ણી વાર એવું બને કે ફિલ્મ સાવ નબળી હોય, પણ એમાં અભિનેત્રીનો પરફોર્મન્સ ગજબનો હોય. ક્યારેક એવું પણ બને કે ફિલ્મ સારી હોય પણ એમાં હિરોઇનનો રોલ જ કંઇ ખાસ ન હોય. ક્યારેક એવું હોય કે ફિલ્મ ભલે એવરેજ હોય, પણ એમાં હિરોઇનનો રોલ જ એટલો પાવરફૂલ હોય કે તે સૌની નજરે દેખાઇ જાય. જોકે સારી કે ખરાબ એક્ટ્રેસનો પરફોર્મન્સ ત્યારે જ ખબર પડે છે જ્યારે ફિલ્મ પણ સારી હોય, રોલ પણ મજબૂત હોય છતાં હિરોઇનનો ખાસ પ્રભાવ ન પડ્યો હોય. બોલિવૂડમાં સન 2000 પછી એવી અનેક ફિલ્મો આવી ગઇ છે, જેમાં નિપોટિઝમના કારણે સારી ફિલ્મના સારા રોલમાં સાવ નબળા કલાકારો ગોઠવાઇને પબ્લિકની વાહ-વાહ જીતી ગયા હોય છતાં અમુક એક્ટ્રેસો પોતાની અંગત પ્રતિભાના જોરે જ છવાઇ શકી છે. પ્રસ્તુત છે એવું એક ટોપ 10 લિસ્ટ… 1. તબ્બુ (‘અંધાધૂન’ માટે) : છેલ્લાં 13 વર્ષમાં તબ્બુને રોલ જ એવા મળ્યા છે કે તેને છવાઇ જવાની તક હતી. જેમ કે, ‘મકબૂલ’, ‘દૃશ્યમ’, ‘હૈદર’ વગેરે. પરંતુ એક જ સ્ક્રિપ્ટ અને એક જ રોલ હોવા છતાં એક મીડિયોકર અભિનેત્રી અને એક ટેલેન્ટેડ એક્ટ્રેસમાં શું ફેર હોઇ શકે તે જોવું હોય તો એક વાર સાઉથમાં બનેલી ‘અંધાધૂન’ની રિમેક ‘ભ્રમમ’ જોઇ લેજો. (અમેઝોન પ્રાઇમ) તમને સમજાઇ જશે કે તબ્બુને શા માટે અહીં નંબર 1 પર લેવામાં આવી છે! અનોખી વાત એ પણ છે કે આ ઉંમરે તબ્બુ ભલભલી યંગ ગ્લેમરસ એક્ટ્રેસોને ભારે ટક્કર આપી રહી છે. 2. પ્રિયંકા ચોપરા (‘બર્ફી’ માટે) : કોણ જાણે કયા કારણસર પ્રિયંકાની નોંધ કદી ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે લેવાઇ જ નથી. ‘બર્ફી’માં એણે જે રીતે મંદબુદ્ધિ છોકરીનો રોલ નિભાવ્યો છે તેને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે કોઇ ખાસ એવોર્ડ્ઝ કેમ ન મળ્યા તે પણ નવાઇની જ વાત છે. 3. ભૂમિ પેડનેકર (‘દમ લગા કે હૈશા’ માટે) : એક તો જેને કદી હિરોઇન તો શું, અભિનેત્રી પણ બનવું નહોતું તેણે પોતાની પહેલી ફિલ્મ માટે હદ બહારનું વજન વધાર્યું! એટલું જ નહીં, કોઇ મંજાયેલી એક્ટ્રેસની જેમ બખૂબી રોલ નિભાવ્યો અને આગળ જતાં ‘બાલા’ જેવી ફિલ્મમાં અતિશય કાળી ત્વચાનો મેકઅપ કરાવવાની હિંમત બતાવી. ‘સાંડ કી આંખ’માં તો સાવ યુવાન ઉંમરે પાકટ વૃદ્ધાના બિલકુલ નેચરલ અભિનયમાં તેણે તાપસી પન્નુને રીતસરની ધોબીપછાડ ખવડાવી. 4. કંગના રણૌત (‘તનુ વેડ્ઝ મનુ રિટર્ન્સ’ માટે) : આપણા બોલિવૂડના પોલિટિક્સની એ કમનસીબી છે કે ‘ગેંગસ્ટર’ (2006)માં જેણે પોતાની ટેલેન્ટનો તિખારો સાવ ઓર્ડિનરી હિરોઇનના રોલમાં દેખાડ્યો હતો. તેને સરખી તકો મળવાને બદલે દુશ્મનો વધારે મળ્યા છે. ‘ક્વીન’ (2014) એણે એકલે હાથે પોતાને ખભે ઉપાડી અને ‘મણિકર્ણિકા’ (2019)માં જાતે જ ડિરેક્શન કરવાનું દોઢ-ડહાપણ કરવાને કારણે ફિલ્મની પથારી ફેરવી નાખી. 5. દીપિકા પદુકોણ (‘બાજીરાવ મસ્તાની’ માટે) : જે આ લીસ્ટ સિંગલ પરફોર્મન્સને બદલે ઓવરઓલ કરિયર આધારિત હોત, તો બેશક, દીપિકા નંબર વન પર બિરાજતી હોત, સુપર ગ્લેમર અને સેન્સિટિવ એક્ટિંગના ડેડલી કોમ્બિનેશનમાં ફક્ત કંગના, પ્રિયંકા કે ક્રીતિ સેનન જ એને ટક્કર આપી શકતી હોત. ‘પદ્માવત’, ‘રામલીલા’ અને ‘બાજીરાવ-મસ્તાની’ના તો રોલ જ પાવરફૂલ હતા, પરંતુ ‘યે જવાની હૈ દિવાની’ જેવી રોમેન્ટિક ફિલ્મમાં પણ દીપિકા જ પોતાના પાત્રમાં રહેલી ઊંડી બારીકાઇઓને બહાર લાવી શકે. 6. વિદ્યા બાલન (‘કહાની’ માટે) : આ વધુ એક વેડફાયેલી ટેલેન્ટનું નામ છે. ‘પરીણિતા’, ‘તુમ્હારી સુલ્લુ’ અને ‘બેગમ પારો’ જેવી જૂજ ફિલ્મો જ એને ન્યાય અપાવી શકી. બેશક, ‘કહાની’ની સ્ક્રિપ્ટ ગજબની હતી, પરંતુ એ રોલમાં તમે ભલભલી ટોપ હિરોઇનોને કલ્પી પણ શકો નહીં. 7. અનુષ્કા શર્મા (‘સુઇધાગા’ માટે) : ભલે ફિલ્મ બહુ ચાલી નહીં અને વિવેચકોના ધ્યાનમાં પણ ખાસ ન આવી. છતાં અનુષ્કાએ આ એક જ રોલમાં સાબિત કરી આપ્યું કે એની રેન્જ કેટલી અદ્ભુત છે. 8. ક્રીતિ સેનન (‘મીમી’ માટે) : કોઇ ગેરસમજને કારણે પરણ્યા વિના પ્રેગ્નન્ટ બની જતી અબોધ છતાં તેજમિજાજ સરોગેટ મધરના રોલમાં જેટલા શેડ્સ તેના લેખકે પણ નહીં કલ્પ્યા હોય તે બહાર લાવવામાં ક્રીતિએ સાબિત કરી બતાવ્યું છે કે તે આવનારાં વર્ષોની ટોપ એક્ટ્રેસોમાં મોટી દાવેદાર છે. 9. આલિયા ભટ્ટ (‘ઊડતા પંજાબ’ માટે) : શરીરે બટકી, ફિગરમાં નબળી છતાં અભિનયમાં લાજવાબ એવી આ છોકરીમાં ટિપીકલી બોલિવૂડી હિરોઇનમાં હોય એવો એક પણ મસાલો નથી. છતાં એના વ્યક્તિત્વમાં એક અનોખો તિખારો છે. આલિયાની મર્યાદા એક જ છે, તેને હંમેશાં એક્સ્ટ્રા-ઓર્ડિનરી ‘રોલ’ જ જોઇશે. તે ઓર્ડિનરી રોલને એક્સ્ટ્રા-ઓર્ડિનરી પરફોર્મન્સ વડે ઉપાડી શકતી નથી. (દાખલા તરીકે, ‘કલંક’) 10. નીના ગુપ્તા (‘બધાઇ હો’ માટે) : બોલિવૂડ માટે સુખદ આશ્ચર્યની વાત એ છે કે આવાં અનોખા પાત્રો સરળતાથી ભજવી શકે તેવી અભિનેત્રીઓ હજી આપણી પાસે છે! ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.