ પડે એ ભેગી બા જૂના માળિયામાંથી વડીલોની નિશાની જેવી બે-ચાર છત્રીઓ અને એકાદ બે જૂના રેઇનકોટ શોધી કાઢે. જૂની છત્રીના એકાદ બે ઠઈડાયેલા સળિયાઓને સીધા કરવામાં ઘણીવાર આખી છત્રીનું કાપડ ફાટી જતું. છત્રીના કાપડ પર રફુ મારનારા કંજૂસો પણ દરેક ગામમાં હયાત હતા. ધોમ વરસાદમાં ભારે પવનને લીધે છત્રી ઘણીવાર કાગડો થઈ જતી.

1987ની સાલ હતી. અમરનગરમાં અમારે દેશી નળિયાવાળા બે રૂમ હતા. પપ્પાએ નાનકડો સત્સંગ હોલ હનુમાનજીની મૂર્તિ માટે પાકા સ્લેબનો બનાવેલો. વરસાદમાં ગાદલાં-ગોદડાં પલળે નહીં એટલે આખો ડામચિયો એ હોલમાં શિફ્ટ કરેલો. અમે ત્રણે’ય ભાઈઓ ખૂબ તોફાની હતા. કૂતરાની પૂંછડીયે લવિંગિયાંની સળગતી શેર બાંધવી, ગામની બકરીઓને પકડીને દોઈ લેવી, કોઈની અગાસી પર જઈને તેના ટી. વી. એન્ટેનાનાં સેટિંગ ફેરવી નાખવાં, શેરીના કચકચિયા કાકાની બારીના કાચ ગુપ્ત રીતે ફોડવા, અમોને બપોરે રમવા ન ધ્યે એ કાકીના ઘર બહાર ક્રુડ ઓઈલના થાપા મારવા, ગલૂડિયાંના શીરા માટે પાવલી ન આપી હોય એવા કંજૂસ લોકો પાછળ કૂતરાં ભગાવવાં... આવાં તોફાનોનું જો લિસ્ટ કરવા બેસું તો ત્રણ ચાર લેખ ઓછા પડશે.

અમે ત્રણેય ભાઈઓ નવાં નવાં તોફાનના સર્જન કરતા. અમારો પરિવાર અને શેરી અમારાં તોફાનોથી ત્રાહિમામ્ પોકારતી. પપ્પાના હાથનો મેથીપાક એ અમારા માટે દિનચર્યાનો એક ભાગ રહેતો. કોઈને કદાચ અતિશયોક્તિ લાગશે પરંતુ આ હું નરી વાસ્તવિકતા લખી રહ્યો છું. અમારાં તોફાનથી કંટાળી અમને ત્રણેયને ક્યારેક પલંગ સાથે તો ક્યારેક ગામના ચોક વચ્ચે થાંભલા સાથે બબ્બે કલાક બાંધવામાં આવતા. જોકે તો’ય અમને સ્હેજ પણ શરમ ન આવતી. ગાલ સોજી જાય એવી પપ્પાની થપ્પડો ખાધા બાદ એકાદ અઠવાડિયાના કોમર્શિયલ બ્રેક બાદ અમે પાછા બમણા વેગથી નવાં તોફાનને અંજામ આપતાં. બાળપણની મોજમસ્તીનો એ વરસાદ હજી હૈયાને ભીંજવે છે. તોફાનોની વાતો પછી ક્યારેક! \

અન્ય સમાચારો પણ છે...