માનસ દર્શન:ગુણાતીત સંવાદ એ સાત્ત્વિક સંવાદ છે

17 દિવસ પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

મારા એક શ્રોતાએ પૂછયું છે કે આપ અવારનવાર કહો છો કે ચાલો, હવે આપણે આ મુદ્દાની સાત્ત્વિક અને તાત્ત્વિક સંવાદી ચર્ચા કરીએ. બાપુ, અમે એ સમજવા માગીએ છીએ કે સાત્ત્વિક અને તાત્ત્વિક સંવાદનો અર્થ શું છે? સારી જિજ્ઞાસા છે. સાત્ત્વિક સંવાદનો મતલબ છે, જે સંવાદમાં જરા પણ રજોગુણ ન હોય. અહીં રજોગુણનો મતલબ છે કે જે બીજાને પ્રભાવિત કરવા માટે બોલવામાં આવે, ગાવામાં આવે; બીજાની વાહવાહ પ્રાપ્ત કરવા માટે; બીજાની તાળીઓ ઉઘરાવવા માટે; બીજા આપણો જયજયકાર કરે, આપણો જય પોકારે એટલા માટે જે સંવાદ રચવામાં આવે; જેમાં રસ તો ઘણા હોય, બધા રસ હોય પરંતુ એ રસોની ઉત્પત્તિ મૂલત: શાંત રસમાંથી ન થઈ હોય. વિદ્વાનોએ, મનીષીઓએ સાહિત્યના નવેય રસ માટે પોતપોતાની રુચિ અને પોતપોતાના આગ્રહ દર્શાવ્યા છે. જેમકે ભવભૂતિ કહે છે કે રસમાં તો કરુણ જ એકમાત્ર રસ છે. કાલિદાસને આપણે જોઈએ તો એમાં શૃંગારરસનું પ્રાધાન્ય જોવા મળે છે. બધા પોતપોતાના રસમાં ડૂબેલા રહે છે. ‘માનસ’ના આધારે ગુરુકૃપાથી જો મારે કંઈ કહેવું હોય તો એમ કહું કે બધા રસોનું ઉદ્દગમસ્થાન શાંતરસ વધારે ઉપયુક્ત છે. આદિ અને અંતમાં શાંત રસ જ મુખ્ય રહે છે અને મધ્યમાં પણ શાંતરસની ઝલક પ્રાપ્ત થાય છે. મારાં ભાઈ-બહેનો, બિલકુલ સ્થૂળરૂપમાં જોઈએ તો માણસ જ્યારે બોલવાનું શરૂ કરે છે એ પહેલાં શાંત હોય છે. જેવી રીતે આપણી વેદાંત-પરંપરામાં કોઈ પણ વાત કહેવામાં આવે છે ત્યારે શાંતિમંત્રથી શરૂ કરવામાં આવે છે અને અંતે પણ ‘ૐ શાંતિ: શાંતિ: શાંતિ:’ કહીને આપણે વિરામ આપીએ છીએ. મૂળમાં શાંત રસ હોય છે; વચ્ચે પણ શાંત રસની ઝલક મળે છે. બધા રસોની અંતરંગ ધારા જો જોઈએ તો એમાં શાંતરસની ઝલક મળે છે. અને પછી અંતે પણ માણસ શાંત થઈ જાય છે. જેવી રીતે ‘રામચરિતમાનસ’માં શાંત રસમાં ડૂબેલા ભગવાન શંકર આપણને દર્શન દે છે. ‘મગન ધ્યાન રસ દંડ જુગ’; શાંત અને એકાગ્ર ચિત્તે શિવ ધ્યાનમાં ડૂબેલા છે; પછી બહિર્મુખ થાય છે. તો રસ તો અનેક પ્રકારના છે. પરંતુ બીજાને પ્રભાવિત કરવા માટેની ચેષ્ટા કરવી એ બરાબર નથી. કોઈ પ્રભાવિત થઈ જાય એ વાત જુદી છે પરંતુ આપણે બીજાને પ્રભાવિત કરવાની ગણતરીપૂર્વકની ચેષ્ટા કરીએ તો એ ચર્ચા સાત્ત્વિક નહીં રહે; રજોગુણી થઈ જશે. જેમકે બોલતાં બોલતાં એમ લાગે કે હવે શ્રોતાવર્ગ થોડો નીરસ થતો જાય છે તો કોઈ ટૂચકો સંભળાવી દઉં, કોઈ પંક્તિ ગાઈ લઉં એટલે શ્રોતાવર્ગ એકદમ રસમાં આવી જાય. એ બધા જે પ્રયાસ છે એ પણ વક્તાઓની એક કલા છે પરંતુ છે રજોગુણ. આત્માને કોઈ ગુણ લાગુ નથી પડતો. ધ્યાન દેજો, આત્મા નથી રજોગુણી, નથી તમોગુણી કે નથી સત્ત્વગુણી, છતાં પણ એના પર ગુણોનું આરોપણ તો થાય જ છે. જેવી રીતે આપણે કોઈના ઘેર બે દિવસ માટે મહેમાન થઈએ છીએ તો એ ઘર આપણું તો નથી પરંતુ ત્યાં બે દિવસ રહીએ છીએ તો જે કમરામાં આપણે રહ્યાં છીએ, જે બેડમાં આપણે સૂતાં છીએ, જ્યાં બેઠાં છીએ એ બધું આપણા પર થોડું આવૃત તો થાય જ છે. ‘કઠોપનિષદ’માં આત્માને અતિથિ કહ્યો છે. આત્મા અતિથિ છે. આત્મામાં કોઈ ગુણ નથી પરંતુ અતિથિ બનીને આપણા દેહમાં આત્મા આવે છે તો એના પર પણ થોડું જેને કહેવાય છે, એવું થોડું આવરણ જેવું આવી જાય છે. જેવી રીતે હંસ હોય છે એ સત્ત્વને જ ગ્રહણ કરે છે, અસત્ત્વને ફેંકી દે છે; જેને ક્ષીર-નીર ન્યાય કહે છે. ‘કઠોપનિષદ’માં આત્માને હંસ પણ કહ્યો છે; એ હંસ છે. તુલસીદાસજી સંતને હંસ કહે છે. ‘સંત હંસ ગુન ગહહિ પય પરિહરિ બારિ બિકાર.’ જે સાધુસેવી છે, જે સંતસેવી છે એ વ્યક્તિનો આત્મા કોણ? સાધુ જ એનો આત્મા છે; સદ્્ગુરુ જ એનો આત્મા છે; બુદ્ધપુરુષ જ એનો આત્મા છે. આપણો આત્મા કોણ? આપણા ગુરુ, જે ગુણાતીત છે, ત્રિગુણાતીત છે. અલબત્ત, એક આકાર ગ્રહણ કરે છે તો ત્રણેય ગુણ એના પર આવરણના રૂપમાં આવી જાય છે, પરંતુ છે શુદ્ધ-બુદ્ધ. તો આત્માની સહજ ગતિથી થતો સંવાદ, જ્યાં નથી રજોગુણ કે નથી તમોગુણ એવા સંવાદને સાત્ત્વિક કહેવાય છે. મતલબ કે ગુણાતીત સંવાદ એ સાત્ત્વિક સંવાદ છે. કોઈ રસનું આરોપણ ન થયું હોય તો પણ અખંડ રસભંગ ન થાય, કેમકે અખંડ ભગવાન છે, પરમાત્મા છે. પરમાત્માને આપણે ‘રસો વૈ સ:’ કહ્યા છે; પરમાત્મા રસરૂપ છે. એટલા માટે તુલસી કહે છે, ‘ધ્યાન રસ.’ જેમાં જરા પણ રજોગુણ ન હોય, જરા પણ તમોગુણ ન હોય, છતાં પણ બોલનારા પણ એટલો રસ લે અને શ્રોતાના કાનમાં અમૃત ઘોળી દે, એ સાત્ત્વિક સંવાદ છે. તામસી સંવાદ થોડો ઉગ્રતાથી થાય છે. કોઈના પર પ્રહાર કરવા માટે, વ્યંગ કરવા માટે, કટાક્ષ કરવા માટે કશુંક બોલાય છે. પચાસ હજારની મેદની હોય એમાં કોઈ એકાદ એવી વ્યક્તિ હોય જે કદાચ પોતાને પસંદ ન હોય, તો વક્તા બોલે છે તો પચાસ હજારની સામે પરંતુ પ્રહાર કરે છે જેના પર થોડો દ્વેષ છે એના ઉપર; તો એમ આક્રોશમાં બોલવામાં આવે છે. આપ કલ્પના કરો, ભગવાન બુદ્ધ ક્યારેય આક્રોશમાં બોલ્યા હશે? ભગવાન મહાવીર ક્યારેય આક્રોશમાં બોલ્યા હશે? ભગવાન જગદ્દગુરુ આદિ શંકર, એમનું જે સ્વરૂપ ચિત્રજીના રૂપમાં આપણી પાસે આજે બધી જગ્યાએ છે; એને જોઈને આપને થશે કે એ કેટલા શાંત અને સત્ત્વપ્રધાન છે! અલબત્ત, ગુણાતીત છે. હા, કોઈ વાતને પ્રસ્થાપિત કરવા માટે વક્તા ઉચ્ચ સ્વરમાં બોલે પરંતુ આપણને તમોગુણ ન લાગે. વક્તા પણ ગુણાતીત થઈ જાય તો તો ઘણું સારું પરંતુ એ તો આપણી ઓકાત જ ક્યાં છે? કમ સે કમ સંવાદ સાત્ત્વિક રહે. પર્યાપ્ત રૂપમાં તો આપણે એનાથી છૂટી નહીં શકીએ. રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણથી મુક્ત થઈ જઈએ; એ ત્રણેય ગુણથી માણસ મુક્ત થઈ જાય એને જ હું મોક્ષ કહું છું. અલબત્ત, નિર્વાણ, મોક્ષ એ બધું બહુ જ ગહન છે. આપણા સનાતન અને શાશ્વત ધર્મમાં એનો ઘણો મહિમા છે. કેટલાકે તો નિર્વાણને જ અંતિમ લક્ષ્ય માન્યું છે. કેટલાક મહાપુરુષોએ નિર્વાણને પણ ઠુકરાવ્યું છે. પોતપોતાની મોજ; પોતપોતાની ગતિ. પરંતુ આપણા જેવા સંસારી લોકો કોઈ બુદ્ધપુરુષની કૃપાથી જીવી રહ્યાં છે, શ્વાસ લઈ રહ્યાં છે. તો જે સંવાદ રજોગુણી નથી, તમોગુણી નથી એ સંવાદ સાત્ત્વિક છે એવું હું સમજું છું અને એ આધારે ચાલું છું. બીજી વાત, તાત્ત્વિક સંવાદ. તાત્ત્વિક સંવાદનો તલગાજરડાનો મતલબ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વની ચર્ચા. સ્થૂળ દૃષ્ટાંત હોય; રૂપક હોય; ઉપમા હોય; કાવ્યની પંક્તિઓ હોય; શેર-શાયરી હોય; લોકગીત હોય; આપણા વેદના કે શાસ્ત્રોના મંત્રો હોય; ભૌતિક દૃષ્ટાંત હોય; એ બધું આવે. સ્થૂળ વાતોનો સદુપયોગ કરીને અંતમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ તરફ સંકેત કરવો એને તાત્ત્વિક કહે છે. સૂક્ષ્મ નહીં, સૂક્ષ્મતર પણ નહીં, સૂક્ષ્મતમ. જેવી રીતે આપણે કથાઓમાં એક વાતને સમજાવવા માટે ઘણાં દૃષ્ટાંતો આપીએ છીએ, પરંતુ અંતે તો એના સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ તરફ સંકેત હોય છે. એને હું તાત્ત્વિક સંવાદ સમજું છું. રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં આવ્યા વિના કેવળ સત્ત્વગુણપ્રધાન ધારા અને એ પણ કહેતાં કહેતાં રસભંગ ન થાય, રુચિભંગ ન થાય, ધ્યાનભંગ ન થાય એ દૃષ્ટિએ શાંતરસમાં ડુબાડીને ચાલવું અને અંતમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ તરફ સંકેત કરી દેવો એ તાત્ત્વિક સંવાદ છે.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...