તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘણીવાર કેટલીક સત્યઘટનાઓ એવી પ્રબળ બનતી હોય છે કે એ જાણીને માણસને પારાવાર મુશ્કેલીની વચ્ચે જીવવાનું બળ મળે. કેટલીક સત્યઘટનાઓ પ્રારંભમાં ચોંકાવનારી હોય છે, પણ એ ઘટનાનો મુકાબલો માણસ કઈ રીતે કરે છે અને પૂર્ણ તાકાતથી આવેલી આપત્તિને કઈ રીતે પડકારે છે એ વાત આપણને જીવવાની કળા સમજાવે છે. બીજાનાં દુઃખો જોઈને આપણે સુખી છીએ એવું આશ્વાસન લેવાનું ન હોય પણ આપણે એ જોવું જોઈએ કે શારીરિક પીડા અને માનસિક યાતના સામે માણસ કેટલી હદે ટક્કર ઝીલે છે અને આવી યાતના આપનાર વિધાતાને પણ ક્યારેક શરમિંદા બનવું પડતું હોય છે. નિવેદિતા નામની એક સ્ત્રી જન્મજાત કલાકાર. કાચ ઉપર પેન્ટિંગ કરે છે. રંગોની સૂઝ અનુપમ અને અનન્ય. એના લોહીમાં જ ઘાસનો લીલો રંગ, આકાશનો ભૂરો રંગ. અનેક મોસમનાં ફૂલોના બદલાતા રંગો જાણે કે વહેતા જ હોય. કાચ સાથે કામ પાર પાડવાનું. અનેક પ્રકારની બારીઓ બનાવવાની. કાચને કાપવાનો. એના પર ભાતભાતની ડિઝાઈનો કરવાની, રંગો પૂરવાના. આ બધું એના જીવનનું સારસર્વસ્વ કે કહો જીવનનું મળી ગયેલું સૌંદર્યમય પ્રયોજન. આવી સ્ત્રીનો અચાનક એક હાથ થીજી જાય છે અને એક એવી પરિસ્થિતિ આવે કે જાણે કે હવે આ દિશામાં કશી ગતિ નહીં કરી શકે. મન હુકમ કરે કે કાચને કાપ, ડિઝાઈન કર. એમાં રંગો પૂર, પણ એના હાથ મનના હુકમનો અનાદર કરે. ડૉક્ટર પાસે જાય ત્યારે એને ખબર પડે કે એને અસહ્ય એવો પાર્કિસન નામનો રોગ થયો છે, જેમાં શરીરનો અમુક ભાગ ધ્રૂજ્યા કરે. એના પર એનો કાબૂ રહે નહીં. ન્યુરોલૉજિસ્ટ પાસે જાય. ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાય, હતાશા લઈને પાછી ફરે. ગતિ ગુમાવી બેસે. સ્થિતિ સહન ન થાય. ટૂંકા નામે આ સ્ત્રી નેવ્યા નામે ઓળખાતી. જીવનમાં આમ તો આઘાતો હતા જ. પતિ સાથે ડાઇવોર્સ લેવા પડેલા, બાળકો પણ હતાં, પણ સાંસારિક પીડાને એ જીરવી શકી, કારણ કે એની પડખે કલા હતી. આ ગાળામાં એને કલાકાર મિત્ર પણ મળી ગયો. ગમે એટલો પ્રેમ હોય અને ગમે એટલી હૂંફ મળે પણ એક માણસ બીજા માણસનું જીવન જીવી ન શકે. નેવ્યાએ સંકલ્પ કર્યો કે રોગ ભલે ગમે તેટલો અસાધ્ય હોય, પણ હું આ રોગનું સંકલ્પના બળથી યોગમાં રૂપાંતર કરીશ. ગમે એટલી શારીરિક પીડા અને માનસિક યાતનાઓની વચ્ચેથી હું માર્ગ કાઢીશ. માણસનું મન આવા સંજોગોમાં ગમગીન, ઉદાસ થઈ જાય. વિષાદ અનુભવે, પણ વિષાદનું પ્રસાદમાં રૂપાંતર કરીશ. કુદરતના અનેક રંગો જોયા હતા. એણે જોયો હતો સુક્કી ધરતીનો રંગ અને જોયો હતો સમુદ્રનાં મોજાંનો મિજાજી રંગ. આંખમાં મેઘધનુષનાં સપનાં હતાં એ સપનાં જાણે કે એકાએક નિચોવાઈ ગયાં હતાં. આ બધા રંગોની પાસે વિકટ પરિસ્થિતિમાં પણ એની પાસે હિંમતનો રંગ હતો. સવારના પહોરમાં જાગે ત્યારે એની બારીમાંથી સૂર્યનો પ્રકાશ છલકાય. સૂતાં સૂતાં એ સામે પડેલા અરીસામાંથી અનેક રીતે આકાશની લીલા નિહાળતી. એણે મનોમન નક્કી કર્યું કે આમ સૂઈ રહેવાથી કશું ન વળે. રોગ હઠીલો છે, પણ આ હઠીલા રોગને હું હંફાવીને રહીશ. નમતું નહીં મૂકું. સામનો કરીશ. એ જ્યારે જાગે ત્યારે સવારના પહોરમાં ડૉક્ટરના કહેવા પ્રમાણે એને વીસેક ગોળીઓ ગળવી પડતી હતી. ડૉક્ટરની આજ્ઞાનું એ બરાબર પાલન કરતી હતી, પણ કોઈની સહાનુભૂતિ ઉઘરાવ્યા વિના પોતાની મેળે રોગની સામે પૂરેપૂરી ઝઝૂમતી જેટલું લઈ શકાય એટલું શરીરને કાબૂમાં લેતી. કાચ કાપતી. ડિઝાઈન કરતી. રંગ ભરતી અને બન્યું એવું કે એણે જે બારીની પૅનલ બનાવી હતી એ મહેલના કર્તાહર્તાઓને એટલી ગમી કે એની ગ્લાસપૅનલ મહેલમાં વિવિધ બારીઓ તરીકે સ્વીકારવામાં આવી. જ્યારે મહેલમાં આ બારીઓ લાગી ત્યારે એને થયું કે ઈશ્વર હવે ખુદ મારી કલાને જોતો રહેશે અને મારી હિંમતના રંગને માણતો રહેશે. આટલા રોગની વચ્ચે પણ એની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અચળ અને અવિચળ રહી. જાણે કે એ મનોમન ઈશ્વરને કહેતી ન હોય કે મારી શક્તિ અને અશક્તિ અને તમારી નૈસર્ગિક રંગલીલા છે એની વચ્ચે હું તમને જ જોઉં છું. આ અચળ-અટલ શ્રદ્ધા જીવનમાં ગમે તેવા ઝંઝાવાતોનો સામનો કરવાનું પ્રચંડ બળ આપે છે. શ્રદ્ધા કે ભરોસો નહીં હોય તો તમે સાવ માટીપગા બની જવાના! ⬛ namaskarkishore@gmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.