અસાંજો કચ્છ:ગુજરાતમાં અધધધ 650 હડપ્પન સાઇટ છે પણ...

કીર્તિ ખત્રીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળાવીરા ‘વર્લ્ડ હેરિટેજ’ જાહેર થવાની ઘડીઅો ગણાઇ રહી છે, ત્યારે તેના ઉત્ખનનના ઇતિહાસ પર નજર કરીઅે તો ખિન્ન થઇ જવાય અેવું ચિત્ર ઊપસે છે. 1960માં હડપ્પા સંસ્કૃતિનું નગર અહીં મોજૂદ હોવાની પ્રાથમિક માહિતી બહાર અાવી. ’89થી ઉત્ખનન શરૂ થયું અને 2005માં બંધ થયું. 16 વર્ષના ઉત્ખનન પછીયે નગરનો માત્ર 5-7 ટકા ભાગ છતો થયો છે. કહેવાનો સાર એ કે ઉત્ખનન કાર્ય સાવ અધકચરું થયું છે અને અેનો ભારોભાર રંજ કચ્છ તેમ જ અેના કર્ણધાર રવીન્દ્રસિંહ બિસ્ત અને ઉપકર્ણધાર યદુવીરસિંહ રાવતજીને છે. ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી અત્યાર સુધી સિંધુ ખીણ સભ્યતાની નાની-મોટી 650 સાઇટની પહેચાન થઇ ચૂકી છે. ઉત્ખનન કાર્ય માંડ 50 સ્થળે થઇ શક્યું છે અને અેય અધકચરું છે. કચ્છનો જ દાખલો લઇઅે તો, ધોળાવીરા સિવાયની વસાહતોમાં નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) અને ખીરસરા (નેત્રા), ભુજ તાલુકામાં કાળાડુંગરની ગોદમાં કુરન ઉપરાંત રાપર તાલુકામાં કાનમેર, શિકારપુર અને પાબુમઠનો સમાવેશ થાય છે. જાણીતા કચ્છી સાહિત્યકાર પદ્મશ્રી નારાયણ જોશી ‘કારાયલ’ને ખીરસરા નજીક છેક ’78માં હડપ્પાકાલીન સીલ મળી અાવ્યા હતા, જે તેમણે કચ્છ મ્યુઝિયમને ભેટ અાપ્યા હતા. પણ, અા સાઇટ પર ઉત્ખનન 2010માં શરૂ થયું અને બંધે થઇ ગયું. અેવું જ માંડવી સ્થિત ડો. પુલીન વસાના સંશોધનનું છે. તેમણે રાયણ નજીક હજારો વર્ષ પહેલાંના નગરના અવશેષ શોધી કાઢ્યા અને પુસ્તક લખ્યું. છતાં સરકારી રાહે કંઇ થયું નથી. ડો. બિસ્ત અને કચ્છના પુરાતત્ત્વપ્રેમીઅોને અા જ વાત કઠે છે. ઉત્ખનન અને સંશોધનના અધકચરા પ્રયાસ થાય છે તેને બદલે વ્યવસ્થિત પ્રોજેક્ટ અંત સુધી પૂરા કેમ ન કરાય? અરે! ધોળાવીરા મહાનગર વિશ્વવિખ્યાત થયા પછીયે કેટલું કામ બાકી છે. ડો. બિસ્તના મતે કચ્છમાં 60 જેટલી બીજી વસાહતોની અોળખ થઇ ચૂકી છે. કચ્છના ભૂસ્તર વિજ્ઞાની ડો. મહેશ ઠક્કર અા અાંક 110 જેટલો હોવાનું જણાવે છે. બંને તજજ્ઞોની માહિતીનો સાર કાઢીઅે તો, હડપ્પીય કાળનું બીજું કચ્છ હાલના કચ્છની ધરતીમાં ધરબાયેલું છે.આ સાઇટો પ્રકાશમાં અાણી શકાય તો કચ્છનો પ્રવાસન ઉદ્યોગ ક્યાં પહોંચે અે કલ્પી શકાય તેમ છે. અેક ખૂણે ધોળાવીરા અને બીજા ખૂણે કુરન પણ વિકસિત થાય અને અેની સાથે માળખાકીય સગવડો ઊભી થાય તો ચમત્કારિક પરિણામ અાવે. યદુવીરસિંહ રાવતે 2015માં ભારતના અગ્રગણ્ય પુરાતત્વશાસ્ત્રીઅોની ખાસ બેઠકમાં ગુજરાતને સ્પર્શતી ત્રણ રજૂઅાત કરી હતી, જેમાંની અેક ધોળાવીરાનું ઉત્ખનન પુન: શરૂ કરવાની હતી. તેઅો કહે છે કે માત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થવાથી કામ પૂરું થવાનું નથી. અા સાઇટનું 90 ટકા ઉત્ખનન તો હજુ બાકી છે. તેથી શક્ય અેટલી વહેલી તકે ધોળાવીરાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરીને જુદા જુદા વિષયોના નિષ્ણાતોની ટીમ સાથે ઉત્ખનન શરૂ થાય અે જરૂરી છે. હરિયાણામાં હડપ્પન સાઇટ કદમાં ભલે મોટી હોય પણ પથ્થરના બાંધકામ સહિતના કેટલાક લક્ષણ બીજે ક્યાંયે નથી. વળી, ભારતની બીજી સાઇટો માટીની છે, જ્યારે કચ્છની પથ્થરની હોવાથી વધુ સુરક્ષિત છે. તેથી અગ્રતાક્રમ અેનો જ હોવો જોઇઅે. ઇજિપ્તમાં મમી અને અન્ય સંશોધનો 200 વર્ષથી સતત ચાલુ છે. તો ધોળાવીરામાં શા માટે ફરી શરૂ ન થાય? અાવું થાય તો પ્રવાસનનેય વેગ મળશે. રાવતે બીજી રજૂઅાત ગુજરાતના હડપ્પન તેમ જ અે પછીના અૈતિહાસિક યુગ-સમયના બંદરોના સમગ્રતયા સંશોધનની કરી હતી. તેમના મતે ધોળાવીરા અને લોથલ મુખ્ય બંદર હતા. જ્યારે શરૂઅાતમાં કચ્છના અખાતના સાૈરાષ્ટ્ર સહિતના અને ખંભાતના અખાતના નાના-નાના બંદર તેના પેટા કેન્દ્ર હતા. પાછળથી છેક દક્ષિણ ગુજરાતના સુરત સુધી તેનું વિસ્તરણ થયું હતું. તેમની ત્રીજી રજૂઅાત તેરસો-ચાૈદસો વર્ષ પહેલાં સાૈરાષ્ટ્રના વલ્લભીમાં નાલંદાને સમકક્ષ બુદ્ધના સમયનું વિશ્વવિદ્યાલય હતું તેના સંશોધનની હતી. છેલ્લે વાત પુરાતત્ત્વીય સ્થળના સર્વાંગી વિકાસની. અેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે સંકલિત કામગીરી અનિવાર્ય છે. ધોળાવીરા સાઇટના વિકાસની જવાબદારી કેન્દ્રના ખાતાની છે, જ્યારે માળખાકીય સુવિધાની અેટલે કે પાણી, વીજળી, રસ્તાનું કામ ગુજરાત સરકારનું છે. ત્રણેય ક્ષેત્રે વર્ષો પછીયે કામ રગશિયા ગાડાંની જેમ ચાલે છે. નર્મદાનું પાણી પૂર્વ કચ્છમાં પહોંચ્યા પછીયે ખડીર અેની રાહ જુઅે છે. રસ્તા બંધાયા છે તે ફરી બિસ્માર થઇ ગયા છે. અેકલ-બાંભણકા રોડનું ઠેકાણું નથી અને ઘડુલી-સાંતલપુર રોડનું કામ 400 મીટર જેટલું બાકી છે, ક્યારે પૂરું થશે? ગુજરાત સરકારે ખડીરમાં મોટું મ્યુઝિયમ સ્થાપવા કેન્દ્ર સરકારને 10 અેકર જમીન અાપી છે. ગુજરાત અને કેન્દ્ર બંનેમાં ભાજપની સરકાર છે છતાં અત્યાર સુધી સુસંકલિત કામગીરી થઇ શકી નથી. જો ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ જાહેર થયા પછીયે માળખાકીય સગવડો ઊભી નહીં થાય અને વિશ્વ પ્રવાસીઅો ખડીર અાવતાં થશે તો ગુજરાત-ભારતની લાજ જશે, ધ્યાન રાખવા જેવું છે. ⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...