સાિહત્ય વિશેષ:ગિરમાંથી સિંહ ઘટાડવા કે બચાવવા?

રઘુવીર ચૌધરી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંહોના લોહીની, તેમનો ખોરાક બનતાં પ્રાણીના ચારાની, પાણીની ગુણવત્તાની તપાસ – સિંહો બુદ્ધિશાળી થઇ ગયા છે?

સિંહોના બદલાતા વર્તનની કથા ગુજરાતીમાં ગિર અને એમાં વસતાં પ્રાણીઓના માણસ સાથેના સંબંધ વિશે સતત લખાતું રહ્યું છે. મોટે ભાગે સિંહ જેવા શાનદાર પ્રાણીનો મહિમા થયો છે, પણ થોડાક વર્ષોથી સિંહોને મ.પ્ર.માં ખસેડવા કે અન્ય માગણીઓ મુજબ બબ્બે જોડી ભેટ આપવા થતી રહી છે. પ્રેરક સાહિત્ય અને બાળસાહિત્ય લખી જાણીતા થયેલા બાળકોના ડોક્ટર આઇ.એ. વીજળીવાળા સહેલાને બદલે અઘરો વિષય લઇને નવલકથા આપે છે : ‘પ્રોજેક્ટ લાયન!’ ગિર વિસ્તારમાં સિંહોની સંખ્યા છસો પંચોતેર થઇ. સવાલ માણસ અને સિંહના સહજીવનનો છે. પંડ્યાસાહેબના કહેવા મુજબ, ગિરમાં 46 જેટલા નેસ છે. સરપંચ કે નેસના મુખ્ય માણસને રાઇફલ કે રિવોલ્વર આપવાનું એમનું સૂચન છે. બંદૂકનો અવાજ સિંહોને ભગાડી શકે છે – એવો એક અનુભવ છે. પંડ્યાસાહેબ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટનો હોદ્દો ધરાવે છે. એમના હાથ નીચે આસિસ્ટન્ટ કોન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર છે, અનુપકુમાર સિંહા. અનુપકુમારના પિતા એક રાત્રે મૌની બાપુના આશ્રમે રોકાય છે. ખુલ્લી જગ્યા છે. એક સિંહને પગમાં વાગ્યું છે. એની સારવાર મૌની બાપુ કરે છે. વાત કરે છે. અનુપકુમારના પિતા અલખના આરાધી બની ગયા. બિહારના વનને જવાનું છોડીને એ ગુજરાતમાં સ્થાયી થયા. કુટુંબને રાજકોટમાં રાખ્યું. અનુપકુમાર પિતાનો વારસો ધરાવે છે એ સમજાઇ જાય છે. સિંહોના બદલાયેલા વર્તનની ઘટનાઓ રહસ્ય જગવે છે. સિંહ એના પંજાથી બારણાનો આગળિયો ખોલીને મારણ માટે વાડામાં પ્રવેશે એ ઘટના નવાઇ પમાડે છે. મારણને ઢસડીને લઇ ગયેલી ત્રણ સિંહણ જોવા મળે છે. રોઝડું હજી જીવતું છે ત્યાં સિંહો એને ખાવાનું શરૂ કરી છે. મરઘીની લાલચ આપીને ગેરકાયદેસર લાયન શો કરતા લોકો પર સિંહોનું ટોળું હુમલો કરી પંજાથી ઘાયલ કરી બધાને ભગાડે છે. અનુપકુમારને સમજાતું નથી. પંડ્યાસાહેબ અને અનુપકુમાર ચિંતા સાથે ચર્ચા કરે છે. રાજ્ય સરકારનું ધ્યાન ખેંચાયું છે. વિભાગના વડા સિંહોની વસ્તી ગિરમાંથી ઘટાડવા પ્રોજેક્ટ તૈયાર કરે છે. વર્તન કેમ બદલાયું છે એની વૈજ્ઞાનિક તપાસ પંડ્યાસાહેબ, અનુપકુમાર અને પીએચ.ડી. કરતી અંજલિ કરે છે. સિંહોના લોહીની તપાસ, એમનો ખોરાક બનતાં પ્રાણીઓના ચારાની તપાસ, સિંહ પાણી પીએ છે એની ગુણવત્તાની તપાસ – સિંહો વધુ બુદ્ધિશાળી થઇ ગયા છે? પોતાની જગ્યાએથી વધતા જતા ધસારાને ઓછો કરવા માગતા હોય એમ ગામની શેરીઓના નાકે નાકે બેસી જાય છે અને સડક પર ટોળું વળીને બેસે એવું પણ જોવા મળે છે. એમને છંછેડે તો જ એ હુમલો કરી ઇજા કરે છે, જીવ નથી લેતા. કારણ શું? અનુપકુમાર, અંજલિ, ફોટોગ્રાફર અને વેટરનરી ડોક્ટર ધારીથી નીકળ્યા છે. ચૌદ જેટલા સિંહો રસ્તો રોકીને સૂતા હતા. લોહીના નમૂના લેવા એમને બેભાન કરવાનું સહેલું નહોતું. ગોળીથી એકાદ સિંહના વાઇટલ ઓર્ગનને નુકસાન થઇ શકે. સિંહની હત્યા ન કરવાનો કાયદો છે. સડકની પેલી બાજુ માણસો અને વાહનો અટક્યાં છે. એક અદકપાંસળિયો હાથની લાંબી લાકડી ઉપાડે છે. અનુપકુમાર એને ઇશારો કરી ખસી જવા સૂચવે છે, પણ એણે જોરથી લાકડી પછાડી. લાકડી સિંહણની પૂંછડી પર પછડાઇ. સિંહણ ઊછળીને પેલાને ગળેથી પકડી દાંત બેસાડે એ પહેલાં આ બાજુથી એક ડાર્ટ સનનન કરતું આવ્યું અને સિંહણના પીઠમાં ઘૂસી ગયું, પરંતુ એકાદ વેઇનને એના તીક્ષ્ણ દાંત અડી ગયા હોય એવું લાગ્યું, કારણ કે સિંહણે છોડી દીધો તો પણ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. સિંહણનું ધ્યાન પોતાને શું થઇ રહ્યું હતું એમાં જ હોય એવું લાગ્યું. એણે ગોળ-ગોળ ફરીને પોતાના મોં વડે પીઠમાંથી એ ડાર્ટ ખેંચી કાઢવાનો પ્રયત્ન કરી જોયો. પછી એ ખિજાઇ અને લાંબો વિચિત્ર લો-પિચ અવાજ કાઢ્યો. એ સાથે બાકીના સૂતેલા સિંહો ઊભા થઇને ટાટાસુમો તરફ આગળ વધ્યા.’ (પૃ. 107, ટુંકાવીને) એક સંદર્ભ એવો છે કે પેલા યુવકના સગાં સરકારમાં છે. તેથી સિંહોને ખસેડવાની-એમની સંખ્યા અડધી કરવાની યોજના છે. આ બાજુ વિભાગના વડા ગુપ્તાસાહેબ, પંડ્યાસાહેબ, અનુપકુમાર, અંજલિ અને સહાયકો અગવડો પાર કરીને ‘સેવ લાયન’ યોજનામાં આગળ વધે છે. મુખ્યમંત્રીના કાર્યાલયમાં અધિકારીઓ સમક્ષ અનુપકુમાર સિંહોના બદલાયેલા વર્તનના વૈજ્ઞાનિક કારણો આપે છે. જંતુનાશકો, રાસાયણિક ખાતરો, ગેરકાયદે લાયન શો જેવી પ્રવૃત્તિઓ એ મુદ્દા સરકારને સ્વીકાર્ય લાગે છે. યોજના પડતી મૂકાય છે. છેલ્લા પ્રકરણોમાં સિંહોનાં સુધરેલાં વર્તનના નિર્દેશો છે. સિંહોનાં કુટુંબો સુરક્ષિત થઇ માણસ સાથેનું અંતર જાળવશે. (પ્રોજેક્ટ લાયન–ગિરના સિંહો આધારિત નવલકથા–આઇ.કે. વીજળીવાલા પૃ. 150 મૂલ્ય : 150. વિતરક : આર.આર. શેઠ)⬛

અન્ય સમાચારો પણ છે...