રાગ બિન્દાસ:વાંકદેખાઓનું વિશ્વ : જગત, વિરાટ કમ્પ્લેન-બોક્સ!

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ વોટ અને ચોટ લાગે ત્યારે જ સમજાય! (છેલવાણી) અરીસાની શોધ કદાચ જાતને જોઇને થપ્પડ મારવા માટે થઇ હશે. મોટા ભાગના લોકો માટે જાતથી લઇને જગત સુધી કમ્પ્લેન જ ક્મ્પ્લેન! આજકાલ લગ્નગાળામાં એવા લોકો પણ જોવા મળે છે જેઓ 201નો ચાંદલો આપીને, એમાં ઘરના પાંચ જણ જમીને, ‘વરિયાળી કાચી હતી’ – જેવી કમ્પ્લેન કરે જ કરે! ‘વહુનો મેકઅપ ખરાબ હતો’ કહીને પોતાની સેલ્ફી પાડે! ‘બાપ સરકારી ઓફિસર હોવા છતાં જમણવારમાં માત્ર 1200ની થાળી રાખી’ એવી ટિપ્પણી કરે! ક્મ્પ્લેન આપણો નેશનલ રોગ છે. અમારા એક સગા સરકાર વિરુદ્ધ, મ્યુનિસિપાલિટી વિરુદ્ધ, આખી જિંદગી ફરિયાદો-પત્રો લખતા રહ્યા. એક વાર બીમાર પડ્યા. ડોકટરોએ બહુ રિપોર્ટસ કઢાવ્યા, પણ બીમારીનું કારણ શોધી જ ન શક્યા. છેવટે ડોક્ટરે દિનચર્યા પૂછી ત્યારે દર્દીએ કહ્યું, ‘બીજું બધું તો સેઇમ છે, પણ ઘણા વખતથી આજકાલ કોઇની વિરુદ્ધ ફરિયાદ નથી કરી શક્યો!’ ડોક્ટરે કહ્યું, ‘તમે અમારી દવા-ટ્રીટમેન્ટ વિરુદ્ધ, હોસ્પિટલ વિશે… જે કંઇ સૂઝે એ લખો.’ પેલા ભાઇએ ફટાફટ ફરિયાદો લખી ને પછી તરત કહ્યું, ‘હાશ, હવે એકદમ સારું લાગે છે!’ - ને ડોક્ટરે મનમાં પોતાની પીઠ થાબડી. અમારા બીજા એક વૃદ્ધ કાકાના કાન નબળા પડી ગયેલા. એમને નીંભર નેતાઓની જેમ કામની વાત સંભળાતી જ નહીં. કાકાના પ્રાઇવેટ કંપનીવાળા એમની બહેરાશને લીધે એમને નોકરીએથી કાઢી મૂકશે એવું લાગતું હતું, પણ કંપનીવાળાઓએ બુદ્ધિ વાપરીને એમને ‘કમ્પ્લેન ડિપાર્ટમેન્ટ’માં મૂકી દીધા. ત્યાં ઘરાકો આવે, કાકાના બહેરા કાને ફરિયાદ કરે ને જતાં રહે. આમાં ને આમાં વર્ષો સુધી એમની નોકરી ટકી ગઇ! આ દેશમાં સરકારો અને સિસ્ટમ્સ પણ લગભગ આ જ સિદ્ધાંત પર ચાલે છે. વર્ષોથી પ્રજાઓ ફરિયાદ કરી-કરીને મરી જાય છે અને સરકારો બનતી રહે છે, બદલાતી રહે છે અને પોતાની કાલ્પનિક સિદ્ધિઓ પર સતત પોરસાતી રહે છે! ઇન્ટરવલ : જબ હમ જવાં હોંગે, તુઝે યાદ કરેંગે ફરિયાદ કરેંગે, (‘બેતાબ’-ફિલ્મ) આપણા દેશમાં અમુક લોકો જન્મથી જ ફરિયાદી હોય છે. સાહિત્યમાં લોકો વર્ષોથી ફરિયાદ કરતાં રહે છે કે અમર સાહિત્ય રચાતું નથી, ભાષા મરવા પડી છે, પણ આવું લખનારાં પોતે ક્યારનાંયે મરી ગયા હોય છે… કે પછી ફિલ્મો પહેલાં જેવી બનતી નથી કે પછી ઘણાંને તો જન્મ પહેલાંની ઘટનાઓ વિશે પણ ફરિયાદ હોય છે. અમુક ફરિયાદીઓને લાગે છે કે મા-બાપની ભૂલને કારણે એમણે ઘરતી પર અવતરવું પડ્યું. એમનાં મા-બાપ કોઇક બીજાં જ હોત.. જેમ કે, ટાટા-અંબાણી, તો આજે લાઇફ બેટર હોત! ઘણાં લોકો અચૂક કહેતાં હોય છે કે આ દેશમાં રહેવા જેવું નથી. ઓકે! તો સોમાલિયા જઇને ટ્રાય કરો! બીજું શું થાય? વસ્તીવધારાની જેમ છેક આઝાદી બાદથી આજની ગવર્ન્મેન્ટ સુધી ફરિયાદની યાદી લંબાતી જ જાય છે. શાસ્ત્રો કહે છે માણસની ઇચ્છાઓ અનંત છે, પણ ના, લોકોની ફરિયાદો પણ અનંત હોય છે. ઋષિકેશ મુખર્જીની એક ફિલ્મમાં ખીચોખીચ ભરેલી બસ રોડ પર રોકાયા વિના જતી રહે છે. ત્યારે બસસ્ટેન્ડ પરનો એક યાત્રી કહે છે, આ સરકાર લાંબી નહીં ચાલે! આવા લોકોને ઘઉંમાં કાંકરા વધુ આવે, તો પણ સરકારનો વાંક દેખાય છે! જાણે પી.એમ. કે સી.એમ. એમનાં ઘઉં વીણવાના હોય! જોકે સામાન્ય માણસ પાસે જો ફરિયાદ ન હોત, તો મોટા ભાગની પ્રાર્થના પણ ન હોત, પ્રાર્થના ન હોત તો કદાર ઇશ્વરની ડિમાન્ડ ન હોત. એમાંય ભારતમાં જન્મતો દરેક માણસ એક જીવતોજાગતો ફરિયાદી છે જેને દેશ સામે, સરકાર સામે, સમાજ સામે, કલાકારો સામે, પૈસાવાળા સામે, બુદ્ધિજીવીઓ સામે, ટૂંકમાં લગભગ બધાંને બધાં સામે સતત ફરિયાદો રહ્યા જ કરે છે. હવે જ્યારે 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે હંમેશ મુજબ પત્રકારો-સમીક્ષકોની ક્મ્પ્લેન દેખાય છે કે અપેક્ષા હતી એવું કંઇ સરકારે કરી બતાવ્યું નથી! આ વાત દરેક સરકાર ને દરેક ચૂંટણી વખતે આવે જ આવે! વળી, બીજું કંઇ ન મળે તો લોકો ફરીફરીને કહે છે કે, ‘હાય રે ભાવવધારો!’ ભૈ, એ તો હોય જ ને હશે! સહન કરો અથવા ન જમો. શાકભાજી કે અનાજના ભાવ વધુ થઇ ગયા, તો હવે આપણે શું કરી લઇશું? કે શું કરી શક્યા છીએ આજ સુધી? તો એમાં હવે કકળાટ કરીને શું? ચૂપચાપ જે મળે કે ન મળે એ જમી લો ને સૂઇ જાવ! એ જ તમારી નિયતિ છે! તમને લોકશાહીમાં મતનો અધિકાર મળ્યો છે એ ઓછો છે કે સવાલો પૂછો છો? ઇન શોર્ટ, જે રીતે આપણી પ્રજા, પીઠ પર ક્મ્પ્લેનના ચાબખા મારીને ખુશ છે. સરકારો, હંમેશાં પોતાની પીઠ પર થાબડીને હરખાયા કરે છે! આપણાંથી બીજું કૈં થઇ પણ શું શકે એમ છે? સો કેરી ઓન કમ્પ્લેનિંગ એન્ડ એન્જોય! એન્ડ ટાઇટલ્સ : ઇવ : એક ફરિયાદ કરું? આદમ : નવી છે?! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...