તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:નારીશોષણની બે લઘુ ફિલ્મો

6 મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

કોઈ પતિ પત્નીનું દૂધ વેચીને પૈસા કમાય કે કહેવાતી નિમ્ન જાતિની મહિલાઓ જાહેરમાં છાતી ઢાંકે તો ગુનો ગણાય એવા સમાજને શું કહીશું? મહિલાઓ પર અત્યાચાર, અન્યાય અને શોષણની ઘટનાઓ જૂના સમયથી બનતી રહી છે. આવા અત્યાચાર સમાજ, રાજસત્તા, પરિવાર દ્વારા થાય છે. કેટલીક મહિલાઓ માથું ઊંચકે છે, કેટલીક આંસુ પીને જીવી લે છે. આ વિષય પર બે લઘુ ફિલ્મ જોઈ. એક ગુજરાતી ફિલ્મ ‘ઝાંઝવા’ અને બીજી હિન્દી ફિલ્મ ‘મુલાક્કરમ્’. બંને ફિલ્મની નાયિકા અત્યાચારનો વિરોધ કરી નારીમુક્તિનો સંદેશ આપે છે. સત્તર મિનિટની ‘ઝાંઝવા’નું લેખન અને દિગ્દર્શન અમદાવાદના યુવાન વૈનત દેસાઈએ કર્યું છે. ફિલ્મને અનેક એવોર્ડ મળી રહ્યા છે. ‘ઝાંઝવા’ની કથા મધ્ય પ્રદેશના આદિવાસી સમાજમાં બનેલી સાચી ઘટનાના અખબારી અહેવાલ પર આધારિત છે. યોગાનુયોગ એ જ વિષય પર કાનાઈ કુન્ડુની બંગાળી વાર્તાનો દક્ષાબહેન પટેલે ગુજરાતીમાં કરેલો અનુવાદ ‘અમૃતમંથન’ 2011માં પ્રકાશિત થયો હતો. ‘ઝાંઝવા’નું ફિલ્માંકન ગુજરાતના આદિવાસી વિસ્તારમાં થયું છે. કથાના કેન્દ્રમાં બે આદિવાસી પાત્રો છે : સોમલી અને એનો વર શનિયો. ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં નાટ્યકલાકારો દેવકી અને ગૌરાંગ આનંદે બંને પાત્રો જીવંત બનાવ્યાં છે. સોમલીને પહેલું સંતાન મૃત જન્મે છે, પરંતુ એની છાતીમાં ઊભરાતા દૂધનો દુખાવો અસહ્ય બને છે. ગરીબ આદિવાસી માતાઓ પોષણના અભાવે સંતાનોને પોતાનું દૂધ આપી શકતી નથી. દાયણ ઉપાય બતાવે છે. સોમલી પૈસા લઈને એવાં બાળકોને દૂધ પાઈ પોતાનો દુખાવો મટાડી શકે. શનિયાને એમાંથી કમાણીની તક દેખાય છે. એ માતાના દૂધ વિના ભૂખ્યાં રહેતાં બાળકોને સોમલીનું દૂધ દસ-દસ રૂપિયામાં આપવાનો ‘ધંધો’ શરૂ કરે છે. સોમલી પતિ માટે દૂઝણી ગાય બની જાય છે. એ વચ્ચે સોમલી ગર્ભવતી થાય, પણ દર વખતે કસુવાવડ થઈ જાય. એક દિવસ એ બીજી માતાના બાળકને દૂધ પાવા બેઠી હોય છે, પણ બાળકની મા પૂરતા પૈસા આપી શકે તેમ નથી. શનિયો સોમલીના ખોળામાંથી બાળકને આંચકી લે છે. માતૃત્વ ઝંખતી સોમલી પતિની ક્રૂરતા સહન કરી શકતી નથી. ભૂખ્યું બાળક પૈસાના અભાવે રડતું-કકળતું રહે? શનિયો એને સમજાવે છે કે પૈસા મળે છે તો જ એ સોમલી માટે દાગીના અને દાયણ પાસેથી ગર્ભ બચાવવાની દવા ખરીદી શકે છે. સોમલીને દાયણ પાસેથી જાણવા મળે છે કે એનો પતિ ગર્ભ બચાવવાની નહીં, ગર્ભપાતની દવા લાવતો હતો! સંતાન જન્મે તો એણે છાતીનો દુખાવો મટાડવા બીજાંના બાળકોને દૂધ પાવું પડે નહીં. કમાણી બંધ થઈ જાય. સોમલી પતિ સામે વિદ્રોહ કરે છે. વૈનતે આ ફિલ્મ અભ્યાસના છેલ્લા વર્ષમાં પ્રોજેક્ટના ભાગરૂપે બનાવી હતી. આદિવાસી પરિવેશ, પટકથા અને સંવાદો, દૃશ્યસંયોજન, ભીંતચિત્રો અને સંગીતના અર્થસભર વિનિયોગથી ‘ઝાંઝવા’ સુંદર ફિલ્મ બની છે. બીજી લઘુ ફિલ્મ જોઈ યોગેશ પાગરેની ‘મુલાક્કરમ્’. ભૂતકાળમાં ત્રાવણકોરના રાજશાસને તે સમયની ચુસ્ત વર્ણવ્યવસ્થા પ્રમાણે નિમ્ન મનાતા વર્ગની સ્ત્રીઓ પર શરમજનક કાયદો લાદ્યો હતો. આ ફિલ્મ તે કાયદાની વિરુદ્ધ એક દલિત યુવતી નાંગેલીએ કરેલા બળવાની સત્યઘટના પર આધારિત છે. નિમ્ન ગણાતી જાતિની કન્યા ઉંમરલાયક થાય પછી એણે જાહેરમાં છાતી ખુલ્લી રાખવી પડતી. ઉલ્લંઘન કરનાર સ્ત્રીએ મુલ્લાક્કરમ્ એટલે કે ‘છાતી ઢાંકવાનો ટેક્સ’ ભરવો પડતો. સ્ત્રીસન્માનના ઘોર અપમાન સમા કાયદા સામે નાંગેલી અવાજ ઉઠાવે છે. એ પૂછે છે : ‘નીચ જાતિમાં જન્મ લેવો પાપ છે?’ એ છાતી ઢાંકીને જ ફરે છે. કર-અધિકારી મોટી રકમ ભરવાનો આદેશ આપે છે. નાંગેલી ઝૂંપડીમાં જાય છે અને પોતાનાં બંને સ્તન કાપી કેળનાં પાંદડામાં અધિકારીની સામે ધરે છે. કહે છે કે હવે તો એણે કર ભરવાની જરૂર રહી નથી. લોહીથી લથબથ નાંગેલી મૃત્યુ પામે છે, પરંતુ એના બલિદાનથી રાજસત્તાને એ કાયદો રદ કરવાની ફરજ પડે છે. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...