તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:પ્રાર્થનાની કોઈ ભાષા હોતી નથી

વીનેશ અંતાણી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક પ્રાર્થનામાં ઊર્જા રહેલી છે. પ્રાર્થના કરવાથી એ ઊર્જા આપણામાં વહેવા લાગે છે. સાચા દિલથી, શુદ્ધ આશયથી, કરવામાં આવેલી પ્રાર્થનાથી આપણામાં ચોક્કસ પ્રકારનો ભાવ વહેવા લાગે છે અને આપણી વૈચારિક, ભાવનાત્મક શુદ્ધિ થાય છે. વ્યક્તિની જીવન જીવવાની શૈલી પણ એમાં મોટો ભાગ ભજવે છે

જા ણીતો પ્રસંગ છે : એક નાની છોકરી રોજ સવારે મંદિરમાં આવતી. આંખો બંધ કરી, બે હાથ જોડી, થોડી વાર મનમાં કશુંક બોલતી. પછી આંખ ખોલી, નીચે વળી, ભગવાન સામે સ્મિત કરતી અને બહાર દોડી જતી. મંદિરના પૂજારી એ જોતા અને વિચારતા કે આટલી નાની છોકરી અહીં આવીને શું કરે છે? એને ધર્મના ગૂઢ અર્થની ખબર નહીં હોય, કોઈ પ્રાર્થના પણ આવડતી નહીં હોય. તો પછી એ બોલે શું છે? શાસ્ત્રોના મહાપંડિત પૂજારીની જિજ્ઞાસા વધતી જતી હતી. છોકરીની સાથે કોઈ આવતું હોત તો એને પૂછી લેત, પરંતુ એ એકલી આવતી અને એકલી પાછી જતી. એક દિવસ પૂજારીએ છોકરીને જ પૂછવાનું નક્કી કર્યું. એ મંદિરના ખૂણામાં ઊભા રહ્યા. છોકરી આવી, રોજની જેમ આંખ બંધ કરી, બે હાથ જોડી, હોઠ ફફડાવી કશુંક બોલી અને જવા લાગી. પૂજારીએ એનાં માથે હાથ મૂક્યો અને પૂછ્યું કે, એ છેલ્લા પંદર દિવસથી રોજ અહીં આવીને શું કરે છે? છોકરીએ જવાબ આપ્યો : ‘પ્રાર્થના કરું છું.’ પૂજારીએ પૂછ્યું કે, એને કઈ-કઈ પ્રાર્થના આવડે છે? છોકરીએ કહ્યું કે, એને એકેય પ્રાર્થના આવડતી નથી. ‘તો પછી તું શું બોલે છે?’ છોકરીએ કહ્યું : ‘હું રોજ આખી બારાખડી પાંચ વાર બોલી જાઉં છું, પછી ભગવાનને કહું છું કે મને આપની કોઈ પ્રાર્થના આવડતી નથી, બારાખડી બોલતાં આવડે છે. આપની કોઈ પણ પ્રાર્થનામાં આ બારાખડીમાંથી જ શબ્દો આવતા હશે. આપ એમાંથી તમને ગમે એવી પ્રાર્થના ગોઠવી લેજો.’ પૂજારી મૂંગા થઈ ગયા અને છોકરીને જોતા રહ્યા. નાની છોકરીને જે સમજાયું એ મોટા ભાગના લોકોને સમજાતું નથી. પ્રાર્થનાને કોઈ પણ ધાર્મિક વિધિ સાથે સંબંધ નથી. એમાં કયા શબ્દો, કયાં વાક્યો બોલાય છે, કઈ ભાષામાં બોલાય છે એનું પણ મહત્ત્વ હોતું નથી. પ્રાર્થનામાં હૃદયના ભાવો અગત્યના છે, કશુંય બોલ્યા વિના પણ પ્રાર્થના કરી શકાય. ખલિલ જિબ્રાને કહ્યું છે : ‘પ્રાર્થના સીધું હૃદયમાંથી પ્રગટતું ગીત છે.’ પ્રાર્થના કોઈ અજ્ઞાત પરમ તત્ત્વ સાથે કરવામાં આવતું સીધું જોડાણ છે, જેમાં કોઈ ભક્ત નથી હોતું કે લોકોએ આપેલા નામોવાળો ઇશ્વર નથી હોતો. એ એક એવો પુલ છે, જે આપણને આપણી ઉચ્ચતમ ચેતના સાથે જોડે છે. દરેક પ્રાર્થનામાં ઊર્જા રહેલી છે. પ્રાર્થના કરવાથી એ ઊર્જા આપણામાં વહેવા લાગે છે. સાચા દિલથી, શુદ્ધ આશયથી, કરવામાં આવેલી પ્રાર્થનાથી આપણામાં ચોક્કસ પ્રકારનો ભાવ વહેવા લાગે છે અને આપણી વૈચારિક, ભાવનાત્મક શુદ્ધિ થાય છે. વ્યક્તિની જીવન જીવવાની શૈલી પણ એમાં મોટો ભાગ ભજવે છે. જેમ મલિન વાતાવરણમાં વસતા લોકોમાં આસપાસના લોકોનાં વાણી-વર્તનની અસર પડે છે, તેમ સુંદર, સ્વચ્છ, નિર્મળ, પવિત્ર વાતાવરણમાં રહેતા લોકો પર એની સકારાત્મક અસર થાય છે. એ જ રીતે પ્રાર્થનામાં રહેલો ભાવ પણ આપણા વિચારો, વર્તન અને જીવનશૈલી પર પ્રભાવ પાડે છે. પ્રાર્થના સૌથી સરળ બાબત છે. આપણે જ આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર એમાં ગૂંચવાડા ઊભા કર્યા છે. પ્રાર્થના કોઈ રુટિન નથી, બાહ્ય દેખાડો નથી, માત્ર લાભ મેળવી લેવાની ટેક્નિક નથી. એ આપણામાં રહેલી શ્રદ્ધાનો પડઘો છે. ઘણા લોકો મોટે પાયે પ્રાર્થનાની વિધિ કરે અને કરાવે છે, ચૂક્યા વિના દેવદર્શને જાય છે. એ સારું છે, પરંતુ એ સમયે એમના મનમાં રોજિંદા જીવનના પ્રશ્નોની ચિંતાની વણઝાર ચાલતી હોય છે અને ક્ષુલ્લક ઇચ્છાઓની પૂર્તિ માટેની સ્વાર્થવૃત્તિ રહેલી હોય છે. સાદામાં સાદી પ્રાર્થના આપણાથી મહાન, કોઈ ઉચ્ચતર તત્ત્વના આશીર્વાદ મેળવવા માટે હોય છે. પ્રાર્થના વ્યક્તિમાં પ્રબળ આત્મવિશ્વાસ જન્માવે છે, જાત પર શ્રદ્ધા જગાવે છે, ઊર્જાવાન બનાવે છે અને ચિંતાથી મુક્તિ અપાવે છે. કોઈએ કહ્યું છે કે પ્રાર્થના કરવાથી તમારો દરેક દિવસ અદ્્ભુત બની જશે. એક સ્ત્રીએ એનો અનુભવ જણાવ્યો, ‘હું રોજ સવારે ઊઠીને સૌથી પહેલો વિચાર કરું છું કે મારો આજનો દિવસ શુભ દિવસ હશે, મારી સાથે જે બનશે એ બધું જ મારા સારા માટે હશે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે એ પ્રાર્થના શરૂ કરી ત્યાર પછી મારો એક પણ દિવસ ખરાબ ગયો નથી, કારણ કે હું કોઈ પણ બાબતથી વિચલિત થતી નથી. મારા મગજે સારું અને ખરાબ બધું જ સ્વીકારી લેવાની આદત પાડી છે.’ વિચારકો કહે છે કે પ્રાર્થની શક્તિથી માણસની વધતી ઉંમરની પ્રક્રિયા પર પણ સવળી અસર થાય છે. પ્રાર્થનાથી મળતી ઊર્જા અને સકારાત્મકતા નબળાઈ અને બીમારીથી બચાવે છે. વધતી વયની સાથે મનમાં આવતા નિરાશજનક ભાવો, જીવનમાં નિરસતા, એકલવાયાપણા સામે રક્ષણ મળે છે. પ્રાર્થના તાજગી આપે છે અને થાક દૂર કરે છે. આપણા અંત:કરણમાંથી સાહજિક રીતે પ્રગટતી પ્રાર્થના નવું માનસિક તેજ બક્ષે છે. પ્રાર્થના કરતી વખતે આપણા મનમાં કોઈ મહાન શક્તિ સામે ઊભા હોઈએ એવી કલ્પના કરવી જોઈએ, પછી ભલેને તમે એને ઈશ્વર માનતા ન હો. કોઈ મહાન શક્તિનો સ્વીકાર કરવાથી આપણામાં એ શક્તિની ઊર્જા પ્રવાહિત થવા લાગે છે. ભરોસો બેસે છે કે આપણે એકલા નથી, કોઈ તત્ત્વ છે, જે આપણને સાચા માર્ગે દોરી જશે. દરેક નાની નાની બાબતમાં ચિંતા કરવાની આદત ધરાવતા એક ભાઈને કોઈ શાણા માણસે સલાહ આપી કે તમને કશાકની ચિંતા થાય ત્યારે તમે એને દૂર કરવા સાચા મનથી પ્રાર્થના કરો, તમને ચમત્કારની જેમ રાહત મળશે અને ચિંતાનું કારણ રહેશે નહીં. પ્રાર્થના આપણને અંદરથી બળ આપે છે. સાચા દિલથી કરવામાં આવેલી સાદી પ્રાર્થના પણ ક્યાંક તો પહોંચે જ છે, આપણને સકારાત્મક વિચારો આવે છે, એક જાતનું પ્રકાશિત વર્તુળ રચાય છે. સકારાત્મક વિચારસરણીના પ્રણેતા નોર્મન વિન્સેટ પીલે સરસ વાત કહી છે. ‘સાદા અને સહેલા શબ્દોમાં પ્રાર્થના કરો. પ્રાર્થના માટે તમારે ચીલાચાલુ પ્રકારના ધાર્મિક શબ્દોનો પ્રયોગ કરવાની જરૂર નથી. તમારી જ ભાષામાં ઈશ્વર સાથે વાત કરો. ઈશ્વરને એ ભાષા આવડે છે.’ પેલી બાળકીને વિશ્વાસ હતો તેમ માત્ર બારાખડી બોલીને પણ પ્રાર્થના કરી શકાય. ઈશ્વર પોતે એ મૂળાક્ષરોને ગોઠવી પ્રાર્થનાનો મર્મ પામી જશે.⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...