માનસદર્શન:તુલસીદાસજીએ વિજ્ઞાનને ખૂબ જ સન્માન આપ્યું છે

3 મહિનો પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

જે રસ્તે સુખ મળે એ રસ્તો છોડવો નહીં. મળી ગયું એને લૂંટી લો. એ ક્ષણને પકડો. તમે રામના ઉપાસક હો પરંતુ કૃષ્ણનું નામ લઈને તમારી આંખમાં આંસુ જાય ને સુખ મળે તો પછી અરે, અરે, હું તો રામનો ઉપાસક છું ને મેં કૃષ્ણનું નામ કેમ લીધું? એમાં ન જવું. એમ કરશો તો તમે સુખને ધક્કો મારી રહ્યા છો. ઘણા લોકો મારી પાસે આવે છે; કહે છે, અમે ગાયત્રીમંત્રના ઉપાસક છીએ. ગાયત્રીમંત્ર જપીએ છીએ પરંતુ આપની કથા સાંભળતાં ગાયત્રીમંત્ર જપીએ છીએ પરંતુ અચાનક ‘હનુમાનચાલીસા’ શરૂ થઈ જાય છે! હું કહું છું, જે સહજ હોય એ કરો. ઘણા લોકો કહે છે, અમે ધ્યાન બીજાનું કરીએ છીએ પરંતુ દેખાય છે હનુમાન! સુતીક્ષ્ણ સાવ અનોખા મુનિ છે. ભગવાન એને જગાડી રહ્યા છે. નથી ઊઠતા ત્યારે ભગવાને સુતીક્ષ્ણના હૃદયમાં જે રામરૂપ પ્રગટ થયું હતું એને હટાવી દીધું અને હૃદયમાં ચતુર્ભુજ રૂપ બતાવ્યું. અને એ ચતુર્ભુજ એને અનુકૂળ ન આવ્યું એટલે એકદમ અકળાઈ ગયા અને જેવી આંખો ખોલી ત્યાં તો સન્મુખ રામ-લક્ષ્મણ-જાનકીને પામે છે. ચરણોમાં ઢળી પડે છે. પરમાત્માએ સુતીક્ષ્ણને હૃદયે લગાવ્યો. સુતીક્ષ્ણએ અવિરલ ભક્તિ અને વિરતિની માગણી કરી. ગુરુ-ચેલા બંને અવિરલ ભક્તિ-વિરતિ માગે છે. સુતીક્ષ્ણ પણ અવિરલ ભક્તિ-વિરતિ માગે છે અને કુંભજ પણ અવિરલ ભક્તિ-વિરતિ માગે છે. પરંતુ એક એની સાથે વિજ્ઞાન જોડે છે અને એક એની સાથે સત્સંગ જોડે છે. કુંભજ અવિરલ ભક્તિ, વૈરાગ અને વિજ્ઞાનની માંગ કરે છે અને મુનિ સત્સંગની માંગ કરે છે. એક જ્ઞાની છે, એક પ્રેમી ભક્ત છે. કુંભજ વિજ્ઞાની છે, ‘અરુ ઘટ સંભન મુનિ વિજ્ઞાની.’ આરતીમાં આપણે રોજ ગાઈએ છીએ. કુંભજ-અગસ્ત્ય વિજ્ઞાની છે. અનેક રૂપમાં એને તમે વિજ્ઞાની સિદ્ધ કરી શકો છો, ‘બઢત વિધિ જિમિ ઘટજ નિવારા.’ એક તો વિંધ્યાચલ જે વિસ્તરિત થતો હતો એને અટકાવ્યો હતો. બીજું, આ કુંભજ સપ્તસિંધુનું પાન કરી શકે છે. બહુ સુંદર પૌરાણિક કથાઓ એના સંદર્ભમાં જોવી પડે છે. વિજ્ઞાનની એ શક્તિ છે. કોઈ એવી શક્તિ વિસ્તરતી ચાલે તો વિજ્ઞાની પોતાના વિજ્ઞાન દ્વારા એને અટકાવી શકે છે. આ કુંભજનો જન્મ જ વૈજ્ઞાનિક રૂપે થયો છે. એટલા માટે એ કુંભજ કહેવાય છે. ઘટમાંથી પેદા થયા છે એટલે એને ઘટજ કહે છે. એ કેટલી મોટી વાત છે કે પેદા ઘડામાંથી થાય છે અને પી જાય છે સમુદ્રને! બહુ વિરોધી વાતો લાગે છે. તુલસીદાસજીએ વિજ્ઞાનને ખૂબ જ સન્માન આપ્યું છે. ‘ઉત્તરકાંડ’માં ભગવાન રામ કહે છે, જ્ઞાની કરતાં પણ વિજ્ઞાની મને વધારે પ્રિય છે. અબ્દુલ કલામ જેવા વિજ્ઞાની અલ્લાહને જ્ઞાની કરતા પણ વધારે પ્રિય હોઈ શકે છે. ગાંધીજીએ સાત સામાજિક પાપ ગણાવ્યાં છે. એમાંનું એક કહ્યું કે સંવેદનહીન વિજ્ઞાન સામાજિક પાપ છે. કોઈ ગમે ત્યારે કોઈની પણ હત્યા કરી શકે છે વિજ્ઞાનને કારણે! હિરોશિમાની જે સ્થિતિ થઈ કે થોડી જ ક્ષણોમાં લાખો લોકોને મારી નાખવામાં આવ્યા! સંવેદનાશૂન્ય સમાજ થઈ ગયો! એવા વિજ્ઞાનની આલોચના કરી છે. બાકી તુલસીએ હનુમાનજીને, વાલ્મીકિને એ બધાને વિજ્ઞાની કહ્યા છે. કુંભજ વિજ્ઞાની છે. વાલ્મીકિ વિજ્ઞાનવિશારદ છે. વિજ્ઞાનને પહોંચેલા આચાર્યો છે એ બધા. કેટલાક વૈજ્ઞાનિકો ‘સુન્દરકાંડ’નો પાઠ કરે છે, એ લોકોએ એકવાર મને બોલાવ્યો કે આપ આવો. હું એ વૈજ્ઞાનિકો વચ્ચે ગયો. પછી એમણે આગ્રહ કર્યો કે બાપુ, કંઈક તો બોલો. મેં કહ્યું, ‘સુન્દરકાંડ’માં હનુમાનજીની કથા આવે છે. વાલ્મીકિ અને હનુમાનજી વિજ્ઞાની છે. તો એ સાંભળીને બધાં ચોંકી ઊઠ્યા! હનુમાનજી વિજ્ઞાની? એક વાનર વૈજ્ઞાનિક? જ્યારે બધા વાનર સીતાજીની શોધ માટે નીકળ્યા ત્યારે દક્ષિણમાં જે ગ્રૂપ જઈ રહ્યું હતું એમાં હનુમાનજી હતા અને હનુમાનજીએ પ્રભુને સૌથી છેલ્લે પ્રણામ કર્યા. હનુમાનજી સૌથી છેલ્લે પ્રણામ કરે છે અને ભગવાનને થાય છે કે સીતાની શોધ તો આ જ કરી શકશે. ભગવાને હનુમાનજીને નજીક બોલાવ્યા અને મુદ્રિકા આપી. હનુમાનજીને સીતાશોધનું દાયિત્વ સોંપવામાં આવ્યું. સીતા છે ઊર્જા-શક્તિ અને ઊર્જાની શોધ વૈજ્ઞાનિક જ કરી શકે છે. હનુમાનજી વિજ્ઞાની છે એટલા માટે જાનકીરૂપી પરમ ઊર્જાની શોધ એમને સોંપવામાં આવી. વાલ્મીકિ પણ વિજ્ઞાની છે. સીતા સગર્ભા થયાં અને રામરાજ્ય પછી જ્યારે સીતાત્યાગનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન રામ જાનકીને વશિષ્ઠના આશ્રમમાં મોકલી શકતા હતા. સીતાનો ત્યાગ જ કરવો હતો તો દૂર વાલ્મીકિના આશ્રમમાં સીતાને છોડવાની વાત કેમ આવી? નહીંતર વશિષ્ઠજી તો કુલગુરુ હતા. સીતાજીને છોડવા લક્ષ્મણજી ગયા. જાનકી છે ઊર્જા અને ઊર્જા સગર્ભા છે. એ ઊર્જામાંથી ક્યારે શું પ્રગટ થાય એ ખબર નથી! અને એવી પ્રગટ થનારી સગર્ભ ઊર્જાને કોઈ વૈજ્ઞાનિકના હાથમાં સોંપવી જરૂરી છે નહીંતર ક્યારે વિસ્ફોટ થાય કાંઈ કહેવાય નહીં! એટલા માટે આ સંદર્ભમાં જાનકીને વાલ્મીકિના આશ્રમમાં મોકલવાનું મને યોગ્ય લાગે છે. કુંભજ વિજ્ઞાની છે. એ અવિરલ ભક્તિ-વૈરાગ માગે છે, પરંતુ સાથોસાથ વિજ્ઞાનની પણ જરૂર છે. તો વિજ્ઞાન-ઘડામાં ઉત્પન્ન થયેલો માણસ સમુદ્રને પી શકે છે. એને કહેવાય છે ગાગરમાં સાગર. અને વિસ્તરિત એક શક્તિ વિંધ્યના રૂપમાં અનેક જંગલોમાં વિનાશ તરફ વિસ્તરીત થતી જતી હતી એ વખતે એ વિસ્તરતી વિનાશક શક્તિને કુંભજે રોકી હતી. અને વિજ્ઞાનીને અવિરલ ભક્તિની જરૂર છે. વૈજ્ઞાનિકને વૈરાગની જરૂર છે. સુતીક્ષ્ણ અવિરલ ભક્તિ માગે જ છે. વૈરાગની સાથોસાથ સત્સંગની પણ એની માંગ છે. પ્રભુએ ઘણી કૃપા કરી. ત્યાર બાદ પ્રભુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સુતીક્ષ્ણએ કહ્યું, ઘણા દિવસોથી હું ગુરુનાં દર્શને નથી ગયો. પ્રભુ, આપ કહો તો હું સાથે આવું? અને બાજુમાં જ મારા ગુરુનો આશ્રમ છે. મને એ વાત સારી લાગી. સાચો શિષ્ય હોય તો ગુરુ પાસે ભગવાનને લઈ જાય છે. સાચો આશ્રિત ગુરુને પણ પરમાત્માને દર્શન કરાવી દે છે. ભગવાનની વનયાત્રામાં ત્રણ મુનિઓ પાસેથી પ્રભુએ ત્રણ જાણકારી પ્રાપ્ત કરી છે. અયોધ્યાથી નીકળ્યા અને ભરદ્વાજના આશ્રમમાં આવ્યા તો ભગવાને પૂછયું, આપ મને રસ્તો બતાવો કે હવે હું ક્યા રસ્તે યાત્રા કરું? ભરદ્વાજજીને માર્ગ પૂછયો. ત્યાર બાદ વાલ્મીકિને કહ્યું, આપ મને સ્થાન બતાવો કે હું ક્યા સ્થાનમાં રહું? અને આ ત્રીજા મુનિ છે, જેમને મંત્ર પૂછે છે. મંત્રનો અર્થ છે વિચાર. કોઈ એવો વિચાર મને આપો કે જેનાથી હું આસુરીવૃત્તિનો નાશ કરી શકું. કુંભજ કહે છે, ‘તુમ્હરિ હિ કૃપા’, આપની કૃપાથી હું આપનો થોડો મહિમા જાણું છું. આપ અહીંથી દંડકવનમાં પ્રસ્થાન કરો. ત્યાં ગોદાવરીના તટ પર પંચવટી નામક સ્થાન છે. ઋષિ-મુનિઓના ઉગ્ર શાપને કારણે સમગ્ર વનશ્રી ખતમ થઈ ગઈ છે. આપ ફરી એ ભૂમિને નવપલ્લવિત કરો. તો એ મંત્ર આપ્યો. નિર્માણ કરવા માટે કંઈક નિર્વાણ પણ કરવું પડે છે. એટલા માટે એ સૂત્ર આપ્યું. રામ-લક્ષ્મણ-જાનકી આગળની યાત્રા કરે છે. રસ્તામાં ગીધરાજ જટાયુ મળે છે, જે પ્રભુ તરફથી પિતાતુલ્ય આદર પ્રાપ્ત કરે છે. પછી ગોદાવરીની નિકટ પર્ણકુટિ બનાવીને રામ-લક્ષ્મણ-જાનકી નિવાસ કરવા લાગે છે. ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...