પ્રશ્ન વિશેષ:‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી?’

22 દિવસ પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક
  • યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માગ, પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’ લોભની કોઈ અસર નચિકેતા પર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા

નચિકેતાએ ઋષિને પ્રશ્ન કર્યો કે, ‘આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને?’ પિતાજી કહે હા... તો નચિકેતા કહે, ‘તમે તમારા પુત્રનું દાન કોને કરશો?’ પ્રશ્ન સાંભળી ઋષિ એકદમ સંકોચાઈ ગયા. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. ‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી? બોલોને તમે કોને કરશો?’ આ વાતથી ઋષિ ક્રોધિત થયા અને પિતાએ કહ્યું, ‘હું તને યમરાજને દાનમાં આપું છું.’ પિતાએ તો ક્રોધમાં વાત કરેલી. કોઈ પુત્રનું દાન યમરાજને થોડું આપે ? પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને ખુબ જ દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને એ પણ યમરાજાને ? પણ પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢી અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતાને યમપુરીમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે ને લઇ જાય એને પ્રવેશ મળે. એને દરવાને રોક્યો કે, ‘ભાઈ તારા મૃત્યુને વાર છે. તું મૃત્યુ પહેલા અહીં કેવી રીતે પહોંચી ગયો ? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે.’ પણ નચિકેતા ત્યાં જ બેસી ગયા. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ન આવ્યા તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર બેસી રહ્યા. યમરાજા આવ્યા એણે જાણ્યું કે એક બાળક તપસ્યાથી પ્રસન્ન છે, એને તો સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મૂક્યા વગર એ ત્યાં બેઠો છે. યમરાજાને સંકોચ થયો. તાત્કાલિક એની પાસે ગયા. એને થયું કે આની સાથે હું સમાધાન કરું એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માગ પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’ નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું. બીજુ અગ્નિ વિધિનું જ્ઞાન જોઈએ ત્રીજું વરદાન માગ્યું કે આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે જાણવા મળે એવી તમે કશીક વાત કરો. યમરાજ નચિકેતાના ત્રીજા વરદાનને ટાળવા માગતા હતા. પહેલાં બેમાં તો કશો વાંધો નથી પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. ‘બોલ તને શું જોઈએ છે? તને સંપત્તિ આપું.’ લોભની કોઈ અસર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા. એ પાંચ પ્રશ્નોના જવાબ આત્મસાત્ કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. (1)‘શરીરથી કેવી રીતે બ્રહ્મજ્ઞાન અને તેના દર્શન થાય છે ?"યમરાજાએ ઉત્તર આપ્યો, "મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે, જેમાં બે આંખ, બે નાકનાં છિદ્ર, બે કાન, મુખ, બ્રહ્મરંધ્ર નાભિ, ગુદા અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને સમજી જાય છે તે દરેક પ્રકારનાં સુખ અને દુઃખથી પર હોય છે. તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે. (2) ‘આત્માનું સ્વરૂપ શું છે, શું શરીર મરી જાય પછી આત્મા પણ મરી જાય છે ?’ યમરાજે ઉત્તર આપ્યો, ‘બેટા! આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ એ બધાંથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું. (3) ‘જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે?’ યમરાજ સુંદર જવાબ આપે છે, ‘એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનિઓમાં જન્મ થાય છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતું તે અલગ અલગ યોનિઓમાં ભટક્યાં કરે છે. જે લોકો ખૂબ પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનિઓમાં જન્મ લે છે. તેથી એણે વધુ વર્ષ અહીં કાપવા પડે છે.’ (4) ‘શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય?’ યમરાજે જણાવ્યું, ‘આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.’ (5) "આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?’ યમરાજે જણાવ્યું, ‘ઓમ્’ એ પરબ્રહ્મના પ્રતીકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે.{bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...