સ્ટોરી પોઇન્ટ:આવું પણ બને

માવજી મહેશ્વરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લ, જરા ફરી આવીએ, નવું ગામ જોઈએ, તને આજે અહીં એક સરસ ઘટના જોવા મળશે.’ મારા મિત્રે કહ્યું. આમ તો અમારે અહીં કરવાનુંય શું હતું? જાનૈયા લેખે ભીડમાં ઉમેરો કરવો અને જમવા સિવાય અમારા ભાગે કોઈ કામ નહોતું. અમે બહાર નીકળ્યા. રસ્તામાં મારા મિત્રને મેં પૂછ્યું, ‘તું કહેતો હતો ને કે આજે એક સરસ ઘટના જોવા મળશે. એ શું છે?’ ‘એ તો પાછા જઈશું, ચોરી મંડાશે, કન્યાદાન થશે ત્યારે જોજે ને.’ મારો મિત્ર આમ ખેપાની છે. ક્યાંથી ને ક્યાંથી, કેવી કેવી વાતો લઈ આવે. આજુબાજુ કંઈ પણ ઊંધું-ચત્તું થઈ રહ્યું હોય તો એને ગંધ આવી જ જાય. વળી, એ વાત સીધી સીધી ન કહે. ગોળગોળ ફેરવે. થોડી કહે, અટકાવે, વાતમાં મોણ નાખે. મને એની આ ટેવની ખબર, એટલે હું ચૂપ રહ્યો. મને ખબર હતી એને વાત કર્યા વગર ચેન નહીં પડે. સામેથી કહેશે. અમે કલાકેક પસાર કરી પાછા જાનના ઉતારે આવ્યા. લગ્નવિધિની તૈયારી થતી હતી. હું જાણતો હતો કે પેલો મારો મિત્ર ધીમેથી મારી નજીક આવશે. વાતની માંડણી કરશે, પણ તેણે એવું કરવાને બદલે મને કહ્યું, ‘ચાલ, ત્યાં વિધિ થાય છે ત્યાં જઈએ.’ જોકે જાણવું તો મારે પણ હતું. ત્યાં રાબેતા મુજબનું વાતાવરણ હતું. ગોર મહારાજ સૂચનાઓ આપે જતા હતા. વરપક્ષ અને કન્યાપક્ષ પોતપોતાની તૈયારીઓમાં હતાં. વર-કન્યાએ પોતાની જગ્યા લીધી. ‘હવે જોજે.’ મિત્રે મને કહ્યું. મને મનોમન હસવું આવ્યું એની વાત કહેવાની સ્ટાઇલ ઉપર. એણે એવી રીતે કહ્યું જાણે કોઈ ચમત્કાર થવાનો હોય, ચોરીમાં બેઠેલા વર-કન્યા હંસલો-હંસલી બનીને ઊડી જવાનાં હોય કે પછી આકાશમાંથી ફૂલોનો વરસાદ થવાનો હોય. હું હસ્યો એ તેને ન ગમ્યું. તેણે કહ્યું, ‘તું સાવ ડફોળ જ રહ્યો. જોતો નથી કન્યાની બે મા બેઠી છે. જરા ધ્યાનથી જો, જેનું નાક જરા લાંબું છે ને સ્ત્રી કન્યાની મા નથી. અસલી મા એની બાજુમાં બેઠી છે તે છે અને બાપનું પણ એવું જ છે. મતલબ અસલી મા-બાપ પાછળ બેઠાં છે અને આગળ બેઠાં છે તે કન્યાદાન કરવાનાં છે.’ ‘એમાં નવું શું છે? આવું તો થતું હોય છે. કેટલીક વખત સગાં મા-બાપને બદલે કાકા કાકી કે મોટા ભાઈ પણ પરણાવતા હોય છે.’ ‘અરે યાર! નવું ન હોત તો તને કહેવાની શું જરૂર? કન્યાદાન કરવા બેઠાં છે ને તે અત્યારે પતિ-પત્ની નથી, કોઈક સમયે હતાં. છૂટાછેડા લીધેલા છે. આજે પરણાવવા બેઠાં છે ને તેમણે ક્યારેક લવમેરેજ કરેલાં. પેલી સ્ત્રીનું નામ પૂર્ણિમા છે. અહીં જ મહિલા કોલેજમાં લેક્ચરર છે. એનો ભૂતપૂર્વ પતિ પણ કોઈ સમયે એની સાથે જ અહીંની કોલેજમાં લેક્ચરર હતો. પૂર્ણિમાએ લગ્ન કરતાં પહેલાં જ તેના પ્રેમીને કહેલું, આપણે સાથે ન રહી શકીએ તો કશા જ સંઘર્ષ વગર છુટા પડી જઇશું. કદાચ એ સ્ત્રીને ખબર હતી કે પોતે કોઈ પુરુષ સાથે લાંબો સમય રહી શકશે નહીં અને એવું જ બન્યું. લગ્નને ત્રણ વર્ષ થયાં અને બંને છુટા પડી ગયાં. કોઈ જ સંઘર્ષ નહીં, કોઈ જ આક્ષેપ-પ્રતિઆક્ષેપ નહીં. એ વાતને આજે આઠ વર્ષ વીતી ગયા. બેય સારા મિત્રો છે.’ ‘એ તો ઠીક, પણ આ બંને કન્યાદાનમાં આ રીતે ભેગાં થયાં, મતલબ આ છોકરી એમની દીકરી છે?’ ‘ના. આ છોકરી પૂર્ણિમાના પડોશમાં રહેતી હતી. નાની હતી ત્યારથી એમને ત્યાં જતી-આવતી. છોકરીનાં મા-બાપની સ્થિતિ સારી નથી. છોકરીને ભણાવવા માટે પૂર્ણિમાએ મદદ કરેલી. લગ્ન પછી પણ એ છોકરી એમને ત્યાં આવતી-જતી. બંને જણે તેનાં મા-બાપને કહેલું કે આનું કન્યાદાન અમે કરીશું, પણ તે વખતે તેઓ પતિ-પત્ની હતાં, આજે નથી. છતાં તેમણે પોતાનું વચન પાળ્યું છે.’ હું જોઈ જ રહ્યો. વાત બહુ મોટી નહોતી, છતાં નાની પણ નહોતી. છૂટાં પડી ગયેલાં પતિ પત્ની એકસાથે રહીને કોઈકની છોકરીનું કન્યાદાન કરે, એ કોઈ નાની વાત નહોતી.⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...