લક્ષ્યવેધ:બે વાર UPSC ક્રેક કરનારા TRAIના ચેરમેન કહે છે, ‘GU લાઇબ્રેરીમાં જગ્યા મેળવવા સવારે 5 વાગ્યે લાઇનમાં ઊભો રહેતો’

વિશાલ પાટડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

19 80ના દાયકામાં જ્યારે બહુ ઓછા ગુજરાતીઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાતી સિવિલ સર્વિસિઝ પરીક્ષા ક્રેક કરતા હતા, ત્યારે અમદાવાદ નજીકના ઓખલોડ ગામના યુવાન પી. ડી. વાઘેલાએ અથાગ પરિશ્રમ કરીને પ્રથમ પ્રયત્ને જ તે ક્રેક કરી. એટલું જ નહીં, ’86માં તો IAS ઓફિસર તરીકે ગુજરાત કેડર મેળવાનારા એકમાત્ર ગુજરાતી બન્યા. હાલમાં તેઓ દેશની મહત્ત્વની એજન્સી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ધો. 7 સુધી પોતાનાં ગામની જ શાળામાં ભણનારા ડો. પી. ડી. વાઘેલાને સિવિલ સર્વિસનું ઘેલું કેવી રીતે લાગ્યું તે ઘટના ઘણી રસપ્રદ છે. સવારે 5 વાગે લાઇબ્રેરીની લાઇનમાં લાગી જતો તેઓ જણાવે છે કે, ‘પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં કર્યા બાદ મેં ગ્રેજ્યુએશન માટે અમદાવાદની H. L. કોલેજમાં એડમિશન લીધું. કોલેજ દરમિયાન જ C.A.ની પરીક્ષા પાસ કરીને મેં આર્ટિકલશિપ શરૂ કરી દીધી હતી. જોકે પિતાની ઇચ્છા હું ઉચ્ચ સરકારી હોદ્દો મેળવું તેવી હતી. કોલેજ દરમિયાન હું વાંચવા માટે સવારે 5 વાગે ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી જતો. જ્યાં મારી ઉંમરનાં કેટલાય વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસિઝની તૈયારીઓ કરતા. તેમને જોઇને મને પ્રેરણા મળી અને મેં નક્કી કર્યું કે હું પણ સિવિલ સર્વિસિઝમાં જઇશ. મેં અથાગ પરિશ્રમ ચાલુ કરી દીધો. સાથે જ બી. કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં MBAમાં પ્રવેશ લીધો. MBA પૂરું કર્યા પછી તરત જ આવતી UPSC ક્લિયર કરી અને મને ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસિસ એલોટ થઇ. મારું પ્રથમ પોસ્ટિંગ આસિસ્ટન્ટ કમિશનર તરીકે મેરઠમાં થયું અને મેં ત્યાં રહીને જ ફરી IAS કેડર મળે તેની તૈયારીઓ કરી. જોકે, પરીક્ષા આપવા તો હું ગુજરાત જ આવતો. બીજા પ્રયત્ને IAS ઓફિસર બનવાની તક મળી અને 1986ની બેચમાં ગુજરાત કેડર મેળવનારો હું એકમાત્ર ગુજરાતી બન્યો.’

UPSCના ફાઇનલ ઇન્ટરવ્યૂ બાબતે પૂછતાં તેઓ જણાવે છે, ‘તે ઇન્ટરવ્યૂ નહીં પણ તમારો પર્સનાલિટી ટેસ્ટ છે. તમે શહેરમાંથી આવો છો કે ગામમાંથી, ગુજરાતી માધ્યમમાંથી આવો છો કે અંગ્રેજીમાંથી તે મેટર નથી કરતું. તમે સવાલનો જવાબ કેવી રીતે આપો છો, કઇ રીતે રિએક્ટ કરો છો, તમારા વિષયનું કેટલું જ્ઞાન છે, તેને સિવિલ સર્વિસમાં કેવી રીતે એપ્લાય કરશો તેનો ટેસ્ટ લેવાય છે. મને ઇકોનોમિક્સને લઇને દેશની સમસ્યાઓ વિશે પૂછાયું હતું. MBA કર્યા પછી સિવિલ સર્વિસમાં કેમ આવ્યા અને હું ફાઇનાન્સ ભણ્યો હતો તેનો સિવિલ સર્વિસમાં શું ઉપયોગ તેમ પૂછ્યું હતું. દેશની સામાજિક વ્યવસ્થાને લીધે કયા પ્રકારના આર્થિક પડકારો ઊભા થાય છે તે વિશે લાંબી ચર્ચા ચાલેલી. મારો પર્સનાલિટી ટેસ્ટ 45 મિનિટ ચાલ્યો હતો. જે સવાલ નહોતા આવડતા તેમાં મેં ના પાડી હતી. પેનલનો ભાવ તમને ડરાવવાનો નહીં, પણ કમ્ફર્ટેબલ કરવાનો હોય છે.’

કારકિર્દીનાં મહત્ત્વનાં પોસ્ટિંગ્સ Âચેરમેન, TRAI Âસેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ભારત સરકાર Âચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, ગુજરાત Âચેરમેન, કંડલા પોર્ટ ટ્રસ્ટ, ભારત સરકાર ÂMD, ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત ÂMD - GIIC Âવિકાસ કમિશનર, ગુજરાત Âમ્યુનિ. કમિશનર - ભાવનગર Âકલેક્ટર - મહેસાણા (Undivided), ખેડા (Undivided), બનાસકાંઠા Âમનોરંજન કર કમિશનર, ગુજરાત

ડો. પી. ડી. વાઘેલા સિવિલ સર્વિસ માટે અથાગ પરિશ્રમ સાથે અન્ય પરીક્ષાઓ માટે તૈયારીઓ કરવાની સલાહ આપે છે. તેમના મતે UPSC સાથે ઇકોનોમિક સર્વિસ, એન્જિનિયરિંગ સર્વિસ, SSC જેવી અન્ય પરીક્ષાઓની તૈયારીઓ પણ કરવી જોઇએ. તેઓ કહે છે, ‘હું રોજ સવારે 5 વાગ્યે ગુજરાત યુનિ.ની લાઇબ્રેરીમાં જગ્યા માટે લાઇનમાં ઊભો રહેતો, જેથી લાઇબ્રેરીમાં પુસ્તકોનો સમૃદ્ધ ખજાનો મળી રહે. કારણ કે ત્યારે કોઇ કોચિંગ ક્લાસ કે ગાઇડન્સ જેવું હતું નહીં. મારે ઉમેદવારોને કહેવાનું કે આ પરીક્ષામાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા હોય છે. જેથી કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરવી.’

વિષય પસંદગી બાબતે પૂછતાં તેઓ કહે છે કે, ‘વિષય એવો હોવો જોઇએ કે જેનું તમને પેશન હોય અને તમારી તેના પર પકડ હોય, કારણ કે ઇન્ટરવ્યૂથી લઇને સબ્જેક્ટિવમાં તમે જો વિષયને સમજ્યા હશો તો જ ફાયદો થશે. તમે સ્કોર કરવાનાં ચક્કરમાં તમારા મનગમતાં કે બેઝિક ક્લીયર હોય તેવા વિષયને અન્યાય ન કરી બેસતા. મેં પણ તે વખતે ઇકોનોમિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય રાખ્યા. જ્યારે અન્ય સ્કોરિંગ વિષયો લેવાનો ટ્રેન્ડ હતો, પરંતુ હું સ્કોરિંગ વિષયોમાં એટલો કમ્ફર્ટેબલ ન હતો અને મને તેમાં રસ પણ ન હતો. મારા મતે, વિષય પસંદ કરવામાં થોડું ચિંતન, મનન કરવું જોઇએ. જેથી બીજી ટ્રાયલમાં તેને બદલવા ન પડે. મેં મારા વિષયો નહોતા બદલ્યા.’

અન્ય સમાચારો પણ છે...