તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં ખીલ્યું ગુલાબ:કદમોથી પણ વિશેષ થકાવટ હતી ‘મરીઝ’ મંઝિલ ઉપરથી પાછી ફરેલી નિગાહમાં

ડૉ. શરદ ઠાકર9 દિવસ પહેલા
 • કૉપી લિંક

રિશ્તા શાહ આજે ભારે મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આજે એ શિખર નામના યુવાન સાથે લગ્ન વિષયક મિટિંગ કરવા માટે જવાની હતી. સામાન્ય રીતે આ ઘટના કોઈ પણ યુવતી માટે રોમાંચની દોરી પર સપનાંઓના આસોપાલવ બાંધીને આવતી હોય છે, પણ રિશ્તાના મનમાં ન તો રોમાંચ હતો, ન હતાં સપનાં. એના માટે સૌથી મોટો ખચકાટ એ વાતનો હતો કે એ પોતે યુવાન વિધવા હતી અને એક બાળકની મા હતી. જ્યારે શિખર કુંવારો હતો અને એનાથી ત્રણ વર્ષ નાનો હતો. રિશ્તાનું દિલ ઇચ્છતું હતું કે શિખર લગ્ન માટે હા પાડે, પણ એનું મન કહેતું હતું કે શિખર હા નહિ પાડે. શિખર પાસે પોતાની માલિકીનો આલીશાન બંગલો હતો પણ રિશ્તાને મળવા માટે એણે અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોફી કેફે પર પસંદગી ઉતારી હતી. ઘડીયાળના કાંટે બંને પહોંચી ગયાં. શિખરે શરૂઆત કરી, ‘શું પીશો?’ આટલું કહીને તેણે મેનુ કાર્ડ રિશ્તાની દિશામાં સરકાવ્યું. રિશ્તાએ મેનુ વાંચ્યા વગર જ કહી દીધું, ‘તમે જે પીવડાવશો તે.’ શિખર સહેજ હસ્યો, ‘તમારો આ નિર્ણય માત્ર અત્યારના પૂરતો જ છે કે આખી જિંદગી માટે? જીવનભર હું જે આપું તે સ્વીકારી લેશો? સંસારના સમુદ્ર-મંથનમાંથી અમૃત પણ નીકળશે અને વિષ પણ.’ રિશ્તાએ આશ્ચર્ય પામીને કહ્યું, ‘તમે તો એવી રીતે પૂછી રહ્યા છો જાણે આપણો સંબંધ નક્કી થઇ ગયો હોય! મને તો એમ હતું કે તમે લાંબુ લચક પ્રશ્નપત્ર લઈને બેઠા હશો.’ શિખર પહેલી વખત ગંભીરતા ધારણ કરીને બોલવા લાગ્યો, ‘રિશ્તા, હું તમને મળતા પહેલા તમારા વિશે લગભગ બધું જ જાણી ચૂક્યો છું. મને ખબર છે કે તમે યુવાનીના ઉંબરે એક પુરુષને પ્રેમ કર્યો હતો. એ મિહિર હતો. તમારાં લગ્ન પણ થયાં. એક દીકરાનો જન્મ થયો. દીકરો બે વર્ષનો હતો ત્યારે લ્યુકેમીયા નામના બ્લડ કેન્સરમાં મિહિરનું અવસાન થયું. વૈધવ્યનાં બે વર્ષ તમારા માટે કપરાં સાબિત થયાં. પૈસો એ બધું જ નથી પણ પૈસો એ ઘણું-બધું છે. આ સત્ય તમને સમજાઈ ગયું. તમે પાછા પિયરમાં આવી ગયાં અને જોબ શરૂ કરી દીધી. હું જાણું છું કે તમારી પાસે મને આપવા માટે કશું જ નથી. પ્રેમ પણ નહિ, કારણ કે એ તો તમે મિહિરને આપી ચૂક્યા છો. માટે જ હું પ્રશ્નપત્ર લઈને નથી આવ્યો. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો.’ રિશ્તાના મનમાં વિચારોનો પ્રવાહ ઉમટતો હતો, જે સવાલોના સ્વરૂપે બહાર ધસી આવ્યો, ‘શિખર મારે તમને કેટલાક અગત્યના પ્રશ્નો પૂછવા છે. હું તો મારા દીકરાના ભવિષ્યને ધ્યાનમાં લઈને આર્થિક સલામતી માટે તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ છું. પણ તમે મારા જેવી વિધવા સ્ત્રી સાથે પરણવા શા માટે તૈયાર થયા છો? એ પણ એવી સ્ત્રી સાથે જે ઉંમરમાં તમારા કરતાં મોટી હોય અને એક બાળકની મા હોય. જો તમે ઈચ્છો તો તમને કોઈ પણ કાચી કુંવારી, મારાથી વધારે રૂપાળી સ્ત્રી મળી શકે તેમ છે.’ ‘તમારો સવાલ સમજી શકાય તેવો છે પણ મારો જવાબ તમે નહિ સમજી શકો. મારા પપ્પાના મોટાં બહેન લગ્ન પછી છ જ મહિનામાં રાંડ્યા હતાં. એ જમાનાની રૂઢિ અનુસાર એમણે આખી જિંદગી વૈધવ્ય સાથે પસાર કરી દીધી. જયારે સાસરીમાં રહેવું અશક્ય થઇ પડ્યું ત્યારે લીલા ફોઈ અમારા ઘરે આવી ગયાં. એમની લાચારી, એમનું નિરાધારપણું એમના ચહેરા પર કાયમી ઉદાસીરૂપે લીંપાઈ ગયું હતું. સગા ભાઈના ઘરમાં પણ એ ઓશિયાળા બનીને જીવ્યાં, એ મને આજે પણ યાદ આવે છે. મેં તમને એક સોશિયલ ફંકશનમાં જોયાં. તમારી આંખોમાં મને એ જ ઉદાસી જોવા મળી, જે મારા ફોઈની આંખોમાં હતી. મેં તમારા વિશે તપાસ કરી. બધું જ જાણી લીધું એ પછી હું આ નિર્ણય પર આવ્યો છું.’ ‘આનો અર્થ તો એ થયો કે તમે દયા ભાવથી મારી સાથે લગ્ન કરશો.’ રિશ્તાના અવાજમાં આત્મગૌરવ સળવળી ઊઠ્યું. શિખરે જવાબમાં પોતાનું હૈયું ખોલી નાખ્યું, ‘જો માત્ર દયાભાવ હોત તો હું લગ્ન ન જ કરું. તમને મારી ઓફિસમાં સારા પગારની નોકરી આપી દઉં. સાચું કહું તો તમે દેખાવમાં અત્યંત ખુબસુરત છો. જો ચહેરા પરથી ઉદાસીનું આવરણ ખંખેરી નાખો તો આજે પણ તમારી સામે કોલેજમાં ભણતી સર્વશ્રેષ્ઠ સુંદરી ઝાંખી પડી જાય. તમે કહ્યુંને કે મને આપવા માટે તમારી પાસે કશું જ નથી. તમે ખોટું કહ્યું, તમારી પાસે મને આપવા માટે સૌંદર્યથી છલકાતો આ સાડાપાંચ ફીટના પિંડમાં સચવાયેલો ખજાનો છે. રહી વાત પ્રેમની. તો એ પણ ધીમે-ધીમે થઇ જશે. મને મારામાં રહેલી પ્રેમ આપવાની અને પ્રેમ પામવાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ છે.’ શિખરનો જવાબ સાંભળીને રિશ્તાના મનમાં ઘુમરાતા પ્રશ્નો વિરમી ગયા. એના કાનમાં ફરી એકવાર શરણાઈના મંગલ સૂરો ગુંજવા લાગ્યા. થોડા દિવસોમાં જ લગ્ન સંપન્ન થઇ ગયાં. રિશ્તા પરણીને વિશાળ બંગલાની અધિષ્ઠાત્રી બની ગઈ. એનાં મમ્મી-પપ્પા મધ્યમ વર્ગનાં હતાં. તેમની છાતી પરથી દીકરીની ચિંતાનો પહાડ દૂર થઇ ગયો. શિખરના ઘરમાં બધી વાતનું સુખ હતું. એકલા સાસુમા જીવતા હતા. શિખરના પપ્પા અને લીલા ફોઈ થોડાં વર્ષો પહેલાં બે વર્ષના અંતરમાં ગુજરી ગયાં હતાં. શિખર રિશ્તાને એટલું બધું ચાહતો હતો કે રિશ્તા બહુ થોડા મહિનાઓમાં જ એના પ્રથમ સંસારને ભૂલી ગઈ. એનો દીકરો કેતવ પણ શિખરને જ પપ્પા માનવા લાગ્યો હતો. શિખરને પણ કેતવ સાથે લાગણીનું એવું જોડાણ થઇ ગયું હતું કે એકવાર એણે જ સામેથી કહી દીધું, ‘રિશ્તા, આ જમાનો વન ચાઈલ્ડ ફેમેલીનો છે. હું ધારું તો તારી કુખેથી મારો અંશ પેદા કરી શકું છું. પણ મારી એવી ઇચ્છા નથી. કેતવ તારો અને મારો સહિયારો દીકરો બની રહેશે.’ દુઃખના દિવસોને કીડીના પગ હોય છે. સુખનો સમય સુપરસોનિક વિમાનની ગતિએ ઊડે છે. આંખના પલકારામાં પંદર વર્ષ વીતી ગયાં. કેતવ હવે કોલેજમાં ભણતો હતો. સાસુમા પથારીવશ હતા. શિખર મોટાભાગે બિઝનેસ ટૂર્સ માટે ઉડા-ઊડ કરતો રહેતો હતો. ઓફિસનું કામ રિશ્તા સંભાળતી હતી. જિંદગી એક નિશ્ચિત રફતારમાં દોડી રહી હતી. અચાનક એ રફતારમાં એક અણધાર્યો બ્રેક આવી ગયો. શિખર એક રાત્રે ભોજન કરીને પથારીમાં પડ્યો તે પછી બીજા દિવસની સવારે ઊઠ્યો જ નહીં. રાત્રે ઊંઘમાં જ મૅસીવ હાર્ટ-એટેક આવ્યો અને માત્ર આડત્રીસ વર્ષના શિખરને ઉપાડી ગયો. રિશ્તાને તો સવારે આ વાતની ખબર પડી. સ્વજનો દોડી આવ્યા. મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બધાએ ભાંગી પડેલી રિશ્તાને સધિયારો આપીને સાચવી લીધી. પણ સૌથી ખરાબ હાલત તો શિખરનાં વયોવૃદ્ધ માતુશ્રીની હતી. એનો વિલાપ જોઈ ન શકાય એવો હતો. પરિસ્થિતિ સુધરતા છ એક મહિના લાગી ગયા. એ પછી રિશ્તાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો, ‘હવે આ ઘરમાં રહીને હું શું કરીશ? અહીં મારું ધ્યાન કોણ રાખશે? હું આવતી કાલે જ મારા પિયરમાં રહેવા જતી રહીશ.’ શિખરની તમામ ચલ-અચલ સંપત્તિ પર રિશ્તાની માલિકી હતી. વૃદ્ધ મા પોતાના દીકરાના જ બંગલામાં આશ્રિત બનીને મૃત્યુની પ્રતીક્ષા કરી રહી છે. રિશ્તાના દીકરાનું ભવિષ્ય સુધરી ગયું, પણ એનો ઘડવૈયો ચાલ્યો ગયો. એક યુવાન વિધવા સચવાઈ ગઈ પણ એક બીમાર વૃદ્ધાને કોણ સાચવે? ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો