2022ના વર્ષના ‘શાંતિ નોબલ પ્રાઈઝ’ના ત્રણ વિજેતામાંથી એક યુક્રેનની સંસ્થા ‘ધ સેન્ટર ફોર સિવિલ લિબર્ટિઝ’ને આપવામાં આવ્યું છે. આ સંસ્થા માનવઅધિકારોની જાળવણી માટે કામ કરે છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું પછી રશિયાના લશ્કરે આચરેલા વૉર ક્રાઇમ્સનાં અનેક ઉદાહરણો આ સંસ્થાના કાર્યકર્તાઓએ એકઠાં કર્યાં છે. એમાં નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા, સ્ત્રીઓ પર બળાત્કાર સહિત રૂંવાડાં ઊભાં કરી નાખે એવાં કુકર્મોનો સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલાં એ સંસ્થાની પ્રમુખ ઑલેકસાન્ડ્રા માટ્ટવિચુકે પહેલી નજરે ચોંકાવનારું સ્ટેટમેન્ટ આપ્યું હતું. એમણે કહ્યું હતું: ‘મને કોઈએ પૂછ્યું હતું કે રશિયાએ કબજે કરેલા યુક્રેનના પ્રદેશોમાં દુશ્મનોનાં ગુનાઇત કાર્યો કેવી રીતે અટકાવી શકાય? મારો જવાબ હતો – અમને શસ્ત્રો પૂરાં પાડો.’ ઑલેકસાન્ડ્રાએ ઉમેર્યું હતું: ‘અંગત રીતે મારા માટે આ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે કે મારા જેવી માનવઅધિકારોની વકીલે શસ્ત્રોની માગણી કરવી પડે. આ બાબત એ પણ સૂચવે છે કે વર્તમાનમાં આંતર્રાષ્ટ્રીય ન્યાયપ્રણાલી તૂટી પડી છે. અમારા દેશનું સામાજિક માળખું સદંતર વિચ્છિન્ન થઈ જાય તે પહેલાં એને બચાવી લેવું અનિવાર્ય છે. માનવઅધિકારોને રક્ષણ આપવા માટે ઘડાયેલા આંતરારાષ્ટ્રીય કાયદાઓ ઘણા સમયથી બુઠ્ઠા થઈ ગયા છે. એ કારણે રશિયાનાં હીન કક્ષાનાં અમાનવીય કૃત્યોની સામે ધાં નાખી ન્યાય મેળવવા માટે અમારી પાસે કોઈ જગ્યા રહી નથી. રશિયા ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને એ રોકી શકે એવું કોઈ બળ હાલ દેખાતું નથી.’ ‘ધ સેન્ટર ફોર સિવિલ લિબર્ટિઝ’ 2007થી યુક્રેનમાં સક્રિય છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યાર પછી સંસ્થાઓના કાર્યકર્તાઓએ દરેક વૉર ક્રાઇમની વિગતોનું ડોક્યુમેન્ટેશન કરવાનું મહત્વાકાંક્ષી કામ શરૂ કર્યું. ભયાનક યુદ્ધની વચ્ચે કાર્યકર્તાઓએ જીવના જોખમે અત્યાર સુધી રશિયાના સૈન્યના ચોવીસ હજાર કિસ્સા એકઠા કર્યા છે. ઑલેકસાન્ડ્રાએ કહ્યું છે: ‘અમે લોકોની પીડાઓનું ડોક્યુમેન્ટેશન કરીએ છીએ. એ કામ જરા પણ સહેલું નથી.’ એમના મતે ‘આજે સમગ્ર દુનિયામાંથી પીડિત માનવો પ્રત્યે નિસબત અને એમના પર આચરવામાં આવતા ગુનાઓની જવાબદારી જેવાં મૂલ્યો ભુલાઈ ગયાં છે. એ માટે રચાયેલી ઇન્ટરનેશનલ કોર્ટ માત્ર એમની પસંદગીના કેસો પર જ ધ્યાન આપે છે. એવા સંજોગોમાં અમે વૉર ક્રાઇમ્સના બનાવો એકઠા તો કર્યા પરંતુ સેંકડો-હજારો લોકો પર થયેલા અત્યાચારોની સામે ન્યાય અપાવવા અમને કોણ સહાય કરશે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અમારે નિર્દોષ નાગરિકોની ઓળખ પાછી આપવાની છે અને એ માટે અમને સમગ્ર વિશ્વની સહાયતાની આવશ્યકતા છે, પરંતુ એ છે ક્યાં?’ ઑલેકસાન્ડ્રાના આ કથનમાંથી સંભળાતી ભારોભાર નિરાશા નવી વાત નથી. માનવ જ જ્યારે માનવનો દુશ્મન બની બેઠો હોય અને પીડિતોની કરુણ ચીસો જગતના સત્તાધીશોના બધીર કાને અથડાઈ ચૂરેચૂરા થઈ જતી હોય એવા વાતાવરણમાં માનવઅધિકારોની કોઈને પણ ચિંતા ન હોય એવું ભાસે છે. દરેક દેશ, પછી તે મહાસત્તા હોય કે ટચૂકડો દેશ, બીજાના દેશમાં માનવઅધિકારોના ભંગની ઘટનાઓની આકરી ટીકા કરે છે પરંતુ પોતાના દેશમાં ચાલતી એવી જ શરમજનક પરિસ્થિતિને નકારે છે. માનવઅધિકારોના ભંગની બાબતમાં કોઈ દેશ કલંકમુક્ત હોવાનો દાવો કરી શકે તેમ નથી. ક્યારેક વિરોધનો સૂર ઊઠે તો પોતાના બચાવમાં બીજા દેશોના એવા કિસ્સાનાં ઉદાહરણોની યાદ આપવામાં આવે છે. એ બચાવ નથી, પગથી ધૂળવાળવાની ધૃષ્ટ ચેષ્ટા છે. ચીનમાં કોરોનાપ્રેરિત લોકડાઉન થોડી ફરજિયાત છૂટછાટ સાથે હજી પણ અમલમાં છે. આખું વિશ્વ કોરોનામુક્તિ જાહેર કરતાં પગલાં લઈ રહ્યું છે ત્યારે ચીનની સરકાર ઝીરો કોવિડ નીતિના નામે પોતાના જ દેશના નાગરિકોને ઘરમાંથી બહાર ન નીકળવા દીધા. શક્ય છે કે એ માટે એમની પાસે કારણો હોય, પરંતુ આટલા લાંબા સમયની કેદ પછી ચીનના લોકો કંટાળી ગયા છે. કેટલાંક શહેરો ભૂતાવળ જેવાં બની ગયાં છે. લોકોની રોજીરોટીના સવાલ ઊભા થયા છે. તેઓ ભૂખે મરે છે. એની સામે માનવીય તકલીફો તરફ આંખ આડા કાન કરી સરકાર એમના પર જુલમ ગુજારે છે. તાજેતરમાં ચીનના એક શહેરની બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે કડક લોકડાઉનના સકંજામાં ઘેરાયેલા રહેવાસીઓ જીવ બચાવવા સમયસર બહાર નીકળી શક્યા નહોતા અને સારી એવી સંખ્યામાં મૃત્યુ થયાં હતાં. ત્યાર પછી હજારો લોકો સડક પર ઊતરી આવ્યા. ચીનની લોખંડી રાજસત્તા સામે જનતાનો વિરોધ અભૂતપૂર્વ કહી શકાય. હવે ચીનના સત્તાધારીઓ વિરોધને કડક હાથે ડામવા સક્રિય બની છે. અમેરિકા – બ્રિટન સહિતના દેશો વિરોધના એના એ પોકળ સંદેશા વાગોળ્યા કરે છે. માનવને જ સાથી માનવના જીવનઅધિકારની પડી ન હોય ત્યારે ઑલેકસાન્ડ્રા જેવી સંવેદનશીલ વ્યક્તિની ચિંતા કોણ સાંભળવાનું છે? આજે કોઈ પણ માનવસમુદાય પોતાનો જ વિચાર કરી શાહમૃગની જેમ ધૂળમાં માથું ખોસી ચેનથી જીવી શકે નહીં. જરૂર છે બુઠ્ઠા થઈ ગયેલા અંતરાત્માને જગાડવાની. આ સમય માણસોને માણસો વિરુદ્ધ લડાવવાનો નથી, ભાગલા પાડવાનો નથી, સાથે મળી માનવતાને બચાવવાનો છે. કોઈએ કહ્યું છે: ‘સદીઓની ધૂળ હેઠી બેસશે ત્યારે ભાવિ પેઢી આપણા યુદ્ધમાં વિજયો કે પરાજયોને કે રાજકારણને જ યાદ નહીં રાખે, માનવોના આત્માને જગાડવા આપણે શું કર્યું એનો હિસાબ પણ કરશે.’⬛ vinesh_antani@hotmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.