તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:કલ ભી,આજ ભી,કલ ભી?: ન બદલાતું ગમગીન સત્ય!

21 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • સરકારો આવે છે, જાય છે પણ સમાજ એવો ને એવો જ રહે છે. અખબારની તારીખ બદલાય છે, તવારીખ બદલાતી નથી

ટાઇટલ્સ સત્ય માટે દિલમાં હિંમત ને અસત્ય માટે દિમાગ નફ્ફટ હોવા જરૂરી છે! (છેલવાણી) આમ તો સન્ડે સવારની આ કોલમમાં, હળવુંફૂલ કે મજા આવે એવું જ વાચકો વાંચવા માગે છે ને અમે હંમેશાં એવું જ મીઠું-મીઠું લખીએ પણ છીએ, પણ ક્યારેક સમાચારો એવા હચમચાવી નાખે છે કે નાછૂટકે ગંભીર વાતો લખાઇ જાય છે! હમણાં એક જૂની હિંદી કવિતા વાંચી જે આજે પણ નવી લાગે છે. (એની સામે ગુજરાતી કવિતાઓ ઘણીખરી નવી હોય તોયે જૂની જ લાગે!) તો કવિ હરીશચંદ્ર પાંડેની કવિતા છે- ‘ટ્રક નીચે આ ગયા એક આદમી, વહ અપને બાયેં ચલ રહા થા, એક લટકા પાયા ગયા કમરે મેં પંખે પર હોટલ મેં, વહ કહીં બાહર સે આયા થા, એક નહીં રહા બીજલી કા નંગા તાર છૂને સે, એક ઔરત નહીં રહી અપને ખેત મેં, અપને કો બચાતે હુએ, એક નહીં રહા ડકૈતોં સે અપના ઘર બચાતે હુએ, કલ કી તારીખ મેં ઇન લોગોં કે મર જાને કે સમાચાર નહીં હૈ, પર… કલ કી તારીખ મેં મેરે બચકર નિકલ જાને કે સમાચાર હૈ!’ મુદ્દો છે, સમાજને આયનો દેખાડવાનો. તાજેતરમાં એક સરકારી રીસર્ચમાં એવા આંકડાઓ બહાર આવ્યા છે કે હજુયે દેશમાં નેવું ટકા જેટલા લોકો પોતાની જાતિ કે ધર્મમાં જ લગ્ન કરે છે અને એમ ન કરવાને એક પાપ ગણે છે! વળી, એ તો વરવું સત્ય છે કે હજીયે આપણી ઇલેક્શનોમાં બધી પાર્ટીઓ દ્બારા જાતિ કે ધર્મના આંકડાઓ ઉપર જ રાજકારણ રમાયા કરે છે. 1942માં ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન હિંદી લેખક ચતુરાનન મિશ્ર અંગ્રેજ પોલીસથી બચવા ભાગી રહ્યા હતા. ભાગતા ભાગતા છેક બિહાર-નેપાળ નજીકના જનકપુરી વિસ્તારમાં રાતોરાત પગપાળા નાસી જવું પડ્યું. એવામાં રસ્તામાં એક કૂવા પાસે પાણી પીવા રોકાયા, જ્યાં એક મહિલા પાણી ભરી રહી હતી. ચતુરાનન, એ સ્ત્રી પાસે પાણીની બાલ્ટી માગવા ગયા. પેલી સ્ત્રીએ કહ્યું કે એ દલિત જાતિની છે એટલે આ બાલ્ટી એમણે ન લેવી જોઇએ! ચતુરાનને પેલી મહિલાને બહુ સમજાવી, પણ એ ન જ માની. છેવટે એ સ્ત્રી જ્યારે પોતાના માથે બે ઘડા મૂકવા માંડી ત્યારે ચતુરાનને તરત બાલ્ટી ઉઠાવી લીધી ને પાણી પીધું. આ જોઇને એ સ્ત્રીએ સૂરજ સામે હાથ જોડીને કહ્યું, ‘હે ભગવાન, આણે પોતે જ પોતાના હાથે પોતાનો ધર્મ અભડાવ્યો છે. આમાં મારો કોઇ દોષ નથી!’ ચતુરાનને પણ સ્ત્રીને સાંત્વના આપતા સૂરજ સામે જોઇને કહ્યું ‘હા ભગવાન, એમ જ છે હોં... આમાં આ બહેનનો કોઇ વાંક નથી!’ પાણી પીને પછી ચતુરાનને એ બાઇને બાલ્ટી પાછી આપી દીધી, પણ ત્યાં એક સાધુ જેવો દેખાતો માણસ આ બધું દૂરથી જોઇ રહ્યો હતો. એણે ચતુરાનન અને એના મિત્રોને ખૂબ ગાળો ભાંડી અને ધમકાવ્યા કે જનકપુર પહોંચીને તમને મજા ચખાડીશ. લેખક ચતુરાનન મિશ્ર પોતાની આત્મકથામાં લખે છે કે ત્યારે અમે દેશના દુશ્મન અંગ્રેજ સિપાહીઓથી તો બચી શક્યા, પણ આપણાં પોતાના ઉચ્ચ જાતિના લોકોથી બચવામાં અમારો દમ નીકળી ગયો! ઇન્ટરવલ ગુણ છાંડે ઔર અવગુણ થાપે, પરસુખ દેખી જલે સો તાપે વો મૂરખ અપને કર કાપે (અખો) હિંદુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં રાગ ‘લલિત’ બહુ પ્રચલિત છે, એમ હિંદુસ્તાની સમાજમાં હજી પણ બદનસીબે રાગ ‘દલિત’ ચાલે જ રાખે છે. લેખક ચતુરાનન મિશ્ર સાથે બીજી પણ રસપ્રદ ઘટના બનેલી. વર્ષ 1949માં ત્યારે સામ્યવાદી પાર્ટી પર પ્રતિબંધ હતો અને ચતુરાનન મિશ્ર માટે વોરંટ નીકળેલું. તેઓ છુપાઇને કામ કરી રહ્યા હતા. એક વાર બનવારી નામના દલિત લીડરને ઘરે ચતુરાનન છુપાયેલા. એમના ઘરે રાત્રે એક ખૂણામાં એ જમતા હતા. બનવારીની વૃદ્ધ માતાએ આ જોઇ લીધું કે ચતુરાનન મિશ્રા જેવો ઉચ્ચ જાતિનો માણસ એમને ત્યાં જમી રહ્યો છે! બનવારીની માતાએ થાળી ઝૂંટવી લીધી ને પુત્ર બનવારીને કહ્યું, ‘તેં ઉચ્ચ જાતિના માણસને ભ્રષ્ટ કર્યો છે! તને કોઢ થશે ને થવો પણ જોઇએ!’ આ સાંભળી ચતુરાનન અવાક્ અને હતપ્રભ હતા! છેલ્લાં 80-90 વર્ષમાં ગાંધીજી કે આંબેડકર જેવી મહાન હસ્તીઓને કારણે આજે શહેરોમાં ઘણી સ્થિતિ બદલાઇ છે, પણ કમનસીબે ગ્રાસ-રૂટ લેવલે દેશમાં બધે હજીયે હાલત બહુ બદલાઇ નથી. આઝાદીનાં 32 વર્ષ બાદ 1978માં ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમર્જન્સી સામે લડીને જનતા પાર્ટીનું રાજ આવ્યું. ત્યારે લોકોએ એને ‘બીજી આઝાદી’નું નામ આપેલું, પણ એ કહેવાતી ‘બીજી આઝાદી’ના સમયે ઇન્દિરા કોંગ્રેસ સામે ઇલેક્શન જીત્યાં બાદ જનતા પાર્ટીની સરકાર બનવાની વાત આવી, ત્યારે જગજીવનરામ નામના કાબેલ અને અનેક સાંસદોનો સારો એવો સપોર્ટ ધરાવતા નેતાને જનતા પાર્ટીના અન્ય નેતાઓએ મળીને ધરાર વડાપ્રધાન ન જ બનવા દીધા! ત્યારે ગુસ્સાથી કે લાચારીથી જગજીવનરામે કહેલું : ‘ઇસ દેશમેં એક દલિત કા બેટા કભી પી.એમ. બન હી નહીં સકતા!’ (નોંધ: જગજીવનજીએ વાપરેલ જાતિવાચક શબ્દ બદલેલ છે.) ચાલો હવે આપણે 1978થી સહેજ ફ્લેશ ફોરવર્ડમાં, ઇતિહાસને જરા આગળ ધપાવીએ. 2003-2004થી બિહારમાં ઊંચી જાતિની એક લડાકુ સેના દ્વારા થયેલા નરસંહારમાં મોટા ભાગના દલિત નિર્દોષ લોકો, વૃદ્ધો, સ્ત્રીઓની હત્યા થઇ હતી. 2004માં બિહારના મધુબની જિલ્લામાં પણ ગુજરાતના ઉનાકાંડ જેવી જ ઘટના ઘટેલી. ત્યાં અમુક જાતિના લોકોએ મરેલા પશુઓના માંસને ખાવાની અને એમને ઉપાડીને ફેંકવા વગેરે કામની સામે વિરોધ કર્યો. શરૂઆતમાં એ હડતાળને સારી સફળતા મળી. છતાંયે એ ખાસ જાતિમાં ધીમે ધીમે રાજકારણીઓએ ફૂટ પાડી નાખી ને પછી એમને એમ એ કામ ચાલ્યે રાખ્યું. ઇનશોર્ટ, સરકારો આવે છે, જાય છે પણ કમનસીબે સમાજ એવો ને એવો જ રહે છે. અખબારની તારીખ બદલાય છે, તવારીખ બદલાતી નથી. દેશમાં વર્ષોથી સરકારો બદલાયા કરે છે પણ દેશ હજી બદલાતો નથી. સમાજમાં છૂત-અછૂતના ઝઘડા ને અત્યાચાર વિશે વાંચીને ‘આપણને શું?’ એવું હું-તમે-આપણે કહીને નિંભરતાથી જીવીએ છીએ. પેલી હિંદી કવિતાની જેમ! એન્ડ ટાઇટલ્સ ઇવ: આજે ન્યૂઝ જોયા? આદમ: ના, ચેનલ બદલાવી.⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...