તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોરી પોઈન્ટ:જીવતરને વહેરતો સમય

માવજી મહેશ્વરી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એ યુવાનની પત્ની સમજદાર સ્ત્રી છે. પણ છેલ્લા એક વર્ષથી જાણે મૂંગી થઈ ગઈ છે. તેણે આજે સવારે પોતાના પતિને કહ્યું હતું, ‘ઘરમાં હવે પૈસા નથી.’

બપોર બરાબર તપ્યો છે. મધ્યમ વર્ગના પરિવારોની સોસાયટી છે. ત્રીજી શેરીના છેડે આવેલાં મકાનની બહાર ઊભેલી જૂની મોટર સાઇકલને જોઈને જ કહી શકાય કે તે ઘણા દિવસથી તેને કોઈએ ચલાવી નથી. બાલ્કનીમાં ખાર લાગ્યો છે. મકાન બેઠા ઘાટનું છે. બે રૂમ રસોડાનું બાંધકામ છે. ઘણા સમયથી રંગ ન થવાથી એ બેડોળ અને કદરૂપું લાગે છે. બારીના છજાં ઉપર જૂની વસ્તુઓ પડી છે. ઘર કહી રહ્યું છે કે અંદર રહેનારની આર્થિક સ્થિતિ સારી નથી. એ મકાનનમાં ત્રીસેક વર્ષની વયનું એક દંપતી છે. એમને બે સંતાનો છે. ઘરમાં એક વૃદ્ધ પણ છે. જે કદાચ પોતાના જીવનસાથી છોડી ગયાની એકલતાથી પીડાય છે. આંગણાંમાં લીમડાનું ઝાડ છે. એ વૃદ્ધ જૂની ખુરશી ઉપર લીમડાની છાંયમાં બેસી રહે છે. તેને બીડી પીવાનું વ્યસન છે. એટલે વારે વારે બાલ્કની બહાર બીડીનું ઠૂંઠું બહાર ફેંકવા ઊભો થાય છે. પછી બાલ્કનીમાં રેલિંગ પકડીને સૂનકાર ભર્યા રસ્તા ઉપર જોઈ રહે છે. છેલ્લા કેટલાક સમયથી એના દીકરાએ બહાર નીકળવાની સખત મનાઈ કરી છે, એટલે તે ઘડીક અંદર અને ઘડીક ઘરની બહાર નીકળી ફરી બાલ્કનીમાં આવીને ઊભો રહી જાય છે. ઘરનો કમાતો યુવાન પુરુષ ગંજી કાઢીને મેલા થઈ ગયેલા નેપ્કિન વડે પરસેવો લૂછ્યાં કરે છે. ઘરની રંગ ઊખડી ગયેલા ભીંતો ઉપર એક કેલેન્ડર ટાંગેલું છે. બીડીની કંપનીએ છાપેલા કેલેન્ડરની તારીખોને એ યુવાન જોયા કરે છે. પંખાની હવાથી કેલેન્ડરનાં પાનાં જરા ફરફરે છે, પણ તારીખો જેમની તેમ પોતાની જગ્યાએ અડગ બેઠી છે. જરાય આઘીપાછી થતી નથી. એના વૃદ્ધ બાપાની નસોમાં લોહીને બદલે બીડીના ધુમાડા વહે છે તે એ યુવાન સારી પેઠે જાણે છે. એ યુવાનને બાપાની ખાંસી બીવડાવી રહી છે. તેણે થોડાક દિવસથી બાપાને બીડી ઓછી કરી નાખવાની સૂચના આપી છે. એના બાપા બબડાટ કરે છે કે પોતે બીડી બાકસ વેચે છે, સગા બાપને પીવા દેતો નથી. એ યુવાનની પત્ની સમજદાર સ્ત્રી છે. પણ છેલ્લા એક વર્ષથી જાણે મૂંગી થઈ ગઈ છે. તેણે આજે સવારે પોતાના પતિને કહ્યું હતું, ‘ઘરમાં હવે પૈસા નથી.’ ગેટ પકડીને ઊભેલા યુવાને એ સાંભળ્યું હતું. પૈસા !! ક્યાંથી લાવવા પૈસા? એ યુવાન ઊંચી ગણાતી વેપારી જ્ઞાતિનો છે. શહેરમાં શાક માર્કેટની સામે તેની પાન-બીડીની કેબિન છે. એમાંથી ઝાઝી આવક થતી નથી. પણ તેનું ઘર ચાલતું હતું. આજકાલ કરતાં પાંચેક વર્ષથી યુવાન એ ધંધો કરે છે. જથ્થાબંધ વેપારી પાસેથી એ થોડો થોડો માલ લેતો. કેબિન એટલી મોટી ન હતી કે ઘણોબધો માલ રાખી શકાય. એટલે તે જરૂર પૂરતી ખરીદી કરતો. એનું ઘર ચાલતું હતું. પરંતુ આગલા વર્ષે ઓચિંતી પરિસ્થિતિ બદલાઈ. સરકારે દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો. દિવસો લંબાતા ચાલ્યા. નગરપાલિકાએ શાકમાર્કેટને જુદાં સ્થળે ખસેડી. એમાં એને ખબર પડી કે પોતાની કેબિનનું તાળું તૂટ્યું છે. તેણે પત્નીને કહ્યું નહીં. કોઈકે તેને પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યું. સીધી લીટીના એ યુવાને ફરિયાદ લખાવવાનું માંડી વાળ્યું. તેની પાસે સાદો ફોન હતો. તેના છોકરાએ એક દિવસ કહ્યું કે હવે તેને મોબાઈલ ઉપર ભણવાનું છે, એટલે તેણે બચતની રકમમાંથી નવો મોબાઈલ ફોન લીધો. ઉપરથી નેટ રિચાર્જ કરાવવાનું. લોકડાઉનના ચાર મહિનામાં તેની પાસે બચત હતી તે વીતેલો સમય સાફ કરી ગયો. આખરે લોકડાઉન હટ્યું. તેણે ફરી થોડો માલ ખરીદ્યો અને જૂની જગ્યા ઉપર ધંધો શરૂ કર્યો. પણ ખોટ સરભર થાય તે પહેલાં સમય ફરી પુનરાવર્તન કરતો હોય તેમ એ જ દિવસો આવીને ઊભા રહ્યા. નગરપાલિકાએ ફરી સાંકડી જગ્યાવાળી શાકમાર્કેટ બંધ કરાવી. એ જગ્યાએ અવરજવર સાવ ઘટી ગઈ. એ યુવાન સવારે રોજ કેબિન ખોલે છે, બેસે છે, ઘરાકની રાહ જુએ છે પણ લોકડાઉનની અફવાને કારણે લોકોએ પોતાને જોઈતો જથ્થો ભેગો કરી લીધો છે. એકલદોકલ ગ્રાહક આવે છે. દિવસ આથમે ત્યારે માંડ તેની પાસે બસો-ત્રણસો રૂપિયા હાથમાં આવે છે. આ યુવાનની સ્થિતિ વિચિત્ર છે. તેણે કોઈ પાસેથી ક્યારેય કશું માગ્યું નથી. એને માગવામાં હીણપત લાગે છે. સમયનું ચક્ર ફર્યા કરે છે.⬛mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો