લાહોરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સકંજામાં ફસાયેલા હિંદુસ્તાનીઓએ વર્ષ 1756માં જ પોતાની સ્વતંત્રતા માટે સંઘર્ષ શરૂ કરી દીધો હતો. આ સંઘર્ષમાં તેમની સાથે ઓઝલમાં રહેતી હિંદુ, મુસ્લિમ અને સિખ મહિલાઓ પણ સામેલ હતી. 18મી સદીના પુરુષો સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાનારી મોટા ભાગની મહિલાઓ વિશે આજ સુધી કોઇને કંઇ ખબર નથી. અલબત્ત, એમાંથી હઝરત મહલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ જેવી અનેક વીરાંગનાઓએ પોતાના પ્રાણ દાવ પર લગાવીને અંગ્રેજ સત્તાધીશોનો અને અંગ્રેજી શાસનનો વિરોધ કર્યો અને આ ચળવળને સમગ્ર હિંદુસ્તાનમાં ફેલાવી દીધી. ઝાંસીની રાણીએ પોતાના સૈનિકો સાથે શહીદી વહોરી, તો લખનઉનાં હઝરત મહલ લડતાં લડતાં નેપાળ સુધી પહોંચ્યાં, રાણી વિક્ટોરિયા તરફથી સામાન્ય માફીની જાહેરાત થઇ તો નેપાળના રાજાએ આગ્રહ કર્યો કે હઝરત મહલે પણ માફી સ્વીકારી લેવી જોઇએ, પણ હઝરત મહલે આ બાબતે સ્પષ્ટ ના કહી દીધી. તેઓ લડતાં રહ્યાં અને નેપાળમાં જ પોતાનો પ્રાણ ગુમાવ્યો. આ અજાણી અને જાણીતી મહિલાઓ સિંધ અને પંજાબના અન્ય વિસ્તારોમાં પણ એટલી જ હતી. 40ના દાયકા સુધી પહોંચતાં સુધીમાં તો સ્વતંત્રતાની ચળવળ જોરાશોરથી સમગ્ર હિંદુસ્તાનમાં ફેલાઇ ગઇ હતી. તેમાં અમ્મા, ફાતિમા જિન્ના, શાહસ્તા ઇકરામઉલ્લા, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત અને અન્ય હિંદુ-મુસ્લિમ મહિલાઓએ પણ ભાગ લીધો. મને એ મહિલાઓ પણ યાદ આવી રહી છે, જેમણે પાકિસ્તાન બનાવવામાં પણ સહયોગ આપ્યો, પણ તેમણે એ માટે ભારે ભોગ આપવો પડ્યો. ઘણીબધી બાબતો એટલા માટે પણ યાદ આવી રહી છે કારણ કે પાકિસ્તાન બન્યા 75થી પણ વધારે વર્ષો થઇ ગયાં છે, છતાં અહીંની મહિલાઓ રોજ અને નવી સમસ્યાનો સામનો આજે પણ કરતી રહી છે.
પાકિસ્તાનને ઇસ્લામનું કેન્દ્ર બનાવવાનો દાવો કરનારા જનરલ ઝિયા ઉલ હકના શાસનકાળમાં રાજનૈતિક રીતે સક્રિય રહેનારી મહિલાઓ પર ખૂબ અત્યાચાર આચરવામાં આવ્યો અને ઘરની બહાર નીકળવાથી તેમની સાથે જે વર્તાવ કરવામાં આવ્યો, તે માટે ત્યાંના અધિકારીઓ જ જવાબદાર છે. છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન પાંચ-છ વર્ષની બાળકીઓનાં અપમાન અને હત્યાના કિસ્સા વધ્યા છે. અખબારો આવા સમાચારોથી ભરાયેલાં જોવા મળે છે.
આપણે આપણા યુવાનોને તો મહિલાઓ અને બાળકીઓનું માન-સન્માન જાળવતાં શીખવી નથી શકતા. જો ઘરમાં જ મહિલાઓ પર અત્યાચાર આચરવામાં આવતો હોય તો બહાર નીકળીને પોતાનો વિરોધ કે મત રજૂ કરનારી મહિલાઓ માટે યુવાનોની નજરમાં કોઇ પ્રકારનું માન-સન્માન રહેવાનું ખરું? આવા વાતાવરણમાં મહિલાઓ જ્યારે પોતાના પરિવારજનો, સ્વજનો તરફથી જ અપમાનિત થશે તો એક દિવસ એવું વાવાઝોડું આવશે કે બધું ફનાફાતિયા થઇ જશે. ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.