વિજ્ઞાનધર્મ:સંધ્યાકાળ: વિનાશ અને નવસર્જન વચ્ચેનો સમય!

16 દિવસ પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક
  • ‘એન્ડ-પર્મિયન થિયરી’ અનુસાર, પ્રલય બાદના 10 મિલિયન (1 કરોડ) વર્ષ સુધી પૃથ્વી પરથી જીવસૃષ્ટિનું નામોનિશાન નહોતું

(અંતિમ ભાગ) કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર જોવા મળેલા મહાપ્રલય અંગે પુરાણો અને આધુનિક વિજ્ઞાન કેટલી હદ્દે એકસરખી વિગતો આપે છે, એ જાણવા માટે શરૂ કરવામાં આવેલી આ શ્રેણીનો આજે ચોથો અને છેલ્લો મણકો છે. મત્સ્ય અવતારની કથાનાં મૂળિયાં જેમાં રહેલાં છે, એવા જળપ્રલય અંગે મત્સ્યપુરાણમાં કહેવાયું છે: अग्निप्रस्वेदसम्भूतां प्लावयिष्यन्तिमेदिनीम्। समुद्राः क्षोभमागत्य चैकत्वेन व्यवस्थिताः॥ (મત્સ્યપુરાણ 2.9) ભાવાર્થ : જે ધરતી ભૂતકાળમાં તાપગ્નિને કારણે ધગતી હતી, એ જળવર્ષાથી રેલમછેલ થઈ જશે. જેને લીધે સમુદ્રો પણ અશાંત બની જશે! એન્ડ-પર્મિયન થિયરી’ ઉપર કામ કરી ચૂકેલા નિષ્ણાત પ્રૉફેસર બેન્ટને રજૂ કરેલાં મૉડેલ મુજબ, પૃથ્વીના જુદા જુદા ભાગોમાં વધી ગયેલી એસિડવર્ષા અને ગ્લૉબલ વૉર્મિંગને કારણે સમુદ્રનાં જળસ્તરોમાં વધારો થવો અત્યંત સ્વાભાવિક છે. આથી, ‘જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ’ જેવી ઘટના ચોક્કસપણે આકાર પામી હોવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે બેન્ટનના આ રિસર્ચ-મૉડેલ સાથે ભારતની સનાતન સંસ્કૃતિનું પૌરાણિક-મૉડેલ ઘણાખરા અંશે મેળ ખાય છે. થોડા મહિના પહેલાં જ સાંભળવા મળેલા એક સમાચારે ભારતભરમાં ચકચાર મચાવી હતી, જે મુજબ સમુદ્રનું જળસ્તર વધવાને કારણે આગામી સો વર્ષની અંદર મહાનગર મુંબઈ પાણીમાં ગરકાવ થઈ જાય એવી સંભાવના છે! આવી જ કંઈક ઘટના આજથી કરોડો વર્ષ પહેલાં બની હોવી જોઈએ. દ્વારકાનગરી, કુમારીકંદમ, એટલાન્ટા જેવાં સ્થળનાં જળમગ્ન થવાની ઘટનાને છેક ગઈ સદી સુધી કપોળકલ્પિત માનવામાં આવતી હતી, પરંતુ પુરાવાઓને પરિણામે આજે ચિત્ર તદ્દન બદલાઈ ચૂક્યું છે. ‘એન્ડ-પર્મિયન થિયરી’ અનુસાર, પ્રલય બાદના 10 મિલિયન (1 કરોડ) વર્ષ સુધી પૃથ્વી પરથી જીવસૃષ્ટિનું નામોનિશાન નહોતું. ‘બાયોટિક રિકવરી’ એટલે કે વનસ્પતિ, ફળ-ફૂલ વગેરે સહિત પ્રકૃતિને પુનઃ સજીવન થવામાં સાતથી દસ મિલિયન વર્ષ લાગ્યાં હોવાની પુષ્ટિ મળી છે. મત્સ્યપુરાણના બીજા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન મત્સ્ય રાજા સત્યવ્રતને જણાવે છે કે, ‘ચાક્ષુષ મન્વંતર’ના અંતે મહાપ્રલયની ક્રિયા પણ પૂર્ણ થઈ જશે.’ त्वया सार्द्धमिदं विश्वं स्थास्यत्यन्तरसंक्षये। एवमेकार्णवे जाते चाक्षुषान्तरसंक्षये॥ (મત્સ્યપુરાણ 2.14) દરેક મન્વંતરના અંત સમયે એક સંધ્યાકાળ આવતો હોય છે. ફક્ત મન્વંતર જ નહીં, પરંતુ યુગ-પરિવર્તન સમયે પણ સંધ્યાકાળ/સંધિકાળ આવતો હોવાનો ઉલ્લેખ ગ્રંથોમાં છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર, વાસ્તવિક કળિયુગ હજુ શરૂ નથી થયો. ઈસવીસન પૂર્વે વર્ષ 3102માં ભગવાન કૃષ્ણનું વૈકુંઠગમન થયું, ત્યારથી શરૂ કરીને આજ સુધી યુગોનો સંધ્યાકાળ ચાલી રહ્યો છે, જેને અંગ્રેજી ભાષામાં ‘ટ્રાન્ઝિશન પીરિયડ’ કહે છે. પુરાણોમાં અપાયેલી વૈજ્ઞાનિક સમય-ગણતરી મુજબ, એક મન્વંતરથી બીજા મન્વંતરની વચ્ચેનો સંધિકાળ 3.456 મિલિયન (34 લાખ 56 હજાર) વર્ષોનો હોય છે. મત્સ્યપુરાણમાં અપાયેલાં વર્ણન અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરીએ, તો સ્પષ્ટ છે કે પૃથ્વી પર ફરી જીવસૃષ્ટિ ધબકવામાં કુલ સાતથી 10 મિલિયન વર્ષોનો સમય લાગ્યો હતો. આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં ‘આઇસ-એજ’ (હિમયુગ) અથવા ‘કૂલ-ડાઉન પિરિયડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે! મત્સ્યપુરાણમાં છઠ્ઠા–ચાક્ષુષ–મન્વંતરની વાત કરવામાં આવી છે, જેને પૂર્ણ થયાને 24 કરોડથી વધારે વર્ષ થયાં છે. હાલ આપણે સાતમા વૈવસ્વત મન્વંતરમાં જીવી રહ્યા છીએ. વાચકોને સુગમ રહે એ માટે સાતેય મનવંતરોના નામની યાદી અહીં પ્રસ્તુત છે: (1) સ્વયંભૂ (2) સ્વરોચિશ (3) ઉત્તમ (4) તમસ (5) રૈવત (6) ચાક્ષુષ (7) વૈવસ્વત. કુલ 14 મન્વંતરો અંગે આપણા પુરાણોમાં વર્ણન છે. એનો અર્થ એમ કે સાતમા વૈવસ્વત મન્વંતર બાદ અન્ય સાત મન્વંતરો સુધી સર્જન-વિનાશની આ લીલા આમ જ ચાલતી રહેશે. પુરાણોની વાત કરતા હોઈએ, ત્યારે એ પણ ભૂલવું ન જોઈએ કે વૈજ્ઞાનિકો દાયકાઓની મહેનત બાદ આ પરિણામ સુધી પહોંચ્યા છે. એમના કઠોર પરિશ્રમનું સન્માન તો હોય જ, પરંતુ ભારતને મદારીઓનો દેશ કહેનારા રેશનાલિસ્ટ્સની આંખ ઊઘડે એ માટે આધુનિક વિજ્ઞાનને પૌરાણિક બારીએથી નિહાળવું જરૂરી બની જાય છે. આગામી ભવિષ્યમાં અન્ય પુરાણોમાં છુપાયેલા વિજ્ઞાનની શ્રેણીઓ પણ જરૂરથી લખાશે. ⬛ (સમાપ્ત)

અન્ય સમાચારો પણ છે...