સીન-શોટ:ડિવોર્સમાં શરમ નહીં, પણ તેમાં શાન પણ નથી

ઉમેશકુમાર ઉપાધ્યાયએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રખ્યાત હોવાથી સ્ટાર્સના મુદ્દાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જોકે તેઓ પણ માણસ જ છે

છેલ્લા બે-ત્રણ અઠવાડિયાંથી આમિર ખાન-કિરણ રાવ વચ્ચે સંમતિથી ડિવોર્સ લેવાની ચર્ચા ખૂબ સંભળાય છે. એમનાં વિશે અનેક જોક્સ પણ સોશિયલ મીડિયા પર ફરતાં થયાં છે. જોકે આમિર-કિરણની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકાદ-બે નહીં, અનેક દંપતીઓ ડિવોર્સ લઇ ચૂક્યાં છે. જ્યારે આવા લોકપ્રિય સ્ટાર્સ છૂટા પડે છે, ત્યારે એ લોકો તો ઠીક, એમનાં ફેન્સને આઘાત લાગે છે. સામાન્ય માણસના જીવનમાં ડિવોર્સ ખૂબ મોટી વાત ગણાય છે, જ્યારે સ્ટાર્સ કેટલી સરળતાથી ડિવોર્સ લઇ લેતાં હોય છે તે જોઇને લોકો દંગ થઇ જાય છે. આ બાબત કયા મેન્ટલ ઝોનમાં હોય છે કે એમને કોઇ ખાસ ફરક નથી પડતો. જો ફરક પડે તો પણ તેઓ આને કઇ રીતે ડીલ કરે છે? એ સવાલ સૌને મૂંઝવતો હશે. આ અંગે ત્રીસ વર્ષોથી હજારો કેસીસ સોલ્વ કરી ચૂકેલા સાયક્યિાટ્રિસ્ટ હરીશ શેટ્ટી જણાવે છે, ‘બોલિવૂડ પાસેથી સામાન્ય લોકોએ શીખવું જોઇએ કે શાંતિપૂર્વક ડિવોર્સ કઇ રીતે લઇ શકાય? કેટલો ફરક પડે છે એ સામાન્ય માણસને ખબર નથી, પણ જે કંઇ બને છે તેની બાળકો પર અસર ન પડે તેનું તેઓ સારી રીતે ધ્યાન રાખે છે. તેઓ શાંતિપૂર્વક એકબીજાંને અપમાનિત કર્યા વિના અને સંતાનોનું પૂરતું ધ્યાન રાખીને ડિવોર્સ લે છે.’ તેઓ કેવા મેન્ટલ ઝોનમાં હોય છે, જ્યારે જીવનનો આવો મોટો ફેંસલો લે છે? તેના જવાબમાં ડો. હરીશ જણાવે છે, ‘વાતચીત દ્વારા તેઓ ડીલ કરે છે. આમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પોઇન્ટ સમજીએ. પહેલો, એકબીજાંને જો તકલીફ આપી તો હાનિ બંનેને પહોંચવાની છે. બીજો, શાંતિથી બધી બાબતો પર ચર્ચા અને ત્રીજો, પોતાના સંતાનો પર તેની અસર ન થાય તેનું તેઓ ધ્યાન રાખે છે.’ અભિનેતા રઝા મુરાદ પોતાના વિચાર જણાવે છે, ‘સામાન્ય માણસ ડિવોર્સ લે છે ત્યારે વધારે લોકોને ખબર નથી પડતી, કેમ કે તેઓ સામાન્ય માણસ છે. લોકોને એમનામાં ખાસ રસ હોતો નથી. માત્ર એમના સંબંધીઓ અને આસપડોશમાં ખબર હોય છે. જ્યારે સ્ટાર્સ શો બિઝનેસમાં હોવાથી ફિલ્મોની સાથોસાથ અંગત જીવનમાં પણ લોકોને રસ હોય છે. એવામાં સ્ટાર્સના ડિવોર્સના સમાચાર લોકો વચ્ચે ઝડપથી પ્રસરે છે. ઘણી વાર તો બે સારી વ્યક્તિઓ એક જ છત નીચે રહેતાં હોય અને તેમના વિચારો સમાન ન હોય, ક્યારેક ઇગો ક્લેશ થતો હોય છે. નવાબ પટૌડી, અમિતાભ બચ્ચન વગેરેનું લગ્નજીવન સફળ રહ્યું. એકાદ-બે ઘટનાઓ તો દરેકના જીવનમાં બને છે. ડિવોર્સ પછી જિંદગી પૂર્ણ નથી થઇ જતી, બલ્કે જિંદગીનો એક તબક્કો પૂરો થાય છે, જેનાથી લોકો આગળ વધે છે. જીવનનો અનુભવ સારો ન હોય તો જે-તે વ્યક્તિ પર આધાર રાખે છે.’ કેટલાક લોકોનું માનવું છે કે સ્ટાર્સમાં જ ડિવોર્સના કિસ્સા વધારે બને છે. વિલનનું પાત્ર અથવા કેરેક્ટર આર્ટિસ્ટમાં ડિવોર્સનું પ્રમાણ એટલું જોવા નથી મળતું. ડો. શેટ્ટી કહે છે, ‘એવું નથી. સામાન્ય લોકોમાં ડિવોર્સ થાય છે. ડિવોર્સ લેવામાં કોઇ પ્રકારની શાન વધતી નથી કે આ કોઇ શરમજનક બાબત નથી. જે સમજદાર હોય છે, તેઓ એકબીજાંને વધારે નુકસાન પહોંચાડ્યા વિના ડિવોર્સ લઇ લે છે. એવું નથી કે ઇન્ડસ્ટ્રીના લોકો જ ડિવોર્સ લે છે. સંબંધમાં પ્રેમ ઘટતો જાય અથવા અન્ય કોઇ કારણ હોય એવામાં તેઓ ડિવોર્સ લેતાં અચકાતાં નથી. આથી જ આજકાલ મેરેજ કોર્ટમાં ડિવોર્સ મેળવનારાની સંખ્યા ખૂબ વધી ગઇ છે. પહેલાં લોકો મનોમન અકળાઇને પણ સાથે રહેતાં, હવે એવી રીતે નથી રહેતાં. બિલ ગેટ્સ અને જેફ બેજોસે પણ ડિવોર્સ લીધા, પણ ઇન્ડસ્ટ્રીના લોકોની વાત લોકોને વધારે ધ્યાનમાં રહે છે.’ રઝા મુરાદ જણાવે છે, ‘અમારામાં જેટલી ક્રૂરતા, ખરાબ ભાવના હોય તે કેમેરા સમક્ષ વ્યક્ત થઇ જતી હોવાથી કૌટુંબિક જીવન સારું ચાલે છે. એવું નથી કે અમારા જીવનમાં કંઇ નથી બનતું, પણ આ ઇન્ડસ્ટ્રીના હાઇ પ્રોફાઇલ લોકોના મોંમાંથી કંઇ પણ વાત નીકળી જાય ત્યારે એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એકબીજાં પ્રત્યે પ્રેમ હોય, ત્યારે એકબીજાંનો વિચાર કરશે. પ્રયત્ન એવો જ હોય છે કે સાથીદારને ઠેસ ન પહોંચે. મારાં લગ્નને ચાલીસ વર્ષ થયાં છે. અમે બંને એકબીજાંનું ધ્યાન રાખીએ છીએ જેમાં પ્રેમ પણ સામેલ છે.’ અંતે ડો. હરીશ શેટ્ટી જણાવે છે, ‘હું તો ડિવોર્સની બાબતને ખૂબ હેન્ડલ કરું છું. મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તરીકે અમારું કામ એ છે કે દંપતીના મગજમાંથી ખોટી વાતને દૂર કરવી જેથી તેઓ યોગ્ય પગલું ભરે. ભલે એ સાથે રહેવાની વાત હોય કે એકબીજાંને છોડવાની વાત હોય. બંને સંજોગોમાં શાંતિપૂર્વક યોગ્ય માર્ગ અપનાવવામાં આવે તો દંપતી અને સંતાનોને મુશ્કેલી ઓછી પડે છે. ડિવોર્સ લેવા એ પાપ કે શરમજનક નથી, પણ હા, એમાં શાનની પણ કોઇ વાત નથી.’ એકંદરે તારણ એ છે કે પ્રખ્યાત હોવાથી સ્ટાર્સના મુદ્દાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. સ્ટાર્સને પણ પ્રેમ થાય છે, લાગણી હોય છે, ગુસ્સો આવે છે, ઇર્ષા થાય છે. એ લોકો પણ સામાન્ય માણસ જ છે. સમય આવ્યે દરેક ઘા રુઝાઇ જતો હોય છે. ⬛

અન્ય સમાચારો પણ છે...