માનસ દર્શન:કર્મ નીતિથી, રીતિથી અને પ્રીતિથી કરવાં

મોરારિબાપુ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન કૃષ્ણની એક વાત પ્રસિદ્ધ છે, તારો અધિકાર માત્ર કર્મમાં છે, ફળમાં નથી

‘ગીતા’માં ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે કે વ્યક્તિ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ નથી રહી શકતી. ભગવાન શ્રીકૃષ્ણ બોલે પછી શું કહેવું? સાચું છે; આપણા જીવન તરફ જોઈએ તો ખબર પડે છે કે વ્યક્તિ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ નથી જીવી શકતી. ક્યારેક આપણું શરીર કર્મ નથી કરતું. જાણે એક જગ્યાએ બેઠાં છીએ. કંઈ નથી કરતાં, પરંતુ નેત્ર ઘણુંબધું જોવાનું કર્મ કરે છે. હાથ અને હાથની આંગળીઓ સૌના સ્વભાવને અનુકૂળ કંઈ ગતિવિધિઓ કરતી રહે છે. આપણા કાન અનેક પ્રકારના અવાજ સાંભળતા રહે છે. આપણે આંખો, કાન, જીભ બંધ કરી દઈએ, હાથ-પગ હલાવવાના બંધ કરી દઈએ, બની શકે, પરંતુ એ બધી ઈન્દ્રિયોને પ્રેરિત કરનારું મન કર્મમુક્ત રહી શકે છે? કેટલા વિચાર આપણા મનમાં ચાલતા જ રહે છે! આપણે બધાં એવી સ્થિતિમાં છીએ. જે મુનિ છે, મહામુનિ છે, જેમનું મન કાં તો સંયમિત થઈ ચૂક્યું છે, કાં તો જેમણે યોગાભ્યાસથી મનનો નિરોધ કરી લીધો છે અથવા જે અમન થઈ ચૂક્યા છે, એ બુદ્ધપુરુષોનો મહિમા આપણે કેવી રીતે સમજી શકીએ? આપણા જેવા લોકો એ સ્થિતિમાં નથી. આપણું મન કંઈ ને કંઈ કર્મ કરતું રહે છે. ખબર નહીં, આપણી બુદ્ધિ શું કર્મ કરતી રહે છે? આપણું ચિત્ત અને આપણો અહંકાર પણ કેવા ઊહાપોહ કરેે છે? ઘણા ગ્રંથોએ, ઘણા મહાપુરુષોએ કર્મ-મીમાંસા કરી છે. કર્મના વિષયમાં આખું શાસ્ત્ર ખોલ્યું છે. આપણા શાશ્વત ગ્રંથ ભગવત વેદના જે ત્રણ વિભાગ છે - જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડ, એમાં કર્મને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને ‘ભગવદ્્ ગીતા’માં પણ કર્મના વિષયમાં કેટલો પ્રકાશ પાડવામાં આવ્યો છે! એ અંતિમ સત્તા બોલી રહી છે. એની આગળ કોઈ નથી. પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણનાં વચન છે. પ્રભુએ કર્મ વિશે ખૂબ જ નિરૂપણ કર્યું છે. અલબત્ત, સંતો, વિદ્વાનો, મનીષીઓ પાસેથી સાંભળ્યું છે; વાંચ્યું છે કે ‘ભગવદ્્ ગીતા’નો એક ભાગ જ્ઞાનયોગ, એક ભાગ કર્મયોગ, એક ભાગ ભક્તિયોગ છે. એ જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી છે. જેમાં સત્યના રૂપમાં જ્ઞાન છે; પ્રેમના રૂપમાં ભક્તિ છે અને કર્મના રૂપમાં માણસ દ્વારા થતી વૈશ્વિક સહજ કરુણા છે. જોકે કરુણાને કર્મ કહેવા કરતાં સ્વભાવ કહેવો બહેતર છે. ભગવાન કૃષ્ણએ કર્મ વિશે ઘણુંું કહી દીધું છે. જે-જે મનીષીઓએ, મહાપુરુષોએ ‘ગીતા’ પર ભાષ્યો કર્યાં છે, એને જોવાથી ખબર પડશે કે ‘ગીતા’એ કર્મ પર કેવો વિસ્તાર કર્યો છે! ભગવાન કૃષ્ણએ કેટલાંક સાત્ત્વિક કર્મ ગણાવ્યાં છે, કેટલાંક રાજસી કર્મ, કેટલાંક તામસી કર્મ. કર્મને યોગ કહ્યો છે.‘યોગ: કર્મસુ કૌશલમ્.’ ‘ભગવદ્્ગીતા’નું ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણનું એક વાક્ય, ‘સહજં કર્મ કૌન્તેય.’ હે કૌન્તેય, હે અર્જુન, તું સહજ કર્મ કર. બહુ સુંદર વાક્ય છે. સહજ કર્મ કરવાથી જો એમાં કંઈ દોષ હશે તો પણ એમાં તું બંધાઈશ નહીં. કેટલું મોટું આશ્વાસન! આપણને કેટલા નિર્ભાર કરી દે છે પ્રભુ! મુશ્કેલ છે સહજ કર્મ. કર્મ વિના આપણે એક ક્ષણ પણ નથી રહી શકતાં, એવું ધ્રુવ સત્ય જ્યારે સ્થાપિત થયું છે ત્યારે સવાલ એ થાય કે કર્મને યોગ કેવી રીતે બનાવી શકાય? કર્મને યજ્ઞ કેવી રીતે બનાવી શકાય? આપણું પ્રત્યેક કર્મ યજ્ઞ થઈ જાય તો એ કેટલું સારું હશે! ગ્રંથોએ, મનીષીઓએ, મહામુનિઓએ અને સાક્ષાત્ પરમાત્માએ કર્મ વિશે ઘણુંબધું કહ્યું છે. પહેલું સૂત્ર, આપણા પ્રત્યેક કર્મને યજ્ઞ બનાવવું હોય તો અહં અને મમતાને છોડીએ, તો પ્રત્યેક કર્મ યજ્ઞ બની જાય છે. મમતાને છોડીને કરવામાં આવે એનો મતલબ કે એ સમષ્ટિ માટે છે. અહં અને મમતા વિના કરવામાં આવેલું પ્રત્યેક કર્મ તલગાજરડાની દૃષ્ટિએ યજ્ઞ છે. બીજું સૂત્ર, કોઈ પણ કર્મ કોઈ સાથે સ્પર્ધામાં રહીને ન કરો, શ્રદ્ધાથી કરો. મારી સમજ મુજબ સ્પર્ધાથી કરેલું કર્મ યજ્ઞ નથી બની શકતું. શ્રદ્ધાથી કરવામાં આવેલું કર્મ યજ્ઞ બની જાય છે. સ્પર્ધા કરવાથી આપણે જય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. હું ‘જય’ અને ‘વિજય’ને જુદા કરીને વાત કરવા માગું છું કે સ્પર્ધાથી કરવામાં આવેલું કર્મ જય તો આપે છે પરંતુ વિજય નથી આપી શકતું. વિજયની ભૂમિકા જુદી છે. વિજય આપે છે શ્રદ્ધાથી કરવામાં આવેલું કર્મ. કર્મ શા માટે શ્રદ્ધાથી ન કરીએ? જે પણ કર્મ કરો એ નીતિ અને પ્રામાણિકતાથી કરો. બસ, યજ્ઞ થઈ જશે. થોડી કમાણી ભલે ઓછી થાય, લાભ ઓછો થાય. કર્મ નીતિથી, રીતિથી કરીએ. જે કર્મ જે રીતે કરવાં જોઈએ એ જ રીતે કરીએ એને ‘યોગ: કર્મસુ કૌશલમ્’ કહે છે. એની એક રીત, પદ્ધતિ હોય છે. એ પદ્ધતિથી ચાલીએ. એક રેખા છે, એક વિવેકપૂર્ણ મર્યાદા છે. એ રીતે જવું પડશે. કર્મ નીતિથી કરીએ, કર્મ રીતિથી કરીએ અને કર્મ પ્રીતિથી કરીએ, પ્રેમથી કરીએ. શિક્ષક ભણાવવાનું કામ પ્રેમથી કરે. ખેડૂત બીજ વાવે છે તો પ્રેમથી વાવે. આપણું કર્મ સ્પર્ધાથી ન થાય પરંતુ શ્રદ્ધાથી થાય તો કર્મ, કર્મયજ્ઞ બની જશે. ત્રીજી વાત; ભગવાન કૃષ્ણના શબ્દોનો આશ્રય લઈએ, ‘નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્.’ અર્જુન, તું એનો નિમિત્ત છે. તારી પાસે નિયતિ કરાવશે જ. તું નિમિત્ત બન. ભાગ નહીં, જાગ. આપણું કર્મ યજ્ઞ બની જશે, જ્યારે આપણે નિમિત્ત બનીને કરીશું. આપે કહ્યું તો કરવું પડે છે! એવી રીતે નહીં. મને આ કર્મ માટે પરમાત્માએ, અસ્તિત્વએ નિમિત્ત બનાવ્યો છે તો હું નિમિત્ત બનીને કર્મ કરું. નિમિત્તમાત્ર બનીને કરવામાં આવેલું કર્મ યજ્ઞ છે. કોઈ પણ કર્મ બદલો લેવાની ભાવનાથી કરવામાં આવ્યું હોય તો એ બંધન છે. બલિદાનની ભાવનાથી કરવામાં આવેલું કર્મ યજ્ઞ છે. આસક્તિમુક્ત થઈને કર્મ કરીએ. આસક્ત ન થઈએ કે મારે એ કરવું જ છે. થયું તો થયું, ન થયું તો ન થયું. આસક્ત ન થવું. આવી વૃત્તિનું નિર્માણ કરીને કર્મ કરવું એ કર્મ યજ્ઞ છે. ભગવાન કૃષ્ણની એક વાત ખૂબ પ્રસિદ્ધ છે, તારો અધિકાર માત્ર કર્મમાં છે, ફળમાં નથી અને જે કર્મનું ફળ ન મળે, જે પુરુષાર્થનું ફળ ન મળે તો ક્યો માણસ એવું કર્મ કરશે? અને ભગવાન કૃષ્ણ કહે છે, ફલાકાંક્ષા છોડ. એના પર તો ઘણા મહાપુરુષોએ, વિચારકોએ ચર્ચાઓ કરી છે. મેં તો ઘણા સમયથી કહેવાનું શરૂ કર્યું છે કે ફળ માટે કર્મ ન કરીએ, રસ માટે કર્મ કરીએ. રસ પ્રાપ્ત થાય. ફળ મળે કે ન મળે; હું કર્મ કરું, બસ. ⬛ (સંકલન : નીિતન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...