સહજ સંવાદ:આ છે આપણા અસમિયા ઉત્સવની કવિતા!

વિષ્ણુ પંડ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધુનિક ભાષા માટે 1888માં ‘અસમિયા ભાષા ઉન્નતિ સાધિની સભા’ની સ્થાપના થઇ અને નવકવિઓએ આભા સર્જી

સર્જાતા સાહિત્યના ઉત્સવો તો આપણે ત્યાં થાય છે પણ તેમાં ગુજરાતી ઉપરાંત બીજી કોઇ ભાષાઓ વિશે ભાગ્યે જ કશું પ્રાપ્ત થાય. આવું કેમ? દેશની 2700 જેટલી ભાષા અને બોલીઓમાં માતબર કવિઓ-નવલકથાકારો-નાટ્યકારો પડ્યા છે. ઉત્તમ લખવાના શિખર સુધીની તેમની સફર છે. હમણાં છેક અસમથી સમાચાર જાણીને રાજી થવાયું કે ‘વોઇસ ઓફ અસમ’ નામે ગ્રંથ એક પ્રકાશકે પ્રકાશિત કર્યો. (પ્રકાશકમિત્રો, તમે નોંધ્યું ને?) તેમાં 140 અસમિયાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. છેક 1900 ઇસવીસનથી 2000ના વર્ષ સુધીની કાવ્યરચનાઓ છે એમ પ્રકાશક મૌસમી સચદેવે કહ્યું. અંગ્રેજીમાં અવતરણ થયું એટલે વિશ્વભરમાં તેનો વાચકવર્ગ મળી રહે. પણ, જે પોતાની ભાષામાં લખે છે, તેનો પસ્પર વિનિમય તો થવો જ જોઇએ. મરાઠીથી મૈથિલી સુધીની ભાષાઓમાં આવી માતબર સર્જકતા અસ્તિત્વમાં છે ત્યારે આપણે માત્ર ગુજરાતીની કાચી-પાકી કવિતાનો ગરબો લઇને રાસ રમવાનું ટાળવું જોઇએ. એક મુસીબત જરૂર છે કે આપણે ‘સુજ્ઞ’ અનુવાદક ગુજરાતી કે બહુબહુ તો હિંદી સુધી મર્યાદિત જાણકારી ધરાવે છે. અંગ્રેજીમાંથી અનુદિત ગ્રંથોમાં એવા રેઢિયાળ અનુવાદો વાંચવા મળે કે સવાલ પેદા થાય છે, આવું પણ બીજે લખાતું હશે? કેટલીક વાર તો કોઇએ પરિશ્રમપૂર્વક અંગ્રેજીમાંથી (સીધી તે કવિ પોતાની ભાષામાંથી નહીં, તેના કાવ્યના અંગ્રેજી અનુવાદ પરથી!) કાવ્યની પ્રસ્તુતિ કરી હોય તો તે ગુજરાતી અનુવાદ પરથી બીજા અનુવાદક સાહિત્યકારો એકાદ- બે શબ્દો આમતેમ કરીને બીજે, પોતાના નામે મૂકે તેવી ઘટનાઓ પણ બને છે. અસમ વિશે ખ્યાત કવિ-ગાયક ભૂપેન હઝારિકાનું સુંદર, ભાવવાહી ગીત છે- મારી પ્રિયજન્મભૂમિ અસમ! તાજેતરમાં પ્રકાશિત દળદાર ગ્રંથ ‘આસામ: લેન્ડ એન્ડ પીપલ’માં અસમી લોક સાહિત્ય, અસમી સાહિત્ય, બોડો સાહિત્ય, અસમી નૃત્ય, અસમી નાટ્યરચના અને રંગભૂમિ, અસમ સાહિત્ય સભા, એટલાં પ્રકરણો સાહિત્ય અને સંસ્કૃતિ સાથેનાં આપ્યાં છે. અસમી સાહિત્ય સભા ચાર દીવાલો વચ્ચેનાં પંડિતો કે માંડ એકત્રિત થતા ગણતરીના શ્રોતાઓની સંસ્થા નથી, તેમાં અધિવેશનોમાં પાંચથી દસહજાર સાહિત્યપ્રેમીઓ હાજર રહે છે. આ સંગઠને 1982 અને 1983માં અસમ આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો. પ્રમુખ સહિતના સાહિત્યકારો જેલોમાં ગયા હતા તે મેં તે સમયના અસમ-પ્રવાસમાં જનરે નિહાળ્યું છે. ગુવાહાટીની ઉજાન બજારના એક સભાખંડમાં ઠંડીગાર રાતે ભૂપેન હજારિકા, નીલિમા દુલાઇ, જ્યોતિપ્રસાદ, ખગેન દર, સચિન બરુઆને અસમની વેદના અને ગુસ્સો વ્યક્ત કરતાં ગીતો ગાતાં સાંભળ્યાં છે, પ્રસેનજિત દુવરાએ ખુલ્લા મેદાનમાં આંદોલનને કેન્દ્રમાં રાખીને દોરેલાં ચિત્રોનું પ્રદર્શન-144મી કલમ વચ્ચે- યોજ્યું હતું! અસમી સાહિત્યની દીર્ઘ પરંપરા રહી છે. હરિહર વિપ્રે તો ‘અશ્વમેધ પર્વ’ લખ્યું છે. યુદ્ધનું યથાતથ્ વર્ણન. નવગ્રામ, મણિપુર, કામતા, ગુવાહાટી… સર્વત્ર લેખિનીનો વૈભવ. કંદાલીનું ‘રામાયણ’ પૂર્વોત્તરની સાંસ્કૃતિક પહેચાન છે. મધ્યકાળમાં શંકરદેવે સામાજિક પરિવર્તન સાથેનું સાહિત્ય આપ્યું. દરેક ગામના પાદરે એક નામઘર, દરેક ઘરમાં કીર્તન અને અસ્પૃશ્યતાની સંપૂર્ણ અનુપસ્થિતિ: આ શંકરદેવનું પ્રદાન. 240 તેના ‘બારગીત’. સંગીત અને શબ્દોની અદભુત જુગલબંદી! નામઘોષ, જન્મરહસ્ય, એક શરણ નામ ધર્મ, કુમારહરણ, કાનખોવા… આ અસમિયા સંસ્કૃતિનો મધ્યકાલીન સાહિત્યવૈભ‌વ હતો. આધુનિક ભાષા માટે 1888માં ‘અસમિયા ભાષા ઉન્નતિ સાધિની સભા’ની સ્થાપના થઇ અને નવકવિઓએ આભા સર્જી. લક્ષ્મીનાથ બેઝબરુઆ, વસંત સાઇકિયા, શિવપ્રસાદ બરુઆ, મામાઇ રાઇસમ (ઇન્દિરા) ગોસ્વામી… આ થોડાંક નામોથી યે અસમનો સાંસ્કૃતિક અંદાજ મળે જ મળે. ‘બિહુ’ તો હવે જાણીતો ઉત્સવ છે. ઉત્સવોનો રાજવી. યુવકોની ટોળી આવે. પછી નૃત્ય આરંભાય. વાંસના ‘કોરટાલ’ અને ઢોલ તેનાં વાદ્ય. ચચ્ચાર પંક્તિના બોલ અને એક વિલંબિત દ્રૂત. તાલ વધતો જાય. ત્રણ-ચાર દિવસ આ રંગ જામે. માનુહ બિહુમાં એક અસમી બીજાને ‘ગમછો’ ભેટ આપે. ‘ભાથ બિહુ’ જાન્યુઆરીમાં આવે. અસમી યુવતીઓ ખેતરમાં ઊગેલા લીલાછમ્મ પાકની જેમ હૃદયભૂમિ પર પ્રણયનાં બીજ વાવે. ઓટ્ટકોઇ સેનેહર મુંગારે બહુરા તા ત્તુ કોઇ સેનેહર માકો તા ત્તુ કોઇ સેનેહર બુહાગીરે બિહુટી નેપાટિ કેને કોઇ ઠાકો! આ તો યુવતીનો સ્વર: ‘મને પસંદ છે મુગા (સુંદર વણેલું વસ્ત્ર), તેનાથી વધુ ગમે છે ‘બોહાગ બિહુ’. મારો પ્રિયતમ જ્યાં લગી ઢોલ વગાડ્યા કરશે, તેના તાલ પર હું નાચ્યા કરીશ! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...