મસ્તી-અમસ્તી:આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે : ‘બધા પાગલ છે!’

રઈશ મનીઆર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘આજે 10 ઓક્ટોબર.. ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે!’ હસુભાઈએ એવા ઉમળકાથી કહ્યું જાણે કોઈ ‘પોતીકો’ તહેવાર ઊજવતા હોય. ધનશંકર બોલ્યા, ‘વિશ્વમાં પ્રત્યેક ચારમાંથી એક માણસને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે!’ મેં વિશ્વને ભૂલીને અમારા ચાર મિત્રોની ટોળકી વિશે વિચાર કર્યો. બાબુ અતિ-નોર્મલ, ધનશંકર વિદ્વાન અને હસુભાઈ તો અત્યંત પ્રેક્ટિકલ. મને લાગ્યું કે અમારા ચારમાંથી જો કોઈ એક હોય તો એ હું જ! ‘ટો મેન્ટલ હેલ્ઠ ડે ઊજવવા આપણે પાગલખાનાંની સુભેચ્છા મુલાકાટ લઈએ!’ બાબુએ સુઝાવ મૂક્યો. ‘મનોઋગ્ણાલય કહેવાય!’ ધનશંકરે સુધારો કર્યો. ‘અમુકને રાખી લેશે!’ હસુભાઈએ ભય વ્યક્ત કર્યો. ત્યાં ગયા તો ટી.વી. કેમેરામેન પણ આવ્યા હતા. એમના એન્કર હજુ આવ્યા નહોતા. એમણે અમને વિનંતી કરી, ‘એક માનસિક દર્દીનો ઇન્ટરવ્યૂ લો. અમે શૂટ કરીશું.’ અમને સૌ ડાહ્યાઓને ટી.વી. પર દેખાવાનું ગાંડપણ હોવાથી અમે તૈયાર થઈ ગયા. હોસ્પિટલના સત્તાવાળાએ ‘અડધા સાજા થયેલા’ દર્દીને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કર્યો હતો. શાંતિલાલે સવાલ કર્યો, ‘અહીં બંધ રહેવાથી કેવી લાગણી થાય છે?’ દર્દી બોલ્યો, ‘બહારની દુનિયા એક કેદ છે. આ તો મુક્તિધામ છે!’ ધનશંકરે કહ્યું, ‘ભાઈ, ખરેખર માનસિક બીમારી જેવું કશું હોય નહીં, બધંુ કેવળ તમારા મગજમાં છે!’ દર્દી બોલ્યો, ‘હા, જે કંઈ હશે એ મગજમાં જ હશે, કિડનીમાં તો હોય નહીં!’ મનસુખ સટોડિયાએ પૂછ્યું, ‘ડોકટરોની મોંઘી ફી, દવાઓના પારાવાર ખર્ચા, સાઈકોલોજિસ્ટના સેશન્સ.. આ બધું કેવી રીતે પરવડે?’ દર્દી બોલ્યો, ‘સારી વસ્તુની કિંમત ચૂકવવી પડે. જેટલી ક્લબ મોટી એટલી મેમ્બરશિપ મોંઘી!’ મેં પૂછ્યું, ‘પણ એ કેવી અનુભૂતિ છે?’ એણે અનુમાન કર્યું, ‘કવિ લાગો છો!’ હું જરા શરમાઈ ગયો, પણ પિતરાઈ ભાઈ હોય એવા પ્રેમથી એણે પૂછ્યું, ‘કવિરાજ! સંસારની ઉચ્ચતમ અનુભૂતિ કઈ?’ ‘પ્રેમ!’ બધા એક અવાજે બોલી ઊઠ્યા. ‘પ્રેમમાં પડો ત્યારે તમે શું કહો, ‘મૈં તેરે પ્યાર મેં પાગલ’ અથવા ‘આઈ એમ મેડ ઇન લવ!’ માણસ ગાંડપણનો અનુભવ મેળવવા જ પ્રેમ કરે છે. તો શું ચડિયાતું કહેવાય? પ્રેમ કે ગાંડપણ?’ દર્દી આગળ બોલ્યો, ‘આખા શરીરમાં ઝણઝણાટી થવા લાગે, આછી ધ્રુજારી થવા લાગે, તો તમને લાગે કે પ્રેમ થઈ ગયો અને અમને લાગે કે વિટામિન ‘બી’-12ની કમી છે!’ હસુભાઈએ સવાલ કર્યો, ‘શું માનસિક અસ્થિરતા વારસાગત હોય છે?’ આ સાંભળી હેમિશ ખુશ થઈ ગયો, એ જોઈ હસુભાઈએ સવાલ બદલી નાખ્યો, ‘શું માનસિક અસ્થિરતા બાળકોમાંથી મા-બાપમાં આવી શકે? રિવર્સ હેરિડિટી?’ બાબુએ મોરચો સંભાળ્યો, ‘અટ્યારે ટમે અડઢા સાજા છો અને અડઢા.. આઈ મીન ટમને એ બેમાંથી કઈ સ્થિતિ ગમે?’ ‘અફકોર્સ ગાંડપણ ગમે! હું જ્યારે કોઈ પાગલને જોઉં છું, તો એ ક્યારેક સાજો થશે એ આશાવાદ રહે છે અને હું સાજાને જોઉં છું, તો એ પાગલ થઈ જશે એવો ડર લાગે છે.’ મેં પૂછ્યું, ‘અત્યારે મેન્ટલ હેલ્થ અવેરનેસ વધી છે. દીપિકા પાડુકોણ જેવી નટી..’ નટી બોલ્યો પણ પછી મને ખ્યાલ આવ્યો કે અંગ્રેજીમાં ‘Nutty’ એટલે પાગલ થાય. દર્દી બરાડ્યો, ‘એ દીપિકાડી ફેક પાગલ છે! પહેલાં પાગલ હોવું એક સ્પેશિયલ વાત હતી. અમને સાંકળથી બાંધીને રાખતા. લોકો પાગલથી ડરતા. એક મોભો હતો સમાજમાં અમારો. હવે દીપિકા જેવી હરતી-ફરતી-રખડતી છોકરીઓ કહે છે કે મને મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર છે. કોણ માને? ક્યા એંગલથી એણે ગાંડપણ ‘અચિવ’ કરેલું દેખાય છે?’ હસુભાઈ બોલ્યા, ‘હા, લગ્ન માટે એણે જે પાત્ર પસંદગી કરી, એને બાદ કરતાં એ નોર્મલ જ લાગે!’ ધનશંકરે પૂછ્યું, ‘મેં સાંભળ્યું છે કે માનસિક વિક્ષિપ્ત વ્યક્તિઓને અવનવા અવાજો સંભળાય છે?’ ‘હા, તમને જે અંદરનો અવાજ સંભળાય છે એ તમે દુનિયા સુધી પહોંચાડી શકો તો સંત કે મહાત્મા! ન પહોંચાડી શકો તો પાગલ!’ પ્રેરણાડીએ પૂછ્યું, ‘તમને લોકોને સાજા થવામાં કેમ આટલી વાર લાગે છે?’ ‘હું ધારું તો હમણાં સાજો થઈ જાઉં, પણ સાજા હોવું કંટાળાજનક છે!’ હેમિશે સવાલ પૂછ્યો, ‘થેરપિસ્ટને જોઈને તમને શું વિચાર આવે?’ સોક્રેટિસના અવતાર જેવા દર્દીએ સામો સવાલ કર્યો, ‘તમારા કેશકર્તનકારને જોઈને તમને શું વિચાર આવે?’ ‘એ જ કે, મારા વાળ તો આ કાપે છે, પણ આના વાળ કોણ કાપતું હશે?’ હેમિશે કહ્યું. ‘બસ, અમને પણ એ જ વિચાર આવે, કે મારી સારવાર તો આ કરે છે, પણ આની સારવાર કોણ કરતું હશે?’ ‘માનસિક દર્દી હોવું નામોશીભર્યું નથી લાગતું?’ ‘ખાનગી વાત કહું? આમ તો આખી દુનિયા પાગલ છે. જેનું ગાંડપણ પોતાના ગાંડપણ સાથે મળતું ન આવે, એને દુનિયા અહીં ધકેલી દે છે! અમે માત્ર વ્યક્તિ તરીકે પાગલ છીએ, તમે સૌ જ્ઞાતિ, પક્ષ, ધર્મ તરીકે અથવા દેશ તરીકે પાગલ જ છો!’ ‘આ માનસિક રુગ્ણાલયમાં આટલી શાંટિ કેમ છે?’ બાબુએ પૂછ્યું. ‘અહીં બધા જાણે છે કે બધા પાગલ છે. ‘બધા પાગલ છે’ એમ ધારી લેવાથી ગમે તે સ્થિતિને સમજી-સ્વીકારી શકાય છે. તમે બહારની દુનિયામાં પણ આ જ અજમાવી જુઓ! શાંતિ લાગશે!’⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...