તુલસી-જયંતી’ના પાવન અવસર પર તુલસીના સદ્્ગ્રંથ ‘રામચરિતમાનસ’નું મૂલ્યાંકન થવું જોઈએ. તુલસીનો એ ગ્રંથ સદ્્ગ્રંથ છે; તુલસીનો એ ગ્રંથ પ્રેમગ્રંથ છે; તુલસીનો એ ગ્રંથ કરુણાગ્રંથ છે. મારા માટે તુલસીનું ‘રામચરિતમાનસ’ સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી છે, જેમાં આપણે રોજ યથાસમજ, યથાભાવ સ્નાન કરતાં રહીએ છીએ. જેમનો ધર્મ રામ છે, જેમનો અર્થ રામ છે, જેમનો કામ રામ છે અને જેમનો મોક્ષ પણ રામ છે, મતલબ કે જેમનું બધું જ રામ છે એવી એક મહાવિભૂતિ છે, તુલસી. હું સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજનું સ્મરણ કરું કે એમને કોઈ પત્રકારે પૂછ્યું હતું કે, ‘લોકો આપને પણ તુલસીના અવતાર માને છે અને મોરારિબાપુ વિશે પણ આદરપૂર્વક લોકો એવું બોલે છે, તો આપનો મત શું છે?’ પંડિતજી મહારાજે આપેલો જવાબ મને સારો લાગ્યો. એમણે કહ્યું હતું કે, ‘તુલસીએ એક ‘માનસ’ને જન્મ આપ્યો છે, પરંતુ ‘માનસે’ વિશ્વમાં અનેક તુલસીને જન્મ આપ્યો છે.’ હું તો એ પથ પર ચાલનારો રામકથાનો એક ગાયકમાત્ર છું. હું કોઈ જન્મમાં તુલસી થવા નથી માગતો. હું કેવળ, જન્મજન્માંતર મોરારિબાપુ જ રહેવા માગું છું. હું શું કામ કોઈ બીજો બનું? અને કોઈએ બીજું ન બનવું જોઈએ. શું તમે તમારા પોતાનાથી સંતુષ્ટ નથી? અને હું ચાહું તો પણ તુલસી થઈ શકું? તુલસીની નકલ પણ નથી કરી શકતો! તુલસી-જયંતીના પાવન અવસર પર તુલસી વિશે તો શું કહું? જથા ભૂમિ સબ બીજમય નખત નિવાસ અકાસ, રામ નામ સબ ધરમમય જાનત તુલસીદાસ. અહીં ‘માનત તુલસીદાસ’ નથી, ‘જાનત તુલસીદાસ’ છે. તુલસીજી કહે છે એમ, સમસ્ત પૃથ્વી બીજમય છે. સમસ્ત બીજ ધરતીમાં છે અને વર્ષાઋતુ થતાં જ બધું અંકુરિત થવા લાગે છે, એટલે તુલસીનું આ મોટું સ્પષ્ટ દર્શન છે. તુલસીના પગ ધરતી પર અને નજર આકાશમાં છે. આ સર્જકને માપવાનું મુશ્કેલ છે. એક સ્થળે મને પૂછવામાં આવ્યું કે, ‘રામાયણ’ શબ્દનો સીધોસાદો અર્થ આપ શું કરો છો? મેં કહ્યું, ‘રા’ એટલે રામ; ‘મા’ એટલે માનવના રૂપમાં આવેલા. જે ગ્રંથમાં રામ માનવના રૂપમાં આવ્યા છે એ અને ત્રીજો ‘ય’, જેમનું આખું જીવન યજ્ઞમય હતું. સ્વાહા સિવાય જેમના જીવનમાં વાહવાહ હતી જ નહીં અને યજ્ઞ એને કહે છે, જ્યાં સ્વાહા હોય, વાહવાહ ન હોય. આખા ‘માનસ’ના રામ જુઓ! સમયે સમયે કોને કોને એમણે શું શું આપ્યું છે, એના પર ઘણું ચિંતન કરવાની જરૂર છે. કોઈને પાદુકા, કોઈને મુદ્રા, કોઈને અભય, કોઈને રાજપદ. આ મારી શ્રદ્ધા છે. એ રામ જે માનવ બનીને આવ્યા હોય અને જેમનું આખું જીવન યજ્ઞરૂપ રહ્યું હોય અને ‘ણ’, ગુજરાતીમાં એમ કહેવાય છે કે ‘ણ’ કોઈનો નહીં! અને જે કોઈનો નથી હોતો એ જ સૌનો હોય છે. જે કોઈ કોઈનો હોય છે એ સૌનો થઈ શકતો જ નથી. કૃષ્ણ, કુંભકર્ણ, વિકર્ણ, દ્રોણ એ બધાના નામની પાછળ ‘ણ’ છે. ‘રામચરિતમાનસ’નો એક રામગાયક કાગડો છે અને કાગડાને પણ રામકથા ગાવાનો અધિકાર જે ગ્રંથ આપી શકે એ ગ્રંથ વિશ્વગ્રંથ કેમ ન બની શકે? આપણે ત્યાં દેવર્ષિ, બ્રહ્મર્ષિ, મહર્ષિ છે, પરંતુ મને કહેવા દો, મારા ‘રામચરિતમાનસ’માં એક કાગર્ષિ છે. આ કાગભુશુંડિજી રામકથા ગાય છે, તો એમણે રાવણ વિશે એક શબ્દ પ્રયુક્ત કર્યો છે, ‘કહેષી બહુરી રાવન અવતારા.’ રાવણ પણ અવતાર છે, એ પણ પ્રકાશનો અંશ છે. પ્રત્યેક વ્યક્તિ પ્રકાશનો અંશ છે; કર્મોથી અંધકારને અધીન થાય છે, પરંતુ એ ટક્કર અંધારાં અને અજવાળાંની વચ્ચે હતી જ નહીં. અંધારાં અને અજવાળાંની ટક્કર થઈ શકતી જ નથી. યુદ્ધ હતું તામસી પ્રકાશ અને ત્રિગુણાતીત પ્રકાશની વચ્ચે. ઘણાં અજવાળાં એવા હોય છે, જે આપણે સહી નથી શકતાં! મારા રામ ત્રિગુણાતીત છે, જગદ્્્ગુરુ છે મારા રામ. ‘જગદ્્્ગુરું ચ શાશ્વતં. તુરીયમેવ કેવલં.’ તુલસીનું સંસ્કૃત પણ ગ્રામ્ય સંસ્કૃત છે. તુલસીના શ્લોકને લોક સુધી જવું છે. રામ ત્રિગુણાતીત છે. એ ત્રિગુણાતીત પ્રકાશ છે, રાવણ તામસી પ્રકાશ છે. કેવા છે રામ ત્રિગુણાતીત અત્રિની દૃષ્ટિએ? ‘નિકામ શ્યામ સુંદરં. ભવામ્બુનાથ મંદરં.’ સરોવરનું કમળ સૂરજ સાથે ખીલે છે અને સૂરજના અસ્ત થવા સાથે મૂરઝાઈ જાય છે. રામ એ સૂરજની આંખો નથી, એ સ્વયં સૂર્યનું કમળ છે. એને સૂર્ય પણ મૂરઝાવી નથી શકતો. એ ત્રિગુણાતીત અજવાળું છે. અહીં અજવાળાં-અજવાળાં વચ્ચેનું યુદ્ધ છે. તમે કહેશો કે રાવણ તો નિશિચર છે! માણસ બ્રહ્મ છે, પરંતુ કોઈ કારણે ભ્રમ થઈ જાય છે! રાવણ પણ સૂર્યવંશી છે. તમે પ્રતાપભાનુના નામનો અર્થ કરો, પ્રતાપભાનુનો અર્થ મહાન પ્રતાપી સૂર્ય. એ જ કાલાંતરે રાવણ બનીને આવે છે. આપણે સૌ સૂર્યના અંશ છીએ. રાવણ પણ અવતાર છે, એવું કાગઋષિ જ કહી શકે છે. તો આ ‘ણ’, ‘રામાયણ’નો. તુલસીના પગ જમીન પર છે, પણ આકાશને સ્પર્શે છે એ! સમગ્ર આકાશ નક્ષત્રમય છે, પૃથ્વી બીજમય છે, તુલસી કહે છે, રામનામ ધર્મમય છે. સ્વામી શરણાનંદજીએ કૃષ્ણમૂર્તિને પૂછ્યું હતું,‘આપ જેને લાઈફ કહો છો એને હું પરમાત્મા કહું તો આપને કંઈ મુશ્કેલી છે?’ કૃષ્ણમૂર્તિ કહે છે, ‘એનો જવાબ હું ન આપી શકયો!’ તમે જેને માનવ કહો, અયોધ્યાનંદન કહો, સીતાનો પતિ કહો એને જો હું રામ કહું તો મુશ્કેલી શું છે? મારા માટે ગોડપાર્ટિકલ પણ રામ છે. તુલસી કહે છે, ‘જાનત તુલસીદાસ.’ મેં જાણ્યું છે અને તુલસીને એ પણ ખબર છે કે જાણી એ જ શકે છે,‘જો જાનહિ જેહિ દેહુ જનાઈ.’ તું જેનું વરણ કરે એ જ તને જાણી શકે છે. આપણા ઉપનિષદ કહે છે. આ વૈજ્ઞાનિક વાલ્મીકિ બોલે છે. વાલ્મીકિ વૈજ્ઞાનિક છે. તો મારા કહેવાનો મતલબ છે, એ જેમને જણાવવા માગે છે એ જ જાણી શકે છે. આજે એ તુલસીની જયંતી છે. રામજયંતી-રામનવમી કરતાં પણ મારા માટે ‘રામચરિતમાનસ જયંતી’નું મહત્ત્વ છે. રામનવમીનું મહત્ત્વ તો છે જ, પરંતુ રામને હું સ્પર્શી નથી શકતો, ‘માનસ’ને હું સ્પર્શી શકું છું. રામને હું સાંભળી નથી શકતો, ‘માનસ’ને હું સાંભળું છું. ત્રિગુણાતીત શ્રદ્ધા ‘માનસ’ની ગંધ લઈ શકે છે. એવા કલિપાવનાવતાર પૂજ્યપાદ ગોસ્વામીજીની જયંતી પર આપ સૌને વધાઈ હો; સમગ્ર ‘માનસ’જગતને વધાઈ હો.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.