વિચારોના વૃંદાવનમાં:માણસ હોવું એટલે જાનવર ન હોવું શક્યતાના પ્રશાંત મહાસાગર જેવું જીવન!

8 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • ડેનિયલ ડેફોની વાર્તામાં નિર્જન ટાપુ પર જઈ ચડેલા રોબિન્સન ક્રૂઝોને એક વર્ષ પૂરું થયું એવી ખબર શી રીતે પડે? પૃથ્વીનું ખરું બેસતું વર્ષ એટલે મકરસંક્રાતિ. રોબિન્સન ક્રૂઝોને કેવળ એ જ દિવસ મદદરૂપ થઇ શકે

ચીચા પથ્થર જેવો દેખાય, તે માણસ પણ શક્યતા વિનાનો નથી હોતો. પ્રત્યેક ચીચા પથ્થરમાં શાલિગ્રામ બનવાની શક્યતા સંતાયેલી હોય છે. વાલ્મીકિ ઋષિ એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય. પાછલી ઉંમરે માણસને એક પ્રશ્ન પજવે છે: હવે કેટલા સૂર્યોદય-સૂર્યાસ્ત બાકી? બાખડી ભેંસ છાણનો પોદળો મૂકી શકે અને ગમાણમાં પડેલું સૂકું ઘાસ ચાવી શકે, પરંતુ વિચારી ન શકે. માણસ ગમે તેટલો ઘરડો થાય તોય વિચારી શકે. શું આ જેવીતેવી વાત છે? માણસ પોતાની વર્ષગાંઠ ઊજવે છે તેનું ખરું કારણ શું? જવાબ: ‘He is an idiot.’ પૃથ્વી સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરે તેને ‘વર્ષ’ કહેવાનો રિવાજ છે. ડેનિયલ ડેફોની વાર્તામાં નિર્જન ટાપુ પર જઈ ચડેલા રોબિન્સન ક્રૂઝોને એક વર્ષ પૂરું થયું એવી ખબર શી રીતે પડે? જાણીતા ખગોળવિદ્ છોટુભાઈ સુથાર કહેતા કે પૃથ્વીનું ખરું બેસતું વર્ષ એટલે મકરસંક્રાતિ. રોબિન્સન ક્રૂઝોને કેવળ એ જ દિવસ મદદરૂપ થઇ શકે. છોટુભાઈ વલ્લભ વિદ્યાનગરની એક માધ્યમિક શાળામાં આચાર્ય હતા ત્યારે એમને પ્રત્યક્ષ મળવાની તક મળેલી. તેઓ પોતાના ક્ષેત્રમાં ઊંચી કક્ષાના વિદ્વાન હતા. એમણે કહ્યું હતું : ‘રોબિન્સન એક વાંસ જમીનમાં રોપે અને પૂર્વાકાશની ક્ષિતિજરેખા પર થતી સૂર્યની ગતિ નોંધે, તો મકરસંક્રાંતિ દ્વારા પૃથ્વીનું બેસતું વર્ષ નોંધી શકે. અન્ય કોઈ ઉપાય નથી.’ એમની વાત સમજવા જેટલી અક્કલ અરુણભાઈ વી. પટેલ અને મારામાં ક્યાં હતી? કેલેન્ડરના સર્જન થકી માણસ અનંત અને અનાદિ એવા સમયનાં ખાનાં પાડે છે. પરિણામે દર વર્ષે દિવાળી આવે છે અને દર વર્ષે નાતાલ આવે છે. માણસની મૂર્ખતાને કારણે જે ‘કાળ’ છે, તેનું સૌંદર્ય એને સમજાતું નથી. શીખ સંપ્રદાયમાં ‘સત શ્રી અકાલ’ જેવું સૂત્ર વારંવાર ઉદ્્ગારવાની પરંપરા છે. આવું સૂત્ર કાળ અનંત અને અનાદિ છે એવી સમજણ સંકોરનારું છે. સૂર્યની ઉંમર શી રીતે ગણવી? શા માટે ગણવી? વૈદિક વાંગ્મયમાં સૂર્યને ‘કાળની યોનિ’ (कालस्य योनि) તરીકે ગણાવાયો છે. કોસ્મિક કેલેન્ડરમાં પણ સૂર્યની વય ગણાવવામાં આવે છે. આ બધી માથાકૂટમાં પડવાને બદલે ઊગતા અને આથમતા સૂર્યનાં દર્શન કરવાનું વધારે યોગ્ય ગણાય. કાળ અનંત છે અને મનુષ્ય મર્ત્ય છે. નોબેલ પારિતોષિક પામનારા અર્થશાસ્ત્રીનું નામ અમર્ત્ય સેન છે. મને એ નામ ખૂબ ગમે છે. એમનું પુસ્તક, ‘ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ વિદ્વત્તાના ખજાના જેવું છે. બોલપુર જવાનું થયું ત્યારે એમનું ઘર બહારથી બતાવવામાં આવેલું. રવીન્દ્રનાથ ઠાકુરનું ઘર પણ સાવ નજીક છે. એમ કહેવાય છે કે અમર્ત્ય સેનનું નામ ગુરુદેવે જ પાડ્યું હતું. નોબેલ પારિતોષિક મેળવનારા એ બંને જણાનાં ઘર એક જ ફળિયામાં જોવા મળે, ત્યારે રોમહર્ષ થાય એ સ્વાભાવિક છે. આવો જ બીજો અનુભવ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં થયો હતો. ત્યાં જ્યારે સુવેટો નામની વસાહતની મુલાકાતે જવાનું બન્યું, ત્યારે નેલ્સન મેન્ડેલાનું ઘર સાવ જ નજીકથી જોવા મળેલું. પછી ત્યાંથી માંડ 100 મીટર છેડે નેલ્સન મેન્ડેલાનાં પ્રિય મિત્ર ડેસમન્ડ ટૂટૂનું ઘર જોવા મળેલું. બંને મહાનુભાવોને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. વાત હજી આગળ ચાલે છે. એ જ સુવેટો વસાહતમાં નેલ્સન મેન્ડેલાનાં પત્ની વિની મેન્ડેલાને ઘરે જવાનું થયું. પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઇ ગયાં હતાં. વિનીબહેન ઘરે ન હતાં. લાંબી લડત દરમ્યાન નેલ્સન અને વિની વર્ષો સુધી સાથે હતાં. વિની તો દક્ષિણ આફ્રિકાની પાર્લામેન્ટમાં સભ્ય પણ બન્યા હતાં. જાણીને આશ્ચર્ય થશે કે દક્ષિણ આફ્રિકાની સત્તાવાર ભાષાઓમાં અંગ્રેજી ઉપરાંત ‘આફ્રિકાન્ઝ’ ભાષાનો અને નેટિવ આફ્રિકન ભૂમિપુત્રોની નવ ભાષાઓ પણ સામેલ છે. એ બધી જ નવ ભાષાઓમાં ‘માતા’ માટે એક શબ્દ કોમન છે. એ શબ્દ છે: ‘મા’. આ વાત અમને અમારા શ્યામસુંદર ડ્રાઈવરે જણાવી હતી. એ ડ્રાઈવર કેવળ ડ્રાઈવર ન હતો. ⬛ ⬛ ⬛ વિજ્ઞાનીઓ માને છે કે આવનારાં વર્ષોમાં ગુરુત્વાકર્ષણના ધબડકાને કારણે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનો અંત આવશે. આવા ધબડકા માટે મહાન કોસ્મોલોજિસ્ટો ‘ગ્રેવિટેશનલ કૉલેપ્સ’ જેવા બે શબ્દો પ્રયોજે છે. આપણે જીવી જીવીને મૃત્યુ પામીએ, ત્યાં સુધીમાં આવું કશુંક બને તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. હવે વિચારી જુઓ! પોતે કદી મરવાનો નથી એવું માનીને જે માણસ છેલ્લી ક્ષણ સુધી પૈસા એકઠા કરતો રહે છે તેને કોઈ ‘અભણ’ કેમ નથી કહેતું? કારણ શું? એ જ કે એની પાસે ડિગ્રી છે! પોતાની યુવાની કદી ક્ષીણ નથી થવાની એમ માનીને જે માણસ છિનાળાં કરતો રહે, તેવા લલ્લુને સમાજ ‘સ્માર્ટ’ કેમ ગણે છે? કારણ એ જ કે એ લલ્લુ જૂઠું બોલે તો પણ બુદ્ધિપૂર્વક બોલે છે! જે માણસ ગરીબ લોકોને છેતરતો જ રહે, તેને લોકો ‘શેઠ’ કહે છે. શા માટે? બાકી શઠ કરતાં શેઠમાં એક માત્રા વધારે હોય છે! ગરીબ માણસની પ્રામાણિકતાને જે સમાજ ખોબલે ભરીને ન બિરદાવે તેવો સમાજ સુખી શા માટે હોવો જોઈએ? જે સમાજમાં સદ્્ગુણ પ્રત્યે આકર્ષણ ન હોય, એવા સમાજમાં વાઇરસ ન ફેલાય, તો બીજું શું ફેલાય? આખી દુનિયા ગુરુત્વાકર્ષણ પછીના ક્રમે સદ્્ગુણ પર જ નભેલી જણાય છે. આ કંઈ ધાર્મિકતા નથી, વાસ્તવિકતા છે. જે ગામના બધાં જ લોકો ચોરી કરીને જ જીવતા હોય એવું ગામ તમે જોયું છે? એવું કોઈ ગામ પૃથ્વી પર ક્યાંય નથી. જે ગામમાં બધા જ લોકો હત્યારા હોય તે ગામ ટકી જ ન શકે! શક્યતાના પ્રશાંત મહાસાગરમાં ભયંકર તોફાન થાય, ત્યારે પણ માછલીને તો નિરાંત જ હોય છે! ⬛ }}} પાઘડીનો વળ છેડે ઇન્ફોસિસે બતાવી આપ્યું છે કે બિઝનેસ કાયદેસર રીતે અને નૈતિક મૂલ્યો સાથે ચલાવી શકાય છે. ઇન્ફોસિસે બતાવી આપ્યું છે કે સખત પરિશ્રમ કરનારા અને થોડા તેજસ્વી યુવાનો સફળ ઉદ્યોગસાહસિકો (એન્ત્રાપ્રેનર્સ) બની શકે છે. ઇન્ફોસિસનું આ જ સૌથી મોટું પ્રદાન છે. - એન. આર. નારાયણ મૂર્તિ (‘દિવ્ય ભાસ્કર’, તા. 19-5-2011)

અન્ય સમાચારો પણ છે...