તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમ્પલ સાયન્સ:બ્રેઈન મેપિંગ : ભવિષ્યમાં કોઈને ખોટી શુભેચ્છાઓ આપતા પહેલાં વિચારજો!

2 મહિનો પહેલાલેખક: જ્વલંત નાયક
  • કૉપી લિંક
  • fMRI પદ્ધતિ વડે, લોહીના પરિભ્રમણનું અવલોકન લઈને, તે માટે જવાબદાર માનસિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે

નવા વર્ષની અઢળક શુભેચ્છાઓની આપ-લે થઇ જ હશે, આપણે ય આજે ‘નૂતનવર્ષાભિનંદન’ સાથે શરૂઆત કરીએ. જોકે, દિવાળીમાં તો દુશ્મનો ય શુભેચ્છા આપતા હોય છે, એટલે કોની શુભેચ્છા કેટલી સાચી અને કેટલી ખોટી, એ કઈ રીતે જાણી શકાય? સૌથી સાદો રસ્તો બોલનારની બોડી લેન્ગ્વેજને ઓબ્ઝર્વ કરવાનો છે. એક બહુ પ્રચલિત માન્યતા છે કે જુઠ્ઠું બોલનાર વ્યક્તિ, કોઈ દેખીતા કારણ વગર સાવ અજાણપણે પોતાનું નાક ખંજવાળી લે છે. સામે ઊભેલી ચબરાક વ્યક્તિ, આ પ્રકારની હરકત જોઈને સમજી જાય છે કે આ ભાઈ રેતીમાં વહાણ ચલાવી રહ્યા છે! માઈન્ડ રીડિંગના વિદ્વાનો કે અનુભવી સાઈકિયાટ્રિસ્ટ, આ પ્રકારની ‘બોડી લેંગ્વેજ’ દ્વારા જ સામેની વ્યક્તિની માનસિક પરિસ્થિતિનો તાગ મેળવી લે છે, પરંતુ કેટલાંક રીઢા થઇ ગયેલા ઉસ્તાદો પોતાની બોડી લેંગ્વેજ પર કાબૂ રાખીને ય સિફતપૂર્વક ખોટું બોલી શકતા હોય છે. (દાખલા તરીકે લગ્નજીવનનો એક દાયકો વિતાવી ચૂકેલો ‘અનુભવ સમૃદ્ધ’ પતિ!) જોકે, પત્નીઓ અને ડિટેક્ટિવ્ઝ ભલભલા રીઢા માણસને બોડી લેંગ્વેજને આધારે પકડી પાડે છે, કારણ કે તમે ગમે એટલી ટ્રેનિંગ લો તો પણ તમારું શરીર અમુક પ્રકારની નિશાની છોડે જ છે. લોહીનું પરિભ્રમણ આવી જ એક બાબત છે. સાચું પૂછો તો આ આખી બાબત બહુ રસપ્રદ છે.

માનસિક અવસ્થાને અનુલક્ષીને, કોઈ પણ વ્યક્તિના શરીરમાં લોહીના પરિભ્રમણમાં ફેરફારો થતાં જ હોય છે, જેના પર કોઈનો કાબૂ હોતો નથી. જેમ કે આવેશમાં આવી ગયેલા માણસના શરીરમાં લોહીનું પરિભ્રમણ સામાન્ય કરતાં વધારે જ હોવાનું. આ હકીકતનો ઉપયોગ કરીને ઇ.સ. 2000માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના, એક સરખું નામ ધરાવતા, ચાર્લ્સ રોય અને ચાર્લ્સ શેરીન્ગટન નામના બે વિજ્ઞાનીઓએ ‘ફંક્શનલ મેગ્નેટિક રીઝોનન્સ ઇમેજિંગ’ એટલેકે fMRI તરીકે ઓળખાતી પદ્ધતિ વિકસાવી છે. MRI તરીકે ઓળખાતી અને રેડિઓલોજીકલ પ્રોસેસ દ્વારા થતી, શરીરના આંતરિક અવયવોની તપાસ જેવું જ કામ fMRI પદ્ધતિ દ્વારા થાય છે. fMRI પદ્ધતિ વડે, લોહીના પરિભ્રમણનું અવલોકન લઈને, તે માટે જવાબદાર માનસિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરાય છે. તજ્્જ્ઞોના મતે, રક્ત પ્રવાહ અને ચેતાકોષીય સક્રિયકરણ (દા.ત. જાણબહાર નાક ખંજવાળવું) એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે મગજનો કોઈ હિસ્સો પ્રવૃત્ત થાય છે ત્યારે તે હિસ્સામાં લોહીનો પ્રવાહ વધે છે.

fMRI પદ્ધતિ વડે બ્રેઈન મેપિંગ કરવાની ક્રિયા ઘણી સરળ છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન, જેના ઉપર પ્રયોગ થવાનો હોય એ વ્યક્તિને, fMRI મશીન સાથે જોડેલી એક સાંકડી પાટ ઉપર, બહુ હલન-ચલન ન થઇ શકે એ રીતે સુવાડવામાં આવે છે. ત્યાર બાદ તેને કેટલીક હળવી ક્રિયાઓ, જેમ કે પગની મુવમેન્ટ કે હાથ ઉપર-નીચે કરવાની ક્રિયા કરવાનું કહેવામાં આવે છે. ઉપરાંત કેટલીક માનસિક ક્રિયાઓ, જેમ કે કોઈ ચિત્ર જોવું અથવા આપેલી રકમના સરવાળા-બાદબાકી કરવાનું કહેવામાં આવે છે. કેટલીક વખત આ વ્યક્તિને જુદા જુદા અવાજો સંભળાવવામાં આવે છે, કે પછી તેના જીવનમાં બની ગયેલી કોઈ ભૂતકાળની ઘટનાને યાદ કરવાનું કહેવામાં આવે છે. આવી અલગ-અલગ પ્રક્રિયાઓ દરમિયાન, પ્રયોગમાં ભાગ લેનાર વ્યક્તિના મગજમાં કયા પ્રકારના ફેરફારો થયાં તે જાણવા માટે fMRI મશીન દ્વારા, આ વ્યક્તિના મગજની રીઅલ ટાઈમ ઇમેજીસ લેવામાં આવે છે. આ પ્રકારના પ્રયોગો વડે મગજના દરેક હિસ્સામાંથી ઇમેજીસ મેળવી શકાય છે. પરિણામે, કોઈ એક ચોક્કસ ક્રિયા દરમિયાન, મગજનો કયો હિસ્સો પ્રતિક્રિયા આપે છે તે જાણી શકાય છે. વળી આ ઇમેજીસ, હાઈ રીઝોલ્યૂશન ધરાવતી હોય છે અને તે મગજના એક મિલીમીટર જેટલા નાના હિસ્સા વડે થતી પ્રતિક્રિયા પણ સચોટ રીતે ઝીલી શકે છે. આ પ્રકારના પ્રયોગો વડે મેળવાયેલા પરિણામોને બ્રેઈન મેપિંગ અને દર્દીના માનસિક પૃથક્કરણ માટે આધારભૂત ગણી શકાય છે. વળી fMRI પદ્ધતિમાં કોઈ રેડિયોલોજીકલ વિકિરણોનો ઉપયોગ થતો નથી, પરંતુ મેટાબોલિક પ્રક્રિયાઓના અભ્યાસ દ્વારા તારણો કઢાય છે. જોકે, જેઓ માનસિક રીતે પુખ્ત નથી તેમજ દરેક સાધારણ પ્રક્રિયા અંગે સચોટ પ્રતિક્રિયા આપવા અંગે સભાન ન હોય એવા બાળકો અને કેટલાંક ખાસ પ્રકારના મનોરોગીઓ માટે fMRI પદ્ધતિ એટલી સચોટ નથી નીવડી. વૈજ્ઞાનિકોને એવી આશા છે કે જેમ લાઈ-ડિટેક્ટર ટેસ્ટ વડે કોઈ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે જાણી શકાય છે, તેમ fMRI મશીન દ્વારા, કોઈ વ્યક્તિ ભવિષ્યમાં ગુનો કરશે કે કેમ એ વિષે જાણી શકાશે.

બીજું બધું તો ઠીક, પણ ગયા વર્ષે બધાએ એકબીજાને સાવ ખોટેખોટી શુભેચ્છાઓ આપેલી. (માર્ચ મહિના પછી આ વાત સાબિત થઇ ચૂકી છે, એટલે એ વિષે વધુ લખવું નથી!) પરંતુ ભવિષ્યમાં જ્યારે કોઈક એવી એપ શોધાશે, જે સામેવાળાનું બ્રેઈન મેપિંગ કરી આપે, ત્યારે દુશ્મનો કરતાં કહેવાતા ‘શુભેચ્છકો’ વધુ બદનામ થઇ જવાના! અને ત્યારે આપણે ય અમથેથી શુભેચ્છાઓ આપવાથી બચવું પડશે! jwalantmax@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser