વિચારોના વૃંદાવનમાં:આજના વિશ્વની ‘ઘાયલ ભૂમિ’ બાંગ્લાદેશ જે પાકિસ્તાન બચ્યું તે તો હવે ‘બાકીસ્તાન’ !

ગુણવંત શાહ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશમાં પૂરો દોઢ મહિનો રહેવાનો લાભ મને 1985ના પ્રારંભે પ્રાપ્ત થયો હતો. બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો તે પહેલાં એ દેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો. પશ્ચિમ પાકિસ્તાનથી મુક્ત થવા માટે પૂર્વ પાકિસ્તાનની સંસ્કારી પ્રજાએ જે કિંમત ચૂકવવી પડી અને જે ખુવારી વેઠવી પડી તેની કલ્પના સભ્ય મનુષ્યને થથરાવી મૂકે તેવી છે. વર્ષ 1971 માં એ દેશ આઝાદ થયો, પરંતુ મારું ત્યાં રહેવાનું થયું ત્યારે પણ ઘા રુઝાયા ન હતા. ગરીબી કારમી હતી, તેથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખાનગી વાતચીતમાં બાંગ્લાદેશને ‘begging bowl’ (ભીખ માગવા માટેનું હાંડલું) જેવા શબ્દોથી ભાંડતા. ગરીબીનો પાર ન હતો, પરંતુ રવીન્દ્રસંગીત અત્યંત લોકપ્રિય હતું. ઢાકા યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પર ‘ઢાકા વિશ્વવિદ્યાલય’ જેવા બે શબ્દો વાંચવા મળતા હતા. ‘રીપોર્ટ’ માટે અખબારોમાં ‘પ્રતિવેદન’ શબ્દ પ્રચલિત હતો. રાષ્ટ્રગીત ગુરુદેવ ટાગોર દ્વારા લખાયું હતું. આવા નાગરિકો પ્રત્યે પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોને ભારે ચીઢ હતી. તા. 31 ઓક્ટોબર, 1984ને દિવસે સવારે મને સુરતમાં એક લાંબો તાર મળ્યો. ઉચ્ચકક્ષાના એક આંતરરાષ્ટ્રીય કમિશનમાં મારી નિમણૂક થઇ હતી. મારે તાબડતોબ ઢાકા પહોંચવાનું હતું. આ કમિશન એશિયન ડેવલપમેંટ બેંક (ADB) દ્વારા બાંગ્લાદેશના શિક્ષણ માટે બે મિલિયન ડોલરની ગ્રાંટ આપવી કે નહીં તે અંગેનો નિર્ણય કરવા માટે નિમાયું હતું. પાસપોર્ટ તૈયાર હતો, પણ વિઝાનું શું? આખો દેશ સ્તબ્ધ હતો અને બાંગ્લાદેશ હાઈકમિશન કોલકાતામાં હતું. સમય ઓછો હતો અને વિઝા મળે તે લગભગ અશક્ય હતું. એર ટિકિટ મુંબઈમાં આવેલી કૂક્સ ટ્રાવેલ કંપનીમાં તૈયાર હતી. લાંબો વિચાર કરવાનો સમય ન હતો. આર્થિક શરતો પ્રમાણે હું ઢાકા પહોંચવામાં એક દિવસ મોડો પડું તો રૂપિયા દસ હજાર દરરોજ ગુમાવવા પડે તે વાત સ્પષ્ટ હતી. કુલપતિ ડૉ. ઉપેન્દ્ર બક્ષીને મળ્યો. દ. ગુ. યુનિવર્સિટી, સુરત તરફથી કોઈ અંતરાય ન નડે, તેવી મૌખિક ખાતરી સાથે મુંબઈ પહોંચ્યો. કૂક્સ ટ્રાવેલ કંપનીમાં ગયો. અધિકારીએ અત્યંત વિનય સાથે કહ્યું: ‘અમે બાંગ્લાદેશના વિઝા વિના ટિકિટ ન આપી શકીએ’. વાત સાવ સાચી, પણ એશિયન ડેવલપમેંટ બેંકનો પત્ર વાંચીને અધિકારીએ કહ્યું: ‘સર! તમારે અમને લેખિત ખાતરી આપવી પડે કે ઢાકા પહોંચો પછી જો તમને ત્યાંની સરકાર ડીપોર્ટ કરે, તો તેની જવાબદારી તમારી રહેશે’. મેં નોંધ લખી આપી. ટિકિટ મળી ગઈ. હું ટિકિટ લઈને ચર્ચગેટ પાસે આવેલી કંપની ‘બાંગ્લાદેશ બિમાન’ના અધિકારીને મળ્યો. ADB નો પત્ર વાંચીને એણે ભારે નમ્રતા બતાવી. એક ક્ષણના વિલંબ વિના એણે ઢાકાના એરપોર્ટના અધિકારીને મારી હાજરીમાં Fax કર્યો. મને Fax કેટલો ઝડપી હોય તેની પણ ખબર ન હતી. હું ઢાકા પહોંચી ગયો અને ઇમિગ્રેશનની લાઈનમાં જોડાઈ ગયો. જેમ જેમ કાઉન્ટર નજીક આવતું ગયું, તેમ તેમ મારા ધબકારા વધતા ગયા. સસ્પેન્સ અતિ જોખમી હતો. ડીપોર્ટ થવાનો ભય રોકડો હતો. એ ક્ષણે એક અજાણ્યો માણસ મારી નજીક આવીને બોલ્યો: ‘આર યૂ ડૉ. ગુણવંત શાહ?’ એ મને અંદર લઇ ગયો. ઢાકાની પંચતારક હોટેલે એક નાના ઓરડાના પ્રવેશદ્વાર પર શબ્દો લખાવ્યા હતા: ‘હોટેલ સોનારગાંવ તરફથી ડૉ. ગુણવંત શાહનું સ્વાગત છે’. મારી દશા તો નરકમાં જઈને એકાએક સ્વર્ગમાં પહોંચેલા યુધિષ્ઠિર જેવી હતી ! ઇન્દિરાજીએ બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં આપેલો ફાળો ત્યાંની પ્રજા ભૂલી ન હતી. આખું ઢાકા શોકમગ્ન હતું. હોટેલની કારમાં બેસીને જ્યારે ભવ્ય હોટેલના રૂમ નંબર 330માં ગોઠવાયો ત્યારે ટીવી પર રાજીવ ગાંધી માતાની ચિતાની પ્રદક્ષિણા કરી રહ્યા હતા. બીજે જ દિવસથી કમિશનનું કામ શરૂ થઇ ગયું. કમિશનના બીજા સભ્ય બ્રિટનના પ્રૉ. ક્રિસ્ટોફર કમિંગ હતા. સ્ટેનોગ્રાફરો અમારી સેવામાં હાજર હતા. દોઢ મહિનો એક જ હોટેલમાં રહ્યા, તે દરમિયાન અમે સારા મિત્રો બની ગયા. એક મજેની ઘટના બની. ઢાકાની બી. એડ. કોલેજના આચાર્ય સાથે મીઠો સબંધ બંધાઈ ગયો. એમણે (ઘણુંખરું મુનશીજીએ) મને અને ડૉ. શર્માને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું. મને વારંવાર ખાતરી આપી કે વાનગી શુદ્ધ શાકાહારી જ હશે. ના કહેવાનું મુશ્કેલ હતું. એમને ઘરે ગયા અને વેજીટેબલ પુલાવ ખાતી વખતે આચાર્ય મુનશીજીએ મને પ્રશ્ન પૂછ્યો: ‘શાહસાહબ! દુનિયામેં સબસે બેરહમ, જંગલી, બેખુદા ઔર બેઈમાન કૉમ આપ કિસે માનતે હો?’ હું શું જવાબ આપું? પછી એમણે કહ્યું: ‘વેસ્ટ પાકિસ્તાનમેં જો પંજાબી મુસલમાન રહતે હૈં, ઐસી બદમાશ કૉમ દુનિયા મેં કહીં નહીં મિલેગી |’ પોતાની વાતના સમર્થનમાં એમણે એક કિસ્સો કહ્યો: ‘બાંગ્લાદેશ આઝાદ હુઆ ઉસકે પહલે જબ કત્લેઆમ હુઈ તબ ક્યા હુઆ? મેરી કોલેજ ચાર દિનકે લિયે બંદ રહી | કરફયૂ લગ ગયા થા ઔર ઢાકા સ્મશાન સા બન ગયા થા | ચાર દિન બાદ મેં જબ કોલેજ પહૂંચા તબ મૈને ક્યા દેખા? એક ક્લાસ કા દરવાજા ખોલા તબ મૈંને દેખા કિ મેરી સ્ટુડન્ટ્સ લડકિયાં નંગી પડી થી ઔર સબકે પૈર લોખંડી ચેઇનસે બંધે હુએ થे| પાકિસ્તાની ફૌજ કે સૈનિકોને ઘંટો તક ઉન લડકિયોં કે સાથ રેપ કિયા થા | મૈં તો રો પડા | ઐસા કભી દેખા નહીં થા | ઉન સબ પંજાબી સોલ્જરોને ઐસા બેખુદા કામ કિયા થા |’ આ વાત મેં આપણાં અખબારોમાં વાંચી હતી, પરંતુ મુનશીજીએ જે ‘આંખો દેખા હાલ’ સંભળાવ્યો તે સાંભળીને હું લગભગ રડી પડ્યો. પાકિસ્તાને પોતાના જ ધર્મની પ્રજા સાથે જે નિધૃણ વ્યવહાર કર્યો તેનો ખ્યાલ અન્ય દેશોને આવે ખરો? પાકિસ્તાન એક અભિશાપિત દેશ છે અને બાંગ્લાદેશ એક ‘ઘાયલ ભૂમિ’ છે. મારી બધી જ સંવેદના એકઠી કરીને હું એક દિવસ મિત્ર ક્રિસ્ટોફર કમિંગ સાથે સાઇકલ રિક્ષામાં બંગબંધુ શેખ મુજિબના નિવાસે પહોંચી ગયો. પ્રોટોકોલનો ભંગ કરીને અમે આવું સાહસ કર્યું. ત્યાં બંગબંધુની બેટી હસીનાએ અમને આખું મકાન બતાવ્યું. દાદરના જે પગથિયે બંગબંધુ ઢળી પડ્યા હતા ત્યારે જે લોહી વહ્યું તે પણ નજરે જોયું. એ દિવસોમાં બાંગ્લાદેશ પર સરમુખત્યાર ઈર્શાદનું શાસન હતું. પાઠ્યપુસ્તકોમાંથી બંગબંધુ અંગેની બધી વિગતો દૂર કરવામાં આવી હતી એવું મને શેખ હસીનાએ જ કહ્યું હતું. ત્યાં આવેલા રામકૃષ્ણ મિશનની મુલાકાત પણ મેં લીધી હતી. વડાપ્રધાન મોરારજીભાઈ પણ એ મિશનમાં જઈ આવ્યા હતા. જનરલ ઈર્શાદ પણ મિશનની પ્રવૃત્તિથી પ્રસન્ન હતા એવું મને મિશનના વડા સ્વામી અક્ષરાનંદજીએ જણાવ્યું હતું. મિશન એક હાઈસ્કૂલ ચલાવે છે, જેમાં 80 ટકા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મુસલમાન છે. બાંગ્લાદેશમાં પણ ગંગા વહે છે, પરંતુ એનું નામ મેઘના છે. તીર્થયાત્રાની ભાવના સાથે મારે નોઆખલી જઈને રામપુર ગામે જવું હતું, જ્યાં ગાંધીજી એક રાત રોકાયા હતા. આજે પણ હું ઘાયલ ભૂમિ બાંગ્લાદેશના પ્રેમમાં છું. ⬛ }}} પાઘડીનો વળ છેડે બાંગ્લાદેશ આઝાદ થયો તે પહેલાં ભારતીય જનસંઘ તરફથી દિલ્હીની બોટ ક્લબના મેદાનમાં એક રેલીનું આયોજન થયું હતું. શ્રોતાઓને સંબોધન કરનારા અટલ બિહારી વાજપેયીજીના શબ્દો હતા: ‘આજ કી ઇસ મહારેલીમેં જનસાગર ઉમડ પડા હૈ | હમારી એક હી માગ હૈ | ભારત સરકાર બાંગ્લાદેશ કી ઇસ લડાઈ મેં હર સંભવ સહાયતા કરે| મોહંમદ અલી ઝીણા કી ‘દ્વિરાષ્ટ્ર થિયરી’ કે અંત કા આરંભ ઇસ લડાઈ બન જાયેગી| અબ જો વેસ્ટ પાકિસ્તાન બચા હૈ, વો ‘બાકીસ્તાન’ બન કે રહ જાયેગા | મુઝે આશા હૈ કિ પ્રધાનમંત્રી ઈન્દિરાજી જરૂર કોઈ ઠોસ કદમ ઉઠાયેગી | (તા. 12 ઓગસ્ટ, 1971) નોંધ: પોલિટિકલ સાયન્સના પ્રાધ્યાપક શ્રી હર્ષદ ત્રિવેદીએ મને પાઠવેલા પત્રને આધારે આ વિગત લખી છે. હર્ષદભાઈએ જનસંઘનો જમાનો પણ જોયો છે. ઉમેદવારો ચૂંટણી લડે ત્યારે ડિપોઝિટ ગુમાવતા. જનસંઘના ટેકેદારો અને ઉમેદવારોની એ નિષ્ઠા હવે ભાજપમાં ઘટતી જાય છે. કશુંક ગુમાવવાનો હરખ હવે માંડ બચ્યો છે. એમ લાગે છે કે સત્તા ભોગવ્યા પછી કોંગ્રેસને પડવામાં જેટલી વાર લાગી તેટલી વાર ભાજપને નહીં લાગે. Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...