વેલેન્ટાઈન્સ ડે યુવાનો માટે જીવનમરણનો સવાલ હોય છે, પણ અમારા સાંધ્યસભાના આધેડો જે આખું વર્ષ ‘બેના’ઓના મેસેજ બોક્સમાં જઈ ‘જમ્યા? જાગ્યા? સૂતા?’ જેવા સ્નેહાભિસિક્ત મેસેજ કરતા હોય છે, એમને માટે પણ એક ડગલું આગળ વધવાનો સમય હતો. ‘મરીઝે’ આવા પ્રેમીઓ માટે જ લખ્યું છે
એની બહુ નજીક જવાની સજા જુઓ, મળતો હતો એ દૂરથી સહકાર પણ ગયો.
ફેબ્રુઆરીનો મત્ત ઉન્માદ આ રીતે ઘેરા વિષાદમાં પરિણમે ત્યારે કોઈની આગળ ફરિયાદ ન કરી શકવાને કારણે માણસ ફિલસૂફ થઈ જતો હોય છે. અમારી સોસાયટીમાં પણ સૌની હાલત આવી હતી. મોટિવેશનની તાતી જરૂર હોવાથી વ્હોટ્સએપ ગ્રૂપમાં મોટિવેશનનાં પુસ્તકોનાં ટાઈટલ મૂકવામાં આવ્યાં. આખું પુસ્તક વાંચવાની તો કોઈની ત્રેવડ હતી નહીં, તેથી સભાએ ઊંડાણમાં ગયા વિના ટાઈટલ પર જ ચર્ચા કરી.
શાંતિલાલે પહેલું ટાઈટલ વાંચ્યું, ‘સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ!’ બાબુ બોલ્યો, ‘આપનને ટો હારી એક જ ‘હેબિટ’ છે ને એ બહુ ઈફેક્ટિવ છે!’ ‘પાવર ઓફ પોઝિટિવ થિન્કિંગ!’ મનસુખ ટાઈટલ વાંચતાં બોલ્યો, ‘આ પુસ્તક તેજીના સમયે કામનું કે મંદીના?’ ‘ભાઈ! પાવર-બાવર હું કરો! પાવર સોડા જેવો હોય, પાંચ સેકંડમાં ઊટરી જાય.’ ‘એટલે તું સોડા સાથે સોમરસ મિલાવે છે, જેથી લાંબો સમય પાવર રહે!’ હસુભાઈએ બાબુના કાયમ મોટિવેટેડ રહેવાના રહસ્ય આડેથી પડદો હટાવી દીધો. પ્રેરણાડીએ ટાઈટલ વાંચ્યું, ‘ધ મોન્ક હૂ સોલ્ડ ફૅરારી! આયમ ઇન લવ વિથ ધ મોન્ક હૂ સોલ્ડ ફૅરારી!’ ઈર્ષાગ્રસ્ત હેમિશ બોલ્યો, ‘સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે એમ ફૅરારી વેચતાં પહેલાં ફૅરારી ખરીદવી પડે!’ ‘ફૅરારી વેચવા બાબટનું આ ચોપડું પાર્ટ 2 હશે, પાર્ટ વનમાં ફૅરારી આવી કઈ રીટે એનો વિગટવાર ખુલાસો હશે!’ બાબુએ રોબિનભાઈ શરમાઈ જાય એવી કલ્પના કરી. મેં હેમિશને પૂછ્યું, ‘તારું ફેવરિટ પુસ્તક કયું?’ ‘રિચ ડેડ.. પૂઅર ડેડ!’ હસુભાઈએ ધારી લીધું કે આ ટાઈટલનો બીજો હિસ્સો એમના માટે હતો, એ રાતાપીળા થયા, ‘જીવનમાં ધનની નહીં, મિત્રોની કમાણી કરવી જોઈએ.’ આમ કહી એ પોતાનું ફેવરિટ ટાઈટલ બોલ્યા, ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઈન્ફ્લુઅન્સ પીપલ!’ ‘મિટ્રોથી છૂટકારો કેવી રીતે મેલવવો એના ઉપર કોઈ ચોપડી મલે કે ની?’ હસુભાઈને જોઈને બાબુ બોલ્યો. કનુ કોંગ્રેસીએ પોતાના ફેવરિટ પુસ્તકનું ટાઈટલ વાંચ્યું, ‘યૂ કેન વિન!’ મેં કહ્યું,‘યૂ કેન વિન! દુનિયાની દરેક રમતની દરેક મેચ પહેલાં તમામ કોચ તમામ ટીમને આ વાક્ય કહે છે, ‘યૂ કેન વિન’! અને 50 ટકા કિસ્સામાં એ વિધાન સાચું પણ પડે છે!’ ‘આના રાઈટરને બાંગ્લાડેશની ટીમના કોચ બનાવો અઠવા ટમારી કોંગળેસના સલાળકાર બનાવો! ઈન્સ્પિરેશન પર્સપીરેશનમાં પરિવર્ટિટ ઠઈ જહે!’ મોટિવેશનનાં પ્રિય પુસ્તક વિશે બોલવાનો મારો વારો આવ્યો, ‘મોટિવેટરો, મેનેજમેન્ટ ગુરુઓ, બાબાઓ-ફાબાઓ, ‘ફેંગ શૂઈ’ અથવા ‘ફેંક તું ય’ના નિષ્ણાતો.. આ બધાથી મને સૂગ છે!’ ‘જાતજાતનાં લેસરિયાં મશીનો લઈ કેસરિયા કરવા નીકળેલા ડોક્ટરો વિશે શું કહેશો? મશીન લેસર અને ચાર્જ હાયર!’ હસુભાઈએ મારા ભૂતપૂર્વ વ્યવસાયને આંટીમાં લીધો. ‘અને પોયરા-પોયરીઓને કમાવાની ઉંમરે ઝાકળ અને મૃગજળને રવાડે ચડાવતા કવિઓ બાબટે સંુ કહેશો?’ બાબુએ મારી વર્તમાન પ્રવૃત્તિને લપેટમાં લીધી. ‘જીવન એ ટાઈમ-પાસ છે, જેને જેમ ગમે એમ ટાઈમ પાસ કરે!’ મેં મારી ફિલસૂફી કહી, તો વિચાર આવ્યો કે આ વિષય પર પુસ્તક લખી શકાય. એમાં લોકોનો ટાઈમ તો પાસ થાય જ. હવે માત્ર ધનશંકર બાકી હતા. એમની સામે સૌ આશાભરી નજરથી જોવા લાગ્યા. ‘મારે માટે પ્રેરણાદાયક..’ ધનશંકરને અટકાવીને બાબુએ ડબકું મૂક્યું, ‘ઢનશંકર ટમારે માટે પ્રેરનાડાયક તો ફક્ટ ટમારી પત્ની છે. પ્રેરનાની માટા!’ સૌએ બાબુને ચૂપ કર્યો, ધનશંકર બે પળ સૌ સામે જોતાં રહ્યા પછી બોલ્યા, ‘મારે માટે જગતનું ઉત્તમ ઉત્સાહવર્ધક સાહિત્ય છે, હનુમાન ચાલીસા!’⬛ amiraesh@ yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.