પ્રશ્ન વિશેષ:‘રમકડાં’ની જગ્યાએ કામકડાં’!?

એક મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક

આજના પ્રશ્ન વિશેષનું ટાઈટલ વાંચીને આશ્ચર્ય થયું ને ? થાય જ, કારણ કે શીર્ષકમાં એક શબ્દ ખૂબ પરિચિત એક શબ્દ સાવ નવો છે. આપણે નાના હતા ત્યારથી ‘રમકડાં’ શબ્દ સાવ હૈયાવગો, હાથવગો અને પ્રત્યેક બાળવગો શબ્દ છે. ‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યાં રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે’... આ બહુ જાણીતું ગીત આપણે ગણગણીએ છીએ. પણ એ રાખમાંથી બનેલું રમકડું એટલે તો માનવદેહ. આ માનવદેહે પૃથ્વી ઉપર આવ્યા પછી આનંદ, પ્રમોદ, ઉલ્લાસ, ઉત્સાહના પ્રતીકસમા જે સર્જન કર્યા એને આપણે રમકડાં કહેવા લાગ્યા. જેનાથી રમી શકાય તે રમકડાં. પણ આ ‘કામકડાં’ એ વળી શું ? આમ જુઓ તો એ શબ્દ પણ ઘણો જૂનો છે. નયી તાલીમની વટવૃક્ષ જેવી એક સંસ્થા ગાંધી વિદ્યાપીઠ, ‘વેડછીના વડલા’ તરીકે ઓળખાતા જુગતરામ દવે એટલે કે ‘જુકાકા’ આ ‘કામકડાં’ શબ્દ વ્યવહારમાં લઈ આવ્યા. એ વિનોબાજીના સૂત્રને વ્યવહારમાં ઉતારીને કેળવણી આપતા, ‘જીવતા જીવતા શીખવું’ નયી તાલીમની સંસ્થામાં બધું જ પ્રવૃત્તિથી અને પ્રવૃત્તિ એટલે રોજબરોજનું જીવતા હોઈએ એમાંથી કેળવણી પ્રાપ્ત કરવાની. એટલે તેમાંથી શબ્દ આવ્યો ‘કામકડાં’ !. રમકડાંથી રમી શકાય તો કામકડાંથી કામ કરી શકાય. હવે કામકડાં એ રમકડાંનો પર્યાય છે. બાળકોને જીવનની રોજબરોજની પ્રવૃત્તિઓ દ્વારા કશુંક શીખવવામાં આવે તો રસ પડે છે અને રસ પડે એવી પ્રવૃત્તિઓનાં સાધન એટલે કામકડાં. આ કામકડાંને પુનર્જીવિત કરનાર આપણો એક તરોતાજા યુવાન હિરેન પંચાલ, એવા પિતાજીનો દીકરો કે જેને ભણવા માટેની અનુકૂળતા નહોતી, પરંતુ એમનું મન સતત કશુંક નવું નવું બનાવ્યા કરવા માટે દોડ્યા કરતું. જાણે એમની બુદ્ધિમાં સર્જન પ્રક્રિયાનો મોટો વર્કશોપ ચાલ્યા કરતો. મહારાષ્ટ્રના પાબલ ખાતે આવેલ ‘વિજ્ઞાન આશ્રમ’માં હિરેન પહોંચી ગયો કે જ્યાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન જીવાતું હોય એવાં નાનાં - મોટાં, અનેક પ્રકારનાં યંત્રો અને કામકડાંઓ બનાવવામાં આવે છે. હિરેન ત્યાંથી એ બધું શીખી લાવ્યો પણ એનો જીવ નાવિન્યની શોધમાં હતો એટલે એમણે ટેક્નોલોજીની દુનિયામાં ખ્યાત જર્મનીમાં જઈને પાબલના વિજ્ઞાન આશ્રમમાંથી જે મેળવ્યું હતું તેને પોલિશ કરવાનું કામ કર્યું. હિરેન પંચાલે ગ્રીન સ્ટાર્ટઅપ તરીકે પોતાની પ્રવૃત્તિઓ ધરમપુરમાં એક નાનકડા મકાનમાં વર્કશોપ બનાવીને શરૂ કરી. વર્કશોપમાં ફેબ્રિકેશનનું, સુથારી-લુહારી, એવું બધું કામ સ્થાનિક લોકો દ્વારા જ થાય છે. આ સંસ્થાનું નામ રાખ્યું છે : ‘મિટ્ટિધન’. હિરેનના કહેવા પ્રમાણે ‘જે ધરતીમાંથી આપણે જન્મ્યા છીએ એ ધરતીની માટીમાં જ ખરું ધન રહેલું છે. આપણે ખાવાપીવા માટે અનાજ મેળવીએ છીએ તે માટીનું ધન છે. અને આ માટી સાથે જોડાઈ રહેવા માટે આપણે આપણાં બાળકોને નાનાં હોય ત્યારથી જ જો નાનકડાં નાનકડાં ઓજાર હાથમાં આપીને બગીચામાં કે ખેતરમાં કે ઘરના વાડોલિયામાં ગાર્ડનિંગ કરવાનું કે ફાર્મિંગ કરવાનું કામ સોંપીએ તો? બાળકો દ્વારા કામ કરવા માટેના નાનાં નાનાં સાધનો એ જ તો ‘કામકડાં’ બની જશે. ‘મિટ્ટિધન’ દ્વારા ઓજાર બેન્ક એટલે ટૂલ્સ બેંકનું સુંદર નિર્માણ થયું છે. ખેડૂતોની સાથે સતત વાતચીત કરતા રહીને હિરેન ખેડૂતોને પડતી મુશ્કેલી જાણી તે મુશ્કેલી દૂર કરવા માટે સંશોધન કરીને વર્ષોથી ચાલ્યાં આવતાં યંત્ર સાધનસામગ્રીમાં જરૂરી ફેરફારો અમલમાં મૂકે છે અને સુધારેલું ઓજાર એ ખેડૂતને આપીને એમનો ફીડબેક પણ મેળવે છે. હિરેનને માટે ખેતી, ખેડૂતો, ધરતી, બગીચો આ બધી વાતો હૃદય સાથે જોડાયેલી છે. કામકડાં એ હકીકતમાં બગીચામાં અથવા તો ઘરના વાડોલિયામાં કે કોઈ ફાર્મમાં નાની મોટી ખેતી કરવા માટે છોડ રોપવા, છોડને ઘોળવા, તેમાં ખાતર નાખવું વગેરે પ્રક્રિયાઓમાં જે સાધનોની જરૂર પડે એ સાધનો બાળકો પોતે ચલાવી શકે એવડાં નાનાં અને મજબૂત ‘મિટ્ટિધન’ દ્વારા બનાવવામાં આવ્યાં છે. બાળકો હોંશે હોંશે આ કામકડાં સાથે લઈને પોતે સર્જનાત્મક કાર્ય કરી સંતોષ અને આનંદ મેળવે છે. શાળાઓમાં કૌશલ્ય શિક્ષણની શરૂઆત આ કામકડાંથી થવી જોઈએ. દરેકે સંસ્થામાં કામકડાંના પાંચ દસ સેટ હોવા જોઈએ. જયારે ફ્રી પિરિયડ આવે ત્યારે આપણે બાળકોને કામકડાંનું એક નાનું બોક્સ આપી દઈએ. હળવું ખોખું લઈ એ બગીચામાં ધરતી સાથે , માટી સાથે પોતાનો દિવસ વિતાવશે. કામકડાં આપણાં બાળકોને કામ કરતાં શીખવશે અને પછી એ બાળકો પોતાનું કામ પોતે કરશે, અન્યનું કામ પણ કરી આપવાની ભાવના કેળવશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હકીકતમાં પ્રત્યેક સ્કૂલ કેમ્પસમાં આ કામકડાં પહોંચે તો એક ઉત્તમ પહેલ રાષ્ટ્રભરમાં કરી ગણાશે. ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...