તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્તી-અમસ્તી:સહિષ્ણુતા બાવનમો ધર્મ!

રઈશ મનીઆર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેં હસુભાઇને સહિષ્ણુતાનો અર્થ સમજાવ્યો અને એના લાભ જોઇ હસુભાઇને પણ સંતોષ થયો

આ‘સહિષ્ણુતા બાવનમો ધર્મ!’ એનો મીનિંગ શું?’ હસુભાઈ કશું નવું વાંચે ત્યારે આવા સવાલ પૂછે! વિષ્ણુ ભગવાન શેષનાગ પર શયન કરે એમ હસુભાઈ મારા મગજ પર શયન કરે છે, પાછી એમને આળોટવાની ટેવ. મેં ધ્યાનથી વાંચીને કહ્યું, ‘તમારી વાંચવામાં ભૂલ થઈ, ‘સહિષ્ણુતા પરમો ધર્મ’ લખ્યું છે!’ ‘સહિષ્ણુતા એટલે શું?’ ‘આપણને અનુકૂળ ન હોય એવી વાતોને ધીરજપૂર્વક સહન કરવાની ક્ષમતા.’ ‘એમ? તો આ નવા વર્ષમાં હું અબઘડી બદલાતાં જમાના સાથે સહિષ્ણુ થવાની પ્રતિજ્ઞા લઉં છું!’ ત્યાં જ હેમિશ ગીત ગાતો આવ્યો, ‘ચાર બોટલ વોડકા, કામ મેરા રોજ કા...’ હસુભાઈનું મગજ ગયું. મેં કહ્યું, ‘મગજથી પ્રતિભાવ ન આપો!’ ‘તો શું જોડાથી આપું?’ હસુભાઈના ઘરમાં ચરણસ્પર્શનો રિવાજ જરા જુદી રીતનો! દીકરાનું મસ્તક બાપના ચરણ સામે ન ઝૂકે તો ભલે, બાપની ચરણપાદુકા ઉડ્ડયન કરીને દીકરાના મસ્તકનો સ્પર્શ કરી લે. મેં એક જ શબ્દથી રોક્યા, ‘સહિષ્ણુતા!’ હસુભાઈ અટકી ગયા. પળવાર રહીને બોલ્યા, ‘કંઈ તો કહેવું પડશે? નહીં તો ‘બાપાવતાર’ એળે જાય!’ મેં વિચારીને કહ્યું, ‘આર્થિક પાસાં વિશે વાત કરો!’ હસુભાઈ સમજી ગયા, પ્રેમથી બોલ્યા, ‘બેટા! અહીં આવ!’ હેમિશે આજુબાજુ જોયું. પપ્પા ‘ડફોળ’ કહીને જ બોલાવતા. ‘બેટા’ કોને કહ્યું? હસુભાઈએ કહ્યું, ‘બેટા, વોડકાની એક બોટલ કેટલાની આવે?’ ‘પંદરસો.’ હસુભાઈ હિસાબ લગાવી હનીસિંહની સ્ટાઈલમાં જ બોલ્યા, ‘ચાર બોટલ વોડકા, છ હજ્જાર રોકડા!’ મેં કહ્યું, ‘એના કરતાં 1967માં ‘આરઝૂ’ ફિલ્મમાં ગીત હતું, ‘છલકે તેરી આંખો સે શરાબ ઔર જિયાદા!’ પ્રેમનો નશો વિનામૂલ્યે હોય છે!’ ‘1967માં પ્રેમનો નશો વિના મૂલ્યે હશે. આજકાલ તો સાડા તેર હજારનો ફોન પણ ટાંચો પડે! એના કરતાં કુંવારા રહી રશિયન વોડકા પીવો સારો!’ ‘ના મુઝે કોઈ રોકે, ના કિસીને રોકા..’ એમ કહી એ રસિયો ચાલી ગયો. હસુભાઈ જરા ખુશ થયા, ‘આપણે સહિષ્ણુતા દાખવી તો શક્યા!’ ત્યાં હેમાબહેન ‘ફ્રેન્કી’ ખાતાં ખાતાં આવ્યાં. ‘આ શેના ડૂચા ભરે છે?’ મેં હસુભાઈને યાદ અપાવ્યું, ‘સહિષ્ણુતા!’ ફરી જાદુ થયો. જે મોંમાંથી ‘ડૂચા’ શબ્દ નીકળેલો એમાંથી ‘ઋચા’ પ્રગટી, ‘પ્રિયે! શું આરોગી રહી છે? તને એ રોગી ન બનાવી દે!’ ‘મહિલાપૂર્તિમાં લખ્યું છે, કોરોનાકાળમાં રસ્તે ઊભા રહી પાણીપૂરી વગરે બજારુ ખોરાક ખાવો નહીં, એટલે પાર્સલ લઈ આવી ફ્રેન્કીનું!’ હેમાબહેને ફ્રેન્ક થઈ કહ્યું. એ અંદર ગયા, ત્યાં તો શાંતિલાલે પધાર્યા. મોં ઊંચું કરી ‘કેમ છો?’ કર્યું. ગુજરાતી મોં ઊંચું રાખી ‘કેમ છો?’ કહે એનો મતલબ કે એના મોંમાં માવો છે. વડીલો કહેતાં કે બોલતાં બોલતાં વટાણા ન વેરાઈ જાય એનું ધ્યાન રાખવું, પણ હવે માવો ન વેરાઈ જાય એ માટે ગુર્જરનરરત્નો મસ્તક ઉન્નત રાખી વાત કરે છે! હસુભાઈ માવા સામે ચીડ વ્યક્ત કરે એ પહેલા મેં યાદ અપાવ્યું, ‘સહિષ્ણુતા!’હસુભાઈ બોલ્યા, ‘મુખ સભર લાગે છે આપનું!’ શાંતિલાલે ઈશારાથી જ ‘હા’ કહ્યું અને ઈશારાથી અમારા હાલચાલ પૂછીય લીધા અને પોતાના જણાવી પણ દીધા. દસ રૂપિયાના માવા કરતાં વધારે કિંમતી કંઈ બોલવા જેવું ન હોય તો શાંતિલાલ મોં ન ખોલે. એ રીતે જોઈએ તો માવાથી દેશમાં ધ્વનિપ્રદૂષણ ઘટે છે. શાંતિલાલનો સંયમ એટલો બધો કે એકાદ કલાક મૌન રહીને માવો ચગળી માત્ર હાવભાવથી વાત કરી શકે. કલાક રહી કોઈ આ સંયમ તોડાવે ત્યારે માવો ફોર્સથી થૂંકી એટલા જ ફોર્સ સાથે દબાવી રાખેલી સુરતી બોલે. મેં પૂછ્યું, ‘આમ શિયાળાની સવારમાં માવો ચાવવાથી ગરમાટો રહેતો હશે, નહીં?’ શાંતિલાલ માવાનો આ નવો ફાયદો સાંભળી ખુશ થઈ ગયા! ‘જીવતેજીવત મુખાગ્નિ!’ હસુભાઈએ સહિષ્ણુતાપૂર્વક બોલ્યા, ‘સરકાર અવાચ્ય ફોંટમાં સ્ટેચ્યુટરી વોર્નિંગ લખે છે એને બદલે માવા-સિગારેટ માટે ‘મુખાગ્નિ’ શબ્દ પ્રચલિત કરવો જોઈએ!’ ‘મુખાગ્નિ’ સાંભળી હચમચી ગયેલા શાંતિલાલે સદેહે ઉઠમણું કર્યું. મુખાગ્નિ આંગણે કૂંડામાં થૂંકતા ગયા.‘સહિષ્ણુતા કામ આવી!’ હસુભાઈ ખુશ! પ્રેરણાડી આવી, ઠંડી લાગવાને કારણે ઉપરના અડધા શરીર પર ડબલ જેકેટ પહેર્યું હતું, નીચેના અડધા ભાગમાં દીપિકા પાદુકોણે પહેરે છે એવી કરકસરયુક્ત શોર્ટ્સ પહેરી હતી. હસુભાઈ કંઈ વરવું બોલે એ પહેલા મેં કહ્યું, ‘સહિષ્ણુતા!’ હસુભાઈ સહિષ્ણુતા કેળવી બોલ્યા, ‘જુઓ પેપરમાં આવ્યું છે ઉ. ભારતમાં ઠંડીનું મોજું. દ. ભારતમાં હજુ ગરમી છે! છોકરી હોશિયાર છે એટલે ઉ. ભારત ઢાંકી દીધું છે. અને દ. ભારત..’ પછી હસુભાઈએ મને પૂછ્યું, ‘કવિરાજ! રીંછ-ઘેટા વગેરે પ્રાણીઓને વાળ કેમ હોય છે?’ ‘ઠંડીથી રક્ષણ માટે. કુદરતે બનાવેલ નેચરલ પ્રોટેક્શન!’ મારે બદલે પ્રેરણાડીએ જવાબ આપ્યો. ‘મને લાગે છે આ તમારા જેવી ‘અલ્ટ્રાશોર્ટ્સપ્રેમી’ કન્યાઓ પર એક દિવસ દયાળુ કુદરત દયા કરશે. કન્યાઓ જાતે પગ ન ઢાંકે તો, રીંછ કે ઘેટાની જેમ એમના પગે વાળ ઉગાડી કુદરત એમને રક્ષણ આપશે!’ હસુભાઈના ભયાનક આશીર્વાદ સાંભળી પ્રેરણાડી ભાગી. હસુભાઈએ સહિષ્ણુતા વિશે છેલ્લું વાક્ય કહ્યું, ‘આજકાલ છોકરાવાળા સહિષ્ણુતાના એકાવન ધર્મ જાણે છે, આ જનરેશન માટે બાવનમો ધર્મ પણ શીખી લેવો જોઈએ કે અમુક ફોન કૃપણતા(કંજૂસાઈ)ની નિશાની છે અને અમુક ફોન સહિષ્ણુતાની!’ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો