તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહજ સંવાદ:કવિવર રવીન્દ્રનાથ ટાગોરના રાષ્ટ્રગીતના બે કવિઓ?

3 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • ભારતની બંધારણ સભામાં, 1947 પંદરમી ઓગસ્ટે ‘જન ગણ મન…’ની સાથે ‘વંદે માતરમ્’ને પણ સમાન દરજ્જો અપાયો

ભારતીય બંધારણ સભાએ જ્યારે ‘જન ગણ મન...’ ને રાષ્ટ્રગીત જાહેર કર્યું ત્યારે કેટલાકનો સ્વાભાવિક આગ્રહ ‘વંદે માતરમ’નો હતો. રવીન્દ્રનાથનું ગીત 1912ના ‘તત્ત્વ બોધિની’ સામયિકમાં છપાયું. પછી તેનો અંગ્રેજી અનુવાદ ‘ધ મોર્નિંગ સોંગ ઓફ ઈન્ડિયા’ના નામે સ્વયં ટાગોરે કર્યો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ્’ તો 1875માં રચાયું અને 1880માં ‘બંગ દર્શન’ સામયિકમાં આવતી તેમની નવલકથા ‘આનંદ મઠ’માં તે પ્રસ્તુત થયું, બંગ ભંગ વિરોધમાં શરૂ થયેલાં આંદોલનમાં અને તમામ ક્રાંતિકારોમાં તે અત્યંત લોકપ્રિય રહ્યું. ત્યાં સુધી કે જાહેરમાં ‘વંદે માતરમ્’ બોલવા સામે પોલીસ ફટકા મારવાની સજા કરતી. ખુદીરામ બોઝથી માંડીને મદનલાલ ધિંગરા સુધીના, ફાંસીના માંચડે ચડેલાના હોઠ પર અંતિમ સમય સુધી આ સ્વર રહ્યો અને અરવિંદ ઘોષ, બિપિનચંદ્ર પાલ તેમજ મેડમ કામાના અખબારોનું નામ પણ ‘વંદે માતરમ્’ રાખવામાં આવ્યું હતું. 1896ના રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં રવીન્દ્રનાથે તેનો સંપૂર્ણ સંગીત પાઠ કર્યો! બંધારણ સભામાં, 1947 પંદરમી ઓગસ્ટે ‘જન ગણ મન…’ની સાથે ‘વંદે માતરમ્’ને પણ સમાન દરજ્જો અપાયો. એ જાણીને આશ્ચર્ય થાય કે આઘાત, તથ્ય એ છે કે ‘જન ગણ મન...’ કે ‘વંદે માતરમ્’ બંને રાષ્ટ્રીય ગીતો આપણે માત્ર એક-બે કડી જ ગાઈએ છીએ, સંપૂર્ણ નહીં. ‘જન ગણ મન…’ને ઓરકેસ્ટ્રા અને બેન્ડ પર સરળતાથી ધ્વનિત કરી શકાય તેમ હોય રાષ્ટ્રસંઘે મુદ્રિત ધૂન માગી ત્યારે તે ઉપલબ્ધ હતી એમ પંડિત જવાહરલાલ નેહરુએ 25 ઓગસ્ટ, 1948ના સંસદ સમક્ષ વિગતે આપેલા વક્તવ્યમાં જણાવ્યું. જો કે માસ્ટર કૃષ્ણારાવે છેક 1938માં ‘વંદે માતરમ્’ની તર્જ ભારતીય શાસ્ત્રીય રાગ ઝિંઝોટીમાં તૈયાર કરી તે પ્રચલિત હતી. તિમિર વરન ભટ્ટાચાર્યે 1940માં ગીતની તર્જ પૂર્વ અને પશ્ચિમના સંગીત અનુસાર તૈયાર કરી તે 1943માં આઝાદ હિન્દ સરકાર અને નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્વીકારી હતી. આમ ‘જન ગણ મન’… એ ભારતીય બંધારણ અનુસાર national anthem બન્યું અને વંદે માતરમ national song ગણવામાં આવ્યું. અત્યારે આપણે ‘જન ગણ મન...’ ગાઈએ છીએ તે તેની પ્રથમ 11 પંક્તિઓ છે, બાકીની વીસ પંક્તિ કે ચાર કડી ગાવામાં આવતી નથી. શું રાષ્ટ્રગીત અધૂરું હોઇ શકે એ સવાલ મને ઘણા યુવકો પૂછે છે. ‘વંદે માતરમ્’નું પણ તેવું જ છે. 27 પંક્તિનું છે. આ સંપૂર્ણ ગાન સાંભળવા મળે ત્યારે ભારતમાતાનું ભવ્ય-દિવ્ય ચિત્ર આંખ સામે આવે તેવી અદભુત રચના છે. રાષ્ટ્રગીતોનો ઇતિહાસ રોમાંચક હોય છે. પ્રજાને માટે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત બંને અનહદ આસ્થાનાં પ્રતીકો હોય છે. ભગિની નિવેદિતાએ 1906માં તૈયાર કરેલા રાષ્ટ્રધ્વજમાં ‘વંદે માતરમ્’ શબ્દ અંકિત છે, 18 ઓગસ્ટ, 1907 આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાઇ ત્યારે મેડમ કામા, સરદારસિંહ રાણા અને બીજા ક્રાંતિકારોએ જે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તેમાં પણ ‘વંદે માતરમ્’ અંકિત હતું. દસ્તાવેજી ઈતિહાસમાં ઢંકાઈ ગયેલી એક વધુ વાત રસપ્રદ છે. તે રવીન્દ્રનાથના ‘જન ગણ મન…’ પરથી સામાન્ય જનને પણ સમજાય, પ્રેરિત થાય તેવા રાષ્ટ્રગીતની રચનાની છે. તે રચાયું હતું યુદ્ધભૂમિ પર. 1943માં રચાયેલી આઝાદ હિન્દ સરકારનું પોતાનું તંત્ર હતું, મંત્રી પરિષદ હતી, બંધારણ રચવામાં આવ્યું, આઝાદ હિન્દ બેન્ક અને ચલણ શરૂ થયાં. રાષ્ટ્રધ્વજ હતો અને અંગ્રેજોને પરાસ્ત કરવા 60,000ની સેના, ‘જય હિન્દ’ તેમજ ‘ચલો દિલ્હી’ બે સૂત્રો. ‘કદમ કદમ બઢાયે જા…’ સૈનિકી સફરનું ગાન. ભારતની આ પ્રથમ બુલંદ સરકાર અને ફોજનું રાષ્ટ્રગીત પણ હોવું જોઈએને? નેતાજીએ તેને માટે એક સમિતિ નિયુક્ત કરી. હુસેન નામે સૈનિકે મથામણ કરી. ટાગોરનું ‘જન ગણ મન…’ નજર સામે હતું. તેને સામાન્ય નાગરિક અને સૈનિકની જબાન પર વહેતું કરવું હતું. હુસેને તેમ કર્યું અને સમિતિએ પસંદ કર્યું. તેને માટે નેતાજીએ દસ હજાર ડોલરનો પુરસ્કાર આપ્યો. અને આઝાદ હિન્દ ફોજના સૈનિકો ઈરાવતી નદીના કાંઠે, આરાકાનનાં જંગલોમાં ભીષણ યુદ્ધ ખેલીને છેક ભારતીય ભૂમિ પર ઇમ્ફાલ સુધી યુનિયન જેકની જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તેમાં આ રાષ્ટ્રગીતની પ્રેરણા પણ હતી. એ ગીત આ પ્રમાણે હતું: શુભ સુખ ચૈન કી બરખા બરસે ભારત ભાગ હૈ જાગા. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ, બંગા. ચંચલ સાગર, વિંધ્ય હિમાલય, નીલ યમુના ગંગા, તેરે નિત ગુણગાન ગાયે, સબ તન પાયે આશા. સૂરજ બન કર જગ પર ચમકે, ભારત નામ સુભાગા. જય હો, જય હો, જય હો, જય, જય,જય, જય હો! સબ કે દિલમે પ્રીત બસાયે તેરી મીઠી વાણી, હર સૂબે કે રહનેવાલે, હર મઝહબ કે પ્રાણી . સબ ભેદ ઔર ફર્ક મિટા કે, સબ ગોદમેં તેરી આકે. ગૂંથે પ્રેમકી માલા. સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા. જય હો, જય હો, જય હો, જય, જય, જય, જય હો! સુબહ સબેરે પંખ પખેરુ, તેરે હી નિત ગુણ ગાયે, બસ ભારી ભરપૂર હવાએ, જીવનમેં ઋત લાયે . સબ મિલ કર હિન્દ પુકારે, જય આઝાદ હિન્દ કે નારે, પ્યારા દેશ હમારા સૂરજ બન જગ પર ચમકે , ભારત નામ સુભાગા. કોણ હતો આ કવિ, તેના વિશે તો ઈતિહાસમાં અંધારપટ છે, પણ તેનું આ ગીત જરૂર આપણી વચ્ચે ગુંજે છે. રવીન્દ્રનાથના જન્મ દિવસે આ અજાણ કવિનું પણ સ્મરણ!⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...