વિજ્ઞાનધર્મ:समय सर्वोपरि: પુરાણોમાં આલેખાયેલાં સમયચક્ર અંગે ચિંતન

પરખ ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધુનિક વિજ્ઞાને સમયને ભલે સુરેખ ધારી લીધો હોય, પરંતુ વાસ્તવમાં એ સમાંતર અને સાપેક્ષ છે, એમ કહી શકાય

(ગતાંકથી ચાલુ) મી સદીની શરૂઆતમાં થઈ ગયેલા ઇન્ડોલોજિસ્ટ એફ. ઈ. પાર્ગિટરે ભારતનાં હજારો વર્ષ જૂના પુરાણોને કપોળકલ્પિત માનીને જનસમૂહોને તેનો વિશ્વાસ ન કરવા કહ્યું હતું, જેની સાથે દેશના અન્ય ઘણા ઇન્ડોલોજિસ્ટ સહમત હતા! પુરાણોના ફક્ત કોરી વાર્તાઓ માનવા પાછવા પાછળ એમનો તર્ક એ હતો કે બ્રહ્મા, પ્રજાપતિ દક્ષ સહિત અનેક પૌરાણિક પાત્રોની ઉંમર તેમાં લાખો વર્ષની જણાવવામાં આવી છે. પરંતુ આ તમામ ઇન્ડોલોજિસ્ટ એ વૈજ્ઞાનિક શક્યતાને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયા, જેમાં પૃથ્વી (ભૂમંડળ)ની બહારના અવકાશી સ્થળો પર સમય અત્યંત ધીમી ગતિએ ચાલે છે! ગુરુત્વાકર્ષણબળનો સર્વસ્વીકૃત સિદ્ધાંત એ છે કે જ્યાં ગુરુત્વાકર્ષણક્ષેત્ર મજબૂત હોય, ત્યાં સમય ધીમી ગતિએ ચાલે છે! એકસરખી દેખાતી અને પૂર્ણ ચોકસાઈ ધરાવતી બે એટૉમિક ઘડિયાળોમાંથી એક ઘડિયાળને ઊંચી ઇમારતની ટોચ પર અને બીજીને જમીન પર મૂકીને સમય નોંધવામાં આવે, તો ટોચ પર મૂકાયેલી ઘડિયાળના સમયની ગતિ વધુ માલૂમ પડશે! જો એક જ સ્થળ પરની બે એકસરખી ઘડિયાળોમાં સમયની ગતિ જુદી જુદી હોઈ શકે, તો પછી અહીંયા તો આપણે પૃથ્વીની બહારનાં જુદાં જુદાં પરિમાણો અને બ્રહ્માંડોની વાત કરી રહ્યા છીએ! પુરાણો જેમણે લખ્યા છે, તેઓ સિદ્ધ હતાં. જેવી રીતે ઉચ્ચસ્તરીય વિજ્ઞાનની સમજૂતી મેળવવા પહેલાં સર્વપ્રથમ પુષ્કળ અભ્યાસ જરૂરી છે, એવી જ રીતે પૌરાણિક કથનોને સમજવા માટે એ કક્ષાની બુદ્ધિક્ષમતા હોવી જરૂરી છે. દિવ્યદૃષ્ટિ એટલે અલૌકિક દૃશ્યો જોઈ શકવાની ક્ષમતા નહીં, પરંતુ જે મહાન આત્માઓ ભૂમંડળની બહારનાં સત્યોનું આલેખન કરવા સક્ષમ હતાં, એમને પ્રાપ્ત થયેલી વિશેષ તકનિક! ધર્મશિબિર દરમિયાન એક શ્રદ્ધાળુએ ઓમ સ્વામીને સમય અંગેની ગર્ભિત વાતો અને મંતવ્ય જણાવવાનો આગ્રહ કર્યો. સ્વામી ઓમ કહે છે, ‘સમય અંગે હું શું માનું છું, એનાથી કશો ફરક નથી પડતો. આધુનિક વિજ્ઞાને સમયને ભલે સુરેખ ધારી લીધો હોય, પરંતુ વાસ્તવમાં એ સમાંતર અને સાપેક્ષ છે, એમ કહી શકાય. સૂર્યનું કિરણ લગભગ આઠ મિનિટ પછી ધરતી સુધી પહોંચે છે, તો એનો અર્થ એમ થયો કે અત્યારે આપણે જે સૂર્યને નીરખી રહ્યા છીએ, એ હકીકતમાં આઠ મિનિટ જૂનો ભૂતકાળ છે, પરંતુ માનવજાત માટે ચાલુ વર્તમાન છે! જો સૂર્ય અચાનક અત્યારે ચમકવાનો બંધ થઈ જાય, તો પણ પૃથ્વીવાસીઓને આવનારી આઠ મિનિટ સુધી ખબર ન પડે, એવી અદ્ભુત લીલા છે સમયની! તો એનો મતલબ એમ થયો કે આપણે ખરેખર ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને સમાંતરે નિહાળી રહ્યા છે...!’ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને એક જિજ્ઞાસુએ પૂછ્યું કે, ‘અતિસરળ અંદાજમાં સમય અંગે સમજાવી શકો?’ ત્યારે આઇન્સ્ટાઇને જવાબ આપ્યો કે, ‘એક સુંદર સ્ત્રી સાથે ભોજન કરવા જાઓ ત્યારે એક કલાક પણ ચપટી વગાડતાંમાં પસાર થઈ ગયો હોય એવું લાગે અને ગરમાગરમ તાવડી પર બેઠાં હો ત્યારે પાંચ-છ સેકન્ડ્સ પણ અસંખ્ય જન્મારાઓ જેટલી દુષ્કર પૂરવાર થાય! સમયની ગતિને આત્મસાત્ કરવી એ એટલી પણ સરળ નથી.’ જો તમે કોઈ સિદ્ધયોગી અથવા અઘોરીને પૂછશો તો સમજાશે કે બીજમંત્રોના ઉચ્ચારણ માટે પણ ચોક્કસ સમયાવધિ હોય છે! બાલત્રિપુરસુંદરીના બીજમંત્રો - ઐં, ક્લીં, સૌ – નું ઉચ્ચારણ કરતી વેળા પ્રત્યેક બીજમંત્રનું કેટલા સમય સુધી પુનરાવર્તન કરવું એ સાધકની પોતાની મરજી હોય છે, પરંતુ મહાત્રિપુરસુંદરી અર્થાત્ યંત્રાધિષ્ઠાત્રી દેવીની સાધનાનો આરંભ કરતાં પહેલાં સમયને પણ અત્યંત મદદગાર અને મહત્વપૂર્ણ સાધના-પરિબળ/સામગ્રી તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ટેક્નોલોજીના યુગમાં નવી પેઢીને આ અંગે વધુ જ્ઞાન આપવું હોય તો, ‘સાધના’ નામની મોબાઇલ એપ્લિકેશન ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે, જેમાં દેવી-દેવતાઓની જુદી જુદી સાધનાઓ અંગેના વિધિ-વિધાન અને પદ્ધતિઓનું વિસ્તૃત સ્વરૂપ સમાવિષ્ટ છે. ભાગવતપુરાણમાં તો રાજા કકુદમી અને એમની દીકરી રેવતીનો કિસ્સો પણ આપવામાં આવ્યો છે, જેમાં બ્રહ્માના દરબાર – સત્યલોક અથવા બ્રહ્મલોક – માં પહોંચેલા રાજા કકુદમી થોડી વાર રાહ જોયા પછી ભગવાન બ્રહ્મા સમક્ષ રેવતી માટે યોગ્ય વર સૂચવવાની પ્રાર્થના કરે છે, પણ ત્યાં સુધીમાં પૃથ્વી પર હજારો યુગ વીતી ચૂક્યા હોય છે! આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત અને આ કથા વચ્ચે કેટલી બધી સામ્યતાઓ છે, એ અંગે ભૂતકાળમાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. (સમાપ્ત) bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...